તું…


તારે  જે જોઈએ એ

તું બોલતો નથી

કદાચ એટલે જ

મારે જે જોઈએ છે

એ તું સમજતો નથી…

 

સ્નેહા પટેલ – અક્ષિતારક..

અસ્તિત્વની શોધ..


આજનો ફ઼ુલછાબ દૈનિકમાં ’નવરાશની પળ’ કોલમનો મારો લેખ.

રાખ શમણાની સાથે વહી જાય છે

અશ્રુ કારણ વગર ખારું હોતું નથી

ખૂબ શોધો છતાં શક્ય છે ના જડે

જે બધે હોય છે, ક્યાંય હોતું નથી

– હેમંત પુણેકર

ગરિમા..૨૮ વર્ષની સુંદર મજાની પરિણીત યુવતી હતી.એને ૬ વર્ષનો રુપકડો ‘ગર્વ’નામનો એક દીકરો હતો.

અત્યારે બપોરના ૨ વાગ્યા હતાં. ગર્વ સ્કુલેથી આવીને જમીને સૂઈ ગયેલો. ગરિમાનું રુટીન કામકાજ પતી ગયેલું. છાપા અને મેગેઝિન્સ વાંચી લીધા. હવે..!! સામે પડેલું રીમોટ નજરે પડયું. એ લીધું અને ટીવી ચાલુ કર્યું. કાલે રાતે જ જોયેલા પ્રોગ્રામો અને સિરીયલોની ભરમાર..આજે કશે જ એનું મગજ ચોટ્તું નહોતું અને ‘કમ્પલસરી’ના બધા કામકાજ  પતી ગયેલા.

‘ખાલી દિમાગ શેતાન કા ઘર’ની જેમ જ એનું મગજ પણ વારંવાર આજે એની કોલેજકાળની ફ્રેન્ડ ‘રીતુ’ સાથે થયેલી વાતોથી અંદર ને અંદર અકળાતું હતું. રીતુ એક મલ્ટીનેશનલ કંપનીમાં બહુ સારી પોસ્ટ પર જોબ કરતી હતી. પાંચ આંકડાનો સારો એવો કહી શકાય એવો પગાર હતો.ઘરે રસોઈયો, ઘરઘાટી, કામવાળી બધાયના ખર્ચા આરામથી ઉપાડવા ઉપરાંત વર્ષે એકાદ ફોરેન ટ્રીપ,પાર્લરોના કોસ્મેટીકીયા ખરચા અને  બીજા નાના મોટા શોપિંગની લજ્જત કોઇની બેરોકટોક વગર આરામથી માણતી હતી. કાશ…પોત પણ પોતાનો મોડેલિંગની કેરિયરનો ગ્રાફ ઊંચે ને ઊંચે ચડતો જતો હતો ત્યારે પોતાના પતિદેવની આજ્ઞા પર ધ્યાન ના આપીને, એને અવગણીને, થોડી હિંમત દાખવીને પોતાનું કામ ચાલુ રાખ્યું હોત તો એ પણ આજે રીતુની સમકક્ષ જ હોત . છેલ્લે કંટાળીને એણે પોતાનું નેટ ચાલુ કર્યું અને ફેસબુકમાં લોગઈન કર્યું.

વીકમાં એકાદ બે વાર આમ નેટ પર આંટો મારતી ગરિમાને નેટની દુનિયાની બહુ સમજ નહોતી.આજે ‘ટાઇમ પાસ’ના ઇરાદા સાથે જ ચેટનું ઓપ્શન ક્લીક કર્યુ. કોઇકની જોડે વાત કરવાની,પોતાની અક્ળામણ ઠાલવી દેવાની ઇરછા આજે  તીવ્રતાની ટોચ પર પહોંચેલી. ત્યાં તો એને ઓનલાઈન જોઇને એક સરસ મજાનું પ્રોફાઈલ પિકચર ધરાવતો વિકાસ નામનો યુવાન સામેથી ચેટમાં આવ્યો.

‘હાય મે’મ’ હાઊ આર યુ..’

આઈ એમ ફાઇન..’ થી વાતો ચાલુ થઈ તે લગભગ કલાક સુધી ચાલી. ગરિમા ફ્રેશ થઈ ગઈ. બહુ જ મીઠડો અને તોફાની છોકરો હતો. કોઇ જ ઓળખાણ નહી અને કોઇ જ સ્વાર્થ નહીં. બસ ગરિમાના પિકચરો અને પ્રોફાઈલમાં ‘મોડેલિંગ’ને એના પેશન તરીકે જોઇને એ જ ફીલ્ડની ઢગલો વાતો કર્યા કરી. એના આલ્બમમાં  અપલોડ કરેલા એના ફોટાઓના દિલ ખોલીને વખાણ કરવા માંડ્યા. પ્રસંશા કોને ના ગમે? એમાં પણ પોતાના ભૂતકાળમાં મોડેલિંગના ક્ષેત્ર સાથે જોડાયેલી માનુનીનું દિલ તો આવી વાતોના નશાની ટેવ ધરાવતું જ હોય.

