પસ્તાવો..

આજનો ફ઼ુલછાબ છાપામાં મારો ’નવરાશની પળે’ કોલમનો લેખ..

નજર સામે એની પ્રીત છલકાતી રહી
નાહક હું તો વમળોમાં ઘુમરાતી ગઈ
પાણી જેવો પારદર્શક,તરલ પ્રેમ એનો
અને હું પાગલ
એમાં હાંસિયા પાડી ખાલી જગ્યાઓ
શોધતી રહી…

આચમન અને આદ્યા..સરસ મજાનું કપલ હતું. બેય જણના લવમેરેજ હતાં. લગભગ ૨ એક વર્ષ એકબીજાને ઓળખ્યાં-પારખ્યાં, ગુણ અવગુણોથી સારી રીતે વાકેફ થયા પછી ઘરવાળાઓની સંમતિ માંગી. બેય પક્ષે ‘ઓલ ઇઝ વેલ’ની  હ્તું તો બોલવા જેવું કંઇ રહેતું નહતું. બહુ જ સરળતાથી એમને લગ્ન માટે સંમતિ મળી ગઈ અને વાર્તાના રાજકુમાર અને રાજકુમારીની જેમ ખાધું પીધું ને રાજ કર્યુ જેવી હાલત થઈ.

જોકે વાર્તાઓમાં તો વાત અહીં જ પતી જાય..બધું સુખી સુખી..’અંત ભલા તો સબ ભલાની જેમ’. પણ સાચી જીંદગીમાં તો વાર્તા હવે જ શરુ થાય એ હકીકત આપણે સૌ જાણીએ છીએ.

આચમન અને આદ્યાનો લગ્નજીવનનો શરુઆતનો દસકો તો સુખરુપ હેમખેમ સમયની પાંખો પર ઊડતો ઊડતો સરળતાથી વહી ગયો. ભગવાને એમને બે સુંદર મજાના બાળકોની ભેટ પણ આપી. બધુય આમ તો સરસ મજાનું હતું..સુખી સુખી. પણ આદ્યાના દિલમાં એક નાનો શો અસંતોષનો જ્વાળામુખી સતત ભભકતો રહેતો હતો. આચમન સાથે જ્યારે ઓળખાણ થયેલી એ સમયે એના માથે કોઇ જ જવાબદારીઓ નહોતી. એ સમયે પ્રેમનું નવું નવું ભૂત માથે સવાર હતું. દિવસ રાત એ આદ્યાની આગળ પાછળ ફરતો. એની નાની નાની વાતોનું બરાબર ધ્યાન રાખતો. આદ્યાના મોબાઈલ પર દિવસમાં ઢગલો’ક રોમાંટીક મેસેજીસ કરતો.અવનવા કાર્ડસ, ફુલ અને ભેટ સોગાદોથી આદ્યાને પોતાના પ્રેમમાં માથા લગી  ડુબાડી દેતો. પણ હવે એના માથે જવાબદારીઓ વધી હતી. આજકાલના હરીફાઈના અને ડગલે ને પગલે વધતી મોંઘવારીને પહોચી વળવામાં જ એની બધી માનસિક અને શારીરિક તાકાત વપરાઈ જતી. ઘરે આવીને સાવ થાકીને ઠુસ જ થઇ જતો.

આદ્યા એનામાં જુનો આચમન શોધવા સતત વલખા મારતી પણ ત્યાં સતત એને ‘કોરોધાકોર’ આચમન જ મળતો. એના રસઝરતા પ્રણયના સંવાદો આચમનની સંવેદનાવિહીન દિલની દિવાલો સાથે અથડાઇને નિઃશબ્દ થઈને એના જ કાળજે પાછા ભોંકાતા. લાગણીની શોધમાં સતત પ્રયત્નશીલ આદ્યા આચમનને પોતાની આ જરુરિયાતો વિશે સતત સમજાવવાતી રહેતી. એની માંગણીઓ બહુ નાની નાની હતી. મોટાભાગે આચમનના પ્રેમભર્યા સહવાસની જ અપેક્ષા રહેતી. પણ બધું ય પત્થર પર પાણી જેવું જ થઇ જતું. આચમન પૈસા, સુખસગવડની પાછળ આંધળો થઈને દોડતો હતો. પોતાની સાથે જોડાયેલી ત્રણ જીંદગીને અવગણીને સતત પૈસા પાછળ જ દોટ મૂકતો રહેતો. ‘પૈસો છે તો જીવન શાંતિથી જીવવા જેવું  છે’ની માન્યતા એના માનસમાં જડબેસલાક રીતે પેસી ગયેલી. આદ્યાના પ્રેમાળ સ્પર્શ કે ‘આઇ લવ યુ’ ના રીસ્પોન્સમાં પણ,

