કેટલા નસીબદાર..!!


 ફ઼ુલછાબ દૈનિકમાં -’નવરાશની પળ’ કોલમનો મારો આજનો લેખ.. 

પતઝડ મહીંય જો તમે ધારો વસંત છે,

એ ધારણાનાં સત્યમાં યારો વસંત છે !

 

ફૂલોથી ફાટફાટ થશે બાગ ભીતરી,

ખોવાઈ જૈને ખુદમાં વિચારો : વસંત છે !

– વિસ્મય લુહાર

 

અમદાવાદ શહેરની મધ્યમવર્ગીય નાની શી સોસાયટી. ચાર બ્લોક. દરેક બ્લોક્માં એક માળ પર ચાર ચાર એમ સોળ ફ્લેટ્સ હતાં. વળી જગ્યાના અભાવે બને એટલી ‘સ્પેસ’નો સફળતાપૂર્વક ઉપયોગ કરવાની બિલ્ડરની મંશાને કારણે સામ સામે ખૂણે ગોઠવાયેલા ફ્લેટ્સમાંથી એક પાડોશી બીજા પાડોશીના ઘરોની બારી બારણાંમાંથી એના ઘરની ગતિવિધીઓ આરામથી જોઈ શકે એમ હતું.

‘એ’ બ્લોકમાં પહેલા માળે ફ્લેટનં-૧ માં રહેતા સુશીલાબેન એમના પતિ રામ અને દીકરા જોડે રહેતા હતાં.પતિનો ધંધો સારો ચાલતો હતો. પણ એમનો સ્વભાવ થોડો ગરમ.સુશીલાબેન નખશીખ ગ્રૂહિણી.ઘરમાં કોઈ પણ વાતનો નિર્ણય લેવાનો હોય ત્યારે પતિદેવ રામની મરજીથી જ લેવાતો હતો. સુશીલાબેનની મરજી નામરજીની કોઇ ગણત્રી ક્યારેય ના કરાતી. ભણેલા ગણેલા સુશીલાબેનનો માંહ્યલો ઘણીવાર વિરોધના સૂર પોકારવાની પેરવી કરતો જેને સુશીલાબેન સમજણની નકેલ પહેરાવીને સમયસર કાબૂમાં રાખી લેતા. આમ હેપી ફેમિલી હતી આ..બીજી કોઇ મગજમારી નહોતી પણ પોતાના અસ્તિત્વને સતત નજરઅંદાજ કરાતા આ વર્તનનું સુશીલાબેનના દિલમાં ભારોભાર દુઃખ રહેતું. એમની નજર ઘણીવાર સામેના ‘૨’નંબરના ફ્લેટમાં રહેતા તૃપ્તિબેન પર પડતીને એક હાયકારો નીકળી જતો.

તૃપ્તિબેન..એક વિધવાબાઈ હતા. જે પોતાના એક દીકરો અને એક દીકરી સાથે સુખેથી રહેતાં હતાં. પતિએ સેટ કરેલ પ્રોવિઝનની નાનકડી દુકાનથી ઘરસંસાર આરામથી ચાલતો હતો. વળી દીકરો પણ જુવાન, નોકરીએ સેટ થઈ ગયેલો. તૃપ્તિબેનની પોતાના નિર્ણયો જાતે લેવાની સ્વતંત્રતા જોઇને સુશીલાબેન વિચારતા, ‘મારા કરતાં તો આ વધારે નસીબદાર છે. કેટલા લકી..પોતાનું જીવન પોતાની મરજી મુજબ નિર્ણયો લઈને પોતાની આવડત અને સમજદારી પૂરવાર કરી શકવાની તકો એમને કેવી આસાનીથી મળી રહે છે.નાકોઇ આગળ કે ના પાછળ જેને પૂછવું પડે..તૃપ્તિબેન રસોડાની બારીમાંથી સામેની’૩’ નંબરના ફ્લેટમાં રહેતા રુપાલીબેનના ઘર તરફ નિહાળતા કંઇક ઊંડા વિચારોમાં ગરકાવ હતાં ને વિચારતા હતાં કે આ લોકો કેવા લકી છે..!!

રુપાલીબેન એમના ઘરવાળા અને ઘરડા સાસુ જોડે રહેતા હતાં. બેય એકલવાયા જીવ. બેય દીકરીઓને પરણાવી દીધેલી બધી જવાબદારીઓ પતાવીને બેઠેલા. રોજ સવારે રમેશભાઈ ચા નાસ્તાની ટ્રે તૈયાર કરીને રુપાલીબેનને કેવા પ્રેમથી ઊઠાડે છે. જ્યારે મારે શિરે તો આ બે જુવાનજોધ જવાબદારીઓનો બોજ અને સાથ કોઇનો નહી. બધું ય એકલપંડે. કોઇ મહત્વનો નિર્ણય લેવો હોય તો કોને પૂછવાનું? બહારના ઓ તો ટાંપીને જ બેઠા હોય..એમના ભરોસા થોડી કરાય. વળી આ છોકરાઓ એમનું ઘર અલગ માંડશે તો મને રાખશે કે કાઢી મૂકશે ? હું એકલી ક્યાં જઈને આશરો શોધીશ? કેવી અસલામત જીંદગી સાવ.. રુપાલીબેન હીંચકે હળવી ઠેસ લગાવતાંકને ચાનો ઘૂટડો ગળે ઉતારતા ઉતારતા સામેના ‘૪’નંબરના ફ્લેટમાંથી દેખાતા કપલને જોઈને વિ્ચારતા હતા કે, ‘ આ બેય કેવા લકી છે..! કેવા લહેર પાણી ને જલસા. બેય નોકરી કરે..ના કોઇ જવાબદારી. ના કોઇ આગળ જવાબ માંગનારું ના પાછળ ટૉકનારું. પાંચ પાંચ વર્ષ પણ હજુ છોકરાની જવાબદારી પણ નથી વિચારતા. જ્યારે મારે માથે તો હજુ આ ઊંમરેય ઘરડા માજીની સેવા માથે. એક કલાક પણ બહાર જવું હોય તો પાંચ વાર વિચારવું પડે સાલું. કોને ખબર ક્યારે આ બલાથી જાન છૂટશે? ‘૪’નંબરવાળું કપલ રસોડામાંથી ‘૧’નંબરના સુશીલાબેનનો ડ્રોઈંગરુમ જોઇને જીવ બાળતું હતું..આ સુશીલાબેન કેવા લકી છે..કેવું હર્યુ ભર્યુ ઘર છે જ્યારે અમારે લગ્નના પાંચ પાંચ વર્ષ પણ ખોળો ખાલી ને ખાલી. કેટ કેટ્લાં ડોકટરો, દવા, ખરચા,,,બધી કમાણી જાણે એમાં જ જાય છે ને પરિણામ પણ શું…શૂન્ય…

