ઉત્સાહનો થનગનાટ

-ફ઼ીલિંગ્સ દિવાળીનો ’યુવાની સ્પેશિયલ અંક’માં છ્પાયેલ મારો લેખ.

યુવાની એટલે શું?

કલાકના પંદર કિલોમીટર થાક્યા વગર શ્વાસો-શ્વાસ પર કાબૂ રાખીને દોડવાની, એક જ સમયે ચાલીસેક રસગુલ્લાં ઝાપટી કાઢવાની, કાતિલ – તીવ્ર ઠંડીમાં ખુલ્લી છાતીએ મોટરબાઈક પર અડધી રાતે- સીટીઓ મારતા બેફિકર થઈને શહેરના રસ્તાઓ ખૂંદી વળવાની, ધોધમાર વરસાદમાં છત્રી કે રેઈનકોટ જેવા સાધનો સામે બળવો પોકારી, માંદા પડવાની કોઈ જ ચિંતા વગર ખુલ્લા આભ નીચે  આંખો બંધ કરીને, બે હાથ ફેલાવી વર્ષાનું પાણી પોતાના મુખ પર ઝીલવાની, વાંભ વાંભ ઊછળતા મોજાંઓ જેવી તકલીફો સામે અડીખમ વહાણ બની સઘળી ટકકરોનો સામનો કરવાની, હરિફાઈઓની કાંટાળી વાડ પર બેસીને ય કોયલ સમ ટહુકવાની, કારમી કાજળઘેરી રાત જેવી  પ્રતિકુળતાઓ વચ્ચે પણ હસતું મોઢું રાખી આકાશના તારા જેમ ચમકવાની તૈયારી હોય અને હૈયે હામ હોય એ અવસ્થા એટલે માનવીના જીવનની વસંતઋતુ જેવી યુવાનીની અવસ્થા..

યુવાનીની વસંતઋતુમાં માનવી સુંદરતા, જોશ,સાહસ ,બેશુમાર હિંમત વગેરે ફળ-ફૂલ,પર્ણનો વૈભવ ધરાવતો હોય છે. કોયલ મૂંગી રહે પણ કાગની ભાષા ક્યારેય ના બોલે, ભ્રમર બાગમાં અમથો જ વિહર્યા કરે પણ પુષ્પને છોડીને વિષ્ટા પર બેસવાનું કદી પસંદ ના કરે, હંસ ભૂખ્યો રહે પણ મોતીના ચારા સિવાય બીજો કોઈ જ ચારો એને થોડી ખપે..એવું જ કંઇક યુવાનીનું પણ હોય છે. મનગમતી મંજિલ સુધી પહોંચવા તોફાની અશ્વની જેમ થનગનતી  બેશુમાર તકલીફો, ઘર્ષણો, હરિફાઇઓ સહન કરી લે, પણ સમાધાનોની તડ-જોડ ક્યારેય ના કરે. .

આ અવસ્થામાં માનવીની કલ્પનાશકિત અજોડ હોય, કાયમ મહેચ્છાઓનો દરિયો આંખોના સપનામાં ઘૂઘવતો હોય છે. મનગમતી સગવડોને પામવા સાહસ, હિંમત, અપાર શક્તિ, આનંદ વગેરેથી હ્રદય સદા ભરપૂર હોય . પછી ભલે ને એ અવસ્થા શારીરિક વર્ષોના ગણિત પ્રમાણે  ૬૦ વર્ષની પણ હોય.

સે મ્યુઅલ ઉલ્લમાનનું એક પુસ્તક છે ‘ફ્રોમ ધ સમ્મીટ ઓફ ઈયર્સ ફોર સ્કોર’. એમાં ઉત્સાહ અને યુવાની વિશે લખ્યું છે, ‘‘યુવાની એ જીવનનો કોઈ ખાસ સમય નથી. એ તો મનની એક સ્થિતિ છે. ઇચ્છાશક્તિનો ફુવારો છે. કલ્પનાનો ખજાનો છે. લાગણીઓનું બળ છે. ડરપોકપણા ઉપર હિંમતનો વિજય છે અને સગવડોની ચાહના ઉપર સાહસની જીત છે.’’

