માનસિકતા


કાલે ફેસબુકમાં ચેટ કરતા કરતા એક જૂની સખી ‘ઇશાની’ મળી ગઈ. એ એક મોટી કંપનીમાં મેનેજરની પોસ્ટ પર છે. હંમેશા એકદમ હકારાત્મક અને ખુશખુશાલ વ્યક્તિત્વની માલકિણ.એની જોડે વાત કરો એટલે તમારો દિવસ સુધરી જાય. અલક મલક્ની વાતો કરવાની ઇચ્છાને વાગોળતા જ મેં એને ‘હાય, હાઉ આર યુ?” ની ચેટની ફોર્માલિટી ઠોકી. મને એમ કે બહુ વખતે વાત થાય છે તો સામેથી ઊમળકાભર્યો પ્રતિસાદ મળશે. પણ નવાઈ વચ્ચે એણે તો ફક્ત માંદલુ ‘હાય’ કહીને પેલું પીળું હસતું રમકડું ચેટબોક્સમાં રમતું મૂકી દીધું અને એક લાંબી ચુપ્પી.!! આ તો એના સ્વભાવથી એક્દમ વિરુધ્ધની વાત હતી. બે એક પળ જવા દઇને મેં એને સાચવીને એના આવા જવાબનું કારણ પૂછ્યું તો સામેથી લાંબો લચક રીપ્લાય આવ્યો જે આ પ્રમાણે હતો.

‘કેટલાંય વખતથી હું નેટ વાપરું છું. એટલે હું આ દુનિયાથી તો ખાસી ટેવાઈ ગઈ છું. અહીં જાત જાતના લોકો મળે છે. સારા પણ અને ખરાબ પણ. અમુક એક્દમ સરળ મળે છે તો અમુક નકરા ગૂંચવાયેલા અને વિકૃત મગજ્વાળા. એ બધાને કેવી રીતે જવાબ આપવા એ તો મને સારી જાણ છે. પણ અહીં અમુક પુરુષો એક ટીપીકલ જાતનું વર્તન કરતાં જોવા મળે છે. એમને મન તો એ લોકો એમના ઘરની સ્ત્રીઓ સાથે જે રીતે વર્તતા હોય એ જ રીતે એ મારી સાથે ચેટમાં વર્તન કરતા જોવા મળે છે.

આમ બધી રીતે સારા હોય..નિરુપદ્રવી. પરંતુ અમુક ટોપિક પર આવીને એમનો ‘મેલ-ઇગો’ ખુલ્લો પડી જાય છે. મારી સ્માર્ટ્નેસ, સફળતા એ લોકો આસાનીથી પચાવી નથી શકતા. કોઇક ને કોઇક રીતે એક ઇર્ષ્યાનો ભાવ એમની વાતોમાં સ્પષ્ટપણે છલકાય આવે છે. પછી તો ‘ઇનડાયરેક્ટલી’ એ મારી દરેક વાતોનો વિરોધ કરતા થઈ જાય છે. આ બધું પહેલાં તો હું મારા મનનો વહેમ માનીને ધ્યાન નહોતી આપતી. પણ વારંવાર એકની એક વાતનું પુનરાવર્તન થયા જ કરે છે. એ લોકોની નેગેટીવીટી હવે મને હેરાન પરેશાન કરી મૂકે છે. રોજ વિચારું કે આ લોકોને આજે ‘અનફ્રેન્ડ’ જ કરી દઊં. પણ અમુક તો બહુ જૂના મિત્રો છે એટલે આવું કરતા પણ જીવ નથી ચાલતો. બસ..આ બધી કશમકશમાં જીવું છું આજકાલ.. એટલે મૂડ થોડો ડાઊન રહે છે. જેકે તારી સાથે વાત કરીને દિલ હળ્વું થઈ ગયું આજે.ચાલ, મારે બહુ કામ બાકી છે પછી શાંતિથી ફોન કરીશ તને.”

મારે ભાગે તો જો કે કશું બોલવાનું જ ના આવ્યું. ઇશાની બહુ જ પોઝિટીવ, બુધ્ધિશાળી અને વિચારશીલ સ્ત્રી છે,એટલે એની વાત પર શંકા કરવાને કોઈ કારણ જ નહોતું. પણ આજકાલના’ સ્ત્રી – પુરુષ એકસમાન’ના જમાનામાં તંદુરસ્ત વિચારસરણી ધરાવતા ફ઼ેસબુકના પુરુષમિત્રોના લીસ્ટમા આવી નબળી માનસિકતાવાળા પુરુષો પણ મળી જાય એ કેવી આઘાતજનક વાત છે એ વિચારોમાં ગરકાવ થઈને મે પીસી શટડાઊન કરી દીધું.

સ્નેહા પટેલ.. અક્ષિતારક.