શકયતાની બારી..

અવસર વહી જશે તો ફરી આવશે નહીં,

આવી શકો તો આવો હજુ કંઠે પ્રાણ છે.

-શૂન્ય પાલનપુરી.

પૂરે પૂરી તન્મયતાથી પોતાના કામમાં ડૂબેલી ઋતુને એના બોસે કેબિનમાં બોલાવી,

‘એક મિનિટ માટે અંદર આવી જાઓને ઋતુ..”

“ઓ.કે.”

‘મે આઈ કમ ઈન’ કહીને બોસની કેબિનનો દરવાજો ખોલીને ઋતુ અંદર પ્રવેશી.

‘હા, તો ઋતુ તમને એક ખાસ વાત કહેવાની છે. છેલ્લા ૩એક મહિનાથી આપણા સ્ટાફ તરફથી તમારી વિરુધ્ધ અવારનવાર થોડી ફરિયાદો સાંભળવા મળી હતી. એના આધારે મેં મારી રીતે તપાસ કરી તો એ બધી સાચી નીકળી છે. તો હવે વધુ સમય ના વેડફતા મુદ્દાની વાત કહી દઊં કે કાલથી તમારે નોકરી પર આવવાની જરુર નથી. એકાઊન્ટન્ટને મળીને હિસાબ જોઈ લેજો.’

કોઇ જ પૂર્વભુમિકા વગરની આવી અણધારી વાત સાંભળીને ઋતુ તો હતપ્રભ જ થઈ ગઇ.

ઋતુ એક ખુશખુશાલ વ્યક્તિત્વવાળી, મળતાવડી અને આત્મવિશ્વાસ્થી છલોછલ છોકરી હતી. આખી ઓફિસની લાડકી. એની વ્યવહારકુશળતા પર બધાયને વિશ્વાસ. ઓફિસમાં કોઇને પણ કંઇ પ્રોબ્લેમ  હોય એટલે તરત ઋતુ પાસે પહોંચી જતું અને પોતાના પ્રોબ્લેમ્સ શેર કરીને એનું સચોટ સોલ્યુશન મેળવી લેતા હતા. બધાયને એની હકારાત્મક વિચારસરણી પર પૂરતો ભરોસો હતો. આ ’પોઝીટીવ એટીટ્યુડ’ એના સુંદર વ્યક્તિત્વને ચાર ચાંદ લગાવતું હતું.

બોસના ઋતુના નોકરી છોડવાના આદેશથી આખી ઓફિસમાં ચર્ચાસ્પદ વાતાવરણની ચાદર ફેલાઈ ગઈ હતી. આવી સુંદર મજાની છોકરી સામે કોને ફરિયાદ હોઇ શકે ? આખા સ્ટાફને કંઈ જ સમજાતું નહોતું. બધાય પોતપોતાના તર્કના ઘોડા દોડાવવા માંડયા પણ કોઇ જવાબ મળતો નહતો. એવામાં ઓફિસનો પટાવાળો ત્યાં આવ્યો અને બોલ્યો,’આ બધું ય ખુશ્બુબેનનું કામ છે. આ બધાનો હું નજરોનજર સાક્ષી છું. છેલ્લા કેટલાંય વખતથી એ ઋતુની વધતી જતી ખ્યાતિથી મનોમન ઇર્ષ્યાની આગમાં બળતા હતા. બોસની જોડે સંબંધ વધારીને કાચા કાનના બોસના મગજમાં રોજ ઋતુની ફરિયાદોનું ઝેર નાંખતી જતા હતા. આ બધું એમણે સારું ના જ કર્યુ કહેવાય’ અને આંખમાં તગતગતા આંસુ સાથે એ મોઢુ ફેરવીને ચાલ્યો ગયો. પાછળ છોડી ગયો ભેંકાર સન્નાટો. કોઇ માની જ ના શક્યું કે ખુશ્બુ જે ઋતુની નિકટની સખી હતી એ આવું પગલું ભરે?? ઋતુએ જ ખુશ્બુને આ ઓફિસમાં નોકરી અપાવેલી અને આજે એ જ ખુશ્બુ સાવ આવો છેલ્લી પાટલીનો વ્યવહાર કઈ રીતે કરી શકે?

બે પળ વીતી. ઋતુએ પોતાની જાતને સંભાળી લીધી અને આખા સ્ટાફને જતા જતા પોતાના તરફ્થી કેન્ટીનમાં એક યાદગાર પાર્ટી  આપવાની જાહેરાત કરીને કાળા વાદળ જેવું વાતાવરણ વિખેરી નાંખ્યું.

બધાંય કેન્ટીનમાં એકઠા થયેલા. ઋતુ જતી રહેશે પછી ઓફિસની ખુશનુમા ઋતુમાં વસંત ક્યારે આવશે…રંગવિહીન વાતાવરણમાં પોતાના સુંદર હાસ્ય અને સ્વભાવની રંગપૂરણી કોણ કરશે એ વિચારે દુઃખી વદન સાથે વાતો કરી રહ્યાં હતાં. પણ ઋતુ…એ ક્યાં હતી ? એ કેન્ટીનના દરવાજે મીટ માંડીને બેઠી હતી. કાગડોળે કોની રાહ જોતી હતી ? એટલામાં એણે કંઇક વિચારીને ખુશ્બુની કેબિન તરફ મક્ક્મ ડગ માંડ્યા.ઓહ..તો એ ખુશ્બુની રાહ જોતી હતી..ખરી છોકરી છે આ પણ. બધાંએ એને રોકીને આ વર્તન પાછળનું કારણ પૂછતાં સામેથી સુંદર મજાના સ્મિત સાથે ઋતુએ જવાબ આપતા કહ્યું,

‘એણે એની સમજ, સ્વભાવ મુજબ વર્તન કર્યું અને હું મારી સમજ, સ્વભાવ મુજબ વર્તન કરીશ. એના આ પગલા પછી પણ હું આ ડગ એની તરફ ઉપાડી રહી છું..કારણ  માત્ર એક જ, અમારા સંબંધોમાં હું મારા તરફથી ‘શક્યતાની એક બારી’ ખુલ્લી રાખવા માંગુ છું. એના મનની વાતોની તો  મને નથી  ખબર, પણ મારા દિલ પર ક્યારેય એ જગ્યાને જડબેસલાક બંધ કર્યાનો રંજ તો નહી જ રહે.”

અને પાછળ બે ડઝન જોડી આંખોમાં પ્રસંશાના ભાવ છોડતી’કને એ ખુશ્બુની કેબિન તરફ વળી.

અનબીટેબલ – ’આવતીકાલ’ ક્યારે આવતી હશે…?? આવતા આવતા આજે તો એ ’આજ’ બની ગઈ !!

સ્નેહા પટેલ – અક્ષિતારક

5 comments on “શકયતાની બારી..

  1. v good … માનવી ગમે તેટલી કોશિશ કરે .. પરન્તુ પોતાનો જન્મજાત સ્વભાવ ક્યારેય છોડી શકે નહી .. અને સ્વભાવ ની સારપ સારુ પરિણામ લાવે છે ..!!!

    Like

  2. ગમ્યો – ઋતુનો પોઝીટીવ એટીટ્યુડ ઘણૉ ગમ્યો. કોઇના ય માટે મનમાં દ્વેષ રાખવામાં એ વ્યક્તિ કરતા ખુદ ને જ વધુ નુકશાન નથી પહોંચતું ?

    Like

  3. પ્રવિણભાઈ, ચેતુદીદી,રાજુલદીદી અને અતુલભાઈ…પ્રતિભાવ બદલ આપ સૌનો આભાર.

    Like

Leave a comment