જ્યારે બીજા માળે રહેતાં ‘૫’ નંબરના ફ્લેટમાં રહેતા ૬૦ વર્ષના વિધુર વિલાસભાઈ હમણાં જ હાથમાં લેબોરેટરીમાંથી પોતાનો રીપોર્ટ લઇને આવેલા એ વાંચતા હતાં. જેમાં લાલ માર્કરની નીચેથી છેલ્લા સ્ટેજનું સ્વાદુપિંદના કેન્સરનો ભયાવહ સંદેશો ડોકાતો હતો. બે પળનો આંચકો સહી લઈને વિલાસભાઈ થોડા સ્વસ્થ થયાં. ને વિચારવા લાગ્યાં,’હું કેટલો લકી છું કે મને મારો મૃત્યુસમય, જીવનની ‘ડેડલાઈન’ ખબર પડી ગઈ છે. જીવનમાં બહુ ભુલો કરી છે, બહુ સંબંધો કડવા કર્યા છે એ બધાને સમય મળ્યો છે તો સુધારી લઈને પછી શાંતિથી  બધીય જવાબદારીઓ પૂરી કરીને મારી રાધાને મળવા ઉપર પહોંચી જઇશ.

કદાચ દુનિયાનો સૌથી નસીબદાર…’લકી’ માણસ હું જ હોઈશ…કેમ…!!

અનબીટેબલ :- ‘’જીવન- નામે-વાનગી’ માં   હક, અપેક્ષા, જવાબદારી,  લાગણીના મસાલા હંમેશા ઓછા-વત્તા   જ પડે છે..

-સ્નેહા પટેલ- અક્ષિતારક


પ્રામાણિકતા


મને ઘણાં બધા મિત્રો એમ કહે છે કે

” તમે માનો એટલા પ્રામાણિક અને સારા નથી અમે.  અમે પણ  જીવનમાં બહુ ખોટા કામ કર્યા છે. અમને આજે પણ એનો પસ્તાવો છે ”

એ મિત્રો માટે ખાસ આ…

” જે વ્યકિતએ જીવનમાં ભુલો કરી છે,  એનો  પસ્તાવો પણ  છે અને આગળ એવી ભુલો ના થાય એ માટે સજાગ પણ છે…તો મારા મતે એ પ્રામાણિક, સારો અને વિશ્વાસ મુકવાની  એક તક અચૂક આપવા જેવો માણસ છે.”

સ્નેહા પટેલ – અક્ષિતારક

ધારણાઓ


જીંદગી  કાયમ  ધારણાઓથી આગળ જ મળી છે

સારું છે

આમ જ એ મને  હંમેશાગતિશીલ રાખે છે..

સ્નેહા પટેલ – અક્ષિતારક

સખીપણું


એ મારી બહુ જૂની સખી હતી

પણ ખબર નહીં  શું..

હંમેશા

કંઇક ખૂટ્યા કરતું હતુ

એની વાતો હંમેશા મારી ‘હા’ માં ‘હા’ ને ‘ના’ માં ‘ના’ પૂરાવતી

મને દુનિયાની સર્વોત્તમ વ્યક્તિ હોવાનો અનુભવ કરાવતી

પણ

કંઇક તો હતું જે નડતું હતું

કંઈક કૃત્રિમ હતું

મને ગૂંચવતું હતું

આજે એક વાતમાં એ અકળાઇ ગઈ

વાત એકદમ નાની હતી..મતલબ વિનાની જ

પણ એ ગુસ્સે થઈને રિસાઇ ગઈ

પછી મેં એને મનાવવાનો પ્રયત્ન કર્યો..

જોકે એ બધામાં બહુ સમય લાગ્યો

પણ છેલ્લે હાસ્ય સમેત એણે મને ગળે લગાડી

બે હાથમાં મારો ચહેરો લઈ

કપાળે એક તસતસતું ચુંબન ચોડી દીધું

હાશ..

હવે અમારી મૈત્રી સાચી અને પારદર્શી લાગી

અમારું સખીપણું એક પગથિયું

ઉપર ચડ્યું  હોય એમ લાગ્યું… 🙂

સ્નેહા પટેલ – અક્ષિતારક

આવું ના કરો…


ક્યારેય કોઇની લાગણી ના દુભાવો, કોઇનો તમારામાં મૂકેલો  વિશ્વાસ ના તોડો. ભગવાનને મળવા મંદિર જવાની જરુર કદી નહી ઉદભવે.

 

સ્નેહા પટેલ – અક્ષિતારક

કેમ છો..?


“ફ઼ૂલછાબ છાપામાં ’નવરાશની પળ’ કોલમનો મારો આજનો લેખ.”.

