અભિપ્રાય


આજનો ફૂલછાબ દૈનિકમાં ‘નવરાશની પળ’ કોલમનો મારો લેખ.

આખે આખી વ્યક્તિને એક વ્યાખ્યામાં કેદ કરી દીધો

કિનારે ઊભા રહીને દરિયાને હથેળીમાં કેદ કરી દીધો..

નવા ઘરમાં રહેવા આવ્યાને થોડો સમય થયો ત્યાં જ  ઘરમાં કથા રાખવાની લજામણીની તીવ્ર ઇચ્છાને માન આપીને અભિનવે સંબંધીઓનું લિસ્ટ બનાવવા માંડ્યું. બહુ જ કાપકૂપ પછી પણ લિમિટેડ બજેટમાં માંડ અંગત ગણી શકાય એવા પચાસેક નામ જ પોસાય એમ હતાં. એમાં વળી લજામણી નવા ઘરના આજુબાજુના પાડોશીઓના નામ ઉમેરે રાખતી હતી એટલે અભિ થોડો અકળાયો.

‘લજ્જા..બસ કર હવે. પાણી માથાથી ઉપર જાય છે’

એવામાં બારણે ટહુકો પડ્યો,

‘લજામણીબેન..કંઇ કામ કાજ હોય તો કહેજો..અને લો આ ચા પાણી કરી લો.’

સામે જ બારણે રહેતા રીતુબેન ચા અને થોડા બિસ્કીટની  ટ્રે લઈને આવ્યાં.

લજામણી તો અહોભાવના ભાર નીચે દબાઇ જ ગઇ.

‘વાહ કેટલા સરસ પાડોશી મળ્યાં છે. નસીબદારને જ આવા પાડોશી મળે.’

અને રીતુબેન પણ આરામથી સામેની ખુરશીમાં ગોઠવાઈ ગયા. વાતવાતમાં એંમણે આજુબાજુવાળા પાડોશીઓની આખે આખી હિસ્ટ્રી કહી દીધી.

લજામણી પણ એમના આ ઉપકારના બોજ હેઠળ અભીભૂત થઈ ગઈ અને પાડોશીઓને કથામાં બોલાવાના લિસ્ટમાંથી  ધરાર ‘પીન્કીબેન’ નામ કાઢી નાંખ્યું.

‘સાવ જ એકલવાઈ, લોકોથી અતડી અતડી રહેતી આ સ્ત્રી ડીવોર્સી છે. એકના એક ૧૫ વર્ષીય દીકરાને હોસ્ટેલમાં મૂકી દીધો છે અને પોતે અહીંયા એક બેંકમાં નોકરી કરવાને બહાને….છી છી…ઠીક છે,ગામ હોય ત્યાં ગંદકી તો હોય જ…આપણે દૂર રહેવાનું’

લજામણી અને અભિનવે રંગેચંગે કથાનો પ્રસંગ પતાવ્યો અને ધીમે ધીમે નવા ઘરમાં સેટ થવા લાગ્યાં.

છેલ્લાં થોડા દિવસથી લજામણીને કમરમાં સખત દુઃખાવો થતો હતો. ડોકટરને બતાવતા ‘પથરી’નું નિદાન થયું. લજામણીથી આજે તો ઉભા પણ નહોતું થવાતું. એવામાં અભિનવને પણ ટાઇફોઈડની અસર થઇ ગઈ. હવે..

અમી અને પ્રકાશ તો બહુ જ નાના હતા. એમના સગા વ્હાલા પણ બીજા શહેરમાં.

એકાદ દિવસ તો જેમતેમ કરીને કાઢ્યો પણ  હવે તો લજામણીથી સાવ જ ઉભા નહોતું થવાતું. કેટલા દિવસ છોકરાઓને બહારનું ખાવાનું ખવડાવવું ?

રીતુબેન આવીને એકાદ વાર ‘કામ હોય તો કહેજો’ની ફોર્માલીટી નિભાવી ગયા હતા પણ  એમના વોઇસ ટોન પરથી એમને કંઇ કહેવાનું મન જ ક્યા થાય એમ હતું ?

‘શું કરું ..શું કરું’ ની વિચારધારામાં ઘરના બેલે ખલેલ પાડી. અમીએ દરવાજો ખોલતાં જ લજામણીની આંખો વિસ્મયથી પહોળી થઈ ગઈ. બારણે પીન્કીબેન ઉભેલા અને સાથે મેથીના થેપલા અને બટેટાના શાક અને પુલાવના ડબ્બા સાથે ચાનું થર્મોસ પણ હતું.

‘લજ્જાબેન..આ લો..ચાલો બધું ગરમ ગરમ  છે. તમે બધાંય જમી લો.’

પણ…પણ…લજામણીની આંખો અને મોઢું શરમથી ખુલી જ ના શક્યાં.

પછી તો લંચ અને ડીનર માટે નિયમીતતાથી પીન્કીબેનના ઘરેથી જ ટીફીન આવી જતું.  ૩-૪ દિવસમાં લજામણીની અન અભિનવ બેયની તબિયત સુધારા પર થતાં બેય જણ એક સરસ મજાની ગિફ્ટ પેક કરાવી આભારવિધીના ઇરાદાથી પીન્કીબેનના ઘરે બેસવા ગયા.

થોડી ફોર્મલ વાતચીત પછી પીન્કીબેનને લજામણી જોડે એક ‘કમ્ફર્ટ લેવલ’ સેટ થતું હોય એમ લાગતા આપો આપ જ દિલમાં ધરબી રાખેલો તક્લીફોનો સમુદ્ર ઉલેચાઇ ગયો.

પીન્કીબેન બેંકમાં બહુ જ ઊંચી પોસ્ટ પર હતાં. એમના ભૂતપૂર્વ પતિદેવ્ને ઓફિસની સેક્રેટરી જોડે પ્રેમ થઈ જતાં ખુલ્લે આમ એને ઘરમાં લાવીને રંગરેલિયા કરતા હતા જે પીન્કીબેનથી સહન ના થતા તેમણે ચૂપચાપ એમના રસ્તામાંથી ખસી જઈને ઘર છોડીને સ્વમાનભેર દીકરાને એકલપંડે ઉછેરવાની પસંદગી કરી હતી.

 

જોકે છૂટા પડ્યા પછી પણ એમની કસોટી પૂરી કયાં થયેલી ! લાંબી માંદગીના ખાસા એવા રિપોર્ટો કઢાવ્યાં પછી અંતિમ પરિણામ રુપે ત્રીજા સ્ટેજનો કેન્સર જેવો વિકરાળ રાક્ષસ એમની સામે જડબા ફાડીને સામે ઉભો હતો. જેની જાણ એમણે હજુ સુધી કોઇને નહોતી કરી. પોતાના દીકરાને પણ નહીં. પોતે હવે થોડા જ સમયની મહેમાન છે એવી પાકી ખાતરી થતાં જ એમણે પોતાના દીકરાને હોસ્ટેલમાં મૂકી દીધો.પોતાના મૃત્યુ પહેલા એ દીકરાને સ્વાવલંબી બનાવવા માંગતા હતાં. પણ પોતાની અતિશય મમતાનો સલામત છાયો એને કદી મોટો નહી થવા દે એવુ લાગતા દિલ પર પથ્થર મૂકીને દીકરાને પોતાનાથી થોડો દૂર કરી દીધો. આ બધી ધમાલમાં એમની દુનિયા ફક્ત એમના દીકરાની આસપાસ જ ગૂંથાયેલી રહેતી. જાતેજ પોતાની સમસ્યાઓના સમાધાન શોધતા અને એનો ઉકેલ લાવતા એના પરિણામે એમની પાસે આજુ-બાજુ કોણ રહે છે ને કોણ નહી એ જાણવા માટે સમય પણ નહતો રહેતો. પરિણામે પાડોશીઓ એમને ઘમંડી માનવા લાગેલા. પણ એમને એની દરકાર કરવાનો સમય પણ ક્યાં આપેલો ઉપરવાળાએ ! આટલું બોલતા બોલતાં તો પીન્કીબેન સાવ જ તૂટી ગયા અને આંખોમાંથી અશ્રુધારા વહેવા લાગી.

સામે પક્ષે લજામણી તો સ્તબ્ધ જ થઈ ગઈ. પોતાની જાત પર શરમ આવવા લાગી કે  રીતુબેન અને બીજા પાડોશીઓના અભિપ્રાય સાંભળીને આમના વિશે પોતે કેવી પોકળ કલ્પનાઓ કરી લીધેલી. હીરા જેવા માણસને પોતે કાચ સમજી બેઠેલા. હવે એમને બરાબર સમજાઇ ગયું કે માણસને  આમ ઉપરછલ્લ્લો ક્દી ના ઓળખી શકાય..એને ઓળખવા તો એના તળ સુધી ડૂબકી મારવી પડે ત્યારે એના સાચા મોતી પામી શકાય.

અનબીટેબલ :- કોઇના અભિપ્રાયોના પાયા પર તમારા સંબંધોની ઇમારત ક્યારેય ના ચણશો. કુછ અપની અક્કલ ભી દોડાઓ…

વાંચવું એટલે..


શ્રી ખોડલધામ સ્મૃતિ’ મેગેઝિનમાં આ મહિનાનો લેખ..

આચમન-૩ :

થોડા સમય પહેલાં મને એક મેસેજ મળેલો, મેં જે લખ્યું છે એના માટે જ હું જવાબદાર છું,નહીં કે તમે જે સમજ્યાં’ આ વાત મને બહુ જ ગમી. હા, તો મેઈન મુદ્દા પર આવું કે,

વાંચવું એટલે શું? બહુ જ સરળ પ્રશ્ન પણ જવાબો..આના તો જેટલા મુખ એટલા અલગ જવાબો મળે. તમે કહેશો કે એમાં શું વળી વાતને આટલી ગોળ ગોળ ફેરવવાની ! વાંચવું એટલે આંખોની સામે વાંચનસામગ્રી હોય અને એના શબ્દો ઉપર નજર દોડાવવાની એટલે વાંચવાનું. પણ ખરેખર એમ જ હોય છે કે..!!!!

 

નાના છોકરાઓને પૂછશો તો કહેશે કે :

 

‘અમને શબ્દો કરતા રંગીન ચિત્રકથાઓ વધુ સરળ અને સ્પષ્ટ લાગે છે એટલે એ વધુ ગમે. આમ અમે તો ચિત્રો વાંચીએ છીએ !!’

 

થોડા મોટા છોકરાંઓને પૂ્છશો તો જવાબ આવશે,

 

‘વાંચવું એટલે..હ્મ્મ્મ.. રાયમિંગવાળી કવિતાઓ, નાની નાની બોધકથાઓ, રામાયણ-મહાભારતના યુદ્ધવાળી શૌર્યગાથાઓ, અમારા ફેવરીટ કાર્ટુનના મેગેઝિન અને છેલ્લ્લે…વાંચીને દસ દસવાર લખીને ફરજિયાત મોઢે કરવા પડતા ભેજાખાઉ શબ્દોથી છલકતા અભ્યાસક્રમના પાઠ્યપુસ્તકોના પાઠ !!’

