શું ખરેખર…


શું ખરેખર તમે દુનિયાના સૌથી વધુ દુ:ખી વ્યક્તિ છો.???

અમિતની માનસિક સ્થિતિ આજે બહુ જ ખરાબ હતી. પોતાની લાચારી.. શારીરિક મર્યાદા..આ બધું એને હેરાન હેરાન કરી ગયેલું. ધંધામાં ચિત્ત જ નહોતું ચોટતું..અને પરિણામે આજે એક પાર્ટી જોડે સંબંધ બગાડી બેઠો..એ દુનિયાનો સૌથી દુ:ખીમાં દુ:ખી માણસ હતો. લોકોની સહાનુભૂતિ એનો રોજનો અનિવાર્ય ખોરાક થઈ પડેલો.

સેલ પર એક ’ટ્રીન- ટ્રીન’ નામ સાથે એક નામ ઝળક્યું…’રાહુલ’ અને અમિત ખુશ-ખુશાલ થઈ ગયો.એનો જીગરજાન N.R.I દોસ્ત..

ટુંકો વાર્તાલાપ.

“સમય હોય તો મળવા આવ..હોટેલ અભિનંદન ના રુમ નં. ૩૦૫ માં ૩એક કલાક માટે છું’

’ઓ.કે’.

લગભગ પાંચેક વર્ષ થઈ ગયેલા એને મળ્યે.તરત તૈયાર થઈને અમિત રાહુલને મળવા ભાગ્યો.

એક ફ઼ુલગુલાબી અને તંદુરસ્ત વ્યક્તિત્વ રુમ નં. ૩૦૫માં એની કાગડોળે રાહ જોઇ રહ્યું હતું. અમીરી એના હાવ-ભાવ ..કપડા..બધેથી છલકાતી હતી.. અમિતને એક સેકંડ તો ઇર્ષ્યા થઈ આવી જીગરી દોસ્તની..

’ આ ઉંઘની બિમારી હેરાન કરે છે એના કારણે પોતાનું શરીર કેટ કેટલા માનસિક અને શારિરીક રોગોનું ઘર થઈ ગયું છે ..નહીં તો પોતે પણ આવી તંદુરસ્તી ભોગવતો હોત ને..અને તંદુરસ્ત શરીર હોય તો તો દુનિયા આપણી મુઠ્ઠીમાં જ ને..સાલો..નાનપણથી લકી છે આ!!”

થોડીજ વારમાં એણે રાબેતા મુજબ પોતાની શારિરીક મર્યાદાઓનું પોટલું ખોલવાનું અને સહાનુભૂતિની લાગણી ઉઘરાવવાના પ્રયત્નો ચાલુ કરી દીધા…

શાંતિથી પોતાનો ઉત્કૃષ્ટ શ્રોતાનો ધર્મ નિભાવીને હલ્કા સ્મિત સાથે રાહુલે પોતાની લેધરની બેગ ખોલીને અમિતને એક ચાવી અને થોડાંક કાગળિયા થમાવ્યા..

અમિત ચોંકી ગયો. આ તો એક વૈભવી કારની ચાવી અને કાગળિયા હતા..પણ આમ અચાનક…?

એના પ્રશ્નો મોઢાની બહાર નીકળે એ પહેલા તો રાહુલે જવાબ આપી દીધો..

’મને ’પેન્ક્રીયાસનું કેન્સર’ (સ્વાદુપિંડ્નું) છે..છેલ્લાં દસ વર્ષથી ઝઝુમી રહ્યો છું..પૈસાનો ઢગલો થઈ ગયો છે એમાં..પણ હવે છેલ્લા થોડા દિવસો જ વધ્યા છે મારી પાસે અને ઢગલો કામ..તારી મનગમતી રીમોટ્વાળી ગાડી મેં જાણીજોઇને તોડી કાઢેલી…થોડી ઇર્ષ્યા જાગેલી એટ્લે જ તો..પણ એ અપરાધભાવ મને આજે મારી જીંદગીના છેલ્લા સમય સુધી રહેલો..તો આજે આ એક નાની શી ગિફ઼્ટ દ્વારા એ દુર કરવાનો પ્રયત્ન કરું છું..માફ઼ કરીશને દોસ્ત મને..??”

અમિતની હાલત તો કાપો તો લોહી ના નીકળે…પોતાની ઇર્ષ્યાભાવનો અપરાધભાવ એ કેવી રીતે દુર કરશે હવે…???

બોધ:- દુનિયામાં આપણા કરતા ઘણા દુખી લોકો વસે છે. આપણી પાસે જે નથી એના કરતા જે છે એ નજર સામે રાખીને ’પોઝીટીવ’ બનીને ..આપણા દુખોની પિપુડી વગાડ્યા કરતાં શાંત ચિત્ત રાખીને એની સામે ઝઝુમવાનો..રસ્તો શોધવાનો પ્રયત્ન કરવો વધુ હિતાવહ છે.

સ્નેહા પટેલ – અક્ષિતારક