પછી તો ગરિમાને વિકાસ સાથે ચેટ કરવાનું જાણેકે વ્યસન પડી ગયું . રોજ રોજ ક્લાકોની કલાકો વાતોના પરિણામે છેલ્લે વિકાસે ગરિમાનો વિશ્વાસ જીતી જ લીધો અને ગરિમાનો ફોન નંબર મેળવી લીધો. પછી ચાલુ થયું ગરિમાના મોબાઇલમાં મેસેજીસનું નવું વિશ્વ. મોબાઇલનો માત્ર કામની વાતો કરવા ખપપૂરતો જ ઉપયોગ કરાય એવું માનનારી ગરિમાની સવાર અત્યારે વિકાસના રોજ સવારના ગુડ મોર્નિંગથી તે શુ કરે…શું ખાધું..શું પીધું..શું પ્રોગ્રામ છે હવે અને છેલ્લે ગુડનાઈટના મેસેજીસથી જ રાત પડ્તી. વિકાસે આટલા સમયમાં ગરિમાની વાતોમાંથી એની અંદરની સુસુપ્ત અવસ્થામાં પડેલી ઇરછાઓ વિશે બરાબર માહિતી મેળવી લીધેલી. રીતુ જેવી સખીઓના એક સ્વતંત્ર વ્યક્તિત્વથી સતત પ્રભાવિત રહેતી ગરિમાની એષણાઓ જાણી લીધી અને ફુંક્ મારી મારીને ધીમે ધીમે ગરિમાની અંદર પણ એનું પોતાનું એક આશાસ્પદ ગાયિકાનું અનોખુ અલાયદું અસ્તિત્વ છે જે આ મા, વહુ, પત્ની બધાથી એક્દમ અનોખું છે. એનું પોતાનું અસ્તિત્વ. રોજ રોજ એ જ મતલબની વાતો ગરિમાને હ્રદય સોંસરવી ઉતરવા માંડી. પરિણામે,

‘મારે પણ મારી મોડેલિંગની છોડી દીધેલી કેરિયરને ફરીથી ચાલુ કરવી જોઈએ.મારું પણ એક અલગ અસ્તિત્વ છે, જે મેં આ ઘરની પાછળ લગભગ ગુમાવી દીધું છે. મારે મારા એ અસ્તિત્વની નવેસરથી ખોજ કરવાની છે, ફરીથી એને પાછું મેળવવાનું છે’ ની ધૂન એના મગજમાં સતત ચાલવા લાગી.

એ પછી તો એણે વિકાસની સહાયતાથી નેટ પર કેટલાંય સોર્સ શોધી કાઢ્યાં અને પોતાના નિર્ણયની દિશામાં ડગ માંડવા માંડ્યા. સ્વયંમ – એના પતિએ એને રોકવાનો  ઘણો પ્રયત્ન કર્યો, પણ ગરિમા એકની બે ના થઈ. આ બાજુ વિકાસે પોતાના એક બે મિત્રો જોડે વાત કરીને એને ગરિમાને એકાદ બે મોડેલિંગના કોન્ટ્રાકટ અપાવી દીધા. સ્વયંમનો વિરોધ સામે વિકાસના સતત મળતા પ્રોત્સાહનીયા મેસેજીસ અને એની કાળજીથી ગરિમાના મનમાં પણ એના માટે એક સોફ્ટ કોર્નર ઊભો થવા માંડ્યો. વિકાસ બસ આ જ તકની રાહમાં હતો. એણે ધીરે ધીરે ગરિમાને પોતાની ખૂબસુરત જાળમાં હોંશિયારીથી લપેટવા માંડી અને ગરિમા એમાં આસાનીથી લપેટાતી ગઈ.

વિકાસને સ્વયંમથી છુપાઈ છુપાઈને કામના બહાના હેઠળ મળવા લાગી અને ધીમે ધીમે એજ થઈને ઉભુ રહ્યું જે ઇરાદાથી વિકાસ ગરિમાનું છેલ્લા ૬ મહિનાથી સતત ધ્યાન રાખતો હતો..તન, મન, ધન ગરિમા બધી ય રીતે વિકાસ પર ખુવાર થવા લાગી. ક્યારેક ગિલ્ટી ફીલ થતું તો વિકાસ સતત એને એના ‘અસ્તિત્વની ખોજ’ની યાદ અપાવતો અને કહેતો,

‘ આજ કાલના જમાનામાં કેરિયર બનાવવા માટે તો આવું બધું ચાલ્યા કરે એ ચરિત્ર્ય બરિત્ર બધું તો હવે જૂના જમાનાની વાતો થઇ ગઇ’

એના પ્રેમમાં ગરિમા  બધું ય ભૂલીને પાછી પીઘળી જતી.ગરિમા અને વિકાસના સંબંધની વાતો સ્વયંમના કાને પડવા લાગેલી.એ હવે ધીરે ધીરે ગરિમાથી દૂર થવા લાગ્યો. પણ પોતાના દીકરાના લીધે પોતાના મોઢે સમજના તાળા મારીને ચૂપ રહી જતો.

