ખાલીપો- ભાગ-૪


ખાલીપો- ભાગ-૪
____________

ગાડીમાં બેસીને ઈતિએ આબિદા પરવિનના ગીતોની સીડી પ્લૅયરમાં સરકાવી … મ્યુઝિક સિસ્ટમમાંથી રેલાતા સૂર અને સીડીની ચોઈસ.. બેય ઈતિના સંગીતના શોખ અને એના ઊંચા ટેસ્ટની સાબિતી આપતા હતા.. એસીની ઠંડકથી એને થોડી રાહત થઈ.. થોડું ડ્રાઈવ કરીને તે ક્લાયન્ટ સૌમ્ય પટેલના બંગલાની સાઈટ પર પહોંચી. જો કે એ પહેલા સૌમ્ય પટેલ અને એના ફેમિલી વિષે જે કંઈ જાણકારી હતી એ મનોમન વાગોળી લીધી… આખરે પ્રોફેશનલ ઇન્ટીરિયર ડિઝાઈનર તરીકે એના ક્લાયન્ટના ગમા અણગમા વિષે અને એની પર્સનાલીટી વગેરે અંગે ધ્યાન રાખવું ખૂબ જરૂરી હતું… સાઈટ પર પહોંચી એણે કારના ડેશ બોર્ડ પર રાખેલા સુગંધિત વેટ ટિશ્યુઝ કાઢી ચહેરો લૂછ્યો અને વાળ પર હાથ ફેરવી થોડા સરખા કર્યા અને પોલેરોઈડના સન ગ્લાસીઝ માથા પર ચડાવ્યા.. સૌમ્ય પટેલના ફેમિલી મેમ્બર્સ સાથે ઈતિની આ પ્રાથમિક મુલાકાત હતી. એ સૌને જોઇ રહી..
લગભગ છ ફૂટ હાઈટ, સપ્રમાણ બાંધો અને બ્લ્યૂ લીવાયસ જિન્સ, વ્હાઈટ રીચ કોટન શર્ટ, બ્રાઉન શૂઝ… રીમલેસ ફ્રેમના ચશ્માં… ગોરો વાન… આ બધાનું મિશ્રણ સૌમ્યને અદ્દલ એના નામ પ્રમાણે જ સૌમ્ય હોવાની સાબિતી આપતું હતું .જ્યારે એની પત્ની સોનિયા એનાથી સાવ વિરુદ્ધ… ઝીરો સાઈઝ ફિગર, સૌમ્યના કાન સુધીની ઊંચાઈ… બ્રાઈટ રેડ કલરનું ટોપ, બ્લેક શોર્ટસ એના લાંબા અને સુડોળ પગને વધુ લાંબા હોવાનો અભાસ કરાવતા હતા.. ખભા સુધીના વ્યવસ્થિત રીતે કપાયેલા કલર્ડ વાળ, અને ટોપ સાથે મેચ થતી બ્રાઈટ રેડ લિપસ્ટિક અને લાઈટ ગોલ્ડ ચેઇનમાં ભરાવેલું સિંગલ રુબીના પ્રેશ્યસ સ્ટોનનું પેન્ડન્ટ અને એવીજ ઈયરિંગ્સ… કોપર બ્રાઉનથી એક શેઈડ લાઈટ ત્વચા… સોનિયાના દેખાડાવૃતિવાળા સ્વભાવની ચાડી ખાતું હતું
પળભરમાં બન્નેને જાણે નજરથી માપી લઈને તેણે વિચારી લીધું કે સોનિયા અને સૌમ્ય વચ્ચે સજાવટ અંગે ચોક્કસ મતભેદ રહેશે અને એ એણે કેવી રીતે સિફતથી દૂર કરવા પડશે એ અંગે પણ માનસિક તૈયારી કરી લીધી…. ઈતિની આ ખાસ આવડત હતી.. એના ક્લાયન્ટને એ પહેલી જ દ્રષ્ટિએ પારખવાની કોશિશ કરતી. અને એ સાયકોલોજી અને બિહેવિયરલ સાયન્સમાં માહેર હોવાને કારણે તેની ધારણાઓ ખરી ઊતરતી.. અલબત્ત આ એનો શોખ હતો.