‘મને આખો દિવસ આવા પેમલા પેમલીના પિકચરના હીરો હીરોઈનો જેવા ડાયલોગો બોલવાનું ને વર્તવાનું ના ફાવે. અમે પુરુષો તમારી માફક આસાનીથી દિલની વાતો કહી ના શકીએ. પણ હું તને પહેલા જેટલું જ ચાહું છુ આદ્યા. મને સમજ્વાનો પ્રયત્ન તો કર તું.’

આદ્યા બધું સમજતી પણ એનું દિલ હંમેશા એક પ્રેમાળ, કાળજી લેતા આચમનની શોધમાં જ રહેતું, જે અતિસંવેદનશીલ આદ્યાની એક અર્થવિહીન -દિશાવિહીન – અંતવિહીન દોડ જ બની રહેતી.

હમણાં થોડા વખતથી આદ્યા ખૂબ શાંત થઈ ગઈ હતી. પહેલાંની જેમ પોતાની લાગણીના રીસ્પોન્સ માટે આચમન સમક્ષ કોઇ જ માંગણીઓ નહોતી કરતી. આચમન એના આ પરિવર્તનથી ખુશ થઈ ગયો. થોડી રાહત અનુભવવા લાગ્યો. હવે આદ્યાની રોકટોકથી મુક્ત થઈને ઘર તરફ, આદ્યા તરફ વધુ બેપરવાહ, બેજવાબદાર બની ગયો. થોડો સમય સુખરુપ વહી ગયો. એકવાર આચમનની તબિયત બરાબર ના હોવાથી એની ૫ દિવસની ટુર ટુંકાવીને બીજા જ દિવસે ઘરે પાછો આવી ગયો. આદ્યાને સરપ્રાઇઝ આપવાના ઇરાદાથી એને પોતાની પાસેની બીજી ચાવીથી હળ્વેથી દરવાજો ખોલ્યો.

ઘરમાં એક્દમ નીરવ શાંતિ હતી. આ સમયે તો આદ્યા રસોઇ કરતી હોય વિચારતા આચમનને થોડી નવાઇ લાગી. ત્યાં તો બેડરુમમાંથી અવાજ આવતા એણે ધીરેથી એ તરફ ડગ માંડયા પણ આદ્યાને સરપ્રાઇઝ આપવાનું એને અઘરું પડી ગયું. અંદર આદ્યા અને એનો પરમ મિત્ર સૂરજ એકબીજાને વળગીને બેડરુમના ‘એલઈડી’માં કોઇ પિકચરની ડીવીડી જોઇ રહ્યાં હતાં. એ બેયના સંબંધની નિકટતા સમજમાં આવતા જ આચમન ધડમૂળથી હલી ગયો. પળ બે પળમાં આદ્યાનું છેલ્લા થોડા સમયથી બદલાયેલું સઘળુંય વર્તન એની સમજમાં આવી ગયું. પણ એના પક્ષે હવે કશું જ નહોતું કે એ હવે કંઇ જ બોલી શકે.સામે પક્ષે આદ્યા અને સૂરજ પણ શરમથી પાણી પાણી થઈ ગયેલાં. ત્રણ માણસોથી ભરેલા બેડરુમમાં વિચિત્ર પ્રકારના સન્નાટાએ પોતાનો ભરડો લઈ લીધેલો.

થોડો સમય ચૂપચાપ રહ્યાં પછી આચમને આત્મમંથન કરીને એક નિર્ણય લીધો અને બોલ્યો,

‘આદ્યા…આઇ લવ યુ સો મચ. આ બધુંય જે થયું એ પા્છળ મારો પણ મોટા પાયે હાથ છે એ હું સ્વીકારું છું. પણ આ થોડી પળોમાં જ મને એવું લાગ્યું કે તારા વિના મારો સંસાર, મારું જીવન કંઇ જ નથી. મારે તારી જરુર છે એ વાતનો  અહેસાસ મારે તને બહુ સમય પહેલાં જ કરાવી દેવા જેવું હતું. પણ અફસોસ..હું એ ના કરી શક્યો. હું બધુંય ભૂલીને તને ફરીથી મારા દિલની રાણી બનાવવા માંગુ છુ ”

