ખુશીમંત્ર


પ્રેમ કરો અને ખુશ-ખુશ,ખુબસુરત રહો…
બે સરસ મજાની સખીઓ હોય છે. લોકો એમના સખીપણાના સોગંધ ખાતા હતા.  લોકોની કાળીનજરથી બચતી બચતી એ બે સખીઓ તો એમની જીંદગીમાં જ મસ્ત રહેતી હતી. બેયને એક બીજા માટે અનહદ લાગણી હતી..એ પ્રેમ એમના વર્તનમાં છલકતો અને બેયની દિનચર્યા પર પણ એનો પડછાયો રહેતો. પરિણામે એમના દિવસો ખુશહાલીમાં પસાર થતાં.

હંમેશા થતું આવ્યું છે એમ જ થોડી ગેરસમજના લીધે એકવાર એ બેય જણની દોસ્તીને જમાનાની કાળી નજર લાગી જ ગઈ પરિણામે બેય જણ વચ્ચે અબોલાની દિવાલ ઊભી થઇ ગઈ..બેયના દિલમાં એકબીજા માટે લાગણી ભરપૂર હતી. એક-બીજા પર વિશ્વાસ પણ હતો. પણ..તોતેર મણનો ‘ઇગો’ વચ્ચે આવી ગયો. એમાં ને એમાં એક..બે..ત્રણ અને દિવસો ના દિવસો પસાર થઇ ગયા. વિશ્વાસની દિવાલો કાચી પડવા લાગી..પ્રેમને શંકાની ઊધઇ ખોતરવા લાગ્યો. પ્રેમના બદલે પહેલા ગુસ્સો..અવહેલના અને છેલ્લે ધ્રુણાનું ખાતર ખાઈને નફરતનું બીજ છોડ થતું ચાલ્યું. નફરતની કાળી છાયાથી રંગાઇને બેય સખીઓ દિવસે ને દિવસે નિસ્તેજ થતી ચાલી. સુકાતી ચાલી.

એક સંબંધી આ બધો ખેલ દુરથી જોતાઆવ્યા હતા.મનોમન દુઃખી થતા હતા. મનમાં હતું કે એક દિવસ પરિસ્થિતી જરુરથી સુધરશે..પણ આ હાલ જોઈને એમને થયું કે હવે ચુપ રહેવું બરાબર નથી જ..એમણે અથાગ પ્રયત્નો કરીને એ બેય સખીઓની ગેરસમજ દૂર કરી. નફરતનું કોઇ જ  કારણ નહોતું એવું ભાન થતા જ બેય સખીઓના દિલમાંથી પહેલાની જેમ જ પ્રેમની સરવાણી ફુટી અને બેય ફરીથી પહેલાની જેમ પ્રફુલ્લિત થઇ જવાથી ખુબસુરત લાગવા માંડયા. ગળે મળીને પસ્તાવો કરવા લાગ્યા કે,’કેટલો બધો સમય વેડફી નાખ્યો આ નાની શી જીંદગીમાં પોતાની પ્રિય વ્યક્તિને નફરત કરવામાં..”

બોધઃ- જેને સાચા દિલથી પ્રેમ કર્યો હોય એને તમે કદી નફરત કરી જ નથી શકતા. એ તમારી જાતને છેતરવાનું  કામ કહેવાય. એ છેતરામણી, એ નેગેટીવીટી તમને અંદરથી કોરી ખાય છે અને પરિણામે તમે પોતે જ દુઃખી થાઓ છો. શક્ય હોય તો બને એટલું જલ્દી એમને માફ કરી દો અને ફરીથી એક-બીજાની નજીક જવાની એક તક ઝડપી લો..કોને ખબર ગેરસમજના ઢગલામાંથી  પ્રેમાળ પ્રિયજનની સોય મળી પણં આવે..!

http://www.facebook.com/note.php?note_id=194962963871032&comments

સ્નેહા પટેલ – અક્ષિતારક.