કલ – આજ ઔર કલ.


ફ઼ુલછાબમાં  ’નવરાશની પળ’ કોલમ નો આજનો મારો લેખ.

સંબંધોના ઝાંખાપાંખા ધુમ્મસિયા અજવાળા વચ્ચે

તું ય ઊભો છે હું ય ઊભો છું.

આંખ અલગ છે, સ્વપ્ન અલગ છે,

સઘળે સઘળું સાવ અલગ છે,

ચરણ અલગ છે, માર્ગ અલગ છે,

સઘળે સઘળું સાવ અલગ છે,

મતભેદોના મસમોટા આ મયાવી કુંડાળા વચ્ચે

તું ય ઊભો છે હું ય ઊભો છું.

-અનિલ ચાવડા.

 

લગભગ રાતના આઠ – સાડાઆઠનો સમય હતો. આજે દિવાળીનો ‘બેસતા વર્ષ’નો સપરમો દિવસ હતો. એક ઉચ્ચ મધ્યમવર્ગીય ઘરના ડ્રોઇંગરુમમાં દાદા-દાદી, દીકરો -પુત્રવધૂ અને ટીનેજર પૌત્ર – પૌત્રી ડાયનિંગ ટેબલ પર જમતા હતા. ઘરમાં ડાયનિંગ ટેબલ પરથી ટીવી સામે જ દેખાય એવી જુવાન લોહીની કોઇ જ ‘કોમ્પ્રોમાઈસ’ ના કરવાની જીદ્દના કારણે સમજુ અને ‘લેટ ગો’ કરતો આવેલો વર્ગ ચૂપ રહી ગયેલો અને વર્ષમાં માંડ એકા’દ વાર ભેગા થઈને આમ સાથે જમતી વખતે બોલવા માટે દિલમાં ધરબાયેલી ઈચ્છાઓનું મજબૂરીમાં દમન કરી દીધેલું. એ લોકો ખપ પૂરતી એક – બે વાતો એ પણ એકાક્ષરી સવાલ જવાબમાં પતાવવાનો પૂરતો પ્રયત્ન કરતા હતાં, જેથી રુમમાં બિનજરુરી ઘોંઘાટ પેદા ના થઈ જાય.

આજે છોકરાઓને કોલેજ અને સ્કુલમાં રજા હતી એટલે એમની ફરમાઈશ પર બહુચર્ચિત ફિલ્મની ડીવીડી ચાલુ કરી હતી અને જમવાની સાથે સાથે મુવીનો આનંદ મેળવતા હતા. થોડો સમય વીત્યો..પિકચરની કથાવાર્તા નવી જ હતી.

‘મારું હાળુ દુનિયામાં આ બધું શું નવા નવા ધતિંગો ચાલે છે લાવ જોવા તો દે. જેથી આ લબરમૂછિયાઓના આંટી-ઘૂંટીવાળા દિમાગ સમજવામાં થોડી આસાની રહે. આમે આ પિકચરોમાંથી જ આપણા સમાજનું સાચું ચિત્ર ઉપજે છે ને’

આમ વિચારીને દાદા દાદીને પણ એમાં થોડો રસ લેવા માંડયા. થોડો સમય તો વાંધો ના આવ્યો. પણ પછી ધીમે ધીમે પિકચરમાં રસપ્રદ માહિતી અને મનોરંજનના નામે નકરી  ખુલ્લંખુલ્લી ગાળો, હીરોઈનના અમર્યાદ  અંગપ્રદર્શનના સીન, બીભત્સ શબ્દોવાળા ‘ડબલ મીનિંગ’ના મતલબવાળા ગીતોની  ધૂમ ધડાકાવાળા મ્યુઝિક સાથે ધમાચકડી, હીરો હીરોઇનના ખુલ્લં ખુલ્લા કીસીંગ સીન્સનો મારો થવા માંડ્યો. વળી હીરો પણ ક્યાં ગાજ્યો જાય એવો હતો.એણે આઠ પેક્સ બનાવેલા તો વારેઘડીએ એની શેવિંગ કરેલી છાતી અને ‘એઈટ પેકસ’વાળી બોડીનું  કપડાં કાઢી કાઢીને પ્રદર્શન કરતો હતો.

દાદા અને દાદી બેયના હાથમાં કોળિયા જેમના તેમ અટકી ગયા.

” આ જમાનો ક્યાં અટકશે? જમાનો બહુ આગળ વધી ગયો છે એ ખ્યાલ છે. પણ આને પ્રગતિ કહેવાય કે અધોગતિ? અમારા જમાનામાં તો હીરો હીરોઈનનો હાથ પકડતા બે ગીતો ગાઈ કાઢે, જ્યારે આ લોકો તો..આપણા પૌત્ર-પૌત્રી પણ જુવાન થઈ ગયા છે. શું એ લોકો પણ આ જ દીશામાં ચાલતા હશે? આપણા ઘરનાં સંસ્કાર તો આવા નથી જ. એમના મા બાપને તો સમજ પડવી જોઇએ ને? એ લોકો કેમ એમને રોકતા નથી, પોતાની પૈસા કમાવાની અને શોપિંગની દુનિયામાં જ મસ્ત હશે.બીજું શું..!