પછી એકદમ જ ઘૂંટણીયે પડીને આદ્યાનો હાથ પકડીને એને ચૂમી લીધો અને એની આંખોમાં આંખ પૂરોવીને બોલ્યો,

‘તારી અત્યારની બધી વણબોલાયેલી અને પહેલાં જે સતત બોલાતી પણ અવગણાતી એ બધી વાતો ભુલી જઇને ચાલ, આપણે જીંદગીની સાચી સમજ સાથે એક નવેસરથી શરુઆત કરીએ. તારા આચમનને માફ નહી કરે આદ્યા?”

અને આદ્યાની આંખો વરસી પડી.’આઇ એમ સોરી આચમન. હું …”

આગળની વાતો સાંભળવાનો કોઇ જ ઇરાદો ના હોઇ આચમને આદ્યાના હોઠ પોતાના હોઠથી બંધ કરી દીધા.

બેડરુમમાં ચોતરફ પથરાયેલા પ્રેમના સામ્રાજ્યમાં પોતાની જાતને અપરાધી માનતા સૂરજે આદ્યાના ડ્રેસિંગ ટેબલના કાચ પર એની લિપસ્ટીક્થી ‘આઇ એમ સોરી દોસ્તો ..હવે પછી હું ક્યારેય તમારા જીવનમાં પાછો નહી આવું..તમારું જીવન પ્રેમથી આમ જ નવપલ્લિત રહો’ લખીને રુમની બહાર સરકી ગયો.

અનબીટેબલ :-” જે વ્યકિતએ જીવનમાં ભુલો કરી છે,  એનો  પસ્તાવો પણ  છે અને આગળ એવી ભુલો ના થાય એ માટે સજાગ પણ છે…તો એ પ્રામાણિક, સારો અને વિશ્વાસ મુકવાની  એક તક અચૂક આપવા જેવો માણસ છે.”


સ્નેહા પટેલ – અક્ષિતારક

6 comments on “પસ્તાવો..

 1. સ્નેહા, આ realistic લાગતી સુંદર વાર્તા માનવ સંબંધ, સ્વભાવ, અને અતૃપ્ત ઈચ્છાઓ વિષે ઘણું બધું કહી જાય છે. આચમનને આજના જમાના મુજબ ખુબ આગળ વધી સમૃદ્ધ બનવું હતું. એને લીધે આદ્યા તરફનાં પ્રેમમાં ઓટ આવી રહી હતી. આજના કદાચ મોટા ભાગના પુરુષો કદાચ આચમન જેવી પરિસ્થિતિમાંથી પસાર થતા હશે. એમને એમ લાગતું હશે કે એમની પરિસ્થિતિને કોઈ સમજતું નથી. Economic reality અને સ્પર્ધાત્મક પર્યાવરણ માણસને માનવ માંથી ‘Robot’ બનાવવામાં સફળ બની જાય છે. એનો અર્થ એમ નથી કે આચમનમાં પણ પ્રેમની તરસ નથી. એ માત્ર સુષુપ્ત બની ગઈ છે. ખરેખર તો એને પણ emotional પ્રેમની ઘણી જરૂર છે. એ મેળવવામાં અસફળ રહે છે. Ego કદાચ વચ્ચે આવે છે. બીજી એક વસ્તુ કે આજની સ્ત્રી પણ પોતાની કારકિર્દીમાં આગળ વધી રહી હોવાથી આચમન જેવી situation માંથી પસાર થતી હોય છે. એટલે બંને માટે લાગુ પડે છે.