મેં એવી વ્યક્તિઓ જોઈ છે જે પચીસ વર્ષે, જિંદગી જીવીને થાકી ગઈ હોય એવી રીતે વર્તે છે. જ્યારે મોરારજીભાઈ જ્યારે ભારતના વડાપ્રધાન બન્યા ત્યારે એમની ઉંમર એક્યાશી વર્ષની હતી, અને એ ઉંમરે કોઈ યુવાન માણસ કરતાં વધુ કામ કરતા હતા. જ્યારે આજકાલના મનપસંદ સુપરસ્ટાર તરીકે તમે દસ વર્ષના ટેણિયાને પણ પૂછશો, તો ૧૦૦ માંથી ૮૦ ટકા આપણા સાઈઠ દાયકાની સફર  પસાર કરી ચુકેલા, અઢળક શારીરિક, માનસિક તક્લીફોનો સામનો કરીને  હિંમતપૂર્વક ઝઝુમનારા અભિનેતા શ્રી અમિતાભ બચ્ચનનું નામ આવવાની શકયતા પૂરેપૂરી રહેલ છે. આવા સદાબહાર લોકોને શારીરિક ઊંમર કોઇ જ અસર નથી કરતી. એ લોકો મોટી ઊંમરે પણ યુવાનો જેટલું જ, કદા્ચ એના કરતાં પણ વધુ કામ કરી લેતા હોય છે. એમની યુવાની માનસિક અવસ્થા હોય છે. એમની જિંદગી હંમેશા કોઈ પણ પરિસ્થિતીને હસતા મુખે આવકારવા તૈયાર  હોય છે. આજનું કામ ક્યારેય કાલ પર છોડવા તેઓ કદી તૈયાર નથી હોતા. દરેક પળને જીવનની છેલ્લી પળ માનીને જ ભરપૂર માણી લેવાની એક આદત પડી ગઈ હોય છે જાણે…

કોઈ કવિએ બે સુંદર પંક્તિઓ કદા્ચ આવા યુવાનો માટે જ  લખી લાગે છે,

“હું સવારે ખૂબ ખીલ્યો છું હવે મધ્યાહ્નમાં

સૂર્ય ડૂબી જાય તો તેનોય કંઈ વાંધો નહીં”

આજ-કાલના હરિફાઈલક્ષી, દેખાદેખીના વાતાવરણમાં આજનો યુવાન ઘણીવાર તીવ્ર ડિપ્રેશન અનુભવે છે. પૈસા કમાવાની, કેરિયર બનાવવાની આંધળી દોડમાં સમય કરતા થોડો વધુ પડ્તો વહેલો જ માનસિક ઊંમરનું ઘડપણ અનુભવતો થઈ જાય છે. એના ઉત્સાહ અને ઉમંગના બધા જ તાર તૂટી જાય છે..એવી સ્થિતિ અતિશય દયાજનક છે. પરિણામે ડેન્ચર રાખવાની ડબ્બી, વાંચવાના બાયફોકલ ચશ્મા એ બધા પહેલાં ડાયાબિટીસ, હાયપર ટેન્શન જેવા રોગો ઇનામરૂપે મેળવે છે.

ડેગ હેમરશોલ્ડે લખેલું કે, ‘મૃત્યુ એ ચિત્રની એક તૈયાર ફ્રેમ જેવું છે. એમાં આપણે  રંગોની પૂરણી કરવાની અને એ ચિત્રને સજાવવાનું છે.”

યુવાની એ જીવનરૂપી ચિત્રને સજાવવાની એક પીંછી જેવી જ  છે..

કોઈ કવિએ  આના પર સરસ કહ્યું છે કે,

આ જિંદગી તમને મળી, જોઈ લો છે કેવડી,

આવવું અને પાછા જવું, એ બે ક્રિયાપદ જેટલી.

