તારી સાથે વિતાવેલી પળો મહેંકે છે,
તું નથી તો તારી યાદો મહેંકે છે,
મહેંકવાનું નામ જ તો પ્રેમ કે
સાથે જે ખાધેલી એ કસમો મહેંકે છે…
સ્નેહા …
તારી સાથે વિતાવેલી પળો મહેંકે છે,
તું નથી તો તારી યાદો મહેંકે છે,
મહેંકવાનું નામ જ તો પ્રેમ કે
સાથે જે ખાધેલી એ કસમો મહેંકે છે…
સ્નેહા …
પ્રાર્થનાના ફ઼ુલ જેવી પવિત્ર છે આ પળો,
આંખે અડાડીને માથે ચડાવું છું આ પળો.
ઊર્મિના ઉછાળે ફ઼ુંકાયો એક નામ-નાદ કે
તારી યાદોથી લાજી મરે છે આ પળો.
ધડકન ઠેઠ કાનમાં આવીને પડઘાય,
આશકાના સ્પંદનો રોમે-રોમમાં ફ઼ેલાય,
પ્રભુની લગોલગ પહોંચાડી દેતી,
બહુ જ માસૂમ છે પ્રેમની આ પળો…
સ્નેહા પટેલ – અક્ષિતારક
’ફ઼ૂલછાબ -પંચામૃત’માં આજનો મારો લેખ..
પાંદડું કેવી રીતે પીળું થયું, કોને ખબર ?
એટલે કે ઝાડમાંથી શું ગયું, કોને ખબર ?
-રમેશ પારેખ.
રાહુલ આજે ખૂબ થાકેલો હતો. ઓફિસમાં કામનું ભારણ બહુ હતું. લોક ખોલીને સોફામાં જાતને લગભગ ફંગોળી અને ગળાની ટાઈ લૂઝ કરતાં’કને નજર ઘરમાં ચોતરફ ફેરવી લીધી.ઘર પર એ જ રોજની જેમ અસ્ત-વ્યસ્તતાની હુકૂમત હતી. એમાં કામવાળી બાઈ પણ નહી આવી હોય એની ખાત્રી કરાવતા પ્લેટફોર્મ પરના એંઠા વાસણો અને બાલ્દીમાં પલાળેલા કપડાં, ઘરમાં ચોતરફ વિખરાયેલા કાગળના ટુકડા સમેતનો કચરો.. જાણે કે એની હાંસી ઊડાવી રહ્યાં હતા.
અત્યારે રાહુલના મનમાં કોઇ એક ગરમા ગરમ કોફીનો પ્યાલો અને સાથે થોડા બિસ્કીટવાળી ટ્રે તૈયાર કરીને ધરે એવી એક કામના તીવ્રપણે ઊઠી. પણ હાયરે એની કિસ્મત..એના નસીબે તો રાખી જેવી કમાતી પત્નીનું વરદાન લખાયેલું હતું ને..!! જોકે આ પરિસ્થિતી એણે સામે ચાલીને ભગવાન પાસે માંગેલી. દેખાવમાં સામાન્ય ભલે હોય પણ પત્ની તો કમાતી જ જોઇએ એવા હઠાગ્રહને કારણે જ મા-બાપના વિરોધ છતાં એણે રાખીને પસંદ કરેલી.
રાખીના આવ્યા પછી ઘર સુખસગવડોના સાધનોથી ભરાતું ચાલેલું.રાખીની મહેનત અને સ્માર્ટ્નેસના કારણે થોડા સમયમાં એનું પ્રમોશન થઈ ગયું અને સફળતાની સીડીઓ ચડતા ચડતા એનો પગાર વધતો વધતો રાહુલ કરતાં લગભગ ત્રણ ગણો થઇ ગયો. પણ આ બધા સાથે ઘરમાંથી એક વસ્તુ સતત ખોવાતી ચાલી અને એ હતી રાખીની હાજરી. જેમ જેમ એ સફળ થતી ગઈ એમ એમ એના મનમાં સ્વતંત્રતાનો નશો છવાતો ગયો. રાહુલને તો જાણે એ પોતાના નોકર સમાન જ સમજવા લાગી. ગમે ત્યારે કોઇને જણાવ્યા વગર ઘરની બહાર ઉપડી જતી. ના એના આવવાનો સમય નક્કી હોય કે ના જવાનો. ઘર અને સમાજ દરેક જગ્યાએ બેધડક રીતે પોતાના નિર્ણયો જાહેર કરીને એનો અમલ કરાવવાની ટેવ પડી ગઈ હતી. રાહુલની કોઇ જ બાબતમાં સલાહ તો ઠીક પૂછવા કહેવાની પણ દરકાર કરતી નહી. ટુંકમાં એક્દમ મળી ગયેલી સ્વતંત્રતાને એ સાપેક્ષતાથી પચાવી ના શકી. વળી છેલ્લાં થોડા સમયથી તો એના બોસ સાથેના એના સંબંધો કંઇક વધુ પડતા જ અંતરંગ થયા હોવાની વાતો રાહુલના કાને અથડાતી હતી.