  આદ્યાની જીવન વિષયક જરૂરિયાતો અતૃપ્ત બની રહેતા એ કેમ તૃપ્ત થાય એ તરફ એની વિચાર ધારા કદાચ લઇ જઈ રહી હતી. માનવ સ્વભાવ ઘણી વાર ethics ને નેવે મૂકી ખોટા નિર્ણયો લેવા મજબુર કરે છે. આદ્યા પોતાને રોકી શકતી નથી. આચમન એની needs ને સમજી શકતો નથી. જયારે આચમન ખરી વસ્તુ સ્થિતિ
  જાણે છે ત્યારે જ એને પોતાની ભૂલ સમજાય છે. વાર્તાનો હકારાત્મક અંત ગમ્યો. કદાચ real situation માં આવું થવું મુશ્કેલ છે. કોઈ પણ પુરુષ કે સ્ત્રીને આ પરિસ્થિતિનો સ્વીકાર કરતાં વાર લાગે. બીજું, સુરજ પકડાઈ જતાં એ ત્યાં જ રહે એવું real situation માં કદાચ ન બને. એ વ્યક્તિ ત્યાંથી અલોપ જ થઇ જાય. પણ એ ત્યાં રહ્યો એટલે આચમન ને પસ્તાવો પ્રદર્શિત કરવાનો મોકો મળ્યો. આદ્યાની ભૂલ પણ આચામાને માફ કરી એ એનો આદ્યા તરફનો સાચો પ્રેમ દર્શાવે છે એના સુષુપ્ત પ્રેમને જીવત દાન મળે છે. આજના busy જીવનમાં બધાએ થોડા હળવા ફૂલ બનવાની જરૂર છે. અઢી અક્ષરમાં સમાઈ જતા પ્રેમને સમયની અવધિ નડતી નથી. એ વસ્તુ આપણે બધાં એ સમજવાની જરૂર છે. સાથે સાથે harsh economic reality ને ભૂલ્યા વગર એકબીજાને support આપવો એટલો જ જરૂરી છે.. આચમન કે આદ્યા એ પોતાના સાચા મિત્રોનો સાથ લીધો હોત તો કદાચ આ સ્થિતિ થી દુર રહી શક્યા હોત. સુરજ એક સાચા મિત્ર તરીકે આવીને આદ્યા અને આચમનને મદદ કરી શક્યો હોત. ત્રણે જીવનભરના સાચા મિત્રો બની શક્યા હોત..

  Like

 2. આપનો ખૂબ ખૂબ આભાર જયભાઈ ..આ વાર્તામાં મે ઘણું બધું એવું કહેવાનો પ્રયત્ન કર્યો છે કે જે રોજબરોજની લાઈફ઼માં આપણી આજુબાજુ વર્ષોથી થતું આવ્યું છે. પણ ઘણાં બધાં રેગ્યુલર વાચક મિત્રોની કોમેન્ટ એવી જ આવી છે કે આવું રીઅલ લાઈફ઼માં શક્ય જ નથી… કદાચ મને લાગે છે કે આ એવી હકીકત છે કે આપણે જોઇએ છીએ, જીવીએ છીએ પણ ખુલ્લા મનથી સ્વીકારી નથી શકતા. થોડુંક વધુ પછી …

  Like

 3. ઈમેલ દ્વારા ફ઼ુલછાબના ’Jignesh Vinzva’ વાંચકનો મળેલો જવાબ…
  સ્નેહાબેન આજે ‘પંચામૃત’ ની કોલમ ‘નવરાશની પળ’માં વાર્તા દ્રારા સમજશક્તિ આપતી કટાર વાંચવાની ખુબજ મજા આવી. આજે મારે ઓફિસલી કામથી આખો દિવસ બહાર રહેવાનું થયુ.સાંજે આવિને મે પહેલા તમારી કોલમ વાંચી.માણસ પૈસા કમાવાની પાછળ સબંધોથી પણ દુર થઇ જાય છે અને કેટલાકની તો જિંદગી પુરી થઇ જાય છે.અને વાર્તા નાયક આચમનની સમજશક્તિને દાદ આપવી પડે છે કારણકે તેની જગ્યાએ બીજો કોઇ વ્યક્તિ હોય તો સંબધ વધારે વિફળત.આમ આચમનની સમજથી સબંધોમા સુધારો આવ્યો.આમ હમેશા તમારી કોલમ અમને વાંચવા મળતી રહે એવી મારી શુભેચ્છા છે.
  લિ.વાંચુક

  ———-
  Sent from my Nokia phone

  Like

 4. વાર્તાના અંત સુંદર ત્રણૅ જણાએ પોતાની ભૂલ વ્યક્ત કરી માફી માગી, માફ કરવા એ જ સુખી સફળ લગ્ન જીવનની ્ચાવી
  visit
  http://www.indushah.wordpress.com

  Like

 5. Good Story. teach good lesson. Don’t ignore small problem of your wife. ( Not only wife, but whole family). spare some little time for wife (she deserved).

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s