નથી   મેળવાતી     ખુશી     સંપત્તિથી

આ   મોજા   રડીને   કહે   છે  જગતને

ભીતરમાં  જ  મોતી  ભર્યાં  છે  છતાં યે

સમુદ્રોના  ખારાં  જીવન  થઈ  ગયાં  છે

-બરકત વિરાણી ‘બેફામ’.

આજ કાલ સ્વાગતનો મૂડ બહુ જ ખરાબ રહેતો હતો. કોઇ જ દેખીતા કારણ વગર નાની નાની વાતોમાં પોતાના સહકર્મચારીઓ જોડે અને પત્ની તિથી જોડે પણ ઝઘડા થઈ જતા હતાં. એને પોતાને પણ ખબર હતી કે વાતમાં કંઇ જ નથી હોતું. પણ બસ એનું મગજ ઠેકાણે નહોતું રહેતું અને એની આજુબાજુવાળા એની એ અકળામણની ઝપટમાં આવી જતા હતાં જેનો પાછળથી સ્વાગતને પસ્તાવો પણ થતો. શાંતિથી બેસીને પોતાની અકળામળનું મૂળ શોધવાનો પ્રયત્ન કરતાં એ જે તારણ પર આવ્યો એ એકદમ આઘાતજનક નીકળ્યું.

આ બધા પાછળ કારણભૂત હતા એના પિતાતુલ્ય કાકા અમિતભાઈ અને એની સગી જનેતા. એના પપ્પાના મૃત્યુ બાદ કાકાએ જ સ્વાગતને દીકરાનો પ્રેમ આપીને ઉછેરેલો. થોડા દિવસ પહેલાં એ જ કાકા સાથે પોતાની દેવી સમાન માતાને  સહન કરી શકાય એવી હાલતમાં જોઈ ગયેલો અને તેની એ બેય વિશેની બધીય પવિત્ર ધારણાઓ કકડભૂસ થઈ ગયેલી..બસ એ જ વાત, ના તો એ કોઇને કહી શકતો હતો કે ના તો સહી શકતો હતો. અંદરો અંદર રાખમાંના અંગારની જેમ બળ્યા કરતો હતો.જીંદગી સાવ ઝેર જેવી લાગવા માંડેલી. એ હવે કોઇ જ સંબંધ પર વિશ્વાસ રાખી શકતો નહતો. ‘આ દુનિયામાં બધા સંબંધ એક નાટક જ છે’ જેવી નકારાત્મક લાગણીઓનો ભાર સતત છાતી પર લઇને જીવતો હતો.

એક દિવસ ચાલતા ચાલતા એમ જ એ દરિયા કિનારે નીકળી ગયો. સૂર્યના સોનેરી કિરણો દરિયાના તટ પર પીઘળતા સોનાની જાળ પાથરતા હતા. પક્ષીઓનો ચહચહાટ, દરિયાકિનારાની ઠંડી પીળી રેતી અને મંદ મંદ વહેતો પવન બધું ય દિલને થોડી શાતા આપી ગયું. એટલામાં એક વયસ્ક કાકા ચાલતા ચાલતા સામેથી આવતા હતા. આ ઊંમરે પણ એમની ચાલમાં એક તાજગી વર્તાતી હતી. સ્વાગત બે ઘડી તો એમને તાકી જ રહ્યો. કાકા નજીક નજીક આવતા ગયા અને એકદમ જ સ્વાગત સામે જમણો હાથ ઊંચો કરીને કહ્યું,

‘કેમ છે દીકરા?’

સ્વાગત તો ભોંચક્કો જ રહી ગયો. એ તો કાકાને જાણતો પણ નહતો અને આ તો એક્દમ..!!!

‘શું આપણે એક બીજાને ઓળખીએ છીએ?”

‘નારે, કેમ આમ પૂછે છે?’

‘તમે આમ એકદમ જ મને ‘કેમ છો’ પૂછ્યું ને એટલે’

અને પેલા કાકા તો ખડખડાટ હસી પડ્યાં.

‘તમે આજ કાલના જુવાનિયાઓ દરેક વાતના કારણો શોધતા રહો બસ. અરે,કોઇને કેમ છો પૂછવામાં વળી એને જાણવાની શું જરુર? મેં જોયું કે તું સતત વિચારોમાં હતો, તારા ચહેરા પર દુખની વાદળીઓ રમતી મને સ્પષ્ટ દેખાતી હતી.બસ અકારણ જ આ શબ્દો મોઢામાંથી સરી પડ્યા લીધું.દરેક વાતોના કારણ હોવા કે કોઇને બે પળ ખુશી આપવા માટે એની સાથે સંબંધ હોવો જરુરી થોડો છે? ચાલ મારી સાથે, સામેની લારી પરથી થોડી ખારી શિંગ લઇને ખાઈએ ને થોડી ખુશીની પળો વહેંચી લઈએ.”

બળબળતા મન પર ’કેમ છો’ ના ચંદનલેપથી થોડી શાતા અનુભવતો સ્વાગત નિઃશબ્દ બનીને, સંમોહિત અવસ્થામાં એમની પાછળ ખેંચાતો ચાલ્યો.મનમાં વિચારતો જતો હતો કે,

“કોઇને નિઃસ્વાર્થભાવે ખુશી આપવાના પ્રયત્નોમાં આપણને પણ અનહદ ખુશીનો અનુભવ થાય છે.દરેક વાતોના કારણો શોધ્યા વગર થોડું સહજ અને સરળ જીવન જીવી લેવું જોઈએ. ખુશી તો કાયમ હાથવેંતમાં જ હોય છે. જરુર છે ફકત એને ઓળખવાની.”

અનબીટેબલઃ- પ્રેમ એટલે શબ્દોની સીમા બહારની સંવેદનોથી ભરપૂર લાગણી…

સ્નેહા પટેલ – અક્ષિતારક

વ્હાલપાશ..