 

ટીનેજરોની તો દુનિયા જ નિરાળી..રંગબેરંગી સ્વપ્નોની દુનિયામાં વિહરતા વિદ્રોહી પંખીડા.  જેમની ચકળવકળ આંખોમાં કાયમ આખી દુનિયાના રહસ્યો જાણી લેવાની ઉત્સુકતા તરવરતી હોય, આ વાંચી લઉં  ને પેલું પણ વાંચી લઉં પણ સૌથી વધુ આકર્ષણ તો લેટેસ્ટ ફેશન, પ્રેમ, સેક્સ કે વિરુદ્ધ જાતિ વિશે જરુરી જાણકારી પૂરી પાડતી વાંચન-સામગ્રીઓનું હોય. બાકીનું બધું અભ્યાસક્રમમાં હોય એ વાંચવા ખાતર વાંચી જવાનું. જરૂર પૂરતું યાદ રાખીને, ગોખીને પરીક્ષાઓ આપી દેવાની અને પછી એ બધાંયને એક પોટલું વાળીને પસ્તીમાં ધકેલી દેવાનું. પસ્તીના જે પૈસા આવે એ દોસ્તો સાથે કેવી રીતે વાપરવા એમાં ભણી ગયેલા ગણિતના લેસનમાંથી જે લાગુ પડે એ સમીકરણોના સૂત્રો વાપરી લેવાના. જો કે એ સમીકરણો તાકડે યાદ આવવા પણ પાછા એટલા જ જરૂરી હોંકે, કારણ એ તો કેટલા ધ્યાનથી એ સમીકરણો શીખેલા એના ઉપર આધાર. કદાચ એટલે જ ભગવાને એ ઉંમરે યાદશક્તિ ધારદાર આપી હશે !!

 

એ પછી માણસ થોડો કામ ધંધામાં પરોવાય એટલે એની નજર હવે ચેકબુકોના આંકડા, પગારધોરણો, રાજકારણ, સ્પોર્ટસ, રસોઈ-શો વગેરે જેવા વિષયો તરફ ફંટાય. આ બધામાં આજ કાલ નેટની દુનિયામાંથી ફેસબુક, વેબસાઈટ, બ્લોગ, ઇમેલ જેવી જગ્યાએથી પણ વાંચન સરળતાથી અને થોકબંધના હિસાબે ઉપલબ્ધ થાય છે.  લગભગ દરેક વિષયની માહિતી ‘ગુગલ દેવ’ની મહેરબાનીથી આંગળીના ટેરવે રમતી થઈ ગઈ છે. જેમાં દરેક ભાષામાં જાત જાતના વિષયો પરના લેખો, વાર્તાઓ, કોઈ પણ વિષય પર ખુલ્લેઆમ થતી ચર્ચાઓ તેમ જ જે-તે પોસ્ટ પર બીજા વાચક મિત્રોના વિચારો કોમેન્ટ્સરૂપે વાંચી શકાય છે. વળી એની પર કોમેન્ટ કરીને આપણા વિચારો પણ વાંચવા માટે નેટના દરિયામાં તરતા મૂકી શકાય છે.

 

આ તો થઈ અલગ અલગ ઉંમરે રસ પડતા વાચનના વિષયોની વાતો.

 

હવે ગમે તે ઉંમરે માણસમાં છુપાયેલ કલાકાર જીવડા જેવા લેખકો, કવિઓ, પત્રકારો, સાહિત્યકારો, છાપા-મેગેઝિનના એડીટરો કે કોઈ ખાસ વિષય તરફ અદમ્ય આકર્ષણ ધરાવતા લોકોની વાંચન સામગ્રી એકદમ જ અનોખી અને સિલેક્ટેડ જ હોય છે. જે-તે ક્ષેત્રના કલાકારોને તો એમના રસ સિવાયની માહિતીના પુસ્તકો તરફ નજર ભાગ્યે જ પડે.

 

આ જુવો એક  સાહિત્યપ્રેમી અને શબ્દોના પ્રેમમાં પડેલી એક નારી ‘બિંદુ દાણી’ના શબ્દો એની જ ભાષામાં,

‘વાંચન …..

ઘરમાં આવતા અગણિત મેગેઝીનો વાંચવાની ઈચ્છાને કે પછી રોજ સવારનાં ઉઠીને ઢગલાબંધ છાપાઓમાં રહેલી નકારાત્મકતાને વાંચવાને વાંચન ના કહેવાય.’મારા માટે વાંચન એટલે એક હકારાત્મકતાની અનુભૂતિ’. મારી સાથે ઘણીવાર એવું પણ બન્યું છે કે એક જ વાક્ય વાંચ્યા પછી મને એવું લાગ્યું છે કે મેં આખું પુસ્તક વાંચી લીધું.

 

વાંચન એટલે સાગરની ગહેરાઈમાં ડૂબવાની મઝા,

વાંચન એટલે દુકાળગ્રસ્ત ધરતી પર પહેલો વરસાદ,

વાંચન એટલે એજ ધરતી પર વરસાદનો પ્રેમ પથરાયા પછી ઉગેલી એક નાનકડી લીલીછમ કુંપળ,

વાંચન એટલે માના સંસ્કાર,

વાંચન એટલે પિતાનું વાત્સલ્ય…..’ !!!

 

વાંચન સાથે આટલો સંવેદનશીલ નાતો..!!

 

અમદાવાદના એક અતિ સંવેદનશીલ શિક્ષક એવા ‘સાકેત દવે’ના મત મુજબ,

‘મારા વિચાર મુજબ વાંચન એટલે હળવાશથી લઈને તીવ્ર લાગણીઓના અનુભવની ઝંખના હોય એવી વ્યક્તિઓનું શ્રેષ્ઠ માનસિક ભોજન.

હું મોટાભાગે જે હાથમાં આવે એ વાંચું છું  અને વાંચનથી દરેક વખતે ઘણી લાગણીઓ અનુભવું.કોઈવાર આંખ ઉભરાઈ જાય, કોઈવાર સખત ગુસ્સો આવે તો કોઈવાર ખૂબ દયા.ઓતપ્રોત થવામાં કંઈ જ બાકી ના રહે. મોબાઈલ અને ઇન્ટરનેટના કોપી-પેસ્ટના જમાનામાં મૌલિક લેખનની જેમ મૌલિક વાંચનનો ક્યાંક ક્યાંક અભાવ અનુભવાય, તો ક્યાંક બે-ચાર લીટીમાં હૃદયસ્પર્શી શબ્દો વાંચવા મળી જાય તો લેખ વાંચ્યા જેવી તૃપ્તિ અનુભવાય!!’

 

બોલો..વાંચનની આટલી બધી અસર !!  શબ્દો જાણે સામે ચોપડી કે કોમ્પ્યુટરની સ્ક્રીનમાંથી નીકળીને તમારો હાથ પકડીને તમારી જોડે બેઠા બેઠા કોફીના ઘૂંટ ગળે ઉતારતા ઉતારતા રોજબરોજની વાતો કરતા હોય એમ લાગે છે ને. આ શબ્દોની તાકાત નહીં તો શું કહેવાય !!!

 

બીજા એક એનીમેશન પિકચરો બનાવનાર કલાકારજીવ ‘જયેન્દ્ર આશરા’ના કહેવા મુજબ,

 

‘વાંચન એ આપણી ઇન્દ્રિયોના અનુભવનો અર્થ છે. બાળક ત્રણ વર્ષની ઉમરથી જ તેના માતા-પિતાના હાવભાવ અને અવાજ નું વાંચન કરે છે.તેમાંથી શીખે છે અને ક્યારેકતો તે પોતાના માતા-પિતા નો મિજાજ જોઈ ને વર્તન બદલે છે. જેમકે ખબર પડે કે માતા ગુસ્સે છે તો તે વધારે પડતા વ્હાલથી વર્તન કરે છે. ઘણીવાર મને લોકો પૂછે છે કે, ‘ તમે આ બીજી ના સમજાતી દક્ષીણ ભારતીય ભાષા કે વિદેશી ભાષા ની ફિલ્મ કેમ માણી શકો છો?’ તો મારો જવાબ હોય છે કે,’ હું તો એ એકટરો ના હાવભાવ અને કથાવસ્તુ તેમાં ના દ્રશ્યો થી વાંચી લઉં છું.’

 

બોલો આવા ઇન્દ્રીય વાંચનનો અનોખો લહાવો માણ્યો છે તમે કદી ..?

 

ધોરણ ૮ થી ૧૨ ના GSEB, CBSE. ICSE, IGCSEના વિદ્યાર્થીઓને અંગ્રેજી ભાષા શીખવતા ‘રાજેશ શેઠ’ના મત મુજબ,

 

‘To read means to share the views of a writer and try to accept if favorable and try to reject if do not suits to the reader ‘

 

તો વળી એક ખૂબ જ ક્રીએટીવ દોસ્ત છે જે કોપી રાઈટીંગ અને અનુવાદનું કામ કરે છે, જેમણે હોલીવુડના  પિક્ચરો અને ડીસ્કવરી પ્રોગ્રામ્સની ડોક્યુમેન્ટરી, કાર્ટુન સિરીયલોના અનુવાદ કરેલા છે એમને પુછ્યું કે,

‘વાંચન એટલે શું? તો તરત જવાબ આવ્યો કે,

‘I’m college drop out. પણ લોકો માનતા નથી. પણ હકીકત તો એ છે કે ‘વાંચન એટલે હું પોતે’  મતલબ કે હું આજે જે કંઇ છું એ વાંચન થકી જ છું. મારું અસ્તિત્વ એટલે જ વાંચન’

 

વાંચન સાથેનો આવો દૈવી પ્રેમ, તાદાત્મય અનુભવ્યું છે કદી તમે !!

 

અમેરિકાની ‘ડ્રેક્ષલ યુનિવર્સિટી’ના પ્રોફેસર અને ગુજરાતી સાહિત્યના જબરદસ્ત ચાહક એવા જય ભટ્ટ્ના મત મુજબ,

‘વાંચન..એટલે માત્ર શબ્દો, વાક્યો અને પાના વાચી જવા એટલું જ નહી, પણ એ શબ્દો દ્વારા અભિપ્રેત થતી વિવિધ લાગણીઓ, આત્મસાત કરવી એ’

 

વાંચનનું રસપાન..!!

 

જોકે વાંચવું એ તો બરાબર. તમને જે વિષય પર મન થયું એ વાંચી કાઢ્યું તો ખરું પણ એમાંથી ભેજામાં કેટલું ઉતરે એ વિચાર્યુ છે કદી..? આ વાત પર એક વાત યાદ આવી ગઈ.

 

નાનપણમાં સ્કુલની લાઇબ્રેરીમાંથી અને બીજી આજુ-બાજુની ઢગલો લાયબ્રેરીના કાર્ડ કઢાવી કઢાવીને હું એક દિવસમાં એક નવલકથા કે પુસ્તક એકી બેઠકે વાંચી કાઢતી. ઘરમાં વાંચનારા સભ્યો વધારે અને આપણને પહેલા નંબરે રહેવું ગમે એટલે આપણા ભાગે આમે આવી ફટાફટી થોડી વધારે આવે. પુસ્તક વાંચી લીધા પછી મોઢા પર એક છૂપો ગર્વીલો ભાવ તરવરે..અહાહા..મારી વાંચનની સ્પીડ જોઈને..કેટલી ફાસ્ટ છું. હવે આજે જ્યારે યાદ આવે કે આ પુસ્તક તો નાની હતી ત્યારે વાંચેલુ છે પણ એમાંની ડીટેઇલ્સ ખાસ કંઇ યાદ નથી આવતી..લાવ ફરીથી એ જોઇ જવા દે તો. પછી તો પુસ્તક ખરીદાય, શાંતિથી એ પુસ્તકના પાના પર હાથના ટેરવાંનો સ્પર્શ થાય. પણ અત્યારે એ ટેરવા ધીરજ અને વીતેલા વર્ષોની સમજણથી ભરેલા છે એટલે એક પાનું ખોલું..શાંતિથી વાંચુ…બીજું..ત્રીજું…અને આ શું..આમાંનું કશું જ મેં પહેલાં વાંચ્યાનું યાદ નથી !! તો વાત એમ છે મિત્રો કે નાનપણમાં અડધા પડધા પાનાંઓ ગુપચાવીને ઉપરછલ્લા વાંચેલા શબ્દો તો મારા દિલ-દિમાગમાં પૂરેપૂરા ઊતર્યા જ નહોતા. સામે પક્ષે હવે મારો દીકરો મારી સામે હોડ લગાવતો હોય કે , ‘મમ્મી, મેં આજે એક આખી બુક પતાવી કાઢી અને તમે  છેલ્લા અઠવાડીયાથી એક જ બુક વાંચો છો?’ ત્યારે મનોમન એના એ ‘પતાવી કાઢવાના વાંચન’ પર હસી પડાય છે.

