કાચની બારી


કાચની બારી બંધ કરી
‘કોલીન’નું સ્પ્રે કર્યું
છાપાનો ટુકડો લીધો
ઘસી ઘસીને સાફ કરવાનું અભિયાન શરૂ..
કાચની બારી
ડાઘાવાળી હોય તો કેવી ગંદી લાગે
એક પણ ડાઘો ના જોઇએ એના પર આજે
કચ્ચીને થતી મહેનત કપાળના પરસેવાની બુંદો બની ગઈ
કુર્તાની ‘સ્લીવ’થી પરસેવો લુછ્યો
દૂરથી થોડા અલગ અલગ ‘એંગલ’થી કાચ ધ્યાનથી નિહાળ્યો
હાશ..
હવે કોઇ જ ડાઘો નથી દેખાતો
મહેનત વસૂલ
ત્યાં તો એક કબૂતર જોરથી ઉડતું આવ્યું
ખુલ્લાપણાનો ભ્રમ નીપજાવતા ચોખ્ખા ચણાક કાચ
અને એ ગભરું નિર્દોષ પારેવું ભરમાયું
ધડામ..
રામ નામ સત્ય…
કાશ..અતિચોખ્ખાપણાનું ભૂત ના ભરાયું હોત
તો આજે મારા શિરે પારેવાના મોતમાં
આડકતરો હાથ હોવાનો ગુનો તો ના હોતને..

સ્નેહા પટેલ – અક્ષિતારક

પ્રતિકાર


http://www.janmabhoominewspapers.com/Phulchhab/ePaper.aspx

આજના ફ઼ુલછાબ દૈનિક પેપરમાં’નવરાશની પળે’ કોલમનો મારો લેખ.

અચાનકનો એક આંચકો જ ભારે પડી ગયો અમને,

બાકી તો ભૂકંપ પણ ક્યાં નથી પચાવી જાણ્યાં અમે…!!

વેદિકા.. સુંદર, પ્રેમાળ અને લાગણીશીલ નારી હતી. પતિદેવનું નામ અનુજ અને આઠ વર્ષના દીકરાનું નામ આદિત્ય. ઘર સદા એના પ્રેમાળ અને કાળજી લેવાની  ટેવવાળા સ્વભાવથી છલકાતું, મઘમઘતું રહેતું. ઇન-મીન ને તીનની સરસ મજાની લાઇફ હતી.

આ દુનિયામાં કોઇ સર્વગુણ સંપન્ન નથી હોતું. એમ વેદિકા પણ બહુ ‘શોર્ટ ટેમ્પર’ હતી.

નાની નાની વાતમાં એને ગુસ્સો આવી જતો, અકળાઇ જતી. ઘણીવાર એ અનુજની જોડે ઝગડી પડતી અને આકરા શબ્દો પણ બોલી જતી. અનુજને કામધંધાના અનેકો ટેન્શન માથે હોય એટલે દર વખતે એને વેદિકાને સંભાળવાનો સમય નહતો રહેતો. એટલે એ વાતને બહુ મહત્વ આપ્યા વિના ઘરમાંથી બહાર નીકળી જતો.એનું આવું રુક્ષ વર્તન વેદિકાના દિલ પર આરી ચલાવવાનું કામ કરતું. એને વાત પતે નહીં ત્યાં સુધી ગુસ્સો કંટ્રોલમાં ના આવે અને અનુજ ઝગડો કરવાનું ટાળવા માટે એની સાથે વાત કરવાનું જ બંધ કરી દેતો. આમ ઘરમાં ટેન્શનનું વાતાવરણ સર્જાઈ જતું. ઘણી વાર આ બધા ચકકરોમાં એમનું નાનકડું નિર્દોષ ફુલ આદિત્ય વેદિકાના ગુસ્સાની ચપેટમાં આવી જતો. એક નાનકડી ભુલ કે અસ્તવ્યસ્તતા થાય તો પણ વેદિકા એનું મગજ ગુમાવી બેસતી અને આદિત્ય પર હાથ ઊગામી બેઠતી. લાગણીશીલ માણસોના ગુસ્સાનું હોય એમ જ પળભરમાં તો એનો ગુસ્સો ઠંડો પડી જતો. એ વખતે એને ભાન થતું કે પોતે કેટલી મોટી ભુલ કરી બેઠી. કોનો ગુસ્સો કોની પર કાઢી બેઠી. પસ્તાવો થતાં એ એના દીકરા જોડે જઈને એને ચૂમીઓથી નવડાવી દેતી અને ‘સોરી’ કહીને મનાવી લેતી. છોકરાઓનું દિલ તો એક્દમ સાફ હોય. એમને માની જતા ક્યાં વાર લાગે ! આદિત્ય પણ મમ્મીના પ્રેમમાં તરબોળ થઈને પોતાની એકાદ કેટબરીની માંગણી પૂરી કરાવીને પાછો ખુશખુશાલ થઈ જતો. વેદિકા બહુ પ્રયત્ન કરતી કે હવે એ ગમે તે થાય પણ આદિત્ય પર હાથ નહી ઊગામું પણ એ બધું બહુ ઝાઝું ટકતું નહીં.

