મિલન હત્યા

ખેતીની વાત મેગેઝિનમાં આજથી શરુ થતી મારી કોલમ

‘મારી હયાતી તારી આસપાસ-1

 મિલન હત્યા


આ હવા હજી હુંફાળી છે,

આ ધડકન હજી તોફાની છે,

આ આંખે શરમની લાલી છે,

તું હજી જાગે છે,

એની આ નિશાની છે…

મારા વ્હાલા,તું અત્યારે મારી સાથે કેમ નથી?  વિયોગનો આવો કપરા સમયનો સામનો કરવાનું મારા જ નસીબમાં કેમ લખાણું ? હજુ તો મારી આ શમણાઘેલી આંખોમાં પાછલી રાતનો નશો અકબંધ છે.  કદાચ તને મારી આ ગાંડીઘેલી વાતો નહીં સમજાય, પણ એ વેળાએ મારું  સઘળુંય તને અર્પીને એ વખતે હું પૂર્ણતાથી છલકાઈ ગઈ હતી.

“ તારા પર

વરસી વરસીને

કાયમ

હું તો છલકાણી સાજન

ખબર નહીં

તું

શું

જાદુ કરે છે..!!!  “

ચેરીના ફ઼ુલ જેવી એ ગુલાબી-ગુલાબી પળોની યાદમાં હજુ પણ મારી ધડકનો નકરી અસ્ત વ્યસ્ત અને બેકાબૂ છે. એક વાત કહું, કદાચ દર વખતની જેમ અત્યારે પણ તું મને એકદમ પાગલ જ કહીશ. પણ આમે આ પ્રેમની દુનિયા જ એવી છે. ભલ ભલા ડાહ્યાંઓને પાગલ કરી દે. હા તો હું શું કહેતી હતી યાદ આવ્યું, કાલે આપણે જે જગ્યાએ મળેલા એ જગ્યાએ જઈને ત્યાંની હવા, રસ્તા, ફ઼ુલો  બધાયને આજે ફ઼રીથી મળી આવી, એમની જોડે થોડી વાતચીત કરી આવી કે,

’તમે તો કાલે મારા આશુને જોયેલો, બહુ નજીકથી એનું સાનિધ્ય માણેલું, તમે તો એને હવે બરાબર જાણી ગયા હશો કેમ ?  તમે બધા પ્રક્રુતિ સંતાનો શું માનો છો – હું એને જેટલો યાદ કરું છું, એના વિરહમાં જેટલી બેચેન  છું શું એ પણ એટલો જ બેચેન હશે, મને યાદ કરતો હશે ?‘

પણ એ બધા તો બહુ જ દગાખોર નીકળ્યા..રહસ્યભર્યુ સ્મિત કરીને ચૂપચાપ બસ મારી સામે જોતા રહ્યાં. કોઇ જ જવાબ ના આપ્યો. છેલ્લે થાકી હારીને કોઇ જ ઉત્તર મેળવ્યા વિના જ હું ત્યાંથી પાછી ફ઼રી. હવે એમ થાય છે કે મેં ત્યાં જઈને  બહુ ખોટું પગલું ભર્યુ. મારા જવાબો મેળવવાની લાલચમાં ઊલ્ટાની બેધ્યાનપણે જ તારી ઢગલો’ક યાદો ફ઼રીથી મારા દામનમાં બાંધતી. શરુઆતમાં તો તને યાદ કરવાનું બહુ ગમ્યુ. હાથે કરીને એનાથી મન ધરાઈ જાય એ ઇપ્સા  સાથે ઝુકાવ્યું. પછી તો અવશપણે એમાં ઊંડી ને ઊંડી ઉતરતી જ ગઇ અને ઇરછાઓના અધિપતિ મનના તળિયાને છેક ઊંડે સુધી સ્પર્શી ગઈ. પહેલા પહેલા તો એના નશામાં ડૂબવું, ઝૂમવું બધુંય બહુ ગમ્યું.પણ પછી તો એ યાદો મારા હોશોહવાસને પોતાના વશમાં કરતી’કને  એની નાગચૂડમાં ક્યારે ફસાવી ગઇ એ ખ્યાલ  જ ના આવ્યો. મારા દિલ પર એ મૂઈએ સાવ બેશરમીથી પોતાનો અડ્ડો જ જમાવી દીધો. હવે લાખ પ્રયત્નો છતાં તારી યાદોથી મુકત નથી થઈ શકતી..ધીમે ધીમે એ યાદો ધારદાર બનતી જાય છે. મારા કાળજે એના તીણા નહોર ભરાવીને ઊઝરડાઓ પાડતી જાય છે.નરી આંખે ના દેખાતા પણ આખે આખી જાતને હલબલાવી જનાર ઊઝરડાઓ..આહ.. મન ને છેક અંદર સુધી ચીરી જાય છે. મિલનની એ ક્ષણોની યાદ વિરહનો અગ્નિ વધારે વધારે પ્રજવલ્લિત કરે છે. ‘બળતામાં જાણે ઘી હોમાયું’ હોય એમ જ્સ્તો.  હવે  કાં તો તું મને આવીને મળ કાં તો મારા મગજમાંથી, મારા વિચારોમાંથી બહાર નીકળી જા. મને શાંતિના થોડા શ્વાસ લેવા દે. મને તો એ જ નથી સમજાતું કે પોતાની જાત કરતાં પણ વધુ ચાહતી વ્યક્તિને આમ તારી યાદોની, વિરહની બેધારી તલવાર પર ચલાવીને તને શું મજા આવે છે?