બસ તું સ્વાભાવિકતાથી જીવ

તારા ધરતીકંપોમાંથી બહાર નીકળ

જાતને ફ઼રીથી સેટલ કર

હા એક ભલામણ ખાસ..

માણસજાત પરથી વિશ્વાસ ક્યારેય  ના ગુમાવીશ

ઉપરવાળાની લીલાઓ અકળ છે

અપરંપાર છે..

બડો ચતુર કિમીયાગર છે એ..

નકરા ગૂઢાર્થોથી એ  ભરેલ છે

આપણે રહ્યાં સામાન્ય માનવીઓ

એના દુન્યવી સંકેતો ઘણીવાર ના સમજી શકીએ

બધી ય ચિંતા છોડ..

સ્વાભાવિકતાથી મન જેને સાચું કહે એ રસ્તે ચાલ

તને મારા બધાય ગમા

અણગમામાંથી મુક્ત કરું છું..

પણ વિશ્વાસ રાખજે

હું તારા વ્હાલપાશમાં કાયમ બંધાયેલ છું.

તારી વ્હાલી..

સ્નેહા પટેલ – અક્ષિતારક

જાદુ


તારા પર

વરસી વરસીને

કાયમ

હું તો છલકાણી સાજન

ખબર નહીં

તું

શું

જાદુ કરે છે..!!!

સ્નેહા પટેલ – અક્ષિતારક..

અપેક્ષા.


ફ઼ૂલછાબમાં ’નવરાશની પળ’ કોલમનો મારો આજનો લેખ…

આટલી અપેક્ષાઓ આ દિલમાં શીદ સળવળે છે?

પાગલ……

આ તો પ્રેમ છે, કંઈ વાટકી-વ્યવહાર થોડી છે?

હાથમાં લગ્નની કંકોત્રી લઈને પરિમીતા આંખમાં ધસી આવતા આંસુના ઘોડાપૂરને ખાળવાનો વ્યર્થ પ્રયાસ કરતી હતી અને સાથે સાથે ફ઼્લોરોસન્ટ ગ્રીન કલરની નેઈલપોલિશવાળી પાતળી સુકોમળ આંગળીઓ કંકોત્રીમાં લખેલા પરિવર્તન અને પોતાના નામ પર ફ઼ેરવતી જતી હતી.

ટેરવા દ્વારા પરિવર્તનને સ્પર્શતી હોય એવું અનુભવતા અનુભવતા એની પર મનોમન વરસી રહી હતી.

પરિમીતા અને પરિવર્તન..આધુનિક જમાનાના પ્રેમીઓ..બેય જણે જાતે એકબીજાને પસંદ કર્યા હતા અને સામેના પાત્રને ડેટિંગ કરીને પૂરી રીતે પોતાની સમજશક્તિ અનુસાર ચકાસી લીધેલા પછી બેયના ઘરમાં પોતાનો મક્કમ નિર્ણય જણાવી દીધો હતો જેમાં ઘરનાંને ફ઼કત હામી ભરવાની એક ફ઼ોર્માલિટી જ કરવાની હતી. જોકે બેયની જોડી સુંદર અને આંખોને ઠારે એવી હતી.

લગ્નના ત્રણ વર્ષ તો પલકવારમાં જ પસાર થઈ ગયા. બે વર્ષ દરમ્યાન એક સુંદર મજાની ’ફ઼ોરમ’ નામની દીકરીની ભેટ પણ ભગવાને આપી દીધી. એની હાજરીથી  જાણે આખુંય જીવન મઘમઘ થઈ ગયુ હતું. ખરી રીતે તો સહજીવન હવે જ શરુ થયું. દીકરીનો ઊછેર, ધંધાની જવાબદારી, સામાજીક રીવાજો, વડીલોની અપેક્ષાઓ આ બધાની વચ્ચે પરિમીતાએ પોતાની ઊજળી કેરિયરના ગ્રાફ઼ને અટકાવીને નોકરી છોડી દીધી હતી. આખો દિવસ ઘરમાં જવાબદારીઓ વચ્ચે વીતાવવામાં જીવને થોડી અકળામણ પણ થતી. એમાં ય આટલા સમયમાં પરિવર્તનના સ્વભાવના નવા નવા રંગોથી પરિચીત થતી જતી હતી. બેય જણનો સ્વભાવ એક્દમ અલગ. જાને ઉત્તર – દક્ષિણના બે છેડાં. ખાવું-પીવું, પહેરવું-ઓઢવું,બોલ-ચાલ દરેક વાતે અલગ. પરિમીતાને પંજાબી ભાવે તો પરિવર્તનને સાદું ગુજરાતી ખાણુંથી માંડીને પરિમીતાને પિકચરો, નાટકો, શોપિંગ વગેરે પ્રવ્રુતિઓ પ્રત્યે બેહદ લગાવ,માણસોથી ઘેરાઈને રહેનારો બહિર્મુખી જીવ તો પરિવર્તનની દુનિયા મશીનો, સોફ઼્ટવેરથી ભરચક જ્યાં કોઇ જ ભાઈબંધ કે દોસ્તાર ના મળે. સાવ અંતર્મુખીજીવ.