‘સબકો સન્મતિ દે ભગવાન’ ‘મેરા ભારત મહાન’ની સંસ્ક્રુતિને મનોમન વંદન કરીને બેય જણે આંખો આંખોમાં જાણે કંઇક વાત કરી લીધી

 

‘અમારે તો આજે પેલા ચિંતનભાઈને ત્યાં જવાનું હતું, કહેવાનું ભૂલી જ ગયા. ચાલો ચાલો અમે નીકળીએ’

 

અને અડધુ ખાણું છોડીને ઉભા થઈ ગયા.

પાછળ દીકરો અને પુત્રવધુ ‘અરે બા- બાપુજી સાંભળો તો..’કરતાં જ રહી ગયા.

દીકરો અને પુત્રવધુ પણ આ ખુલ્લે આમ હિંસા, સેક્સ, ઘોંઘાટીયા મ્યુઝિકના અવાજથી કંટાળ્યા હતાં. એમને બા- બાપુજીનાઆવા અણધાર્યા વર્તનનો ખ્યાલ આવી ગયો.પણ,

‘અમે શું કરીએ? અમારા સંતાનો અમારા કહ્યાંમાં જ ક્યાં છે? અમે ઘર પૂરતું એમના પર ધ્યાન આપી શકીએ પણ બહાર એ લોકો શું કરે છે એની અમને શું ખબર પડે? આજકાલની ‘બ્રાન્ડેડ કપડાં, બોયફ્રેન્ડ- ગર્લફ્રેન્ડના આંકડાઓની ગણત્રીઓના જમાનામાં’  ફેશનના નામે ચાલતી સોસાયટીમાં તો ઠેર ઠેર આ જ બધું જોવા મળે છે. નથી દેખાતું કે નથી સહન થતું. ના વડીલોને અમારી તકલીફ કહી શકીએ કે ના નાનેરાંઓને સમજાવી શકીએ. અમે ક્યારેય આવું તો ના જ ઇરછીએ ને કે અમારા સંતાનો આમ અમર્યાદપણે નૈતિક મૂલ્યોને નેવે મૂકીને જીવે. પણ તમાચો મારીને ‘ગાલ લાલ રાખ્યા વગર અમારે છૂટકો જ કયાં છે. અમે તો બા બાપુજીની જેમ આમને આ સમાજના દિશાહીન પ્રવાહમાં એકલા પણ ના છોડી શકીએ.આખરે જેવા છે એવા સંતાનો છે અમારા. જ્યારે પણ હાથ લંબાવે ત્યારે પકડવા એમના પડખે ઉભા તો રહેવું જ પડે ને  !’

અને દીકરો અને પુત્રવધુ એક નિસાસો નાંખીને નેપ્કીનથી હાથ લૂછીને ત્યાંથી ઉભા થઈ ગયા.

 

હાશ..આ બુઢિયાઓ તો ટળ્યા. હવે આપણે શાંતિથી પિકચર જોઈ શકીશું. રીતેશે પેલો સીન કહેલો એ કેટલો સેક્સી હતો. પણ આ લોકો બેઠા હોય તો એ એમના લેકચરો ચાલુ થઈ જાય. એમને શું કહેવું હવે કે એ ગીતમાં જે કપડાં અને ડાન્સની લેટેસ્ટ સ્ટાઇલો છે એ કેટલી હોટ છે. મિત્રો સાથે ‘ફ્રાઈડેની નાઈટ ડાન્સ’નો જે પ્રોગ્રામ છે એમાં અમારે આવા જ કપડાં અને ડાન્સની કોપી કરવી છે. સા… બુઢિયાઓએ કદી પોતાના જીવનમાં મસ્તી કરી જ નહી હોય તે અમારા જીવનની વાટ લગાવવા બેઠા છે. જો આવું બધું ના શીખીએ તો અમારા ફ્રેન્ડ સર્કલમાં, ગર્લફ્રેન્ડ બોયફ્રેન્ડની સામે અમે સાવ બબુચક જ  લાગીએ. બાકીના બધા તો કેવો ‘કલર’ મારે છે અમે તો કેટલા ‘ડીસન્ટ’ (!!!) લાગીએ એમની સામે..

 

‘હેય બેના…ચાલ હવે આપણે શાંતિથી આપણી ડીશ લઈને આગળ સોફા પર જ બેસીને શાંતિથી મૂવી જોઈએ..અને હા, આપણા મોબાઈલ પણ લેતી આવજે ને પેલી ટીપોઈ પર પડ્યા છે જો..શાંતિથી દોસ્તારો જોડે મેસેજીસ પણ કરી શકાશે.’

બેના પણ પોતાના સ્પગેટી ટોપ અને શોર્ટ્સમાંથી દેખાતા શરીર પર હવે કોઇ ‘પકાઊ કોમેન્ટ્સ’ કરનાર નથીની શાંતિ અનુભવતી ભાઈની સાથે સોફામાં બેસીને મૂવીનો આનંદ ઊઠાવતા ઊઠાવતા ‘જીંદગી ના મિલેગી દોબારા’જીવનની લજ્જત માણવા લાગી.

અનબીટેબલ :- જીવનમાં અમુક સપનાઓની બહુ ભારે કિંમત ચૂકવવી પડે છે.

સ્નેહા પટેલ – અક્ષિતારક.