આવી શકે તો આવીને જો અહીં મારી હાલત. સતત વરસતા વરસાદમાં હવાઓના નીતરતા પગલા, આજુ બાજુ ટપકતા વૃક્ષો અને તારા વિનાની મારી આ સળગતી ક્ષણો.. મારી તારા માટેની તરસને કદાચ એ સમજાવી શકે. આ સૂકી વેરાન પથરાળ આંખોમાંથી હવે તો કોઈ ઝરણું પણ નથી ફુટતું.જાણે છે..ક અંદર સુધી સુકાઈ ગયું છે.

‘હમણાં જ રાતી સાંજ ઢળી તારા વગર

હતી એ પણ મારી જેમ

ચૂપચાપ , ક્ષુબ્ધ, ઉદાસ તારા વગર ‘

હવે તો રાતના ઘેરા પડછાયા ચારેકોર ઉભરાવા માંડ્યા છે અને તારી મનગમતી આ કાળી કામણગારી આંખોની જોડીમાં  ઉજાગરાની આગેકૂચ થઈ રહી છે. લાખ પ્રયત્નો કરવા છતાં નીંદરડી આજે મારાથી કોશો  દૂર ભાગે છે.એ પણ મારી દુશમન થઈ ગઈ છે..સાવ કીટ્ટા જ કરી દીધી છે. તારી જેમ એ પણ નિષ્ઠુર થઈ ગઈ છે . ઉજાગરાના પ્રતાપે જો આંખોમાં રાતોચોળ ગુલમહોર ઉગી નીકળ્યો છે. દિવસ તો જેમ તેમ કરીને મેં કાઢી નાખ્યો, પણ આ રાત..હાય રે..કેમ કરીને આ કાળુડી રાત તારા વિન એકલા એકલા વીતશે..?

પથારીમાં પડ્યાં પડ્યાં, મારી કોરીધાકોર ખાલી ખાલી નજરોમાં  અદમ્ય આશાના રંગ પૂરીને બારીમાંથી દેખાતા આકાશમાં નિહાળું છું. રુપેરી રુપેરી ચમકતા ટમટમતા તારલીયાઓની ગોઠ્વણીમાં બાવરી બાવરી થઈ, એકીટશે તારા નામની  છાંટ શોધુ છું. વિચારું છું, ક્યાંક એ તારલાઓની ભાતમાંથી તારો રુપાળો, ગોરો ગોરો, નીલી નીલી આંખોવાળો ચહેરો રચાઈ જાય તો કેટલું સારું ! મારો આ આખા દિવસના તારા ‘વિરહનો ઉપવાસ’  છુટે અને તારા મુખદર્શનથી એ ઉપવાસના પારણા થઈ જાય..!! વળી હું બહુ જ સાવચેતીથી એક એક તારાની હિલચાલ પર મીટ માંડીને બેઠી છું. કાશ, કોઇ તારાનું આયખું આજે ખતમ થવાની તૈયારીમાં હોય અને મારા નસીબમાં એ પળ જોવાનું સદભાગ્ય સાંપડી જાય, ક્યાંક કોઈ તારો તૂટી પડે ને પળનાય વિલંબ વિના એ વખતે જ ભગવાન જોડે હું આપણા મિલનની ક્ષણો પાછી માંગી લઉ !! પછી તો  પ્રભુજી પણ ’આશીર્વાદ પાલન’ સિવાય મારી મનોકામના પૂર્ણ ના કરવા માટે કોઇ બહાનાબાજી ના કરી શકે. પણ જવા દે..લાગે છે એ બધું આજે મારા નસીબમાં નથી.