 

લેખકે કયા સંદર્ભમાં લખ્યું હોય અને વાંચીને આપણે વાત કયા સંદર્ભમાં સમજીએ એ પણ વિચારવાનો મુદ્દો છે. કોઇ પણ વાંચન વિચાર, મનન અને અધ્યયન વગર અધુરું કે ઉપરછલ્લું જ છે. એક જ વાક્ય આઠ વર્ષનો બાળક વાંચશે કે અઢાર વર્ષનો નવજુવાનિયો વાંચે કે પછી ૪૦ વર્ષની આસપાસની વ્યક્તિ વાંચે કે ૬૦-૭૦ વર્ષના ઘરડાં  બધા પર એ લખાણની અસર એમની સમજશક્તિ અનુસાર અલગ અલગ જોવા મળે છે.

 

આજ કાલ નેટના કારણે લોકો પર વાંચન સમગ્રીનો ઓવરડોઝ ખડકાય છે. લોકોને વાંચવા માટે ઢગલો સાહિત્ય આરામથી ઘરબેઠા લેપટોપના ટચુકડા સ્ક્રીનમાં જોઇએ ત્યારે હાજર થઈ જાય છે. વિદ્યાર્થીઓને  જે પણ મટીરીઅલ જોઇએ એ શબ્દ ‘ગુગલ સર્ચ’માં ટાઈપ કરીને એના વિશેની જરૂરી માહિતી મેળવી કોપી-પેસ્ટ કરો અને પ્રોજેક્ટ પતાવો..આ ‘ઇઝીલી અવેલેબલ’ ઢગલો ઓપ્શન એમની ધીરજ અને આંતરિક સમજશક્તિના ગુણોને ખીલવાની તક જ નથી આપતી. એ વિદ્યાર્થી એના જીવનમાં આમ ને આમ જ ઝડપથી આગળ વધતો રહ્યો તો એની જિન્દગીમાં સમજપૂર્વક, ધીરજ્થી આખે આખા પુસ્તકો  વંચાયાની સંખ્યા કેટલી હશે એ પ્રશ્ન ખરેખર વિચારવાને લાયક છે. આ બધાથી એ લોકો લાઇબ્રેરીમાં જતા ઓછા થઇ ગયા છે. હાથના આંગળાને ચોપડીઓના પાનાનો સ્પર્શ થતો હોય, સાથે એક પેન  કે પેન્સિલ લઇને ચીવટપૂર્વક મનગમતા વાકયો નીચે અન્ડરલાઈન કરાતી હોય, સાથે એક મોટો ચા કે કોફીના મગમાંથી ચુસ્કી લેતા જવાતી હોય અને એ ય ને આરામથી ઝુલણખુરશીને હળ્વી ઠેસે ઝુલાવતા ઝુલાવતા વાંચવાનું હોય આ બધી મજા એમના નસીબમાં ક્યાં?  અરે…નવીનક્ક્કોર ચોપડી ખરીદી હોય અને એનું ઉપરનું પ્લાસ્ટીક રેપર ખોલીને જતનપૂર્વક પહેલું પેજ ખોલી આંખો બંધ કરીને નાકમાં પ્રવેશતી પહેલ-વહેલા ખુલતા પાનાની ‘વર્જીન સુગંધ’ ની અનુભૂતિ પણ એ લોકો ક્યાં માણી શકવાના !

 

 

વળી નેટ પર તો કોપી પેસ્ટ કરનારાનો રાફડો ફૂટયો છે. કોઇ પણ મનગમતું વાંચન શોધો અને પોતાના નામે એ લખાણ ચડાવીને પોતાના ફ્રેન્ડસર્કલમાં કે ગર્લફ્રેન્ડ-બોયફ્રેન્ડને એની કોપી કરીને મેઈલ કરો કે ફેસબુકની વોલ પર ચીપકાવીને એના પર લાઇક કે કોમેન્ટ્સના ઢગલા મેળવો. ઘણીવાર તો ઓરીજીનલ લેખકના પોતાના મોબાઈલમાં પોતાનું લખાણ બીજાના નામે ચડીને આવે ક્યાં તો નેટ પર સક્રિય હોય તો બીજાની ફેસબુક વોલ કે બ્લોગ પર પોતાનું લખાણ બીજાના નામે ચઢેલું નજરે ચઢે. વાચકવર્ગની પોતાની પણ એક નૈતિક જવાબદારી હોય છે કે જે-તે કોપી કરાતી રચના કે લખાણનું શ્રેય તમે રચનાની નીચે એના મૂળ રચનાકારનું નામ લખીને જરૂરથી આપો. આના પર તો ‘ગુજરાતી બ્લોગજગત’માં કેટલીયે ચર્ચાઓ થઈ છે. અજાણતા ભુલ કરનારા આસાનીથી એ વાત પર ‘સોરી’ કહીને વાત સમજીને સ્વીકારી લે છે, પણ હજુ અમુક નિર્લજ્જ લોકો પડ્યા છે જે આનો તીવ્ર વિરોધ કરીને એ જ વર્તન કરવાનું ચાલુ રાખે છે.

 

ઘણીવાર અમુક લેખકો, વિચારકો એમના લખાણમાં એટલા ઊંચા ગજાની વાતોના ગાડા હાંકી કાઢે, ડહાપણનાં પોટલે પોટલાં ખુલ્લાં મૂકી દે છે. હવે દરેક વાત દરેક પરિસ્થિતિમાં સાચી ના જ હોય. એ લેખકે પોતાના માનસિક સ્તર મુજબ એ લખાણ લખ્યું હોય પણ સામે  સામાન્ય વાચક્ની માનસિક કક્ષા એટલી બધી મજબૂત ના હોય તો ?  વાચક જો ઇમાનદાર અને લાગણીશીલ હોય તો એ આદર્શ વાંચન અનુસાર પોતાની જાતને ઢાળતા રહેવાના પ્રયત્નોમાં સતત લાગેલો રહેશે અને વાંચ્યા મુજબની આદર્શ સ્થિતિમાં ના પહોંચી શકાતા એક તાણનો અનુભવ પણ કરે. તો એવા વાચકોએ એટલું સમજવું જોઇએ કે જેમ ‘ના બોલ્યામાં નવ ગુણ’ જેવી કહેવત અસ્તિત્વમાં છે એમ’ બોલે એના બોર વેચાય’ જેવી કહેવત પણ પ્રસિદ્ધ છે. સમય અને સંજોગોને અનુસાર આપણી શારીરિક અને માનસિક સ્થિતિને ધ્યાનમાં લઈને, આપણી સમજ અનુસાર પરિસ્થિતિઓનું મૂલ્યાંકન કરીને પછી જ વાંચેલું જીવનમાં આચરણમાં મૂકવાનો પ્રયત્ન કરવો જોઈએ. બધાયને એક લાઠીએ ના હંકાય હોં કે..!!

-સ્નેહા પટેલ – અક્ષિતારક

 

આશ્ચર્ય


એકાદ બે દિવસ પહેલાં જ  રેડિયો મીર્ચીમાં એક સવાલ સાંભળવા મળેલો,” આજના જમાનામાં પ્રેમની અભિવ્યક્તિ માટે શેની સૌથી વધારે જરુર પડે ?” બહુ બધા રસદાયક જવાબો સાંભળવા મળ્યા જેમ કે, કાર્ડસ, રોઝીસ, મોબાઈલ-મેસેજીસ, ઇમેઇલ, સંગીત, પૈસા,  ફુલ ટાંકી પેટ્રોલવાળું વ્હીકલ અને છેલ્લે…સાલ્લ્લું…ફેસબુક વગર તો સામેવાળાને કેમનું પ્રપોઝ કરાય…!! એ તો મસ્ટ.. 🙂 આશ્ચર્ય તો એ બાબતે થયું કે કોઇએ ‘પ્રેમ’નું તો નામ જ ના દીધું !!

ફેસબુક,નેટ


ફેસબુક,નેટ આ બધું માણસની બે આંખની શરમ બહુ આસાનીથી છોડાવી દે છે. આ જેના ને તેના આલ્બમમાં છોકરીઓના ફોટાના છુટ્ટા મોઢે વખાણ કરનારાઓને એ છોકરી સામે આવી જાય તો બે શબ્દો બોલતા પણ ફાંફા પડી જાય છે.  સ્કુલમાં,કોલેજમાં છોકરીઓની સામે પણ ના જોઇ શકનારા છોકરાઓ અહીં સિંહ જેવા બનીને એ છોકરીને ગમે તેવા શબ્દોમાં ઉતારી પાડતા પણ અચકાતા નથી. ઉધારની સ્માર્ટ્નેસમાં વખાણના ટોપલાં ઠાલવે રાખનારા અને એ વખાણોને સાચા માનીને એના નશામાં ઝૂમનારીઓની દયા આવે છે.

લાઇક..લાઈક..કોમેન્ટ્સ..કોમેન્ટ્સ …
દુનિયા આટલા પૂરતી જ સીમિત ક્યારથી થઈ ગઈ..

સ્નેહા પટેલ – અક્ષિતારક


ઓપ્શન – નો ઓપ્શન.


આજનો ફુલછાબ દૈનિકમાં ‘નવરાશની પળ’ કોલમનો મારો લેખ.

તું ભલે થીજી ગઈ છે પણ સ્વભાવે છે નદી,

આ બરફ તોડી શકાશે, ચાલ, થોડો યત્ન કર.

કોઈ ઈચ્છા એકલી વટભેર ચાલી ના શકે,

કૈં કશું જોડી શકાશે, ચાલ, થોડો યત્ન કર.

-ચિનુ મોદી ‘ઇર્શાદ’

સુનીલ ધનવાન મા – બાપ નો એકનો એક દીકરો. ‘પાણી માંગે ને દૂધ હાજર’, જો કે થોડા મોડીફીકેશન સાથે કહીએ તો ‘પાણી માંગે ને પેપ્સી હાજર’ જેવી સ્થિતી. હંમેશા બ્રાન્ડેડ કપડાં અને લેટેસ્ટ ઇલેક્ટ્રોનિક ડિવાઇસથી સજ્જ રહેવાનું અને જિન્દગીની એક એક પળનો નશો કરી લેવાનો. એમાંય હમણાં આવેલું ‘જીન્દગી ના મિલેગી દોબારા’ જોઇને આવ્યા પછી તો એના મગજમાં અખતરાઓના જાતજાતના કીડાઓ સળવળ્યા કરતા. ‘આજને ભરપૂર માણી લો કાલ કોણે દીઠી’ના ધખારામાં એ પૂરેપૂરો મોજમસ્તીમાં ડૂબવા લાગ્યો હતો. હ્રિતિકે મિત્રો સાથે ‘સ્કાય – સ્કુબા ડાયવિંગ’ કર્યું તો આપણે કેમ રહી જઇએ ! એ પણ આવા પ્રોગ્રામો ઘડીને દોસ્તારો સંગે રખડવા નીકળી પડે.મા – બાપ પણ  ઉંમર છે મસ્તી કરી લેવા દોને, કાલે જવાબદારીની બેડીઓ પડશે એટલે એ ઓટોમેટીક સુધરી જશે વિચારીને એને ટોકતા નહીં.