પણ રાહુલને હવે રાખીના પૈસે સુખસગવડો ભોગવવાની અને પોતાની જવાબદારીઓથી છટકવાની આદત પડી ગયેલી.એ લગભગ રાખીના પૈસાને લીધે પરવશ જ થઈ ગયેલો હતો. એ વાતો સારી રીતે સમજતી રાખી પણ પોતાની સ્વ્તંત્રતાનો ગેરલાભ ઉઠાવીને લગભગ સ્વછંદી બનીને જીવી રહેલી.પરિણામે લગ્નજીવનમાંથી ઉષ્મા ગુમાવીને આ સંબંધ બેયના દિલમાં એક બોજ જેવો જ બનીને રહી ગયેલો.
અનબીટેબલ- બીજાને આપણા દુઃખનું કારણ માનવાનો રોગ આપણને કદી એના ઉપાયો નથી જોવા દેતો અને પરિણામે આપણે હંમેશા માંદા જ રહીએ છીએ.
સ્નેહા પટેલ – અક્ષિતારક
ના બહુ નજીક આવ કે,
તારી બીક લાગે છે.
તને ચાહું અનહદ ને,
તારી બીક લાગે છે..
–સ્નેહા પટેલ – અક્ષિતારક
જરુરિયાત અને મોજ-શોખની વસ્તુઓ વચ્ચે બહુ જ પતલી અને લપસણી રેખા હોય છે.
-સ્નેહા પટેલ- અક્ષિતારક
રાજકોટના સુપ્રસિદ્ધ ’ફ઼ૂલછાબ’ છાપામાં, બુધવારની પૂર્તિમાં મારી આજથી શરુ થતી કોલમ ’નવરાશની પળ’માં મારો સૌપ્રથમ લેખ..
ન સ્પર્શી કોઇ અવગણના કદી પણ મારા ગૌરવને,
કે હું ઉપકાર છું એવો જે યાદ આવી શકતો નથી.
-મરીઝ
નાનપણથી જ સુમયની શારીરિક તાકાત ખૂબ સારી હતી. ગમે એટલી મહેનતનું કામ હોય એ આરામથી રમતા રમતા કરી દેતો. હસમુખા સ્વભાવ અને તંદુરસ્ત શરીરને કારણે સુમય સંબંધીઓનો માનીતો. બધા રમણલાલને કહેતા, ‘તમને ગર્વ થવો જોઇએ આવા મજબૂત અને હિંમતવાળા દીકરા પર’ અને રમણલાલ ધીરેથી હસી પડતાં. સુમયનો નાનો ભાઈ પલક એનાથી સાવ ઊંધો. સુકલકડી પહેલવાન જ સ્તો. નિસ્તેજ અને જોમવિહીન કાયા. એને પણ સુમયની જેમ લોકોને મદદ કરવાનું બહુ ગમતું પણ એ પોતાના કૃશકાય શરીરથી પાછો પડતો. વારંવાર એની અને સુમયની થતી સરખામણીથી એ હવે ગળા સુધી આવી ગયેલો.