બંગલીનો ઝાંપો ખોલતા જ એણે વિચારી લીધું કે આ જુનવાણી આડેધડ ઉગાડેલા મોટા મોટા કડવા લીમડા કે જંગલી ઝાડવાળો બગીચો તો ના જ ચાલે..અત્યાધુનિક ઓર્નામેઁટ્લ પ્લાંટસ્..વિવિધ પ્રકારના હિઁડોળા…ગાર્ડનનો વોક વે…બધાંયના ચિત્રો ઇતિના કોમ્પ્યુટર જેવા મગજમાં ફટાફટ દોરાઇ ગયા. બંગલીના પ્રવેશદ્વાર પાસે સાયકસ પામ તો જોઇએ જ અને નારિયેળીના ઝાડ તેમજ બોટલ પામ ગાર્ડનની બેય બાજુ નાખી એક મનોરમ્ય વાતાવરણ ઉભુ કરી શકાય…

ગાર્ડનનો જે ખુણો મંદીરની દિવાલ બાજુ પડતો હતો, ત્યાં ઇતિએ થોડા મહેંકતા અને પુજાના કામ લાગે તેવા ફુલોવાળા ગુલાબ અને જાસુદના છોડ અને જૂઇની વેલ અને ચંપાના તેમજ પારિજાતના ઝાડ નાંખવાનુ સજેસ્ટ કરી.. જેના લીધે મંદીરની શાંતી અને બગીચાના ફુલોની મહેંક સાથે મળીને એક પવિત્ર વાતાવરણ ઉભું કરી જાય.

ડ્રોઇંગરુમ અને ગાર્ડનની વચ્ચે એક કાચનું વોલ ટુ વોલ પાર્ટીશન આપ્યું. ગાર્ડનના ખૂણામાં વ્હાઇટ સ્ટોનવાળો વોટરફોલ ….ડિઝાયનર સ્ટેચ્યુ અને એને ફરતે અલગ અલગ કલરની નાની નાની લાઇટ નાંખવાનું ઇતિને યોગ્ય લાગ્યું જે ડ્રોઇંગરુમના સોફામાં બેસનારને સીધું જ નજરે પડે અને એમનું મન પ્રસન્ન કરી જાય. વળી ડ્રોઇંગરુમની એક દિવાલ રસોડામાં લગાવાના ગ્રેનાઇટથી જ સજાવવાનું નક્કી કર્યું. જે એકદમ રિચ અને ડિઝાઇનર લુક આપી જતું હતું. ડ્રોઇંગરુમની દિવાલને અનુરુપ પિકચરોની વુડન એંટિક ફ્રેમોવાળા એબસ્ટ્રેકટ પેઈન્ટિંગ્સ સજેસ્ટ કર્યા. ઉપરની બાજુએ પિક્ચર લાઇટ્સ મૂકાતા ચિત્રો વધુ સોહામણા બનાવી દેશે. સોફાની બાજુમાં પડતા એક ખાલી ખૂણાને પનિહારીના મનોરમ્ય સ્કલ્પ્ચરથી જાણે એકદમ જીવંત બનાવી દીધો.

આજકાલના ખુબ જ પ્રચલિત ઓક..ચેરી જેવા વુડન ફ્લોરિંગ થોડા મોઁઘા પડતા હતા..પણ ખુબ જ રીચ લુક આપતો હોવાથી સૌમ્યભાઇએ પણ પૈસા અંગે થોડી બાંધ છોડ સ્વીકારી લીધી.

સૌમ્યપટેલના પિતા અમરીષભાઇ પણ એમના જેવા જ સૌમ્ય હતા..એમની રુમમાં લાઇટ ક્રીમ કલર સિલેક્ટ કર્યો અને એમને યોગાસનો માટે મદદરુપ થઇ પડે એ માટે બેડરુમમાંથી એક દરવાજો પાછ્ળ બગીચામાં પાડવાનું વિચાર્યુ.