બાપનો પૈસો સુનીલને હંમેશા દરેક વસ્તુઓના ઢગલો ‘ઓપ્શન’ પીરસતું રહેતું.

‘સ્કુલમાં હાજરી નથી આપી શકતો, બરાબર અભ્યાસમાં ધ્યાન નથી આપી શક્તો, નો પ્રોબ્લેમ..ટયુશન ક્લાસીસ કરાવી દઇશું.’

‘ટ્યુશનમાં બરાબર સમજ નથી પડતી તો નો પ્રોબ્લેમ..સ્કુલમાં થોડા પૈસા ખવડાવી લઇશું..માર્કશીટ પણ બદલાવી શકાય જ છે ને. કશુંય નહીં થાય તો છેલ્લે સ્કુલ બદલાવી કાઢીશું. ડોનેશન પર તો ભલભલી સ્કુલો એને એડમીશન આપવા નવરી જ બેઠી છે ને !!’

‘એને ટેનિસમાં રસ છે ટેનિસના કોચીંગ ક્લાસીસ કરાવી દઈએ.’

થૉડો સમય રહીને એનાથી કંટાળેલો સુનીલ પાછો ગિટાર શીખવાની વાત કરે એટલે મા બાપ એના ક્લાસીસ જોઇન કરાવી દે.

એમાં પણ એ લાબુ ટકી શકે નહીં. પેલો રોહન ડાન્સ શીખે છે તો છોકરીઓ કેવી એની આગળ પાછળ ફરે છે..અને સાહેબનું ફરમાન છુટે:

‘મારે તો ડાન્સ ક્લાસીસ જોઇન કરવા છે..’

‘ઓકે..આપણે ક્યાં કોઇ ઓપ્શનની કમી છે…તું તારે જે શીખવું હોય એ શીખી લે બેટા.’

ઓપ્શનોના આ ‘ઇઝીલી અવેલેબલ’ ઢગલાંઓએ સુનીલની વિચારશક્તિ, સમજશક્તિને થોડી ડલ પાડી દીધેલી. ‘ઓપ્શનોના ઓવરડોઝ’માં એ હંમેશા કયું ઓપ્શન સ્વીકારવું એની અવઢવમાં જ રહેતો, એક પણ ઓપ્શન પર કાયમ ના રહી શકતો. આ ઓપ્શન પરથી પેલા ઓપ્શન પર વાંદરાની જેમ ઝૂલ્યા જ કરતો. પરિણામે દરેક કાર્યમાં નિષ્ફ્ળતા. આ બધાને કારણે સુનીલનો  પોતાની જાત પરનો એનો ભરોસો સાવ જ ઊઠી ગયો.’પોતે કશું  જ કરી શકવાને લાયક નથી- I am a big failoure’નો ભાવ એને પીડતો રહ્યો. પરિણામે ડીપ્રેશનની ઊંડી ખાઈમાં ગર્ત થવા માંડ્યો. સમવ્યસ્ક મિત્રોને મળતા ગભરાવા લાગ્યો, રખેને કોઇ એની નિષ્ફળતાની વણઝારોની વાત કરી કરીને એને વ્યંગના તીરથી ઘા કરી જાય તો !!  ૨૧ વર્ષની ભરજુવાનીએ ૬૦ વર્ષના બુઢ્ઢા જેવો માનસિક થાક અનુભવવા લાગ્યો.આ બધામાંથી બહાર આવવા સાઇકીયાટ્રીટની ટ્રીટમેન્ટ ચાલુ કરવી પડી. જેમાંથી બહાર આવતા આવતા એને ‘નવ ના તેર થઈ ગયા’.

—————————————

સોહન..એક મધ્યમવર્ગીય ઘરનો છોકરો. ઉંમર લગભગ સુનીલ  જેટલી જ. ઘરમાં કમાનાર એના પિતા એક જ અને ખાનાર એના સિવાય એની મા અને બીજી બે બેનો. હંમેશા બધી વાતોમાં સમાધાન કરવું પડે. ઓપ્શન જેવા શબ્દો તો એમની ડીક્ષનરીમાં હતા જ નહીં. રોજ સવાર પડે એક નવી ચેલેન્જ નો સામનો કરવાનું જ નસીબમાં હોય. જે હાલત સામે આવે એને ચલાવી લેવા સિવાય સોહન પાસે કોઇ ઓપ્શન જ ના રહે. ‘નો ઓપ્શન’ ની આ હાલતમાં સોહન પોતાની જાતને પૂરેપૂરી સંતુલિત રાખતો. પરિસ્થિતીઓને એક્દમ જ અનુકૂળ બની જતો. જે પણ ચેલેન્જ આવે એનો પૂરી હિંમતથી સામનો કરતો અને ‘નો ઓપ્શન’ના પથ્થરમાંથી પોતાની મરજી મુજબ પાણી કાઢી લાવતો. પોતાની આ હાલત વિશે એણે ભગવાનને કે મા – બાપને કદી કોઇ જ ફરિયાદ નહોતો કરતો. આપસૂઝથી જીંદગીમાં ખુમારીથી આગળ વધતો જ રહેતો.

એને નાનપણથી ડોકટર બનવાની મહેચ્છા હતી. પણ એની ફીના ચોપડીના પૈસા ક્યાંથી કાઢવા? મા – બાપે તો કહી દીધું ‘સોહન..ભુલી જા દીકરા આ સપના..નો ઓપ્શન’

પણ સોહન જેનું નામ. એણે પોતાના ફાજલ સમયનું ટાઈટ શિડ્યુલ બનાવીને ૪-૫ ટ્ય્શન્સ કરવાના ચાલુ કરી દીધા. એની મહેનત અને આવડતથી ખુશ થઈને બાળકોના વાલીઓ પણ એની ફી ઉપરાંત એને ડોકટરીના સપના પૂરા કરવામાં બનતી મદદ કરવા લાગ્યા.

પરિણામે એક દિવસ સોહનના હાથમાં ડોકટરી પાસ કર્યાનું સર્ટીફિકેટ ફરફરતું થઈ ગયું જેને હાથમાં પકડીને એક ચૂમી ભરીને સોહન મનોમન બોલી રહોય હતો, ‘મારી તીવ્ર ઇચ્છા અને એજ દિશામાં એક્ધારું વધવાની જીદ,મહેનત, રાતોના ઉજાગરા…તું ક્યાં જવાની હતી મારી ડોકટરની ડીગ્રી…તારે તો મારી પાસે આવવાનું જ હતું. ‘નો ઓપ્શન’ !!

અનબીટેબલ :- At the time of difficulty some people ‘break down’ while some ‘break records’..! Performers are  born in adversity not in comfort zone!

– unknown

http://www.janmabhoominewspapers.com/Admin/Data/Epapers/23_Nov/panch_01.pdf

સ્નેહા પટેલ – અક્ષિતારક


પ્રસન્નતા


જે લગ્નજીવન પરસ્પર પ્રેમના બદલે બાળકોના સલામત ભાવિના લીધે ટકેલું હોય એમાં પ્રસન્નતાના ચાન્સ કેટલા એ  મોટો પ્રશ્ન છે.

ખરો છે આ માણસ


કોઇના બેસણામાં લગ્નગીતો ગાઈને મજા કરે છે

ખરો છે આ માણસ

ખુશીઓ માણવાને મોતને પણ લીલામ કરે છે………

 

 

સ્નેહા પટેલ – અક્ષિતારક

રાજકારણ


એ રાજકારણ અને રમત ગમત પર બહુ લખતો

પૂરેપૂરી પ્રામાણિકતાથી એમાં ખૂંપી જતો

આનંદ આનંદથી છલકાઇ જતો

પણ  ‘ નામના’ નામની પરી એના હાથમાં નહોતી આવતી

સતત કંઈક ખૂટ્યાનો અભાવ

અસંતોષ…અંસંતોષ…અસંતોષ..

આખરે

એના લખાણમાં રાજકારણ અને રમતો ઘૂસી ગઈ

વાહ-વાહીના ઢગલામાં

પૂળો જ મૂકાઇ ગયો

નિર્દોષતા,પ્રામાણિકતાના નામનું નાહી કાઢ્યું

આજે એ સફળતાની ટોચ પર છે..

સ્નેહા પટેલ – અક્ષિતારક

અભિપ્રાય


કોઇના અભિપ્રાયોના પાયા પર તમારા સંબંધોની ઇમારત ક્યારેય ના ચણશો.

કુછ અપની અક્કલ ભી દોડાઓ…

 

સ્નેહા પટેલ – અક્ષિતારક

 

જવાબદાર


માનવી એના વર્તનના દરેક પરિણામ માટે પોતે જ જવાબદાર હોય છે.

સ્નેહા પટેલ – અક્ષિતારક

સારું છે.


જીવનમાં જાત પર હસવાના પ્રસંગોની કમી નથી,

સારું છે એથી જ

લોકોના જીવનમાં ડોકાચિયા કરવાની પડી નથી…

સ્નેહા પટેલ – અક્ષિતારક


વિશ્વસનીય સેતુ


આજનો ફુલછાબ દૈનિકમાં ‘નવરાશની પળ’ કોલમનો મારો લેખ.

ચાલ જીંદગી આજે તને ફરીથી જીવું

જે ભૂલો કરી છે,એને મઠારીને જીવું…

‘મમ્મીજી, આજે મારે ઓર્ડરમાં જવાનું છે. મોટી પાર્ટી છે. સારી એવી કમાણી થશે એમ લાગે છે. આજે આપણે કોઇ એક વસ્તુ બનાવી દઈએ જમવામાં તો ના ચાલે ? મારો સમય સચવાઈ જશે, પ્લીઝ ‘

‘વહુરાણી, તમે આ કામ ચાલુ કર્યુ ત્યારે ચોખવટ થઈ જ ગયેલી કે ઘરનું કામ પહેલાં. એ છોડીને તમે બહાર જવાનું નામ નહી લો. વળી તમારા સસરાને દીવાળીના તહેવારમાં પૂરી,મઠો, કઢી, મટર-પુલાવ, બટાકાનું શાક અને એકાદ ફરસાણ જેવું કંઇક ખાવાનો મૂડ છે. તમારે તો આ ઓર્ડરનું રોજનું થયું પણ  તહેવાર તો વર્ષમાં એક જ વાર આવે છે. આમ જવાબદારીથી ભાગવાની વાતો ના કરો ‘

અને પૌરવી સ્તબ્ધ. આજ કાલ તો વળી કામવાળી પણ નહોતી આવતી. આટલી બધી રસોઇ બનાવવા બેસે તો તો પતી ગયું. એ તરત નિવેદન પાસે ગઈ.

‘નિવુ, આ મમ્મીને સમજાવ ને જરા. જો ને કેવું નાના બાળક જેવું વર્તન કરે છે.’

નિવેદને આખી વાત શાંતિથી સાંભળી અને કહ્યું ઃ

‘પૌરવી, હું તારી વાત સમજુ છું. તને કામની આળસ નથી એ વાત પણ સ્વીકાર્ય. તારે આ પાર્લરની મજૂરી પણ મારા ઓછા પગારના લીધે જ કરવી પડે છે એનો મને અફસોસ છે .પણ તને તો ખબર છે, હું મમ્મી કે પપ્પાની સામે ક્યારેય નથી બોલતો. તું તારી રીતે રસ્તો શોધી લે ને એમાંથી. મહેરબાની મને વચ્ચે ના પાડ ‘

આટલું બોલીને ટ્રાઊઝરમાં પર્સ અને રુમાલ સરકાવતો એ ઓફિસે જવા નીકળી ગયો. પાછળ છોડી ગયો પ્રેમલગ્ન કરી અને વાયદાઓના મિનારો ચણેલી સ્વપ્ન નગરીના તૂટેલા ભંગારના અવશેષો પર મજબૂરીના આંસુ સારતી પૌરવીને. બે મિનીટ રહીને પૌરવીએ મન મક્કમ કર્યુ અને ફટાફટ પૂરી, શાક બનાવી દીધા. મઠો તો ફ્રીજમાં પડેલો જ હતો. જેમ તેમ થોડું લૂઝ લૂઝ ખાઈને, પાર્લરનો સામાન પેક કરીને સાસુમાને આવજો – જય શ્રી ક્રિષ્ણા કહેતી નીકળી ઘરની બહાર નીકળી ગઈ.