અચાનક એક મધરાતે રમણલાલને શ્વાસ લેવામાં તકલીફ થવા માંડી. ડાબું અંગ જાણે આખું ખોટું પડી ગયું હોય એવું જ અનુભવ્યું. એમના પત્ની સવિતાબેને રાડારાડ કરીને બધાને ભેગા કરી દીધા. સુમયની તો જાણે બુધ્ધિ જ બહેર મારી ગઈ અને આંખમાંથી મોટા મોટા આંસુડા નીકળી ગયા. સાવ ઢીલોઢફ થઈને ઊભો રહી ગયો અને પિતાના પલંગ આગળ જ ઢગલો થઈ ગયો. પલકે ઊંઘને એક ઝાટકે ખંખેરીને પળનો પણ વિલંબ કર્યા વગર પિતાજીના બધા કપડા તરત લૂઝ કરી નાંખ્યા. ઓરડાના બારી બારણા ખોલીને બધાને થોડા દૂર હ્ડસેલીને પિતાજીને થોડી મોકળાશભરી જગ્યા કરી આપી અને પોતાના ફેમિલી ડોકટરને ફોન કરીને બોલાવી લીધા. ડોકટરના હાથ બહારની વાત લાગતા એમણે શહેરની ફેમસ હોસ્પિટલમાં લઇ જવાની ભલામણ કરી. પલકે ફટાફટ પોતાની ગાડી કાઢી અને સુમયની મદદથી હોસ્પિટલ લઈ ગયો. પણ ત્યાં ડોકટર હાજર નહોતાં. હવે..? એક પણ પળનો વિલંબ પોસાતો નહતો ત્યાં આવી એક પછી એક અણધારી પરિસ્થિતીઓના ખડકલા. પલકે પોતાના એક મિત્રને ફોન કરી શહેરના સારામાં સારા કાર્ડીયોલોજીસ્ટના નામની સૂચિ અને હોસ્પિટલના સરનામા લીધા. પછી એમાંથી એક્દમ નજીકના ડોકટરની હોસ્પિટલ તરફ ગાડી વાળી અને બીજા હાથે એ ડોકટરનો મોબાઈલ પર સંપર્ક કરીને પિતાજીની હાલતની પોતાની સમજ મુજબ જાણકારી આપી દીધી. ડોકટરે ફટાફટ રમણલાલને ચેક કરીને તરત જ એમના હ્રદયમાં બલૂન મૂકવાનું ઓપરેશન કરવાનો નિર્ણય લઈને એમને ઓ.ટીમાં લઇ લીધા.
લગભગ ૩એક કલાક પછી ડોકટર ઓ.ટીમાંથી થાકેલા પણ સસ્મિત વદને બહાર આવ્યાં અને ઓપરેશનની સફળતાની વધામણી આપી.
હવે બધાનો શ્વાસ થોડો હેઠો બેઠો અને બધા ડોકટરનો પાડ માનવા લાગ્યાં. ત્યારે ડોકટરે કરીને સામેના સોફા પર સુકલકડી પલક સામે અંગુલિનિર્દેશ કરીને કહ્યું,
‘જે પણ કંઇ થયું એ બધાના સૌથી વધુ હકદાર આ માણસ છે. આવી કટોકટીની પરિસ્થિતિમાં એમને જે રીતે મગજ શાંત રાખીને, સુવ્યવ્સ્થિત રીતે નિર્ણયો લીધા અને સમજ્દારી દાખવી; એના પરિણામે જ તમે આજે રમણલાલને તમારી વચ્ચે જીવતા જોઇ શકો છો.બહુ જ હિંમતવાળો છે આ છોકરો. તમને બધાને આવા મજબૂત દીકરા માટે ગર્વ થવો જોઈએ.’
અને બધા આંખો ફાડીને સામે સોફા પર અડધા ઊંઘતા – જાગતા સુકલકડી પલકને અને ઘડીકમાં સામે આમથી તેમ બેચેનીથી આંટા મારતા હટ્ટા કટ્ટા પણ અણીના સમયે ભાંગી પડેલા સુમયને નિહાળી રહ્યાં.
અનબીટેબલ- દુનિયામાં સૌથી વધુ ખોટું બોલાતું વાકય છે…’I am fine’….હું મજામાં છું..!!
http://www.janmabhoominewspapers.com/Phulchhab/ePaper.aspx
સ્નેહા પટેલ – અક્ષિતારક
રોજબરોજ અનુભવાતું એક સત્ય –
જે તમને સૌથી વધારે અનુકૂળ થઈને રહે એ દુનિયામાં સૌથી ડાહ્યું છે.
સ્નેહા પટેલ – અક્ષિતારક
પહેલાં ઘરના બધા સદસ્યો એક સાથે બેસીને અમુક પિકચરો ના જોઇ શકે એવી સ્થિતિ હતી આજે એ જ વાત ગીતો સુધી આવી ગઈ છે..ખબર નહી હજુ આગળ હાલત શું થશે? ક્યાંક આપણી પેઢી ’પરિવર્તનના નામે અધોગતિ તરફ઼ સરકતી નથી જતી ને…??’
-સ્નેહા પટેલ
તમે અંદરથી જેટલા શાંત થશો, તમારો આત્મવિશ્વાસ એટલો જ મજબૂત થશે.
સ્નેહા પટેલ – અક્ષિતારક
આજના જમાનામાં તમે જેટલું ’લેટ-ગો’ કરીને ચૂપ રહો છો , એટલા વધુ મૂર્ખામાં ખપાઇ જાવ છો.
સ્નેહા પટેલ..અક્ષિતારક