હસવું પરાણે, રડવું છૂપા એ બે ક્રિયાપદ જેટલી,

વેંઢારવી કે શણગારવી એ પસંદગી આપણી…

–          સ્નેહા પટેલ – અક્ષિતારક

 

11 comments on “ઉત્સાહનો થનગનાટ

 1. પ્રતિકુળતાઓ વચ્ચે પણ હસતું મોઢું રાખી આકાશના તારા જેમ ચમકવાની તૈયારી હોય અને હૈયે હામ હોય એ અવસ્થા એટલે માનવીના જીવનની વસંતઋતુ જેવી યુવાનીની અવસ્થા…. WAAH !

  ‘‘યુવાની એ જીવનનો કોઈ ખાસ સમય નથી. એ તો મનની એક સ્થિતિ છે. ઇચ્છાશક્તિનો ફુવારો છે. કલ્પનાનો ખજાનો છે. લાગણીઓનું બળ છે. ડરપોકપણા ઉપર હિંમતનો વિજય છે અને સગવડોની ચાહના ઉપર સાહસની જીત છે.’’ humm barobar.. [ manas ketala varsh no pan hoy..pan kyayre pan nana balakoni jem jive to jane ]

  बच्चो सी बनके तु देख एय जिंदगी ,
  मालुम होगा कितनी खुबसुरत हे जिंदगी! — पुनम –”

  હસવું પરાણે, રડવું છૂપા એ બે ક્રિયાપદ જેટલી,
  વેંઢારવી કે શણગારવી એ પસંદગી આપણી…
  -સ્નેહા પટેલ – અક્ષિતારક bahoot khoob.. sundar ras prad..thx 4 tht.

  Like

 2. thnx poonam,..jo k jagya ni limitation na lidhe vadhare na lakhi shaki aa artical ma.. pan tr karyo che bane etlu aama samavano..maja aave che short ma badhu samjavani…ek art che e pan..:-)

  Like

 3. “મનગમતી મંજિલ સુધી પહોંચવા તોફાની અશ્વની જેમ થનગનતી બેશુમાર તકલીફો, ઘર્ષણો, હરિફાઇઓ સહન કરી લે, પણ સમાધાનોની તડ-જોડ ક્યારેય ના કરે. .”
  Exactly ma’m the Young age as of Passion, Competation, Innovation, ..etc.
  well tamar blog bo innovative hoy chhe.. tamara ‘Narsinh mehta’ n ‘Utsah no thanganat’ ae 2 blog read karya chhe. IT’S AMAZING.
  well ” અક્ષિતારક ” no shu meaning thay chhe?? ne Tamara artical kaya megazine ma ave chhe??

  Like

 4. તમારા લખવાનો થનગનાટ પણ જોરદાર છે સ્નેહા મેમ………..

  Like

 5. @ Rajendraji… ધન્યવાદ..
  અક્ષિતારકનો મતલબ આંખનો તારો…મારા આર્ટીકલ રેગ્યુલર રીતે પાંચમી દિશા, બરોડા (માસિક) મેગેઝિનમાં આવે છે. કોક કોક વાર ફ઼ીલિંગ્સ, બરોડા મેગેઝિનમાં પણ આપું છું..
  નીલમદીદી, દર્શન…ખૂબ ખૂબ આભાર આપનો

  Like

 6. યુવાની એ વયવાચક સ્થિતિ નથી ..એ વૃત્તિ વાચક મનોવસ્થા છે …આશિષ્ઠ, બલિષ્ઠ અને દ્રઢિષ્ઠ આ ત્રણ ગુણો જેના માં હોય એ કોઈ પણ વયે ‘યુવાન’ જ કહેવાય …અને જેની પાસે આ ત્રણ નથી એ ભરયુવાનીમાં પણ યુવાન નથી અનુભવી શકતો …..યુવાની એટલે તત્પરતા, તન્મયતા ,તપસ્વીતા, અને તેજસ્વીતાનું રસાયણ ……

  ઉપરના વાણી પુષ્પો પ.પુ.પાંડુરંગ શાસ્ત્રી ,પુ.દાદા જીહ્વાજહાનવીમાંથી છે …

  Like

 7. Excellent article. To remain young, one has to remain active with positive attitude and take life as it comes. Years gives wrinkles on face, but our inner self must feel young and energetic. CONGRATULATIONS!

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s