લગ્નજીવનના શરુઆતના તબક્કે તો બનતું આવ્યું છે એમ જ બેય જણ એકબીજાના પ્રેમમાં ચકચૂર હતાં., આવી નાની નાની વાતો તો ધ્યાનમાં જ નહોતી આવતી અને આવેતો આંખ આડા કાન કરી દેતા હતા પણ ધીરે ધીરે પરિમીતાને પોતાના જીવનમાં એક ખાલીપો વર્તાવા લાગ્યો હતો. એને પરિવર્તન સાથે પિકચર જોવા જવું હોય, શોપિંગમોલમાં ખરીદી કરવા જવું હોય, વીકએન્ડમાં બધુંય ભુલીને એકાદ-બે દિવસની નાની પિકનીક પર રખડવા નીકળી પડવું હોય ત્યારે એ એના મશીનો કે ધંધાના કામોમાં જ ગુંથાયેલો રહેતો. પરિમીતા એને સમજાવતી કે પોતાને આવી જગ્યાએ એની જોડે જવાનું, સમય પસાર કરવાનું બહુ  ગમે છે. પરિવર્તન સમજવાનો પ્રયત્ન કરતો. થોડો સમય બધું સમૂસુતરું ચાલતું પણ પછી એનું એજ. પરિણામે પરિમીતાની ઇચ્છાઓનો કચ્ચરઘાણ વળી જતો.

પરિવર્તનના અનુભવી મમ્મી બેલાબેનની ચકોર નજરે આ બધુંય પકડી પાડ્યું. એક દિવસ એમણે પરિમીતાને પોતાની પાસે બેસાડી અને પૂછ્યું,’ વહુ બેટા, તમે જે બેડરુમમાં નવું એલઈડી ટીવી લીધું એનું રીઝલ્ટ કેવું છે? પરિમીતાએ જવાબ આપ્યો,’અરે એ તો બહુ જ સરસ છે. બધાંય પૈસા વસુલ થઇ ગયા સમજોને.”

’ઓહ સરસ, તો તો હવે તું જે નવું ઓટોમેટીક વોશિંગમશીન લેવાનું વિચારતી હતી એના પર તો ચોકડીને. એની હવે ક્યાં જરુર છે?’

અને પરિમીતા તો આંખો ફ઼ાડીને બેલાબેનને જોવા લાગી.

’મમ્મી તમે આ શું બોલો છો? વોશિંગ મશીન અને એલઈડીને વળી શું લેવા દેવા? એ બેયનું  કામ તો સાવ અલગ અલગ છે’

’ઓહ ઠીક ઠીક.. તો પછી તારા માટે ગાડી લેવાનો પ્લાન કરતા હતા એ તો કેન્સલ જ ને?’

’મમ્મી પ્લીઝ, આજે શું થઈ ગયું છે તમને? કેમ આવી વિચિત્ર વાતો કરો છો તમે? આ બધી ચીજોનું કામ અને સ્થાન જીવનમાં  અલગ અલગ છે. તમે એક જ વસ્તુ પાસેથી બધી વસ્તુના કામ કેમના લઈ શકો?”

અને બેલાબેનના મોઢા પર સ્મિત રેલાઇ ગયું.

’બેટા હું પણ તને એ જ પ્રશ્ન પુછું છું કે તને આ શું થઈ ગયું છે? તું લગ્નજીવન પાસેથી ’પીન ટુ પિયાનો’ જેવી બધી જ જરુરિયાતો સંતોષવાનો દુરાગ્રહ કેમ સેવે છે? આટલી બધી અપેક્ષાઓ શીદને કરે છે? પરિવર્તનને જે વસ્તુનો શોખ નથી એમાં એ કંઇ રીતે રસ લઇ શકે? પણ એણે તને કદી તારી સખીઓ જોડે ક્યાંય જતા રોકી તો નથી જ ને? તો તું કેમ એ શોખ તારી ફ઼્રેન્ડસ જોડે હરી-ફ઼રીને નથી સંતોષી લેતી? સામે પક્ષે પરિવર્તને તો તને કદી એના મશીનો જોડે તને લમણાં ઝીંકવા ફ઼ોર્સ નથી કર્યો. એ પોતાના શોખ અને લગ્નજીવન બેયને અલગ અલગ રાખીને કેવો શાંતિથી જીવે છે. થોડી સમજદારી રાખીને પરિવર્તનને ઊડવા માટે એનું સ્વતંત્ર આકાશ આપ અને તું પણ તારા આકાશમાં એકલા ઊડતા શીખ. લગ્નનું જીવનમાં બહુ જ  સુંદર અને નોખું  સ્થાન હોય છે. દરેક અપેક્ષાની ફ઼ી એ સંબંધ પાસેથી વસૂલવાનું રહેવા દે બેટા. નહી તો એના બોજા હેઠળ લગ્નજીવનની કેડ વાંકી વળીને તૂટી જતા વાર નહી લાગે.

પરિમીતાને સમજણની નવી દિશા મળતા પોતાની સમસ્યાઓનું નિરાકરણ મળી ગયું અને આભારવશ થઈને બેલાબેનના હાથ પકડીને આંખે અડાડી લીધા.

અનબીટેબલ :-  કમીઓ તો અમને પણ નડી જાય છે, માણસ છીએ.

સ્નેહા પટેલ.

જીવન-નામે વાનગી


’જીવન, નામે-વાનગી’ માં   હક, અપેક્ષા, જવાબદારી,  લાગણીના મસાલા હંમેશા ઓછા-વત્તા જ પડે છે..

-સ્નેહા પટેલ- અક્ષિતારક

હળવાશ…


જીવનમાં રાગ, દ્રેષ જેવી લાગણીઓ ભલે  સ્થાન પામે, પણ એ તમને અતિક્રમી ના જાય એનું ધ્યાન તો રાખવું જ ઘટે. હંમેશા બધાંયનું  સમતોલન કરીને જીવનને હળ્વું ફ઼ુલ રાખો.

સુંદર મજાનો હળ્વોફ઼ુલ દિવસ મુબારક મિત્રો….

સ્નેહા પટેલ – અક્ષિતારક

બે પળની વાત


આજનો  ’ફ઼ૂલછાબમાં નવરાશનીપળ’ કોલમનો મારો લેખ..

તું કહે રાત તો છે રાત સખી,આપણી એમ એક જાત સખી.

એકબીજા ઉપર વિજય યાને,બેઉ બાજુ થયા મહાત સખી.

