સ્વાભાવિકતા…


ચાલે છે ક્યાં વિરોધ વિના  કારભાર ?

ભરશું જો ફૂલછાબ તો કાંટાય લાવશું.

 

-શૂન્ય પાલનપુરી

 

જીમમાં આજે સૌમ્યાના પગ  ટ્રેડમિલ પર એની જાણ બહાર જ થોડા વધારે સ્પીડ પકડતા જતા હતા. મનનો ઉદ્વેગ તેની બોડી લેન્ગવેજમાં સ્પષ્ટપણે છલકી રહયો હતો. કપાળેથી પરસેવાનો રેલો વારંવાર દદડી જતો હતો અને યંત્રવતપણે સૌમ્યા એને બાજુના હેન્ડલ પર પડેલા પીન્ક ટર્કીશ ટોવેલથી લુછતી જતી હતી. વારંવાર એની નજર સમક્ષ આજ સવારની બ્રેકફાસ્ટ વખતે એના પતિ પારિજાત જોડેનો સંવાદ તરી આવતો હતો.

 

આજે સાંજે એ લોકોને એમના એક કહેવાતા સંબંધીના ત્યાં લગ્ન પ્રસંગમાં જવાનું હતું. કહેવાતા એટલા માટે કે છેલ્લા પાંચ વર્ષથી એમને એ લોકો જોડે બોલવા ચાલવાનો સહેજ પણ નાતો નહતો. એ હતા મિ. કપૂર., પારિજાતના ભૂતકાળના પાર્ટનર. જેમણે પારિજાત જોડે ધંધામાં છેતરપિંડી કરીને લગભગ એને ૩ લાખ રુપિયાના ટાઢા પાણીએ નવડાવી કાઢેલો. એમના તરફથી આમ અચાનક જ એમની દીકરીના લગ્નમાં આવવાનું આમંત્રણ મળ્યું એટલે બે ઘડી તો સૌમ્યા ચકરાઇ જ ગઈ.. એ એક્દમ ‘સ્ટ્રેઇટ ફોરવર્ડ’ છોકરી હતી. કોઈનું બુરું કદી વિચારતી પણ નહી અને એટલે જ કોઇ એનું ખરાબ કરી જાય તો એનાથી સહન ના થતું. એ પોતાની લાગણીઓ કદાપિ સંતાડી નહોતી શકતી. નારાજગી એના ચહેરા પર સ્પષ્ટ્પણે તરવરી ઊઠતી. પારિજાત થોડો પ્રેકિટકલ હતો. કદાચ ભવિષ્યમાં ધંધાર્થે મિ. કપૂરની ફરીથી જરુર પડી પણ શકે એ વિચારે એને પ્રસંગે જઈને થોડો સમય ઉભા ઉભા મળી આવવામાં કોઇ વાંધો નહતો. એ આરામથી એમ વર્તી શકતો હતો.એણે જોકે સૌમ્યાને કોઇ જ જાતની બળજબરી નહોતી કરી.’ તું તને ફાવે એમ કરી શકે છે. ચોઈસ ઈઝ યોર્સ ‘.  સૌમ્યા માટે એ બહુ અઘરુ  હતું. નાગમતી વ્યક્તિની એ થોડી ઘણી મિનિટની મુલાકાત પાછળ લગભગ એકાદ અઠવાડિયું એને વિચારોના ચકરાવે ચડાવી જતું. માંડ માંડ ‘બી પોઝિટીવ ..બી પોઝિટીવ’ વાળા એટીટ્યુડના શિડ્યુલમાં આવી ઘટના મોટું  પંકચર પાડી જતું અને પા્છળ છોડી જતું નકરું નેગેટીવ વિચારાત્મક વાતાવરણ. જેની હડફેટે પછી સૌમ્યાની આજુબાજુની દરેક વ્યક્તિ આવી જતી. સૌમ્યાના મન ઉપરાંત આ બધી ઘટનાઓ તન પર પણ છાપ છોડી જતી. એનું બ્લ્ડપ્રેશર પણ કંટ્રોલ ખોઈ બેસતું હતું. વળી પ્રસંગે ના જાય તો સમાજ શું કહેશેની બીક પણ અંદરખાને પજવતી હતી. અજબ જેવી કશમકશ ભરેલ સ્થિતીથી એ હેરાન હતી. કોઇ નિર્ણય પર નહોતી પહોચી શકતી.

 

એવામાં એના કાને એના જીમના ઈન્સ્ટ્રકટરનો સાદ પડ્યો,

 

‘અરે બેન..આ શું કરો છો? રીલેક્સ. આ રીતની કસરત તો તમારા શરીરને ફાયદાને બદલે નુકશાન પહોંચાડશે.

 

બાજુમાં કસરત કરી રહેલી સૌમ્યાની નજીકની સહેલી રેશમાએ સૌમ્યાને પૂછ્યું

 

“શું વાત છે સૌમ્યા? આજે થોડા ટેન્શનમાં લાગો છો ને કંઈ ?”

સૌમ્યાએ એને પોતાની મૂંઝવણ કહી.

 

” એક વાત યાદ રાખ સૌમ્યા, ટેન્શન તારા શરીર માટે સહેજ પણ હિતકારક નથી. જે વાતો તને ટેન્શન આપતી હોય એનો શક્ય એટલો જલ્દી ઉકેલ લાવ અને ઉકેલ ના જ લાવી શકતી હો  તો  શાંત ચિત્તે સાપેક્ષતાથી વિચારી લે કે કયાંક તું જવાબદારીઓથી ભાગવાનો યત્ન તો નથી કરતીને? જો જવાબ સ્પષ્ટપણે  ’ના’ માં હોયતો લોકોને સારું લગાડવાના ચકકરમાં તમારું સ્વાભાવિકપણું ના ગુમાવ. તું જે છું સરસ જ છું એ આત્મવિશ્વાસ સાથે થોડા સ્વાર્થી થઈને પણ બેઝિઝકપણે વાત ટાળી દે. જીવનમાં બને એટલું પોઝિટીવ વાતાવરણ સર્જાય એવો યત્ન કર.”

 

અને ત્યાં જ જીમના ઇન્સ્ટ્રકટરે સાદ પાડ્યો,”બેન, કસરતો આપણા શરીર, મગજને હળવાફુલ કરવા માટે કરવાની હોય નહીં  કે  બગાડવા.’

 

અને સૌમ્યાએ ઈન્સ્ટકટરની વાતને ’સંબંધો’ના સંદર્ભે વિચારી તો એને તરત જ પોતાની વાતનો ઉકેલ મળી ગયો.

 

 

ટોવેલથી પસીનો લૂછીને, ટ્રેડમિલ બંધ કરીને એક આભારવશ સ્મિત ઈન્સ્ટ્રકટર અને રેશમા સામે નાંખતી એ ઘરે જવા નીકળી.

 

અનબીટેબલ :- માણસ જેનાથી અપરાધભાવ અનુભવતો હોય અને એ જ વ્યક્તિ સમક્ષ આવે તો બે રીતે વર્તન કરે.. (૧) એની સાથે આંખોમાં આંખો પૂરાવીને વાત ના કરી શકે કાં તો (૨) પોતાનો ગિલ્ટ છુપાવવા વધુ પડતો નફ઼્ફ઼ટ થઈ જઈને વાત કરે..