સાંજે તો પૌરવીએ મકક્મતાથી નિવેદનને બહારથી ભાજીપાઊં પેક કરાવીને જ ઘરે જવાનું કહી દીધેલુ. થાકેલી પાકેલી પૌરવીએ ઘરમાં પગ મૂકતા જ ધારણા અનુસારનું વાતાવરણ જોયું. પણ બધાયની સામે આંખ આડા કાન કરીને બાથરુમમાં જઈ શાવર લઇને ફ્રેશ થઈને, જે થશે બીજા દિવસે જોયું જશે..અત્યારે તો માનસિક કે શારીરિક સહેજ પણ તાકાત નથીવાળી કરીને સીધી જ પલંગમાં આડી પડી.

એના આ વર્તનથી નિવેદને એના મમ્મી – પપ્પાનું ખાસું એવું સ્વસ્તિવચન સાંભળવું પડ્યું જે એણે ચૂપચાપ સાંભળી લીધું અને છેલ્લે બગાસા ખાતો ખાતો ઉઠીને બેડરુમમાં ભરાઈ ગયો.

બીજા દિવસે સૂરજ કાળા કિરણો સાથે જ ઉગેલો.

‘પૌરવી, આ આમારું ઘર છે. અમારા કહ્યામાં ના રહેવું હોય, આમ બેફામ વર્તન કરવું હોય તો તમે તમારું અલગ ઘર કરી લો’

પૌરવીને આ અપમાન  હાડોહાડ લાગી ગયું.

‘નિવેદન, શું આમ કાયરની માફક સાંભળ્યા કરો છો. લગ્ન કરતી વેળા તો ઘર છોડીને ભાગીને પણ મારી સાથે પરણવા તૈયાર હતાં. તો એ શૂરાતન હવે કયાં ગયું ? તમને પણ ખબર છે કે મેં કયારેય કોઇ જ જવાબદારીમાંથી હાથ નથી ખેંચ્યો. આ ફકત મારો સમય સાચવવાની વાત હતી. એક સમય આખી રસોઇ ના થઇ ઘરમાં તો કયું મોટું આભ તૂટી પડ્યું ? તું કંઇ બોલતો કેમ નથી? તું નથી બોલતો એટલે મારે બોલવું પડે છે. દીકરાનું બોલેલું મા બાપ ભૂલી જશે પણ પારકી જણેલી વહુને તો વ્યાજ સમેત પાછું માથે મારશે. થોડો તો સપોર્ટ કરો મને ‘

‘સોરી પૌરવી, તારે જે બોલવું હોય એ તને છૂટ પણ મને આ બધું નહીં ફાવે’

‘ઓ.કે. તો ચાલો આપણું અલગ ઘર કરી લઈએ’

‘ના પૌરવી,એ તો કેમ શક્ય છે ?’

‘અરે, મારી અને તમારી કમાણી થઈને આંક્ડો ૨૫,૦૦૦ પર તો પહોંચી જ જાય છે. પછી શો વાંધો છે ?’

‘ના.એ શકય નથી. તું જ કોઇ વચેટીયો રસ્તો શોધી લેજે આનો, ગુડ નાઈટ. સૂઇ જા હવે..તમારે તો ઠીક મારે કાલે ઇમ્પોર્ટન્ટ મીટીંગ છે’

સવારે નિવેદન આંખો ચોળતો ચોળતો પથારીમાથી ઉભો થયો અને રોજની ટેવ મુજ્બ સીધો બાથરુમમાં ઘૂસ્યો ત્યાં એની નજર વોશ-બેઝિન પરના કાચ પર ફરફરતા કાગળ પર પડી.

‘ગુડ મોર્નિંગ નિવેદન, હું તારા ઘરમાં અઢળક અરમાનો સાથે પ્રવેશેલી. જીવનના દરેક રસ્તે આપને એક-બીજાનો હાથ પકડીને ચાલીશું, એક બીજાની તકલીફોને પોતાની, આપણી સમજીને એનો નિવેડો લાવીશું, એકબીજામાં મૂકેલો ભરપૂર વિશ્વાસ પ્રેમથી જાળવીશું, તારુ સ્વમાન એ મારુ અને મારું એ તારું સમજીને એના રખોપા કરીશું અને જીંદગી હસી – ખુશીથી જીવીશું. તારા પર બહુ વિશ્વાસ મૂકેલો મેં. પણ તું એ બધામાં નાપાસ થયો ડીયર. ‘મારી તકલીફો સહિયારી અને તારી એ તારી’ જેવું તારું સ્વાર્થી વર્તન મને બહુ પીડા આપતું હતું. હું મારા મા બાપ, સગા સંબંધી બધાયને છોડીને તારી પાસે આવી અને તું એક તારા મા બાપને આપણી વાત પ્રેમથી સમજાવવા, ગળે ઉતારવા જેવી વાતમાં પણ સાથ ના આપી શકે એ ક્યાંનો ન્યાય ? ના તું એક સારો પતિ બની શક્યો કે ના એક જીમ્મેદાર દીકરો. મારે મારા દીકરા માટે આવો બેજવાબદાર અને વિશ્વાસ સાચવવામાં ઊણૉ ઉતરે એવો પિતા નથી જોઇતો. તું તારી જીન્દગી આરામથી જીવ મને તો મારી જાત પર પૂરો વિશ્વાસ છે. મારું હું ફોડી લઇશ. મને શોધવાની કે પાછી બોલાવવાની કોશિશ ના કરીશ. જય શ્રી ક્રિષ્ણા’

અને નિવેદન કોઇ જ સંબોધન વગર પૂરો થયેલો પત્ર લઇને પસ્તાવાથી નહાતો ઉભો રહ્યો,

‘કાશ, પોતે ઘરમાં બેય પક્ષે સંતુલન રાખવાની,  સમજના દોરાથી જોડવાની થોડી પણ દરકાર કરી હોત, બેય પક્ષ વચ્ચેનો ‘વિશ્વસનીય સેતુ’ બનવાનો પ્રયત્ન કર્યો હોત તો આજે જીવનમાં આવો સમય તો ના આવ્યો હોત ને.’

અનબીટેબલ  :- જવાબદારી જવાબદારીપૂર્વક પૂર્ણ કર્યા જેવો સંતોષ દુનિયામાં બીજો કોઈ નથી.

-સ્નેહા પટેલ – અક્ષિતારક

સંશોધન


બધા પાના ખુલ્લાં કરીને મૂકી દીધા

તો પણ

એ મારા  વિશે સંશોધનો કરે છે..

સ્નેહા પટેલ – અક્ષિતારક


કેદ


આખે આખી વ્યક્તિને એક વ્યાખ્યામાં કેદ કરી દીધો
કિનારે ઊભા રહીને દરિયાને હથેળીમાં કેદ કરી દીધો..

 

લાઇનો બે જ છે પણ અર્થ બહુ ઊંડો છે…કોઇ વ્યક્તિની થોડા શબ્દોમાં મૂલવણી કરીને એના વિશે એક વ્યાખ્યા રચી દો એ કિનારા ઉપર ઉભા રહીને આખે આખા દરિયાને તમારી હથેળીમાં બાંધી દીધો હોય એવી અશક્ય ઘટના જેવી વાત છે. કોઇપણ વ્યકિતને પૂરેપૂરી જાણવા એ વ્યક્તિની નજીક જવું પડે, જીવનની દરેક સ્થિતીમાં એ કેવું વર્તન કરે છે એ જોવું પડે, એની લાચારી, એની ખૂબી એની કમી, એની તકલીફો બધે બધું ઊંડાણથી સમજવું પડે ત્યારે એ વ્યક્તિને તમે થોડા ઘણા અંશે સમજી શકો (આખે આખી સમજવાનો યત્ન કે દાવો કદી ના કરવો એ અશક્ય વાત છે) અને એના વિશે કંઇક લખી શકો. બાકી કિનારે ઉભા રહીને છબછબિયા કરીને પગ પલાળી પલાળીને દરિયાના ઊંડાણ માપવા એ તો આકાશના સૂર્ય સામે થૂંક ઉડાડવા જેવી મૂર્ખામી કહેવાય..

સ્નેહા પટેલ – અક્ષિતારક

પુનઃજનમ


આપણે મળ્યાં

છૂટા પડ્યાં

ફરીથી મળ્યાં…

આમ જ તારા કારણે

જનમ -પુનઃજનમમાં માનતી થઈ ગઈ હું.

-સ્નેહા પટેલ – અક્ષિતારક

* મારું લખાણ મારા નામ સાથે જ કોપી -પેસ્ટ કરવું.

ઇચ્છનીય


‘પ્રસિધ્ધ’ વ્યક્તિ બનવા કરતાં ‘સારી’ વ્યક્તિ બનવું વધુ ઇચ્છનીય છે.

 

 

 

-સ્નેહા પટેલ – અક્ષિતારક

 

 

* મારું લખાણ મારા નામ સાથે જ કોપી -પેસ્ટ કરવું.

તૃષ્ણા


આ મહિનાનો ‘શ્રી ખોડલધામ સ્મ્રુતિ’ મેગેઝિનમાં ‘આચમન’ કોલમનો મારો લેખ.

રાતના ૯-૦૦ વાગે “કૌન બનેગા કરોડપતિ” નામનો સરસ મજાનો પ્રોગ્રામ ચાલુ થાય છે.

અમિતાભજીનો ઘેરો, આખા ભારતને મદહોશ કરનારો અવાજ ઘરના ડ્રોઈંગરૂમના ટી.વી.માંથી રેલાય છે,

‘તમે ધારોકે અહીંથી તમારી મનપસંદ રકમ જીતી જશો, તો એ જીતની રકમનું તમે શું કરશો?’

અને લગભગ ૧૦૦માંથી ૯૦ જવાબ ‘ધરતીનો છેડો ઘર’ની આસપાસ જ ફરતો જોવા મળ્યો છે.

જેમનું પોતાનું ઘર હોય એમને લોનના હપ્તા ભરી દેવાની ઇચ્છા હોય છે. જે નાના ઘરમાં રહેતા હોય એમને મોટા ઘરમાં જવાની ઇચ્છા હોય છે. તો જેમના ઘરના  હપ્તા ઓલરેડી ચૂકવાઈ ગયા હોય એમને ઘરમાં ફર્નિચર વસાવવાની ઇચ્છાઓ હોય છે. જેમનું ઘર ફર્નિચરથી સુસજ્જ હોય એમને વળી એ તોડાવીને નવું લેટેસ્ટ સ્ટાઇલનું ફર્નિચર વસાવવાની ઇચ્છા હોય છે. વળી અમુકને બધાની શાંતિ હોય તો અમુક વહેમ કે અંધશ્રધ્ધાઓના ભૂત મગજમાં ભરાયેલા હોય કે આ ઘરમાં આવ્યા પછી અમારી ધંધામાં ચડતીના બદલે સતત પડતી જ થઈ છે, વાસ્તુશાસ્ત્ર પ્રમાણે આ મકાનનુ પ્રારૂપ આ પ્રકારનુ રાખવુ જોઈએ કે આંગણ વચ્ચે હોય.