આજે વિકાસ ગરિમાને લઈને એક ફિલ્મસ્ટાર્સની મોટી પાર્ટીમાં લઈ ગયો હતો. ફિલ્મલાઇનના મોટા મોટામાથાઓ ત્યાં નજરે ચડતા હતા. હાથમાં ‘કોકોનટ વિથ વોડકા’ના નાના નાના સીપ લેતા લેતા ગરિમા બે પળ તો વિકાસના આ પગલાંથી અભિભૂત થઈ ગઈ. ત્યાં તો વિકાસ એનો હાથ ખેંચીન એક જાડીયા સુટેડ બૂટેડ માણસ પાસે લઈ ગયો.

‘આ છે મિ. મીરચંદાની. ફિલ્મ લાઈનના બહુ આગળ પડતા માણસ છે.’

અને ગરિમાના ‘હીરોઇન’ બનવાના સપનાને જાણે પાંખો ફૂટી.

‘હાય .. આઇ એમ ગરિમા. તમારા વિશે તો બહુ બધું સાંભળ્યું છે. મારા નસીબ કે આજે તમને મળવાની તક મળી ગઈ’

‘કુલ ડાઊન..તમે પણ બહુ જ રુપાળા છો. મારે મારી ફિલ્મ માટે તમારા જેવી જ યુવતીની તલાશ હતી.એ લાગે છે કે પૂરી થઈ ગઈ. આમ તો પરણેલી સ્ત્રીઓને બહુ ચાન્સ નથી આપતો. પણ આપની વાત અલગ છે. આપ તો હજુ ‘સ્વીટ સીક્સ્ટીન’ જેવા જ લાગો છો.’

ગરિમા તો આટલું સાંભળતા જ સાતમા આસમાને ઉડવા લાગી.

‘થેન્કયુ વેરી મચ, હું આપનો આ અહેસાન કેવી રીતે ચૂકવીશ એ જ નથી સમજાતું?’

‘અરે એ તો બહુ જ ‘સિમ્પલ’ છે. બસ આપનો થોડો સુંવાળો અને મદમાતો સમય મને આપી દેવાનો બીજુ શું? વળી એ બહાને હું તમને થોડા નજીકથી ચકાસી પણ શકીશ.’

‘મતલબ.. તમે કહેવા શું માંગો છો મિ.?’

એની વાતના મર્મને સમજતા ગરિમા માથાથી પગ ગુસ્સા અને અપમાનથી ધમધમી ગઇ.

‘અરે ગરિમા, જો તને કેરિયરમાં બહુ મોટો ચાન્સ મળી શકે એમ છે. તો બહુ વિચાર નહી.થોડા ‘કોમ્પ્રોમાઇસીસ’ તો કરવા જ પડેને આ લાઇનમાં. તું કંઇ એટલી મૂર્ખ તો નથી જ હવે.. મારી સાથે  છું એમ સમજીને થોડો સમય એમની સાથે ગાળી લે ને,શું ફર્ક પડે છે ? તારા અસ્તિત્વને એક નવું રુપ આપવાનો, નિખારવાનો આવો ચાન્સ આમ નાની શી વાત પાછળ થોડી વેડફી દેવાય? વળી મને પણ આના માટે મોટું કમીશન મળશે.આપણે બેય માલામાલ થઈ જઇશું.નાદાન ના બન ગરિમા’

વિકાસનો અસલી ચહેરો સામે આવતા ગરિમા પળભરમાં જ જાણેકે આકાશમાંથી જમીન પર પછડાઈ. ‘અસ્તિત્વની શોધ’માંથી ચાલુ થયેલી આ જીદ્દી અને વણવિચારેલ લોભામણી યાત્રા આજે એને જીવનના એવા મુકામ પર લઈ આવી હતી કે જ્યાં એનું અસ્તિત્વ જ માટીમાં રગદોળાઇ જવાની તૈયારીમાં હતું..ધરમૂળથી જ નામશેષ થઈ જવાની અણી પર હતું. સ્ત્રી તરીકેની બધીય મર્યાદાઓનું છડેચોક ઊલ્લંઘન કરીને, સ્વતંત્રતાના નામે બધીય લક્ષમણ્રેખાઓ પાર કરી નાંખીને જેને શોધવા હવાતિયા મારતી હતી એ આ જ  હતું કે? શું આ જ એના અલગ અસ્તિત્વની પહેચાન હતી કે..? શું એને આ જ ગરિમાની શોધ હતી કે..? નારી તરીકેની અસ્મિતા ગુમાવીને મેળવાતા આ અલગ અસ્તિત્વની પહેચાન શું એને પૂરતો સંતોષ અને જોઇતી ખુશી આપી શકશે?

અનબીટેબલ :- ‘સંબંધોમાં અહમ કે વહેમ બેય તમારી નબળાઈઓ દર્શાવે છે.’

સ્નેહા પટેલ – અક્ષિતારક