જીંદગી


જીંદગી પણ બહુ અજીબ ઘટના છે
એકાંતના વજન અસહ્ય
અને
ભીડમાં શ્વાસની રુંધણામણ !!

સ્નેહા પટેલ – અક્ષિતારક

વિશ્વાસ :


ફૂલછાબ દૈનિકમાં ‘નવરાશની પળ’ કોલમનો મારો આજનો લેખ

દિલનાં ઉંબરે લાગણી ટકોરા મારી જાય છે,
કોઈ બદનશીબ દ્વાર બંધ કરીને સૂઈ જાય છે.

૧૮ વર્ષનો અસીમ આજે ખૂબ વિહવળ હતો. એની ગર્લફ્રેન્ડ ‘એશા’એ એને ડ્મ્પ કર્યો હતો. એના જેવા સ્માર્ટ, હેન્ડસમ, પ્રામાણિક,સરળ અને સૌને મદદ કરવા માટે કાયમ તૈયાર એવા છોકરા જોડે આવું વર્તન !!
એની દોસ્તી માટે કેટ કેટલી છોકરીઓ પડાપડ કરતી હતી. પણ એ હંમેશા આવી બધી વાતોથી દૂર રહેતો હતો. એના માટે કોઈ પણ છોકરી સાથે આ પ્રકારના સંબંધો બાંધવાનો મતલબ એ સંબંધોને પ્રામાણિકતાથી નીભાવવા અને એ સંબંધને છેક એના અંતિમ પડાવ લગ્ન સુધી જવા એવો હતો. હંમેશા એ પોતાની ઊંમરના બીજા મિત્રોને કહેતો રહેતો કે ,’છોકરીઓ એ કંઇ મનોરંજન કે ટાઈમપાસનું સાધન નથી’. એના મિત્રો એને હસીને ‘વેદિયો, એકવીસમી સદીમાં સત્તરમી સદીનો ભુલો પડેલો કોઇ આત્મા’ કહીને એની મજાક ઉડાવતા. એમ છતાં બધા અસીમને સંવેદનશીલ અને વિશ્વાસુ મિત્ર તરીકે માનની નજરથી જોતાં હતાં. એના પોઈંટ ઓફ વ્યુ એ લોકો ભલે સ્વીકારી ના શકે પણ એ સાચા અને આદર્શ તો છે જ એ વાત સાથે મનોમન સહમત પણ થતા.

જ્યારે એણે એશા સાથેના પોતાના રીલેશન મિત્રો સમક્ષ જાહેર કર્યા ત્યારે બધા નવાઈ પામેલાં. સોળ વર્ષીય એશાના બે પ્રેમ-પ્રકરણો તો કોલેજ જાહેર હતાં. અસીમ જેવા છોકરાને એશાએ સામેથી ‘પ્રપોઝ’ કરેલુ. અસીમે પહેલાં તો ના જ પાડેલી પણ પછી યેન કેન પ્રકારેણ, જાતજાતના વાયદાઓ કરીને એશાએ એને મનાવી જ લીધેલો. અસીમ સિવાય બધાંય આ પ્રેમ પકરણનો આવો જ અંત આવશે એવું બહુ જ મક્ક્મતાથી માનતા હતા.

આજે બે વર્ષની ગાઢ રીલેશનશીપ પછી એશાએ પોતાનો અસ્સ્લ સ્વભાવ બતાવતા અસીમ ચકરાઇ જ ગયો. એણે આ સંબંધમાં આંધળો વિશ્વાસ મુકેલો. આ સંબંધના ભવિષ્ય તરીકે એણે કેટકેટલા સપનાઓ જોયેલા. એના મા-બાપને પણ આ છોકરી સાથે પરિચય કરાવવા માંડેલો અને એ જ એશા આજે સાવ આમ છેલ્લી હદ સુધી…..

અસીમ સાવ જ તૂટી ગયો. એની દુનિયામાં જાણે અંધારું જ છવાઇ ગયું. સતત એક નકારાત્મક લાગણીના વર્તુળમાં એ કેદ થતો ચાલ્યો. એને એમ જ લાગતું કે આ દુનિયામાં કોઇ જ માણસ પૂરા વિશ્વાસને લાયક જ નથી. સાવ આમ છેલ્લી કક્ષાનો વિશ્વાસ હવે એ કોઈ જ માણસ પર ક્યારેય નહીં મૂકી શકે. દરેક સંબંધોથી પોતાની જાતને એ દૂર કરતો ગયો. કોઇ જ વ્યક્તિ સાથે એને હવે એ મન ખોલીને વાત પણ નહતો કરી શક્તો.
હવે તો એનું ડીપ્રેશન હદ વટાવતું હતું. પોતાના રુમમાં ભરાઈને કલાકોના કલાકો ખબર નહીં શું કર્યા કરતો !! મનની બીમારીએ આખરે એના તન પર પણ દેખાવાનું ચાલુ કરી દીધું. દિવસે દિવસે એની તબિયત બગડવા લાગી હતી.