મારા સંધાય પ્રયાસો વ્યર્થ જાય છે. થાકી હારીને હવે હું આ વિયોગની સ્થિતી સ્વીકારી લઉ  છું. આમે એના સિવાય મારી પાસે કોઇ  વિકલ્પ  જ ક્યાં છે ?  એક કામ કરવા દે, રુપકડા તારાઓની રોશનીમાં વાદળો જોડે લહેરથી સંતાકૂકડી રમતા પેલા રમતિયાળ ચાંદ સાથે મારા મીઠડા ચાંદને એક સંદેશો મોકલવા દે,

‘હે મારા ચાંદ,હવે જરા ઉતાવળ કર. જલ્દી પાછો આવ. અહીં તારા સંગાથ વિના તારી ચાંદનીના તેજ ઝાંખા પડ્યા છે. એને પૂનમની યુવાનીએ તેજ્દાર રુપના બદલે અમાસના ગ્રહણો લાગવા માંડ્યા છે. ઓ પાગલ નિર્બાંધ વહેતી હવા, તને બે હાથ જોડીને વીનવું  છું. મારો ચાંદ સૂવાની તૈયારીમાં જ હ્શે.  તું મારા વતી હળ્વેથી એના ઘુંઘરાળા કાળા વાળને સહેલાવજે. તારો ઠંડો, મ્રુદુ સ્પર્શ એના થાકેલા ડીલને થોડો આરામ પહોંચાડશે. પછી ધીમેથી એના કાનમાં મેં મોકલેલું પ્રણય ગીત સંભળાવજે કહેજે,

‘મારા વ્હાલીડા,તું હજી જાગે છે અને મને યાદ કરે છે એ વાત આ નાદાન વ્હાલુડીને પણ ખબર છે. મારા દિલની ધડકનની તેજ રફ઼તાર એનો પુરાવો છે. ભલે તું કોસો દુર હોય પણ હું તને અહીં મારી એકદમ નજીક અનુભવી શકુ છું. તારા શ્વાસની મહેંકમાં નહાઇ શકું એ માટે હું આપણા મીઠા સોણલાંઓની દુનિયામાં તારી બેકરારીથી રાહ જોવુ છું.બને એટલી ત્વરાથી ત્યાં આવી પહોંચજે.’

‘ઓ હવારાણી ચોક્કસ, એ ત્યાં મારી જેમ જ બેચેન હશે. મારા સાથ વિના માંડ માંડ ઘેરાતી એની આંખો ને ઘેઘુર કાળી પલકો હેઠળ રાતી રાતી નસોના જાળાથી છલકાતા એના નાજુક, સંવેદનશીલ પોપચા  તમારા પગરવના અવાજથી ભીડાતા પહેલાં જ ખલેલ પામીને ખુલી ના જાય.મહેરબાની કરીને જરા સંભાળીને ચાલજો….રખેને એની સંવેદનશીલ  નીંદર વેરણછેરણ ના થઈ જાય. જો એમ થશે તો એના આગમનની રાહ જોતા મારા સપના અનાથ જ રહી જશે. નીલા નીલા સપનાઓની, સંવેદનોની પ્રેમાળ, સપ્તરંગી દુનિયા…જ્યાં એ ધૈર્યના બધા બંધનો ફગાવીને બેફિકરાઈથી મને આવીને મળશે, એના અનરાધાર સ્નેહથી ભીંજવી દેશે,આકંઠ છલકાવી દેશે એ માદક મિલન અધુરું રહી જશે અને તારે શિરે નાહકનું જ  અમારી  ‘મિલન-હત્યાનું’  ક્યારેય માફ ના કરી શકાય એવું પાપ લાગશે.’

મહેરબાની કરીને આજે મારું આટલું કામ કરી દે ઓ વહેતી હવા..આ વિરહી દિલના તને ઢગલો’ક આશીર્વાદ અને દુવાઓ મળશે. ભગવાન તને સો વરસની કરે,તારા બધા અરમાનો પૂરા કરશે,તું ચીર-યૌવન પામે.. હું તારા માટે સદા ઈશ્વર પાસે એવી પ્રાર્થના કરીશ…ભવિષ્યમાં તારે મારું કોઇ પણ કામ પડે તો બેઝિઝકપણે મને યાદ કરજે. હું તારી ચાકરીમાં ખડેપગે હાજર રહીશ. તારા આ કાર્ય  બદલ જીંદગીભરની તારા નામનું ગુલામીખત લખી આપવા પણ તૈયાર છું. પણ હવે આ વિરહ નથી સહેવાતો..મહેરબાની કરીને આટલો સંદેશો મારા સાજનને પહોંચાડી દેવા આ પ્રણયઘેલીની તને વિનંતી !

 

સ્નેહા પટેલ  – અક્ષિતારક.