વુડનફ્લોરવાળી સીડીથી ઉપર ચડતા જમણી બાજુ આવતા બાળકોના બેડરુમમાં, ૮ વર્ષના છોકરાના રુમ માટે એણે ‘સ્પાઇડરમેન’ની થીમ સિલેક્ટ કરી એ મુજબ જ એના વોર્ડરોબ અને પડદાં તેમજ પલંગની ચાદરોની ડિઝાઇન બતાવી જેના પરિણામ સ્વરુપે રુમ એનર્જેટીક ફિલીંગ્સથી ભરી દીધો હોય એમ લાગે… ટીનએજ છોકરી માટે એણે ‘હેના મોંટેના’ની થીમને અનુરુપ જ લાઇટ બેબી પિંક કલર સજેસ્ટ કર્યો. એના ડ્રેસિઁગટેબલ..વોર્ડરોબના બધાયના કલર એ મુજબ જ થોડા બ્રાઇટ સિલેક્ટ કર્યા જેથી એક રોમેંટીક વાતાવરણ ઉભુ થતું હતું.

તો ડાબી બાજુ આવતા સૌમ્યભાઇ અને સોનિયાબેનના માસ્ટર બેડરૂમ માટે બહુ જ મહેનત કરી અને બન્નેને પસંદ આવે તેવો થોડો બ્રાઇટ લાગતો બે કલર ભેગા કરીને બનતો એક નવો જ ગ્રીન કલરનો એક શેડ સજેસ્ટ કર્યો. સોનિયા તો ખુશ ખુશ. આવો કુલ કલર એણે ક્યાંય જોયો નહતો..

‘બહેનપણીઓમાં વટ પડી જશે હવે..!!’

અને સૌમ્યભાઇ પણ ખુશ.. એમના શાંત નેચરને અનુકૂળ આવે તેવો જ આ કલર લાગતો હતો…

વળી ઈતિ એ બેઉના લગ્નપ્રસંગના અને અમુક રોમેન્ટિક પ્રસંગોના ફોટાની થીમથી સામેની દિવાલની સજાવટની વાત કરી એ પરથી એમને એક આશા પણ બંધાઈ કે, જુની યાદોને વાગોળતા એમની જુની પ્રેમાળ સોનિયા કદાચ પાછી જીવતી થઈ પણ જાય…!!!

વળી એક રુમ ખાલી પડતો હતો ત્યાં ઇતિએ મ્યુઝિક સિસ્ટમ..ટી.વી. અને લેટેસ્ટ સાઉંડ સિસ્ટમ ગોઠવી એને એક અલગ હોમ થિયેટર બનાવવાનું સજેસન કર્યુ જેથી બેડરુમ બેડરુમ જ રહે..ટી.વી.ના પ્રોગ્રામો પતિ પત્નીના માંડ માંડ મળતા સમયમાં વચ્ચે ના આવે….!!!

એકદમ સુવિધાજનક ગોઠવણ્…ના કોઇ જ ફેસીલિટીની કમી લાગે કે ના રુમો નાના લાગે…બહુ જ હોંશિયારીથી ઇતિએ આખા ઘરની સજાવટ સૌમ્ય પટેલ પાસે રજુ કરી…
થોડાક નાના નાના મુદ્દા સિવાય સૌમ્યપટેલ અને સોનિયા પટેલ ઇતિના બધા જ સજેશન સાથે સહર્ષ રીતે સહમત થયા.બીજા દિવસે સોફાની ટેપેસ્ટ્રી અને પડદાંના કાપડ માટે સાથે આવવાનું વચન આપી ઈતિ ઘરે પહોંચી.

હવે ઓફિસે જવાનો મૂડ અને સમય બેય નહતા. કપડાં બદલી, એનું ફેવરીટ લૂઝ ટી શર્ટ અને કોટન ચેકસની કેપ્રીઝ પહેરીને સોફામાં આડી પડી.

