extreme level


તારામાં ખુલ્લી સરળતા છે
અને આંટી – ઘૂંટીઓના જાળા પણ
બે ય વળી extreme levelના

તારામાં નિર્દોષ બાળપણ છે
અને ચતુર પુખ્તતા પણ
બેય વળી extreme levelના

તારામાં મહેંકતી મીઠાશ છે
અને દઝાડતી કડવાશ પણ
બેય વળી extreme levelના

તારામાં પ્રેમના ઝરણાં છે
અને નફરતના વોકળા પણ
બેય વળી extreme levelના

તારામાં છ્ન છ્ન ચંચળતા છે
અને કાબૂનો અનેરો મિજાજ પણ
બેય વળી extreme levelના

તારામાં માયા મોહના બંધનો છે
અને વૈરાગ્યની નિર્લેપતા પણ
બેય વળી extreme levelના

તારામાં સિધ્ધાંતીયો અહમ છે
અને ખમી લેવાની અદ્ભભુતતા પણ
બેય વળી extreme levelના

આખે આખો તું મને સમજાઈ જાય છે
અને અસંજમસમાં ગોતા પણ ખાવું છું
બેય વળી extreme levelના..

સ્નેહા પટેલ – અક્ષિતારક

લખવું


‘લખવું’ અને ‘લખાણ થકી સર્જન કરવું’ એ બેય વચ્ચે આભ જમીનનો ફરક છે.

-સ્નેહા પટેલ

:માનવ દાક્ષિણ્ય :


ફુલછાબ દૈનિકમાં ‘નવરાશની પળ’ કોલમનો આજનો મારો લેખ.

 

કેન્દ્રતરફી, ભૂમિગ્રાહી, ક્યાંથી વડવાઈ બને ?
ભલભલાં વૃક્ષ પણ ધીરેથી બોન્સાઈ બને !

હું ખરું ત્યાં, ખૂબ અરસા બાદ ઊગે વૃક્ષ ને,
સૌથી સુંદર ડાળમાંથી એક શરણાઇ બને.

– હેમેન શાહ

 

હમણાં જ ભારતીય સરકારને  એફબીઆઈના મોસ્ટ વોન્ટેડ ગુનેગાર ‘સઇદ બિન અલી અલ હુરી’ના નામે એક મેઈલ મળ્યો હતો. જેમાં અમદાવાદ લાંબા સમય સુધી ભુલી ના શકે એવા ભયંકર ‘માનવતાના કરુણ રકાસ’ જેવા બોમ્બ ધડાકા કરવામાં આવશે, એવી દિલ દહેલાવી નાંખનારી ધમકીઓ મળી હતી. ભગવાનની મહેરબાનીથી એ ધમકીઓ તો પોકળ  ઠરી.

 

પણ હવે નવરાત્રિ અને દિવાળીના પર્વ નજીક આવી રહ્યાં હતાં. આ વખતે તો અમેરિકાથી પોતાની ખાસ બહેનપણી પ્રિયા અમદાવાદની નવરાત્રીનો રંગ માણવા સ્પેશિયલ આવવાની છે અને પોતાના ઘરેજ રોકાવાની છે. શહેરના બજાર,મોલ્સ, પાર્ટીપ્લોટ્સ,  એરપોર્ટ,  સ્વામી નારાયણ,ઇસ્કોન મંદિર જેવા ધર્મસ્થાનો..આ બધી જગ્યાએ  મારે એને લઈને ફરવાનું થશે. વળી આ બધી જગ્યાએ કાયમ નાગરિકોની મોટી ભીડ રહે અને એથી જ આતંકવાદીઓ માટે એ પ્રિય સ્થળો. જો ફરીથી આ સાઇઠ લાખની વસ્તીને ટાર્ગેટ બનાવવાનું વિચારશે અને એમાં સક્સેસ જશે તો..

 

થોડાક નેગેટીવ – અણગમતા વિચારો  વીસેક વર્ષની સુંદર નવયૌવના મહેંકના રુંવાડા ઊભા કરી ગયા. ત્યાં તો એના હાથ પર કોઇનો હળ્વો સ્પર્શ થયો અને એની આ વિચારધારા તૂટી.એક્દમ જ એને ભાન થયું કે ઓહ..એ તો અત્યારે બી. આર. ટી. એસમાં સફર કરી રહી હતી અને બેસવાની જગ્યાના અભાવે એ ઉભી ઉભી જ વિચારોએ ચડી ગઈ હતી. પોતાને સ્પર્શનાર વ્યક્તિ તરફ નજર નાંખી તો એક ૨૪-૨૫ વર્ષનો યુવાન નજરે પડ્યો, જે હાથના ઇશારાથી પોતાની સીટ પર મહેંકને બેસવા માટે કહી રહ્યો હતો. મહેંક ‘થેન્ક્સ’ સાથે એક સ્મિત આપીને  સીટ પર બેસી ગઈ.