આદિત્ય હવે ધીમે ધીમે મોટો થતો જતો હતો. સમજશક્તિ પણ વધી હતી. ઘરની હાલતનું ‘ઓબઝર્વેશન’ કરતો થઈ ગયો હતો. પણ વેદિકાને મન એ હજુ બચ્ચું જ  હતો..એનું નિર્દોષ બચ્ચું. એક વાર આમ જ ગુસ્સાની ચરમસીમાએ ફરીથી આદિત્યનો વારો પડી ગયો. આ વખતે એને બહુ લાગી આવ્યું. મમ્મીનો માર ખાધા પછી એ અચાનક જ એના રુમમાં જતો રહ્યો અને બારણું અંદરથી બંધ કરી દીધું. આદિત્યનું આવું અકલ્પનીય વર્તન જોઈને વેદિકાનો બધો ગુસ્સો એક્દમ જ ઊડી ગયો અને એનું સ્થાન એક અજાણ્યા ભયે લઈ લીધું. એણે રુમના બારણા પોતાની કોમળ મુઠ્ઠીથી ખખડાવવા લાગી..મુક્કા મારવા લાગી પણ આદિત્યએ બારણું ખોલ્યું જ નહીં. બહારથી બૂમો પાડી પાડીને વેદિકાએ મોટેથી ‘સોરી સોરી’નો, મારા ડાહ્યા દીકા જેવા આવડતા બધા રાગ આલાપી લીધા. પણ આદિત્ય ટસનો મસ ના થયો. હવે વેદિકા ગભરાઈ. એણે અનુજને ફોન કરીને તરત ઘરે બોલાવ્યો અને પરીસ્થિતીથી વાકેફ કર્યો.

અનુજ બે પળ તો સ્તબ્ધ થઈ ગયો. પછી એણે તરત મગજ દોડાવવા માંડ્યું તો બાજુવાળાની ગેલેરીમાંથી આદિત્યના રુમની ગેલરી સુધી પહોંચી શકવાનો રસ્તો દેખાયો. એણે તરત જ એક લોખંડની સીડી બેય ગેલેરી વચ્ચે ગોઠવીને એનો પુલ બનાવ્યો. આમ એ  આદિત્યની રુમની ગેલેરીમાં  પહોંચવામાં સફળ થઇ ગયો. ત્યાં જઈને સૌથી પહેલાં તો એણે રુમનો દરવાજો અંદરથી ખોલી કાઢ્યો. વેદિકા તરત જ અંદર ધસી આવી. બેયની નજર આદિત્ય પર પડતાં બેય સ્તબ્ધ થઈ ગયા. આદિત્યના કોમળ ગાલ પર આંસુના રેલાની નિશાનીઓ એના દુઃખની ચાડી ખાતી હતી. એના હાથમાં ભગવાન શ્રીકૃષ્ણનો ફોટો હતો. અને આદિત્ય એની સામે એકીટશે જોઈ રહયો હ્તો.