-ભરત વિંઝુડા.

આજે રાધા બહુ જ ગુસ્સામાં હતી. આજે એની ’મેરેજ એનીવર્સરી’ના સપરમા દિવસે જ  પતિ પલાશ જોડે  ફરીથી ઝગડો થઇ ગયેલો. બેય જણાએ લગભગ મહિના પહેલાથી આ દિવસ માટે  લોંગ ડ્રાઇવ અને હાઇ-વે પરની અતિપ્રખ્યાત મેક્સિકન અને થાઈ ફુડની રેસ્ટરાંમાં જવાનો પ્લાન ઘડેલો હતો. પણ એક ફોનની ટ્રીન ટ્રીન વાગી અને પલાશની ધંધાની એક અણધારી મીટીંગ ગોઠવાઈ ગઈ.પત્યું.. પ્રોગ્રામમાં એક મોટું પંક્ચર પડી ગયું. એમના લગ્નજીવનની ગાડી હંમેશની જેમ ફ઼રીથી આ પંકચરથી હાલક ડોલક થઈ ગઇ.

રાધા અને પલાશ..રાધા ખૂબ જ પ્રેમાળ પત્ની હતી અને પલાશ પણ રાધાની કાળજી લેતો પતિ હતો.એમના લગ્નજીવનને લગભગ ૨એક વર્ષ થવા આવેલા પણ પલાશના ધંધાની વ્યસ્તતાએ એમના સહજીવનની શરૂઆતમાં હનીમૂનના પ્રોગ્રામને તો ઠેબે ચડાવેલો જ. પણ હવે તો આવા નાનકડા ’ડીનરીયા’ પ્રોગ્રામની પણ હવા કાઢીને ટાંય ટાંય ફીસ્સ કરી નાંખતી હતી. આ બધા પછી એ બેય વચ્ચે રિસામણા-મનામણાની ઋતુઓ પૂરબહારમાં પાંગરતી. નવું નવું હતું ત્યાં સુધી તો રાધાને રિસાવાનું અને ક્યારે પલાશ મનાવે એની રાહ જોઇને બેસી રહેવાનું, ખોટા ખોટા નાટકો કરી કરીને પલાશને વધુ ને વધુ હેરાન કરવાનું અને પછી સાવ પાણી પોચા વાદળની માફક એના પર વરસીને એને પ્રેમમાં ભીંજવી દેવાનું બહુ ગમતું. પણ હવે એ રિસામણા- મનામણાના પ્રસંગોની માત્રા વધવા લાગેલી. સામે પલાશ પણ હવે કંટાળેલો. વારંવાર મનામણા કરતા કરતાં હવે એ રાધા સામે આજીજી કરતો હોય એવો ભાવ અનુભવતો. એનો ’મેલ ઇગો’ એના પ્રેમ પર હાવી થવા લાગ્યો હતો. એમના ઝગડાંઓમાંથી પ્રેમના સ્થાને સામેવાળાને સંભળાવી દેવાની ગણત્રીપૂર્વકની દલીલો, શબ્દોની માયાજાળ વગેરે છલકાવા માડ્યા હતાં.લગ્નજીવનની ગાડીમાંથી પ્રેમ નામનું પેટ્રોલ ઉડી જતા છેલ્લે એ રીઝર્વમાં ચાલવા લાગેલી.

રાધા એકલતામાં સતત આ બધી વાતો પર ઊંડો વિચાર કરતી તો એને ઘણીવાર પલાશ સાચો લાગતો. પલાશની વ્યસ્તતા અકારણ નહતી એ પણ અહેસાસ થતો. પલાશને પણ એની સાથે પ્રેમ ભરેલ પળો વિતાવવાનું ગમતું હતું. પોતાના તરફ એને અદ્મ્ય આકર્ષણ પણ હતું. એના પ્રેમની તીવ્રતા એ અવારનવાર અનુભવી શક્તી હતી. પણ જ્યારે આવા અદ્મ્ય આશાથી ભરેલા પ્રોગ્રામ કેન્સલ થતા ત્યારે એ પોતાની જાત પર કાબૂ નહોતી રાખી શકતી અને પરિણામે આવેશના પ્રવાહમાં પલાશને થોડા આકરા શબ્દો બોલી બેસતી હતી. સામે પલાશ શબ્દો નહી પણ વર્તનનો માણસ હતો. એ આકરા શબ્દોની સજારૂપે એ રાધા સાથે અબોલા રાખી લેતો. આમ બેય પક્ષે પ્રેમની અખૂટ ધારા વહેતી હોવા છતાં વચ્ચે મસમોટી ‘હું’ની ‘અહમ’ની ખાઇ આવી જતી.

એક દિવસ રાધાએ એ ખાઇ ઓળંગવાના પ્રયાસરૂપે એક કાગળ લીધો. એમાં  પલાશ પ્રણયના નશામાં એને અવાર નવાર જે વાક્યો કહેતો હતો, એ ઉપરાંત પલાશની સારી સારી ટેવો જે એને ખૂબ જ ગમતી હતી, પલાશની વ્યસ્તતાની મજબૂરીના કારણો.. એ બધુંય શાંત ચિત્તે વિચારીને  એક લિસ્ટ બનાવ્યું અને પોતાના વોર્ડરોબના દરવાજા પાછળ સેલોફોન ટેપથી ચોંટાડી દીધું.