આંગણ કેવા પ્રકારનુ હોવું જોઈએ-

આ મધ્યમાં ઉંચુ અને ચારે તરફથી નીચું હોય. જો આ મધ્યમાં નીચુ અને ચારે બાજુથી ઉંચુ હશે તો એ તમારી માટે નુકશાનદાયક છે.

આવુ આંગણ હોય તો તમારી સંપત્તિ નો નાશ થઈ શકે છે. પરિવારમાં વિપદા વધશે.

વાસ્તુ મુજબ આંગણની લંબાઈ અને પહોળાઈના સરવાળાને આઠ થી ગુણીને નવથી ભાગવાથી શેષનુ નામ અને ફળ આ રીતે જાણો – પછી શેષના આંકડા આપીને તેના પરિણામો આપ્યા હોય .

આ બધા ચક્કરોના કારણે આ દિવાળીએ થોડી પૈસાની તડજોડ કરીને પણ બધું તોડીને ઘર ફરીથી વાસ્તુને અનુકૂળ બનાવી દઇએ.

કાં તો અમુક જગ્યા આગળ વધે એવી શક્યતા છે, તો એ પ્રમાણે ઘરને થોડું મોટું કરીએ તો થોડી મોકળાશની જગ્યા ઉમેરાય. આ એરિયા જ રહેવા જેવો નથી, પાડોશી સારા નથી- ઉપરવાળા જેમ તેમ કચરો નાંખ્યા કરે જે આપણા આંગણામાં પડે રાખે છે, છોકરાઓ પણ ટાઈમ કટાઇમ જોયા વગર આખો દિવસ ધમાચકડી મચાવે રાખે છે, કેટલું સમજાવ્યું પણ પથ્થર પર પાણી જ ..વળી બાથરુમ લીકેજ થાય છે એ રીપેર કરાવવા માટે પણ  તૈયાર થતા નથી આખા ઘરની દિવાલો જુવો તો ભેજ ભેજ..આવા ઘરમાં તો કેમ રહેવાય,  નીચે ધીમે ધીમે શોપિંગ સેન્ટર બનતું ગયું છે એ પણ ન્યુસન્સ જ થઇ ગયુ છે..આખો દિવસ માણસોની અવર જવર, કોલાહલ..બપોરના કે રાતના સૂવા માટે શાંતિ જ ના મળે ને.. અહીંટ્રાન્સપોટેશનની ફેસિલીટી પ્રોપર નથી, સગા સંબંધીઓના ઘર બહુ દૂર પડે છે…આવા તો ઢગલો કારણો માણસોને મળી રહે છે.

યેન કેન પ્રકારેણ.. પોતાના ઘરથી માનવીને કોઇ દિવસ સંતોષ થતો જ નથી.

દર વખતે મને એમ થાય કે આ વખતે તો પેલો ‘કન્ટેસ્ટન્ટ’ કંઇક નવી જ ઇચ્છા જાહેર કરશે પણ અફસોસ..મને એ જ જૂનો પુરાણો જવાબ  સાંભળવા મળે. હા અપવાદરુપે કોઇક વીરલો આવી જાય, પણ એ બધું બહુ ઓછા અંશે જોવા મળે.

કેમ આમ..!!!!

હમણાં જ ઘરની સામે તાજી જ વિયાયેલ કૂતરી પોતાના પાંચ ભટોળિયાને પોતાના શરીરની હૂંફ વડે ગરમાવતી નિરાંત જીવે સૂતેલી દીઠી. ચોમાસાનો સમય અને આવી હાલત. કૂતરીપોતાના શરીર વડે શક્ય એટલા ગલૂડીયાઓને ઢાંકવાનો પ્રયત્ન કરતી કરતી પાછી ઝોકે ચડી જતી.

આજકાલની ઋતુઓ હવે પહેલાં જેવી આગોતરી ભાળ મેળવી શકાય એવી સરળ નથી રહી. ભરતડકે વરસાદ પડી જાય અને વાવાઝોડાના અંધકારમાંથી અચાનક તડકો પણ રેલાઇજાય. સાવ જ અકળ. કૂતરી પોતાની તનરુપી છત્રીનું ક્ષેત્રફળ વધારવાના સતત પ્રયાસ કર્યા કરે છે. વરસાદ તો બંધ થયો.  હવે ખાવાનું શોધવા માટે જવાનું થાય તો આ બચ્ચાઓનું શું કરવું એ યક્ષ-પ્રશ્ન ! કૂતરી બાજુમાં માટી ખવરી ખવરીને થોડો ખાડો બનાવી દે છે. બચ્ચાંઓને એમાં ધકેલી દે છે અને પછી તો ઉપરવાળો બેઠો જ છે ને ચાર હાથવાળો..એમના ભરોસે મૂકીને એ ખાવાનું શોધવા ઉપડી જાય છે.

માટી, માતા, મજબૂરી, ઉપરવાળાના  ભરોસે જન્મનારાને રમતા મૂકી દેવાની અલગારીતા. આ બધા આગળ એ કૂતરીને પોતાના ઘર હોવું જોઇએ એવી કોઇ જ જરુરત નથી ઉદ્દભવતી. કેટલી ઓછી વસ્તુઓમાં પણ એનું ગુજરાન સુખેથી ચાલે  છે..!!

ઘર એટલે હૂંફનો માળો જ હોય ને. પરિવારજનોની હૂંફ, પ્રેમ, સંતોષ  હોય તો એવા ઘરને છોડીને માનવીને સ્વર્ગમાં જવાની ઇચ્છા પણ ના થાય. જરુરિયાત અને મોજ શોખ વચ્ચેની પાતળી ભેદ રેખા સમજી શકો અને સંતોષની નદીમાં નાહી શકો તો એ પછી  અનુભવાતી તાજગી તમને  કોઇ જ જાતના સુગંધી સાબુ, માલિશ, સોના બાથ, સ્ટીમબાથ કે બ્રાન્ડેડ કપડાં થકી નહીં મેળવી શકો. કારણ, એ તાજગી પ્રભુના વરદાન સમ સ્વ્યં-સ્ફુરેલા ઝરા જેવી દિવ્ય હોય છે.

આજકાલનો માનવી વસ્તુનિષ્ઠ બનતો જાય છે. મને  આ જોઇએ, મને તેના વિના નહીં જ ચાલે. પોતાની ખુશીઓને પરાધીન બનાવી મૂકે છે. એની જાણ બહાર એના આનંદનું ગુલામીખત ભૌતિક ચીજવસ્તુઓના નામે લખાઇ જાય છે. કાયમ અસંતોષના હીંચકા પર આગળ પાછળ ઝૂલ્યા જ કરે છે. પણ એ ભૂલી જાય છે કે હીંચકો ભલે ગમે એટલો દૂર લઈ જઈ શકે પણ એણે પોતાની જગ્યાએ પાછો આવવું જ પડે છે. એ દૂરતા તો સીતાના મૃગ જેવી આભાસી હોય છે.

સંવેદનબધીર સમાજની  કરુણતા એ છે કે આપણે ભોળપણને મૂર્ખતામાં ખપાવીએ છીએ અને કપટને સ્માર્ટનેસમાં. સંવેદનાના, માનવતાના મહાન મૂલ્યોની હોળી સળગાવીને મેળવાતામાનવીના રૂપાળા, સુખ-સગવડીયા ઘરના બહારના રૂપરંગથી અંજાઈને ચકાચોંધ થઈ જતી આંખો, એ ઉજાસ પાછળ કેટલાય માનવઅશ્રુઓની નદીઓ વહેલી છે, કેટલીય જુવાનજોધ આંખોના હીર ચૂસી લેતા રાતદિનના ઉજાગરા વણાયેલા છે, કેટલાં પ્રેમાળ પરિવારો તૂટ્યાની વેદનાના ડુસ્કાંનો કોલાહલ પડઘાય છે, લોનોના હપ્તા ભરી ભરીને બેવડ થઈ ગયેલી કમર સાથે કેટલાંય ખમીરવંતોના ખમીર  ધૂળમાં રગદોળાઇને ચકનાચૂર થઈ ગયેલા છે.. આવી ઢગલો હકીકતો નિહાળી જ નથી શકતી.

કુદરતના ખોળે ઊછરવાનું, એને અનુકૂળ થઈને સરળતાથી જીવનાનું, એ બધું ભૂલીને માનવી પોતાના સુખ સગવડોના સાધનો વધારવામાં સતત પ્રકૃતિની સાથે બાથ ભીડતો જ જોવા મળે છે. પોતે શું કામ પ્રકૃતિને અનુરુપ થાય એને મારી અનુરૂપ થવું જોઇએ. હું આખી દુનિયાનેમારી બુદ્ધિ પ્રતિભાથી ઝુકાવી શકું છું, મહા સમર્થ છું , એવા ક્ષણિક વિજયના મદમાં ઝૂમતો થઈ ગયો છે.

આજકાલનો માનવી ધરતીમય, નદીમય, લીલાછમ વ્રુક્ષમયના બદલે સિમેન્ટમય,પ્લાસ્ટિકમય, સ્ટીલમય થતો ચાલ્યો છે. એ બધાના ખપ્પ્પરમાં કુદરતની મૂલ્યવાન ધરોહર જેવા જંગલો, માસૂમ પ્રાણીઓ – પક્ષીઓ  વગેરે હોમતો જાય છે.

કુદરત જેવું મહાન ફાંટાબાજ બીજું કોઇ નથી. આ બધાના બલિદાન એ નિરર્થક નથી જવાદેતી. ‘ગ્લોબલિયા વોર્મિંગ’ નામના રાક્ષસના વિકરાળ પંજામાં એ બધી ઋતુઓના સંતુલન,માનવજાતની પાણી, અનાજ જેવી મૂળભૂત જરૂરિયાતોનો હવાલો સોંપી દે છે. પરિણામે ચાંદ પર જઈને બેઠેલો, મંગળ ગ્રહ પર પણ જીવન શોધી આવનારો મહાન માનવી પોતાની ધરતી પર જ કુદરત સામે વામણો બની જાય છે.

જે ઘર માટે,  સુખસગવડો માટે એણે રાત દિન એક કરીને  ધમપછાડા કર્યા હોય છે, એ જઘર, સુખ સગવડો કુદરતની એક જ લપડાક સમા ધરતીકંપ, અતિવૃષ્ટિ – દુકાળ, સુનામી,વાવાઝોડા સામે પળવારમાં જ ચકનાચૂર થઈ જતું જુવે છે અને એ બધામાંથી જાન સલામત બચે તો દૂર ઉભા ઉભા પોતાના જીવનની આટલી દોડધામની નિરર્થકતા પર બે હાથની હથેળી પરસ્પર મસળતો ઉભો રહ્યા સિવાય કશું નથી કરી શક્તો.

સ્નેહા પટેલ – અક્ષિતારક

 

કીટ્ટા – બીટ્ટા…


‘ખેતીની વાત’ મેગેઝિનમાં કોલમ ‘મારી હયાતી તારી આસ-પાસ’નો નવેમ્બર માસનો મારો લેખ.

હમણાં જ મેં શ્રી હરિશચંદ્ર ભટ્ટનું સરસ કાવ્ય વાંચ્યું. કાવ્યનું નામ  હતું ‘એકો અને નાર્સિસસ’.