વેદિકાએ એકદમ જ આદિત્યને પોતાની બાહોમાં લઈ લીધો.’આદિ..બેટા…હોશમાં તો છે ને..કેમ આમ વર્તન કરે છે? અનુજે એક હાથે વેદિકાને બાજુમાં ખસેડી અને આદિના રેશમી વાળમાં કોમળતાથી હાથ ફેરવતા પૂછ્યું,

બેટા શું થયું..તારા જેવો ડાહ્યો દીકરો સાવ આવું વર્તન કરે એ સારું કહેવાય કંઈ?”

અને આદિ એકદમ છંછેડાઈ ગયો.

‘તમે મોટા લોકો બાળકો જેવું વર્તન કરો એનું કંઇ નહીં ડેડ..? હું નાનો છું, તાકાત નથી મારામાં, એટલે મોટાઓની  સામે તો મારે કેમનું થવાય? એટલે ના તો કંઇ બોલાય કે ના વળતો પ્રહાર પણ થાય!! તેં હેં પપ્પા, આ તો ભારોભાર અન્યાય ના કહેવાય..? હું ક્યારનો આ કનૈયાને એ જ પ્રાર્થના કરું છું કે મને જલ્દીથી મોટો કરી દે..મારી મમ્મી કરતાં પણ મોટો…જેથી પપ્પાનો ગુસ્સો કે મમ્મીનો માર ના ખાવો પડે. જો હું પણ સામે મIરી દઈશ એવી બીક હોય તો મમ્મી, સાચું બોલ તું મારા પર હાથ ઊગામવાની?  પ્રતિકારમાં વળતા હુમલાની બીક હોય તો આવું કરતાં પહેલાં તું સો વાર વિચાર કરે કે નહીં? મારે સામે હાથ નથી ઉગામવો પણ માર પણ નથી ખાવો..કનૈયા જોડે શરત લગાવેલી કે તું મારી વાત માનીને મને મોટો નહી કરે ત્યાં સુધી હું દરવાજો નથી ખોલવાનો. પણ ડેડી..તમે બધા પર પાણી ફેરવી દીધું.”

વેદિકા અને અનુજ તો સ્તબ્ધ જ થઈ ગયાં. એમણે વાતને આ ‘પોઈન્ટ ઓફ વ્યુ’થી તો કદી વિચારી જ નહોતી. વેદિકાએ વિચાર્યુ તો એને પણ આદિની વાતમાં ભારોભાર સત્ય વર્તાયું. જો કદા્ચ આદિ બળવાન હોત..સામે હાથ ઉગામીને પોતાનો બચાવ કરવા માટે પ્રતિકાર કરી શકવાને સમર્થ હોત તો સો ટકા વેદિકાનો હાથ અટકી જાત. પોતાના મનસ્વી વર્તન સામે એ બિચારું બાળમાનસ તો બોલીને પણ ગુસ્સો વ્યક્ત કરી શકે એટલી સમજ નહતું ધરાવતું..હે ભગવાન, અજાણતા પોતાના જ લોહી પર પોતે કેવો અત્યાચાર કરતી આવી હતી એનું ભાન થતાં વેદિકાને પારાવાર પસ્તાવો થઈ ગયો.  પોતાના બે ઘડીના ગુસ્સાનું, અણસમજનું આવું કરૂણ પરિણામ જોઈને બેયની આંખોમાં આંસુ છલકાઇ આવ્યાં. બેય જણને પોતાની ભુલ સમજાઇ અને એક બીજાની આંખોમાં જોઇને આંખોથી જ એક વચનની આપ-લે કરી લીધી કે,” હવે પછી ગમે તે થાય પણ આદિત્ય પર હાથ તો નહી જ ઊગામીએ. બને એટલો એની સાથે સમજાવટથી , ધીરજથી જ કામ લેવાનો પ્રયત્ન કરીશું.”

અનબીટેબલ :- જીવનમાં રાગ, દ્રેષ જેવી લાગણીઓ ભલે  સ્થાન પામે, પણ એ તમને અતિક્રમી ના જાય એનું ધ્યાન તો રાખવું જ ઘટે. હંમેશા બધાંયનું  સમતોલન કરીને જીવનને હળ્વું ફ઼ુલ રાખો

સ્નેહા પટેલ – અક્ષિતારક