થોડો સમય વીતતા ફરીથી એજ ‘પ્રોગ્રામ કેન્સલ’નું વાવાઝોડું ફુંકાયું, પણ પલાશના આશ્રચર્ય વચ્ચે આ વખતે રાધાના ગુસ્સાનો જવાળામુખી ના ફાટ્યો. એના બદલે એ પોતાના વોર્ડરોબનો દરવાજો ખોલીને ૫-૧૦ મીનીટ ઉભી રહી ગઈ .એ થોડી મિનેટોમાં શું ખબર કેવા જાદુનો વાયરો વાયો કે દરવાજો બંધ કરતી વખતે રાધાના મોઢા પર મીઠું મધુરુ સ્મિત છલકવા લાગ્યું. એણે સામેથી આવીને પલાશનો હાથ પકડીને કહ્યું,’કંઇ વાંધો નહીં. આપણે ફરી ક્યારેક પ્રોગ્રામ ગોઠવી લઇશું. તું તારું કામ ‘કન્ટીન્યુ’ કર’

એ સમયે તો પલાશ ઘરેથી નીકળી ગયો. પણ રાતે જમ્યા પછી આ વર્તન પાછળનું રહસ્ય જાણવાની કોશિશ કરી તો રાધા એનો હાથ પકડીને પોતાના વોર્ડરોબ પાસે લઇ ગઈ અને પેલું લાંબુ લિસ્ટ એને બતાવ્યું.જેમાં એણે ફકત સારો સારો પલાશ જ ચીતરેલો હતો.રાધાએ પ્રેમથી પલાશના ખભા પર માથું મૂકતા કહ્યું,’ જ્યારે ગુસ્સો આવ્યો બે પળ જ જાત પર કંટ્રોલ રાખી તારી વ્યસ્તતાનું કારણ શોધવાનો યત્ન કર્યો અને તારા સુંદર, પ્રેમાળ ગુણો, તારી મજબૂરી વગેરે વાંચી ગઈ અને જો જાદુ થઈ ગયો..ગુસ્સાનું બાષ્પીભવન થઈ ગયું.બસ, બે પળ સાચવી લેવાની હતી મારે. એ બે પળમાં લાગણીના આવેગો પર મન મકક્મ કરીને કાબૂ રાખવાનો હતો. તારા પ્રેમે એમાં સો એ સો ટકા ભાગ ભજવ્યો.પૂરતી મદદ કરી મગજ શાંત રાખવામાં. પણ પછી જો કોઇ જ ફ઼રિયાદ ના રહી. વાત છે બધી.આટલી નાની શી જીંદગીમાં પ્રેમ કરવાનું છોડીને રિસાવા જેવી નાદાનિયત હવે નથી કરવી. એના કરતા પરિસ્થિતીનું કારણ શોધીને એનો ઉકેલ લાવવાનું વધુ સુખદ રહેશે.તું શું માને છે? અને પોતાની પાતળી લાંબી આંગળીઓવાળો નાજુક હાથ પલાશના વાળમાં પૂરોવી દીધો.

પોતાના ગુણોની આટલી લાંબી લચક યાદી બનાવનાર, પોતાની આટલી કાળજી લેનારી સ્નેહાળ પત્નીના પ્રેમથી પલાશ છેક અંદરથી પીઘળી ગયો. પોતાની પર્સનલ અને બિઝનેસ બેય લાઇફને વ્યવસ્થિત રીતે મેનેજ કરી બેય પક્ષે પૂર્ણ ન્યાય આપીને જીવવાના મક્ક્મ નિર્ધાર સાથે રાધાના કપાળ પર વ્હાલ ભર્યુ એક મૃદુ ચુંબન ચોડી દીધું.અને મનોમન બોલ્યો,

’હા મારી વ્હાલી..આમ તો બે પળની જ વાત હોય છે આ બધી.’

અનબીટેબલ :- મનગમતું બધું મળી જાય એમ તો ના બને, પણ જે મળે એને મનગમતું ચોકકસ બનાવી શકાય..

સ્નેહા પટેલ.

કીટ્ટા


કેટલી બાલિશ એ સાંજ હતી

મેં કહ્યું ’કીટ્ટા”

અને તેં કહ્યું

આજથી આપણે  ’છુટ્ટા’ …

સ્નેહા પટેલ – અક્ષિતારક

ચિંતા અને કાળજી..


આજનો ’ફ઼ૂલછાબ’છાપાની’નવરાશની પળ’ કોલમનો મારો લેખ..

‘જેટલો સમય આપણે કોઈ કામની ચિંતામાં લગાવીએ છીએ, એટલો જ સમય જો કોઈ કામ પાછળ લગાડીશું તો ચિંતા જેવી કોઈ વસ્તુ જ નહિ રહે.’

–       બેરિયલ ફિજર

‘મનીષ, ફોન પર થોડી ધીમેથી વાત કરને બેટા, અને તમે પણ ટી.વી.નું વોલ્યુમ થોડું ઓછું રાખતા હો તો. બાજુના રૂમમાં પરમ ભણે છે એ વાતનો થોડો તો ખ્યાલ રાખો.’ અકળાયેલી મમતાએ સૌરવને, એના પતિને પણ ચિંતાયુકત અવાજે થોડો ઝાપટી કાઢ્યો. બાપ અને દીકરા એ એક બીજા સામે સૂચક રીતે ધીમું હાસ્ય કરીને પોત પોતાના ભાગનું ‘નોઇસ પોલ્યુશન’ ઓછું કર્યું.

પરમ.. મમતા અને સૌરવનો લાડકવાયો અને ભણવામાં તેજસ્વી છોકરો, બારમા ધોરણ, સાયન્સ પ્રવાહમાં ભણતો હતો. એને નાનપણથી ડોકટર બનવાની મહેચ્છા હતી.પોતાની મહેચ્છાને લઈને પરમ શાંત ચિત્તે, એક્ધ્યાનથી એડી ચોટીનું જોર લગાવીને મહેનત કરતો હતો. મમતાને પોતાના લાડકવાયાની બહુ ચિંતા રહેતી. એમાં ને એમાં નિયમિતપણે દવાઓ લેવા છતા એનું બ્લ્ડ પ્રેશર એને હાથતાળી આપતું ‘હાઈ’ રહેવા લાગેલું. પરિણામે સૌરવને દીકરા કરતા માની ચિંતા વધુ સતાવતી હતી.

