’ફ઼ુલછાબ’ છાપામાં છપાયેલ કાલનો મારો લેખ.
http://www.janmabhoominewspapers.com/phulchhab/ePaper.aspx
કેમ પકડી બેઠો છે સાંકળપણું ?
દ્વારથી પણ હોય છે આગળ ઘણું.
– વિવેક મનહર ટેલર
સુમય આજે બહુ અકળાયેલો હતો. છેલ્લા મહિનાથી જે સંજોગોની ભીતિ સેવેલી આજે એ જ એની સામે વિકરાળ જડબું ફાડીને ઉભા હતા. એને ધંધામાં જબરદસ્ત ખોટ ગયેલી.સગા સંબંધીઓ પાસેથી ઉછીના પાછીના કરીને,બેંક લોનો લઈ લઈને ધંધો જમાવેલો. ૪ વર્ષ તો સફ઼ળ રહ્યાં.પણ આ વખતે માર્કેટની હવા એની સામે પડી અને એમાં એ તણખલાની જેમ મૂળસોતો ઊખડી ગયેલો. અધૂરામાં પુરું એની પત્ની સ્મૃતિ, આવા સમયે એના પડખે રહીને હિંમત બંધાવવાના સ્થાને એના ૧ વર્ષના દીકરાને લઈને પિયર ચાલી ગઈ ને પડતા ને પાટું મારતી ગઈ. સુમયને ચારેકોર ભાવિ કાળુંધબ્બ જ લાગતું હતું. લોકોને જવાબો આપી આપીને એની જીભ હવે સુકાઇ ગયેલી. જીવનમાં ક્યારેય ના સાંભળેલી કડવી વાણીના ઝેર પી પીને લગભગ એ ભાંગી જ ગયેલો. માન-સન્માન ના હોય એ જીવનમાં મોત આવે એની રાહ શુ કામ જોવાની? ચાલ હું જ એને ભેટવા ઉપડી જાઊં. એ તો ચોક્કસ મારો સ્વીકાર કરશે. આમ વિચારીને એણે આત્મહત્યા જેવા અંતિમ રસ્તા પર પસંદગીનો કળશ ઢોળ્યો.
એને દરિયો બહુ જ વ્હાલો હતો. આજે એ જ મિત્રના ખોળે માથું મૂકીને ચીર નિંદ્રામાં પોઢી જવાના ઇરાદા સાથે એ ઘેરથી નીકળ્યો.. ચાલતા ચાલતા રસ્તામાં દેખાતી દરેક વસ્તુને છેલ્લી નજરના પ્રેમસાથે આંખોમાં સમાવતો ગયો. એવામાં અચાનક વાદળોનો ગડગડાટ સંભળાયો..ધીરે ધીરે વીજળીના કડાકા સાથે જોરથી વાવાઝોડું ફ઼ુંકાવા માંડ્યું. સુમય બરાબર ઉભો પણ નહતો રહી શકતો.ડગ જમીન પરથી ઉખડવા માંડયા અને એ દોર વિનાની કઠ્પૂતળી સમ આમથી તેમ ફ઼ંગોળાવા લાગ્યો. એના સદનસીબે એના હાથમાં એક વિશાળ વૃક્ષનું થડ આવી ગયું. આંખો બંધ કરી, દાંત કચકચાવીને એ થડને બાથ ભરીને ઊભો રહી ગયો. વૃક્ષ આમ તો ઘટાદાર હતું પણ વાવાઝોડાના પ્રચંડ જોર સામે એનું કશું નહોતું ચાલતું. હવામાં ચારેકોર આમથી તેમ ડોલતું હતું. સુમય બીકનો માર્યો થરથર કાંપતો હતો. ક્યાંક આ મૂળસોતું જમીનમાંથી ઉખડીને જમીનદોસ્ત ના થઈ જાય.ત્યાં તો વળતી થપાટે ઝાડ ગૌરવભેર સીનો કાઢીને ટટ્ટાર ઉભું રહી જતું હતું ને પોતાની મૂળ અવસ્થામાં આવી જતું. સુમય પણ એની સાથે સાથે એ બધી પ્રક્રિયામાંથી પસાર થતો રહ્યો.
કલાકે’ક પછી વાવાઝોડાનું જોર ઓસરતા સુમયનો શ્વાસ હેઠો બેઠો અને પોતાનો જીવ બચાવવા બદલ એ ઝાડને ચૂમી ઊઠ્યો. ત્યાં તો એને વિચાર આવ્યો, ’ એ તો મરવા જ નીકળેલો ને તો આ શું? જીવન પ્રત્યેનો પ્રેમ તો એના અંતરમાં સાવ અકબંધ છે. વળી આવા વાવાઝોડાની સામે આ વૃક્ષ ભલે પોતાના સ્થાનેથી હાલી ગયું પણ એની સામે બાથ ભરીને કેવું ઝઝૂમ્યું ! ને હવે બધું ય ભૂલીને ફ઼રીથી એ જ પ્રસન્નતાથી કુદરત સાથે તાદાત્મ્ય કેળવીને જીવી રહ્યું છે. જ્યારે પોતે તો તણખલાવૃતિ અપનાવીને જીવનમાં મુસીબતની થપાટે ખેંચાઈને આમતેમ રઝળી રહયો છે જેનો અંજામ કાંતો સળગી જવાનો કાં તો કોઇ ગટરમાં પડી જવાનો , કાં તો કોઈ પશુના પેટમાં પહોચી જવા સિવાય કંઈ જ નથી આવવાનો. એવો વિચાર કેમ ના કર્યો કે થોડી હિંમત રાખીશ તો કાલે ઊઠીને ધંધામાં સારા દિવસો ફ઼રીથી આવશે, બધું ય સમુસૂતરું પાર ઊતરતા સ્મૃતિ અને દીકરો પણ પાછા આવી જશે ને જીવનબાગ પહેલાંની જેમ મહેંકી ઊઠશે. આ હતાશાની આમંત્રણપત્રિકાને હવે દૂર હડસેલવી જ રહી.
આમ, સંશયના બધા દ્વાર બંધ કરીને, મનોમસ્તિષ્કમાં પ્રભુ ઉપર અખૂટ શ્રધ્ધા રાખીને ખુમારીભેર ઘર તરફ઼ વળ્યો.
અનબીટેબલ- તમે અંદરથી જેટલા શાંત થશો, તમારો આત્મવિશ્વાસ એટલો જ મજબૂત થશે.
સ્નેહા પટેલ – અક્ષિતારક