 

બે એક મિનિટ પછી એની નજર બાજુમાં જ ઉભેલા એક ઘરડાં અને અશકત કાકા ઉપર પડી.  કમરેથી વાંકા વળી ગયેલાં કાકા હાથમાં શાકભાજીનો થેલો પકડીને, બીજા ખાલી હાથે બસમાં  પાઇપનો સહારો લઈને માંડ માંડ  બેલેન્સ જાળવતા’કને ઉભેલા હતાં.પૂરઝડપે ભાગતી બસના દરેક ઝટકે એ બિચારા આમથી તેમ ફંગોળાઈ જતાં. મહેંકથી એમની એ હાલત ના જોવાતા એ ઉભી થઈ ગઈ અને કહ્યું,

‘કાકા તમે અહીં બેસી જાઓ. મારા કરતાં તમારે આ જગ્યાની વધારે જરુર છે.’

અને કાકા હાશકારો અનુભવતા આભારવશ નજર એની સામે નાંખતા તરત જ એ જગ્યાએ બેસી ગયા.

 

જે યુવકે મહેંકને પોતાની સીટ ઓફર કરેલી એ તમતમી ગયો.

 

‘અરે, સ્ત્રી દાક્ષિણ્ય જેવું કંઈ રહ્યું જ નથી ને. મેં વળી ઉભા થઈને આ જગ્યા તમને આપી અને તમે… કાકા..તમને પણ આમ કોઇ બાઇ માણસની જ્ગ્યા પચાવી પાડતા શરમ નથી આવતી?’

 

આ સાંભળીને કાકા થોડા બોખલાઈ ગયા અને ઉભા થવા જતા હતાં ત્યાં જ મહેંકે એમને ખભા પર હાથ મૂકીને કહ્યું,

 

‘કાકા તમ-તમારે બેસો.’

અને એક નજર પેલા યુવાન સામે જોઇને કહ્યું,

‘પહેલાં એમ કહો કે આ ‘સ્ત્રી દાક્ષિણ્ય’ એટલે શુ?”

પેલો યુવાન એક્દમ બોખલાઇ જ ગયો.

‘અરે..એમાં તો એવું ને કે એક સ્ત્રીને તમે ઇજ્જત આપો, એની રક્ષા કરો..મદદ કરો..’ પછી એ ગેંગે ફેંફેં થઈ ગયો.

 

‘ઓકે,  તમે મને ઉદાર થઈને તમારી બેસવાની જગ્યા મને આપીને મને મદદ કરી, ઇજ્જત આપી એ બહુ સારી વાત છે. ચાલો એ માની લીધી. પણ મારી જગ્યાએ કોઇ ઘરડાં માજી હોત તો તમે એમને આમ જ ઇજ્જ્ત આપત? વળી આ ‘સ્ત્રી દાક્ષિણ્ય’નો મતલબ એવો તો નથી જ ને કે એક યુવતી ૧૦-૧૫ મિનિટ બસમાં ઉભા ઉભા સવારી કરવાને પણ અશક્ત હોય છે. એમ જ હોય તો આખો દિવસ તમારા ઘરમાં કામના ઢસરડાં કરતી તમારી માને ધ્યાનથી જ જોજો પછી વિચારજો કે એની શારિરીક, માનસિક તાકાત ઓછી કે તમારી..? આ ઉંમરે પણ એ તમે એને કરો છો એનાથી વધુ મદદરુપ એ તમને થતી હશે. તમારી બહેન કે ભાભી કે કોઇ પણ નજીકના સંબંધીમાં કામ કરતી સ્ત્રીઓને જોજો. ઘર ,બાળકો,સાંસારિક જવાબદારીઓ સાથે એ પોતાની નોકરીને પણ યોગ્ય સમય અને ન્યાય આપી શકવાને સમર્થ પૂરવાર થઇ જ હશે. વળી આ કાકા શારિરીક રીતે અશકત છે. બસમાં ઉભા ઉભા સવારી કરી શકે એમ નથી. તો આ જગ્યા મેં એમને ઓફર કરીને ‘માનવ દાક્ષિણ્ય’ દાખવ્યું ના કહેવાય, એમાં શું ખોટું છે.

 

‘શું સ્ત્રી દાક્ષિણ્ય કરતાં માનવ દાક્ષિણ્ય વધારે ચડિયાતું નથી?’

અને….

માનવતાની ખુશ્બુથી મહેંકતી મહેંકની ધારદાર દલીલનો આખી ય બસમાં કોઇ જવાબ આપી ના શક્યું. આજની આધુનિક, સુશિક્ષીત નારીને એની સુંદર સમજ બદલ બધાય પ્રશંસનીય નજરે નિહાળી રહ્યાં.