8 comments on “મિલન હત્યા

 1. પ્રિય સ્નેહા બહેન
  આપનો “મિલન હત્યા ” લેખ વાચ્યો ,વિચાર્યો અને પીધો. ખૂબ સુંદર …લાગણી ની અભિવ્યક્તિ .. થોડું ગધ્ય અને વધારે પધ્ય માણ્યું ..લાગણી ભીના વરસાદ માં તરબોળ થવાની મજા આવી ..
  ખુબ ખુબ ધન્યવાદ
  બકુલ શાહ

  Liked by 1 person

 2. અતિશય અતિશય સુંદર અભિવ્યક્તિ…વિરહ વેદના સાથે વીતી ચુકેલી મિલન ની પળનો નશો…અદભૂત…!!!

  Like

 3. ’ખેતીની વાત’ મેગેઝીનમાં આપની કોલમ શરુ થવા માટે હાર્દિક અભીનંદન – ઉત્તરોત્તર પ્રગતિના સોપાનો સર કરતા રહો – આપની સર્વ મનોકામનાઓ પૂર્ણ થાય તેવી પ્રભુને પ્રાર્થના.

  Liked by 1 person

 4. તું હજી જાગે છે,
  એની આ નિશાની છે… waaah !!

  “ તારા પર
  વરસી વરસીને
  કાયમ
  હું તો છલકાણી સાજન
  ખબર નહીં
  તું
  શું
  જાદુ કરે છે..!!! “ goooood 1.. D..

  “હમણાં જ રાતી સાંજ ઢળી તારા વગર
  હતી એ પણ મારી જેમ

  ચૂપચાપ , ક્ષુબ્ધ, ઉદાસ તારા વગર….” must… must..
  ‘હે મારા ચાંદ,હવે જરા ઉતાવળ કર. જલ્દી પાછો આવ. અહીં તારા સંગાથ વિના તારી ચાંદનીના તેજ ઝાંખા પડ્યા છે. એને પૂનમની યુવાનીએ તેજ્દાર રુપના બદલે અમાસના ગ્રહણો લાગવા માંડ્યા છે. 🙂

  Liked by 1 person

 5. ખુબ જ અદ્‍ભુત અને વિરહની વેદનાને તથા મિલનની ઝંખનાને વાચા આપતો લેખ…લેખ લખતી વખતે તમે ખુબ જ ઉંડા ઉતરી જાવ છો, જાણે કે આજુબાજુનું ભાન ભુલીને પૂરી રીતે પાત્રમય બની ગયા હોવ એવું લાગે અને ત્યારે જ આવો લાગણીસભર લેખ લખી શકાય એનું આ પ્રમાણ છે…આ લેખમાં સમુદ્રથી પણ વધુ ગહન હૃદયની પીડા વર્ણવી છે…અહીં તમે નાયિકાની વેદનાને આ પંક્તિઓ થકી કેટલી અદ્‍ભુત તથા અર્થસભર વાચા આપી છે કે, “હમણાં જ રાતી સાંજ ઢળી તારા વગર, હતી એ પણ મારી જેમ ચૂપચાપ, ક્ષુબ્ધ, ઉદાસ તારા વગર…” જાણે કે તમે જ આ નાયિકાનું પાત્ર ભજવી જાણ્યું હોય એવી રીતે એના મનની વાત અને પ્રેમની પીડા ને ખુબ જ લાગણીથી મઠારી છે…આ જ તો તમારા લેખનકાર્ય પ્રત્યેનું સમર્પણ અને સિદ્ધિ દર્શાવે છે…આ બીજી પંક્તિઓ, “આ હવા હજી હુંફાળી છે, આ ધડકન હજી તોફાની છે, આ આંખે શરમની લાલી છે, તું હજી જાગે છે, એની આ નિશાની છે”…અને આજ તો પ્રેમમાં ખુપી જવાની પણ નિશાની છે ત્યારે જ આવો વર્તારો કરી શકાય તથા અન્ય પંક્તિઓ, “તારા પર વરસી વરસીને કાયમ હું તો છલકાણી સાજન, ખબર નહીં તું શું જાદુ કરે છે..!!!“ અહીં પ્રિયતમા પોતાના પ્રિયતમ ને મોહ-નગરીનો નિર્માતા અને જાદુગર કહે છે, કે તું તો મોહ પમાડે છે અને એવું તો તું શું જાદુ કરે છે કે જેમ પાણી વિના માછલી તડપે એમ હું તારા વગર તડપું છું, તલસું છું ને વરસું છું…બસ વધુ તો શું કહું, દિલ રેડીને લેખ લખ્યો છે એ આ લખાણમાં દેખાય આવે છે અને આ લેખ તમારા શ્રેષ્ઠ લેખોમાંનો એક છે…

  Liked by 1 person

 6. તમારા જેવા વાંચીને આવો લાંબો પ્રોત્સાહક પ્રતિભાવ આપનારા મિત્ર મેળવીને હું જાતને ખુશનશીબ સમજુ છું.

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s