સૌમ્ય અને સોનિયાના મતભેદ ભરેલા સંવાદો યાદ આવતા એક લખલખું ઈતિના એકવડા બાંધાના નાજુક શરીરમાં ઝડપથી ફરી વળ્યું…એનું મન પણ વારંવાર ભૂતકાળમાં જાણે ડૂબકી લગાવી આવતું…… વીજળીની જેમ એક વિચાર આવી ગયો અને ચહેરા પર એક ફિક્કું સ્મિત પણ…

એની અને અર્થની જિંદગીમાં પણ આવા નાના નાના મતભેદોની વણઝારો ક્યાં નહોતી..!!
એને ખાવામાં દાળ-ભાત-રોટલી-શાક જેવું સાદું અને પૌષ્ટિક ખાવાનું ભાવતું. જ્યારે અર્થ.. એની જીભને તો જાત જાતની.. મસાલેદાર વાનગીઓના જોરદાર ચટાકા હતા. ભલે ને બે દિવસ એસિડિટીથી પીડાય. પણ જીભ પર કંટ્રોલ કદી ના રહે..!!! ઈતિ હંમેશા એને ટોકતી એ બાબતે.પણ નકરું પથ્થર પર પાણી.

અર્થનો જીવનમંત્ર એક જ હતો, ‘જિન્દગી મળી તો જીવી લો.. માણી લો.. કાલ કોણે જોઈ છે..?’
એ જીવનને માણવાની ઘેલછામાં શરાબ.. સિગારેટ.. નોનવેજ ખાવાનું.. એ બધા શોખનો ગુલામ થતો ચાલ્યો હતો.. મિત્રો પાછળ પૈસાનો દેખાડો કરવા માટે દિલ ખોલીને પૈસા પાણીની જેમ વાપરતો.. પરિણામે ઘરમાં હંમેશા પૈસાની ખેંચ રહેતી.

ઈતિ ઘરના બે છેડા ભેગા કરતા કરતા જાતે તૂટી જતી.
‘અર્થ, આ સિગારેટ.. શરાબ.. આ બધું તને અંદરથી ખોખલો કરી દેશે..’
થોડા વાદ-વિવાદ.. પ્રેમભરી સમજાવટ અને પછી અર્થ ડાહ્યા છોકરાની જેમ માની જતો..
‘ઓ.કે. હવેથી એ બધાને હાથ પણ નહીં લગાવું..’

થોડા દિવસ બધું સરખું ચાલતું.. ઈતિને થોડી શાંતિ વળતી.
ત્યાં તો અર્થની અંદરનો પુરુષ પાછો ઊથલો મારતો..

‘એણે મારી સાથે જીવવું હોય તો આમ જ રહેશે.. એને થવું હોય તો એ એડજસ્ટ થાય. બાકી હું તો આમ જ રહીશ. મારે શા માટે મારી લાઇફ સ્ટાઇલ ચેન્જ કરવાની..? અરે, વર્ષોથી હું મારી મરજીથી જ જીવ્યો છું..હવે હું કઈ રીતે બદલાઈ શકું? આ બૈરાંઓને થોડી સ્વતંત્રતા આપીએ એટલે માથે જ ચડી વાગે સા….આના કરતા પહેલાંના બૈરાઓ સારા..!!! ઝાઝી ગતાગમ ના પડે.. પતિ એ જ પરમેશ્વર માનીને જ જીવન વિતાવી કાઢે.. બહુ ટક ટક ના કરે..!!’

અને અર્થની એજ જીવન વ્યવસ્થા પાછી ચાલુ ..!!

ઈતિ ફરી પાછી જ્યાં હતી ત્યાંની ત્યાં…!!! એ જાતને બહુ સમજાવતી. જાત સાથે વાતો કરવાની એની ટેવ હતી. એમાં હવે થોડો વધારો થતો ચાલ્યો હતો. જોકે એમાં ને એમાં બેય પતિ – પત્ની વચ્ચે સંવાદોની આપ – લે ઓછી થતી જતી હતી.. એ વાત એ બેયના ધ્યાન બહાર જ જતી હતી..ખબર જ ના પડી કે એક નાનકડી તિરાડ ક્યારે ધીમે ધીમે ખાઈ બનવા તરફ વધતી ચાલી…!!