સૌરવ એક પ્રેમાળ અને કાળજી રાખતો પિતા તેમજ પતિ હતો. ભણતી વેળાએ એ સતત પરમની નાની નાની વાતોનું ધ્યાન રાખતો. સમયાંતરે એની જરુરિયાત અનુસાર એને કોફી,જ્યુસ બનાવીને પીવડાવતો, એનો કોર્સ કૅટલો પત્યો, કેટલો બાકી છે, ક્યાંય કોઇ મૂંઝવણ તો નથી સતાવતી ને બધી વાતોથી સતત જાતને અપડેટ રાખતો. દીકરા માટે સારામાં સારા ટ્યુશન ક્લાસીસની જોગવાઈ પણ કરેલી. વળી તડકામાં દીકરાને ‘ટુ વ્હીલર’ પર ના આવવું પડે એટલે પોતાના ટાઈમટેબલોમાં થોડા ફેરફાર કરીને પણ એ ગાડીમાં પરમને લેવા મૂકવા જાતે જવાનો પૂરતો પ્રયત્ન કરતો. પંદરે’ક દિવસે આખુંય ફેમીલી એક દિવસની નાની શી પીકનીક પણ ઊજવી કાઢતું જેથી બધાય આ વાતાવરણમાંથી થોડો ચેન્જ અનુભવે અને રીચાર્જ થઈને બમણા ઉત્સાહથી પોત પોતાના કામ સ્વસ્થ ચિત્તે કરી શકે.જ્યારે મમતા ‘હાયવોય’ના ચકકરોમાં પરમની નકરી વાંઝણી ચિંતા કર્યા કરતી. પોતાના ટેન્શનિયા સ્વભાવના કારણે એ મનથી ઇચ્છવા છતાં તનથી કોઇ જ રીતે મદદરુપ થવાને અશક્તિમાન હતી. એ કશું જ મદદ ના કરી શકવાનો અપરાધભાવ એના અંતરમનમાં ઉથલપાથલ મચાવી દેતો.પરિણામે એ કાયમ અકળાયેલી અકળાયેલી રહેતી.

આ બધા ચકકરોમાં મમતાને આજે સાચે જ ચકકર આવી ગયા અને એ બેભાન થઈને ઢળી પડી.  સૌરવે તરત ડોકટરને બોલાવ્યા. ડોકટરે હંમેશની જેમ જ એક વાક્ય કહ્યું,’ આમને ટેન્શનમાંથી બહાર કાઢો. નહિંતર કોક દિવસ મુશ્કેલીમાં મુકાઈ જશે.”

મમતાની આંખો ખૂલી ત્યારે સૌરવ એની બાજુમાં જ ખુરશી પર બેઠ બેઠો ઊંઘતો હતો. મમતાએ પ્રેમથી એનો હાથ પોતાના હાથમાં લઈને ધીમેથી પંપાળ્યો. સૌરવ સફાળો જ જાગી ગયો,

‘અરે..તું ભાનમાં આવી ગઈ…સરસ.’

‘પણ મને શું થયેલું સૌરવ..? કેમ વારંવાર આમ બેભાન થઇ જઊં છુ હું..? તમે બધા મારાથી કશું છુપાવતા તો નથી ને?”

‘અરે પાગલ, તું ખોટી ખોટી ચિંતાઓ કરે રાખે છે, બસ આ એનું પરિણામ છે. પ્રેશર વધી ગયેલું બસ. ‘

સૌરવે એને પાણી અને દવા આપતા આગળ કહ્યું, ‘જો મમતા આમ ચિંતાથી  ચહેરાઇ ના જા, એ તો ચિતાની અગ્નિ જેવી છે. એના કારણે તારી કાર્યક્ષમતામાં ઘટાડો થઈ જાય છે. આમ તો તું પરમને કે કોઇને પણ કશું જ મદદ નહી કરી શકે.   ઉલ્ટાનુ તારી તબિયતની ચિંતાનો ભાર સતત એમના શિરે ખડકાયેલો રહેશે. ચિંતાના બદલે તું તારાથી શક્ય એટલી પ્રેમપૂર્વક કાળજી લેવાનો પ્રયત્ન કર. ચિંતા અને કાળજી બેય વચ્ચેનું અંતર સમજતા શીખ. ખાલી ચિંતા કરી કરીને વિચારોના માનસિક ભયમાં ગોળ ગોળ ફર્યા કરવાનો કોઇ જ મતલબ નથી. દીકરાની, ઘરની, તારી જાતની પણ જરુરિયાતોને સમજ અને એને પૂર્ણ કરવાનો પ્રયત્ન કર. સફળ ના થાય તો એનો અજંપો ના રાખ. બધા કંઇ બધું કામ નથી કરી શકતાં. પણ તું જે કામ સૌથી સરસ કરી શકે એમ હોય એને વાંઝણી ચિંતાના ખપ્પરમાં ના હોમી દે.’અને ધીમેથી મમતાની આંખોમાં ધસી આવેલ આંસુ લુછી કાઢ્યાં.

મમતાને પણ અણસમજમાં સતત પુનરાવર્તન કરતી આવેલી પોતાની ભુલ સમજાઈ. હવે એને પૂર્ણ સમજદારી સાથે સુધારવાના મકકમ ઇરાદાનો ભાવ મનમાં ધરીને  પોતાના હાથ પર મૂકાયેલ સૌરવના હાથને દબાવી દીધો.

અનબીટેબલ :– “બહુ ગડમથલમાં ના રહે એ જીવ કે,
સઘળાને હંમેશા ખુશ રાખવા શક્ય નથી… “

 

સ્નેહા પટેલ – અક્ષિતારક