એના જ ગ્રુપની ઇશિકા કરીને એક છોકરી એને મનોમન ખૂબ જ પ્રેમ કરતી હતી. પણ એશા અને એના સંબંધની જાણ હોવાથી એ અત્યાર સુધી ચૂપ રહેતી હતી. એક દિવસ મન મક્કમ કરીને એ અસીમની પાસે ગઈ અને હતી એટલી બધી હિંમત ઝુટાવીને એણે અસીમને ‘આઈ લવ યુ’ કહીને બે હાથ વચ્ચે એનું માથું પકડીને એના કપાળ પર એક હલ્કી કીસ કરી દીધી. અસીમ બે પળ તો બધવાઈ જ ગયો. એક્દમ છેડાઇ જ ગયો. ‘તું આ શું કરે છે ઇશિકા તને કંઇ ભાન છે?’

‘હા..મારે તારી સાથેના આ સંબંધ તું હંમેશાથી કહેતો આવ્યો છે, માનતો આવ્યો છે એમ જ છેક લગ્ન સુધી લઇ જવા છે’.

‘લુક ઇશિકા, તુ બહુ જ સરળ અને લાગણીશીલ છોકરી છું એ મને ખ્યાલ છે. પણ હું હવે કોઇ પણ વ્યક્તિ પર ક્યારેય વિશ્વાસ નહી કરી શકું. મારી સાથે લગ્ન કરીને પણ તને એ વિશ્વાસ કે પ્રેમ નહી મળે જેની લગ્ન પછી તું હકદાર હોઈશ’.

‘મને મારા પ્રેમ પર વિશ્વાસ છે અસીમ. મારી સાથે પણ આવું એક વાર થઈ ચૂક્યું છે. પણ એ સંબંધ મેં ઉતાવળ અને નાદાનીમાં બાંધેલો. એ પછી મને પણ એમ જ લાગતું હતું કે હું કોઇ પણ વ્યક્તિ પર કયારેય વિશ્વાસ નહી મૂકી શકું. પણ એ બધી દશા તો અસ્થાયી હોય છે. માનવી એ એક સામાજીક પ્રાણી છે. એને સંબંધો વગર ક્યારેય ચાલતું જ નથી. માણસે જીવવા માટે બીજા માણસ પર વિશ્વાસ મૂકવો જ પડે છે..વિશ્વાસ વગરના સંબંધોમાં તમે લાગણીના ઊંડાણ ક્યારેય ના પામી શકો. વિશ્વાસ એ સંબંધની જન્મકુંડળી છે. દુનિયાના બધા માનવીઓ ખરાબ કે એકસરખા ક્યારેય નથી હોતા. થોડી કાળજી અને જુના અનુભવોમાંથી શીખેલા ભાથા સાથે જીંદગીની પાટી પરથી તૂટેલા, દિલ દુખાવતા સંબંધો સાફ કરીને નવા સંબંધો બાંધવા જ પડે છે. આ જ જીંદગી જીવવાની સાચી રીત છે દોસ્ત. હા, દરેક સંબંધની એક મર્યાદા રાખ એની ના નહીં, પણ સાવ આમ જ બધાથી દૂર રહીને તો જીંદગી ના જ જીવાય. ફરી ફરીને વિશ્વાસ મુકતા રહો અને તમારી આજુ બાજુના માનવીઓને એક ચાન્સ આપતો રહે, પછી જો દુનિયા બહુ જ સુંદર, સરળ અને જીવવા યોગ્ય લાગશે.’

અને અસીમ વિચારમાં ખોવાઈ ગયો..’હા, આમ તો ઇશિકાની વાત સાચી જ છે’

અનબીટેબલ :- બે પ્રેમીઓની હથેળી આપસમાં મળે, ત્યારે એ બેયની ભાગ્યરેખાઓ પણ એક થઈ જાય તો !!


સ્નેહા પટેલ – અક્ષિતારક