વરસાદ છે કેવો..


આ વરસાદ છે કેવો, સાવ તારા જેવો જ ,

આમ ડાહ્યો ડમરો પણ, આમ સાવ વંઠેલો.

ઓઢણીની ગાંઠે બાંધ્યા સોળ-સોળ ઉજાગરા

સતરંગી સોણલાંની ભાતથી સજાવ્યા અને

વાયદાબજારી કરી હાથતાળી તું આપતો

….ઓ દગાખોર…

સુંસવાટી સુંસવાટીને, ખોટ્કડી કીટ્ટા કરી

ડુમો બનીને મારા કાળજે ભોંકાતો ને

શુભલાભના લથપથ ચોઘડીયા તું બગાડતો

..ઓ નખરાળા…

રોમ રોમ ફ઼ૂટે આ કાળઝાળ તરસ ને

દૂરથી તું મૂઓ મૂંછમા મલકાતો

ના તું પલળતો ના મને પલાળતો

…ઓ હઠીલા…

હાથ જોડું, પગે પડું રિસામણા છોડ હવે

ધસમસતા વ્હાલથી મબલખ વરસ હવે

કે લાગણી અવહેલ્યાનો શ્રાપ તને લાગતો

…ઓ નાસમજ..

આ વરસાદ છે કેવો, સાવ તારા જેવો જ,

આમ ડાહ્યો ડમરો પણ, આમ સાવ વંઠેલો.

સ્નેહા પટેલ – અક્ષિતારક.