અપૂર્ણ માતૃત્વ


સવાર સવારમાં ફ઼ોન રણક્યો અને શુભ સમાચાર જાણવા મળ્યા કે મારી પ્રિય સખી રીવાએ ૯ વર્ષના લગ્નજીવન બાદ બાળકને જન્મ આપ્યો ..આ ૯ વર્ષ દરમ્યાન એંમણે સમાજના ઢગલો’ક મેણાં સાંભળેલા..કેટ-કેટલી બાધા-આખડીઓ માનેલી, છેલ્લામાં છેલ્લી કક્ષાની વંધ્યત્વ (infertility)ની સારવાર કરાવેલી..અગણિત દવાઓ અને ઇંજેક્શનો ખાધેલા..

આ બધા પછી આજે નિરાશાના કાળા વાદળો ચીરીને એમના જીવનમાં  સુખનો શુકનવંતો  સૂરજ ઉગ્યો ખરો.. આવું વિચારતા-વિચારતા હું ફ઼્રેશ થઈને હરખાતી હરખાતી એક મસમોટો રંગીન બુકે લઈને હોસ્પિટલ પહોંચી…પણ આ શું?  રીવાનું મોઢું થોડું પીળાશ પડતું જણાયું કદાચ પ્રસૂતિના થાકના લીધે  હશે.. એમ વિચારીને બુકે બાજુના ટેબલ પર મૂકી, હું એના પલંગ પર એની નજીક બેઠી..એના વાળમાં હાથ ફ઼ેરવ્યો અને ’કોન્ગ્રેટસ’ કહ્યું ત્યાં તો રીવાની આંખો બોર બોર જેવા આંસુથી તગતગી ઊઠી..હું તો એક્દમ હતપ્રભ જ થઈ ગઈ. માંડ માંડ એ દંપતિને મળેલી ભગવાનની પ્રસાદી જેવા સંતાનની તબિયત અંગે  મનમાં  શંકા સેવતા સેવતા મેં એના રુદનનું કારણ પૂછયું. પણ  જવાબ તો આશાથી સાવ વિપરીત મળ્યો.

’સંતાનમાં દીકરી અવતરી છે…અમારે તો દીકરાની આશા હતી. વળી આ તો પહેલો અને છેલ્લો ચાન્સ હતો. બીજી વાર મા બનવાની કોઇ તક નથી નહીં તો મન મનાવી લેત..!!!’

એ સાંભળીને મારું દિલ હચમચી ઉઠ્યું…

દીકરી અવતરી એનો રંજ એટલો બધો કે આટલા સંઘર્ષ પછી મા બન્યાની ખુશી જ છીનવી લે..?  દીકરીમાં પોતાનું  પ્રતીબીંબ નિહાળવાનું ..પોતાના શૈશવના સપના ઉછેરવાનું છોડીને આ મા તો દીકરો કે દીકરી જેવી અર્થહીન વાતમાં ફ઼સાયેલી છે.

મા બન્યા પછી પણ રીવા આનંદદાયક માતૄત્વ નહી માણી શકેનો અફ઼સોસ લઈને હું કશું જ બોલ્યા વિના હોસ્પિટલમાંથી નીકળી ગઈ.

સ્નેહા પટેલ – અક્ષિતારક