પાણીમાં શ્વાસ રૂંધાય એવું જ કૈંક ક્ષણવાર માટે એને લાગ્યું..લોકો માટે ચોક્કસ અનુમાન બાંધી શકતી, એ મુજબ એમને સમજાવી શકતી ઈતિ એના અંગત જીવનમાં પતિને કદી સમજાવી નહોતી શકી…

પરિણામે ઈતિના જીવનમાં ધીમે ધીમે વ્યાપતો જતો હતો એક ખાલીપો….
અર્થથી ઈતિ સુધીનો ખાલીપો …
અથથી……… ઈતિ સુધીનો ખાલીપો……
[ક્રમશઃ]
સ્નેહા પટેલ-અક્ષિતારક
27-6-2010

13 comments on “ખાલીપો- ભાગ-૪

  1. આપની વાર્તા ક્યારેક વાંચુ છું. ખાસ સમજાતી નથી, પણ વાંચવાનો આનંદ આવે છે.

    Like

  2. ઈતિ ઘરનાં બે છેડાં ભેગા કરતા કરતા જાતે તૂટી જતી…hummm.

    પરિણામે ઇતિના જીવનમાં ધીમે ધીમે વ્યાપતો જતો હતો એક ખાલીપો….
    અર્થથી ઇતિ સુધીનો ખાલીપો …
    d saras lkhayu she,aagal jaldi lakhjo…vanchavani utaval che mane.. 🙂

    Like

  3. મેમ તમે લખો છો તો તો એકદમ જય વસાવડા જેવું જ ………….એકદમ સરસ મજા નું………વાર્તા વાચતા વાચતા આપણ ને પકડી રાખે તેવું………

    Like

  4. Di,,

    hve 1-1 bhag krta 1 sathe j aakhi story muki do ne ,,, mara thi to rah nathi jovati ,,,,,, 😦

    Like

  5. @atulbhai..tamane mari varta nathi samjati e mari kami…try karish haju smooth jai shaku evo…

    @krishu,,,rajulaben,poonam, darshan..thnx a lot for encouraging me..

    @bihag…mari capacity nathi bhai aakhi story ek sathe lakhi shaku…t etli maryada chalavi lejo …ha jaldi jaldi mukvano try jaruru karish aagal ni story..

    Like

  6. ખાલીપો ૧ થી ૫ ભાગમાં આ ભાગ થોડો જુદો તરી આવે છે.આ ભાગ મને વાંચવો ખુબ જ ગમ્યો. કારણ કે તમે આ ભાગ દ્વારા વાર્તામા રહેલા સચેતન-જડ પાત્રોનો સાયકોલોજીકલી અને પાત્ર કે વસ્તુને અનુરુપ ઉપમાઓ દ્વારા વાચક સાથે પરીચય કરાવ્યો છે.દરેક પાત્રના સ્વભાવને પણ જીવંત કરી બતાવ્યો છે.

    ખુબ સરસ….

    Like

  7. Pingback: ખાલીપોઃ- ભાગ-૧૯ |

  8. Pingback: ખાલીપો : સ્નેહા પટેલ ( અક્ષી તારક) | સહિયારું સર્જન – ગદ્ય

  9. દીકરી સ્નેહા
    તારી વાર્તા ખાલિપો ૧૯ પ્રકરણ એક જ બેઠકે વાંચ્યા ખુબ ગમ્યા અને તેમાં અમુક પારેગ્રાફમાં શબ્દોમાં કાવ્યસમ લયકારી વાંચીને વિષેશ આનંદ એટલા માટે થયો કે,આવા લયબધ્ધ શબ્દોની હારમાળા મેં ક્યારે માણી નથી.પરમકૃપાળુ પરમાત્મા તારી કલમને અનન્ય શક્તિ પ્રદાન કરે જેથી આવી સુંદર રચનાઓ થતી રહે.
    એક આડ વાત તારો પરિચય વાંચતા એક વાક્ય વાંચ્યું “હું નાની અમથી કીડી સાથે પણ વાતો કરી લઉં છું.. જો કે એને સમજાય છે કે નહીં એ હજી બહુ સમજાતું નથી મને.”મારા એક વડિલ હતાં જે હવે હયાત નથી તેઓ કીડીની ભાષા સમજતાં હતા.
    અસ્તુ

    Like

Leave a comment