નાર્સિસસ અનહદ સુંદર પુરુષ હોય છે. જોકે એ જમાનામાં અરીસાની શોધ ના થઈ હોવાથી નાર્સિસસને પોતાના અપ્રતિમ સૌંદર્યની જાણ નહોતી. એ અત્યંત ઘમંડી હોય છે. એની દેદીપ્યમાન કાંતિથી આકર્ષાઈને પ્રેમથી છલોછલ એવી ‘એકો’ નામની સ્ત્રી પોતાની નાજુકાઈ અને પ્રેમનું પાત્ર લઈને એની નજીક આવવાનો પ્રયત્ન કરે છે. એ તો પોતાના વ્યક્તિત્વ – અસ્તિત્વનું વિલોપન કરીને સંપૂર્ણપણે નાર્સિસસની થઈને રહેવાની તીવ્ર ઝંખના સેવે છે. પણ એના નાજુક પ્રેમનો સામો પડઘો ના પડતા એ નાજુક પરીનું દિલ તૂટી જાય છે,  હૈયું વલોવાઇ જાય છે. છેલ્લે પ્રેમનો આર્તનાદ કરતી કરતી એ અ…નં..ત…માં ડૂબી જાય છે અને રિબાઈ રિબાઈને મરણને શરણ થઈ જાય છે.

નાર્સિસસ વન-વિહાર કરતો કરતો એક દિવસ એક ઝરણાના પાણીમાં પોતાના રૂપને જોઈને પોતાની જ જાત પર મંત્ર-મુગ્ધ થઈ જાય છે. સ્વયંના પ્રેમમાં અંધ બનેલો એ યુવાન પોતાના જ રૂપમાં પીગળતો-ઓગળતો જાય છે અને સાનંદાશ્રર્યની સ્થિતીમાં ત્યાં ઉભો ઉભો જ મૃત્યુને શરણ થઈ જાય છે. ગ્રીક દંતકથામાં એ ફૂલ બની જાય છે. જે ‘નાર્સિસસ’ના નામથી ઓળખાય છે. ફારસીમાં આને ‘નરગીસના ફૂલ’ તરીકે ઓળખવામાં આવે છે.

આ વાત એટલા માટે યાદ આવી કે તું કાયમ મને કહે છે કે, ‘તું મને દુનિયાની સૌથી વધુ વ્હાલી વ્યક્તિ છે’…સાંભળીને હું અતિશય આનંદ પણ પામું છું. પણ બીજી જ ક્ષણે મને તારા વર્તનમાં ‘મારી જાતને હું જ સૌથી વધુ પ્રિય છું’ જેવો આત્મપ્રેમ દેખાય છે. એવું સાંભળવામાં આવ્યું છે કે પુરુષો પ્રેમમાં વધુ આત્મકેન્દ્રી હોય છે. પોતે જ પોતાની જાત પરના અહોભાવથી અભિભૂત – ઓળઘોળ હોય છે. તો શું તું પણ ક્યાંક આવો જ તો નથી ને ?

કાલે જ આપણી વચ્ચે એક નાની શી વાતમાં ઉગ્ર ચર્ચા થઇ હતી. આજે એ વાતને લઈને તું કેટલો દૂર જતો રહ્યો છે. મારી લાગણી-વર્ષા બધીયે વ્યર્થ જ જાય છે , પેલી પ્રેમાળ પરી ‘એકો’ની જેમ જ સ્તો..

રેઈનકોટી સંબંધે

તું

લાગણી-વર્ષા

શીદ કરે…!!!!!

કેવો નિર્દયી છે તું. હું અહીં તારા પર આખે આખી જાત ઓવારીને બેઠી છું, દિલ નિચોવીને વરસી રહી છું ને તું..એક નાની શી વાત પર મારાથી નારાજ થઈને દિલ પર દિમાગનું મીણીયું કવચ ઓઢીને બેસી ગયો છે. મારું બધુંય વરસવું એના પરથી ટપ ટપ કરતું’ક ને નીચે સરકતું જાય છે.

‘બુંદ બુંદ નીચોવાઈ જનાર વાદળી

કાયમ

પોતે તો કોરી ને કોરી જ’

કેવો અભાગિયો જીવ !

તું સમજતો કેમ નથી કે પ્રેમ હોય ત્યાં થોડા ઘણા મતભેદ તો હોય જ. આ તો એકદમ સ્વાભાવિક વાત છે. ‘તું તારા રસ્તે હું મારા રસ્તે’વાળો માનવીય સ્વભાવ ઠેકડાં મારી જાય, પળ બે પળનો અહમ સમગ્ર ચિત્તપ્રદેશ પર છવાઈ જાય. પણ આવા ઝગડાંઓ તો મીઠા ઝગડાં કહેવાય.

‘કેટલી બદનસીબ પળ

મેં કહ્યું કીટ્ટા

અને તેં કહી દીધું

આજથી આપણે છુટ્ટા’

આવું ના કર.

તને ખબર છે આવા ‘કીટ્ટા’ના પ્રસંગો પછી પ્રિયા સાથે ‘બીટ્ટા’ કરવાની લિજ્જત જ કંઇક અલગ હોય છે. એ રિસામણા-મનામણાની જેવી આવડે તેવી, કાલી ઘેલી પ્રેમ પ્રદર્શિત કરવાની ભાષા કેટલી અદ્દભુત હોય છે !! અહાહા..તમારું દિલ તમારા દિમાગ પર હાવી થઇ ગયું હોય અને તમે કશું જ વિચાર્યા વગર મનમાં જે વાત આવે એ વાત સામેવાળાના કાનમાં પ્રેમપૂર્વક, જતનપૂર્વક રેડયા જ કરો..કાનથી દિલ સુધીનો એ રસ્તો બને એટલી ત્વરાથી પાર કરવાની લાલચ દિલમાં ધરી એને રીઝવવાના અવિરત પ્રયાસો કર્યા જ કરો. આ બધી પળોનું વર્ણન કદાચ દુનિયાની કોઇ જ ભાષામાં ના થઈ શકે. આ બધા માટે તો દુનિયાએ એક નવો શબ્દકોશ બહાર પાડવો પડે,

‘પ્રેમનો શબ્દકોશ’.

આ શબ્દકોશ દુનિયાની દરેક યુનિવર્સિટીમાં ભણાવવો ફરજીયાત હોવો જોઇએ. તો શબ્દોના સ્થાને દિલની લિપીમાં લખાયેલા આ અદભુત શબ્દકોશના એ સંકેતો ઉકેલી ઉકેલીને કેટલાય લોકોના જીવન પ્રેમથી મઘમઘી ઉઠે, નીતનવા પ્રસન્ન્તાના ઝરા ફૂટ્યા જ કરે. નફરત જેવી દાહક, ઘાતક લાગણીઓના રાવણદહન થઈ જાય અને પ્રેમની વિજયાદશમીના તહેવારો ઉજવાય.

પણ તું તો જો..કેટલો બેપરવા..મને મનાવવાને બદલે સાવ લાગણીશૂન્ય થઇને બેઠો છે. હું અહીં લળીલળીને વિનવણી કરું છું, માફી માંગુ છું, વારંવાર કહુ છું કે જે ભૂલ થઈ ગઈ એ મને કહે ! પણ છતાં તું એક હરફ નથી ઉચ્ચારતો. જબરો ભેદી…પ્રતિ-ઉત્તરમાં મોઢા પર કોઇ પણ જાતની લાગણી વગરનું કોરુંધબ, રહસ્યમય મૌન જ મૌન. તને ખબર છેને કે, ‘આ તારું મૌન મારો જીવ લઈ જશે’ એમ છતાં આવું વર્તન ! કોઈ પણ વાતે ના તો તું ‘ના’ બોલે છે કે  ના તો ‘હા’. આવું થોડું ચાલે? કંઇક બોલ તો ખબર પડે મને !

એક બાજુ આવી રહસ્યમયતા અને સામે પક્ષે એક ગભરુ, નાદાન દિલ..’બાપડું બિચ્ચારું’ જ બોલાઇ જાય એવી હાલતનું સર્જન શીદને કરે છે ? નથી સહેવાતું હવે આ બધું.

‘એક કાજળઘેરું મૌન તારું,

ઉપરથી નિર્લેપતાના લેપવાળું.

શબ્દોની ધાર ચકાસી લેવા દે,

એ જ આખરી હથિયાર મારું,

વાંચીને પણ તું જો ના પીગળે તો,

લખેલું બધું યે ધૂળ મારું…’

આવું જ કંઇક છે આજે. અત્યારે તો મારા શબ્દો જ મારી મૂડી છે. લાગણીના સાંચામાં ઢાળીને એને તારી સમક્ષ જીવ રેડીને પીરસું છું. સામે પક્ષે તું પણ તારી અહમની મમત છોડી દે. કારણ દિલના દર્દીને દિમાગથી ચાલનારા, એનું માનનારા ચાલબાજ, દુનિયાદારીનો માણસ નહીં સમજી શકે. બાકી તો,

‘જો તું તારો ’અહમ’ ના વહાવી શકતો હોય

તો મારા આ પ્રેમના ’ગંગા – વહેણ’ પણ નકામા…’

આમ સરળતાથી સતત વહેવું એ મારો સ્વભાવ છે, જે બદલવો મારા હાથમાં નથી. આ સરળપણાનું અનમોલ મોતી જે તારે હાથ લાગ્યું છે એનું મહત્વ સમજ. હીરાને કાચ સમજવા જેટલો નાદાન ના બન. મારા ગમા-અણગમા બધાંય તારા એક એક બોલને આધીન હોય છે એની તો તને ખબર છે ને.

‘આ શું થઈ ગયું ? મેં શું મેળવ્યું ?  શું ગુમાવ્યું ?’  આહ..ઓહ..આ લાગણીની લેતી દેતીમાં કેટલો નફો -કેટલી ખોટ..મારી સમક્ષ આવા પ્રશ્નોના ખડકલાં ના કર,  મહેરબાની કર. અરે, પ્રેમના પથ પર ચાલનારાથી આમ કંઇ માપ-તોલના છાબડાં લઈને થોડી બેસાય ?

‘જેને ચાહ્યો ધોધમાર વરસીને, મન મૂકીને,

એ આજે પ્રેમની સાબિતી માંગે છે.

પ્રેમના કોઈ તોલ માપ ધ્યાનમાં હોય તો કહેજો,

આ તો મારા જીવતા હોવાની સાબિતી માંગે છે !’

અહો આશ્ચર્યમ..!!

આ ‘આહ’ની અરેરાટી, ભયજનક સ્થિતીમાંથી મને બહાર કાઢ અને ‘અહા’નો એક હાશકારો ભરેલ શ્વાસ અર્પણ કર. આપણા પ્રેમની પવિત્રતાને વિશ્વાસનું થોડું તર્પણ કર. તારા દિલની સિતાર પર મારા પ્રેમને થોડો ફરકવા દે, મારે પણ તારી ખૂબ ખૂબ જરુર છે, હું પણ તને અનહદ ચાહુ છું જેવા દુનિયાના સૌથી મીઠા સૂરો આલાપવા દે. પ્રેમની લાગણીને આટલી ભારેખમ ના બનાવી દે, બધું ય ભૂલીને ફરીથી પહેલાં જેવો સરળ અને પ્રેમાળ થઈ જા અને એક્વાર ફરીથી વિશ્વાસના હિંડોળે મને બેસાડીને ઝુલાવ. એટલું ઝુલાવ એટલું ઝુલાવ કે ધરતીને અડતા પગ ઉપરનું તન છેક આભને જઈને સ્પર્શી જાય, ક્ષિતીજની રળિયામળી અલૌકીક દુનિયા મારા શ્વાસો-શ્વાસની ગરમીથી ધુંધળાઈ જાય.

તને તો અનુભવ છે ને કે પ્રેમ મળે અને જે ખુશી મળે એના કરતાં પણ પ્રેમ આપીને એક અદ્દભુત ખુશી મળે છે. એ સમયે આપણે પ્રભુની અત્યંત નજીક હોઇએ, એના લાડકવાયા સંતાન હોઈએ એવું લાગે છે. પ્રેમ એક ચમત્કાર જ છે. શ્વાસો-શ્વાસ જેટલી જ જરૂરી સરળ અને સાહજીક પ્રક્રિયા છે. તો આ ચમત્કારીક ઘટનાનો એક હિસ્સો બન, આમ એક એક પળ  ભેગી કરી કરીને રચેલો મારો લાગણીનો માળો સંવેદનોની શૂન્યતાને આધીન થઈને બર્બરતાથી પીંખી ના નાંખ. મારા અસ્તિત્વ- મારી હયાતીને આ કક્ષાની લાચારીએ ના લઈ જા.

અરે…આ કંઇક નવાઈની લાગણી ચિતોપ્રદેશમાં વિહરવા માંડી. શું નામ છે એનું વિચારવા દે જરા. ઓહોહો. આ તો વેદનાના આસવ ઘૂંટી ઘૂંટીને દિલમાં એક ખુમારીએ જન્મ લઈ લીધો છે. એ તને કહ્યા વિના રહી શકતી નથી,

‘પ્રેમ છે તો કબૂલી લે

બાકી તો

ખુમારી ભરી છે મારાંય રોમે-રોમમાં’

મને તારી દયા કે અનુકંપા કદી નહીં ખપે. વેદના જીરવાઈ જશે પણ અનુકંપા ક્યારેય નહીં. આ વાત બરાબર ધ્યાનમાં રાખજે. આવું થાય તો આપણા સંબંધોની પ્રસન્નતા, ઔદાર્ય નહીં જળવાય. પ્રેમ કરવામાં અભિમાન કે અહમ કદી વચ્ચે ના આવવો જોઇએ.

‘શું તારું કે શું મારું,

હવે તો સંધુયે આપણું સહિયારું’

આ ભાવનાને માન આપી સહિયારા સ્વમાનને પોસવાનું, સાચવવાનું એ તો પ્રેમમાં વણબોલાયેલ, વણકહેવાયેલ વચનોની વાત છે એ ખાસ ધ્યાન રાખવું ઘટે.

અરે હા..પેલી ગ્રીક પરીના પ્રેમનો પડઘો પાડવામાં અસફળ એવા નાર્સિસસને એના ફૂલને ઓળખનારું કે જોવાવાળું ભાગ્યે જ મળે છે. ‘એકો’ની નાજુક – પવિત્ર ભાવનાની ઉપેક્ષા કરનાર નરગિસનાં પુષ્પને હજારો વર્ષ પછી પણ કોઈ પારખનારું નથી મળતું. સાવ એકલું અટૂલું કોઇ એની જોડે વાત કરે એના માટે ઝૂર્યા કરે છે. થોડામાં ઘણું સમજી જાને હવે  !!

 

-સ્નેહા પટેલ – અક્ષિતારક.

સહનશક્તિ


 પંખીવછોઇ કોઇ એકલી જગાને તમે માળો કહેશો કે બખોલ?

                   જોવાતી હોય કોઇ આવ્યાની વાટ ત્યારે ભણકારા વાગે કે ઢોલ ?

 

-રમેશ પારેખ

 

‘મારા પ્રિન્સને તો કોઇ પણ વાતે સહન કરવાની ટેવ નથી. લગ્નજીવનના દસ વર્ષ પછી માંડ માંડ ભગવાન રીઝ્યા અને આ રતન મારી ઝોળીમાં આપેલું.  ‘દેવનો દીધેલો  -રીકીન’. તમને તો ખબર છે કે, અમારે ત્યાં પૈસાની રેલમછેલ છે. કોઇ જ વાતની કમી નથી.અત્યંત લાડકોડમાં ઉછરેલો છે મારો દીકરો. આમ બહુ ડાહ્યો છે. પણ એને ના ગમતી વાત હોય તો એનાથી સહન ના થાય. એ તરત જ વળતો પ્રહાર કરી બેસે છે’.

 

રીતુબેન પોતાની નવી-નવી બનેલી બહેનપણી ઉષ્માબેન જોડે  પોતાના હીરો હીરાલાલ, કનૈયા કુંવર, પ્રિન્સ ચાર્મિંગ જેવા સુપુત્ર રીકીનના ભરપેટ વખાણ કરી રહેલા.થોડા ગર્વીલાભાવે એનું ‘સહેજ પણ સહન કરવાની ટેવ નથીનું રીકીન પુરાણ’ આલાપી રહ્યાં હતા. ઉષ્માબેન પણ આ ગાંડી ઘેલી પૈસાદાર માના દરેક વાક્યને ધ્યાનપૂર્વક સાંભળીને મનોમન થોડી હસી રહ્યાં હતાં.

 

એવામાં રીતુબેનને ધ્યાન ગયું કે પોતે તો દીકરાને વખાણવામાંને વખાણવામાં ઉષ્માબેનને ચા – નાસ્તાનું કંઇ પૂછ્યું જ નહોતું.

 

‘ઉષ્મા તું શું લઈશ, ઠંડુ કે ગરમ ?’

 

ઉષ્માબેનનો ચાનો સમય થઈ ગયો જ હતો. એટલે એમણે ચાની ઇચ્છા જ પ્રદર્શિત કરી.

 

‘રવજી, બે કપ આદુ -ફુદીના અને લીલી ચા નાંખેલી સરસ મજાની ચા બનાવજે ને. પહેલાં નાસ્તાની પ્લેટસ આપી જા તો અહીં ‘

 

અને રવજીભાઈ નાસ્તાની પ્લેટસ લઈને પાંચમી મિનીટે ડ્રોઈગરુમમાં હાજર.

 

‘અમારા રવજીભાઈ બહુ જ પંકચ્યુઅલ. સવારના નાસ્તા કે બેડટીમાં સહેજ પણ મોડું થાય તો રીકીનનો ગુસ્સો સાતમા આસમાને. એનાથી કોઈની રાહ જોવાની વાત સહેજ પણ સહન ના થાય’

 

અને ઉષ્માબેને ‘સહન ના થાય’ ના  લિસ્ટમાં થયેલો એક ઓર વધારો ‘ સાંભળતા સાંભળતા સામેની પ્લેટમાંથી સમોસું હાથમાં લીધું.

 

એવામાં રીતુબેનના મોબાઈલમાં રીંગ વાગી.

 

સ્ક્રીન પર નજર પડતાં જ એમનું મોઢું સ્મિતથી ભરાઈ ગયું.

 

‘આ તો મારો પ્રિન્સનો નંબર, એક્સક્યુઝ મી’

 

સામે છેડેથી આવતો અવાજ સાંભળીને રીતુબેન ચોંક્યા. આ મારા રીકીનનો અવાજ નથી. આ તો બીજો કોઇ છે..કોણ હશે ? હજુ તો એમની શંકાનું સમાધાન  થાય ત્યાં તો સામેના પક્ષની વાત સાંભળીને રીતુબેનના હોશકોશ ઉડી ગયા.

 

‘શું વાત કરો છો..આવું કંઇ રીતે બની જ શકે..તમે ખોટું બોલો છો..’

 

અને ધ્રાસ્કાભરેલા અવાજ સાથે કાંપતા હાથમાંથી રીતુબેનના હાથમાંથી ફોન નીચે પડી ગયો ને સોફામાં ધબ…દેતાકને બેસી પડયાં.

 

ઉષ્માબેન એકદમ ઉભા થઈ ગયા. ‘શું થયું રીતુ ? કેમ આમ વર્તન કરે છે સાવ ? કોનો ફોન હતો ?’

 

રીતુબેન સાવ ખાલી ખાલી આંખે ઉષ્માબેનની સામે જોઈ રહ્યાં. એમના મોઢામાંથી એક પણ શબ્દ ના નીકળ્યો.

 

ઉષ્માબેને એમનો ફોન હાથમાં લઈને કાને માંડ્યો.

 

‘હેલો ..કોણ ?”

 

‘હેલો અમે સાકરવાડા પોલીસ સ્ટેશનથી બોલીએ છીએ. આ ફોનના માલિક મિ.રીકીનનું ખૂન થયું છે. તો આપ બને એટલી ઉતાવળે પોલીસ સ્ટેશન પર આવી પહોચો’.

 

ઉષ્માબેને તરત રીકીનના પિતા દેવભાઈને આ મેસેજ આપી દીધો અને રીતુબેનને થોડી હામ બંધાવીને એમની સાથે પોલીસ સ્ટેશને પહોંચી.

 

આખા રસ્તે રીતુબેને એક જ વાક્યનું રટણ કરતાં હતાં કે, ‘મારો દીકરો તો સાવ સીધો, કોઇ જ કુટેવ પણ નહોતી તો એને વળી કોણ મારી શકે? પોલીસની ભુલ થતી લાગે છે. આ મારો રીકીન  હશે જ નહીં’.

 

પોલીસ સ્ટેશને જઈને જે દ્રશ્ય આંખોસામે આવ્યું એ ખરેખર અરેરાટીભરેલ હ્તું. એ લાશ રીકીનની જ હતી.

 

રીકીન એના મિત્રો સાથે પિક્ચર જોવા ગયેલો. એની પા્છળની સીટ પર કોઇ મવાલી છોકરાઓ પિકચરમાં વારંવાર કોમેન્ટ્સ કરતાં હતાં. એમના પગ આગળની સીટ પર લટકાવતા જેનાથી રીકીનના માથે એના ગંદા જૂતા અથડાતા હતા. રીકીનથી એ બધું સહન ના થયું. એના મિત્રોએ જોયું કે એ મવાલીઓ ચાકુ અને રિવોલ્વર જેવા હથિયારોથી સુસજ્જ હતાં. એમની સાથે બાખડવામાં સહેજ પણ સમજદારી નહોતી.

 

‘રીકીન, જવા દે ને. ઝઘડવામાં આપણાથી સાવ એમના જેવી કક્ષાએ જઈ નહી શકાય. વળી એ બધા ચાકુ અને રિવોલ્વર લઈને ફરે છે. આપણે જ સીટ બદલી કાઢીએ ચાલ. જો આગળની થોડી સીટ્સ ખાલી છે.’

 

પણ રીકીન જેનું નામ..કોઇની દાદાગીરી કે પોતાને ના ગમતી વાત કેમની સહન કરાય ? ‘સહન કરવાની’ તો એને સહેજ પણ ટેવ નહોતી અને ચાલુ પિક્ચરે પેલા છોકરાઓ સાથે બાખડી પડ્યો. દાદો હોય તો એના ઘરે. મારે કેટલા ટકા અને એણે સામે પેલા મવાલી છોકરાને બે ચોપડાવી દીધી.પરિણામે એ ગેંગના સાત – આઠ જુવાન છોકરાઓએ ભેગા થઈને રીકીનને બરાબરનો મેથીપાક ચખાડ્યો. એમાં એક છોકરાનું ચપ્પું રીકીનના પેટની આંતરડીઓને ચીરતાં આરપાર નીકળી ગયું અને રીકીનના ત્યાં જ બાર વાગી ગયા.

 

અને નીતરતી આંખે રીતુબેન વિચારી રહ્યાં કે ,

 

‘કાશ એમણે રીકીનને થોડું વ્યવહારિક જ્ઞાન આપીને જીવનની કડવી સચ્ચાઈઓનો સામનો કરવાનું શીખવાડ્યું હોત,  જીવનમાં બધી જગ્યાએ પૈસાનો રોબ નથી ચાલતો – અમુક જગ્યાએ મને કમને થોડું નમવું પણ પડે છે,’તેલ જુવો ને તેલની ધાર જુવો’ જેવા પાઠ સમજાવ્યા હોત, થોડું સહન કરતાં શીખવાડયું હોત તો કદાચ આજે એનો રીકીન જીવતો હોત.’

 

અનબીટેબલઃ-  Respect the fact that patience and politeness are not a person’s weakness, but they are the reflections of the person’s inner strength.

-unknwn.

Click to access panch_01.pdf

Click to access panch_02.pdf

સ્નેહા પટેલ – અક્ષિતારક