ખાલીપો :- ભાગ – ૩.

ખાલીપો – ભાગ ઃ૩

અચાનક ભૂતકાળને વર્તમાનની ઠેસ લાગી અને ઈતિની પૂરપાટ દોડતી ગાડી સામે એક નાનો છોકરો આવી ગયો અને ઈતિએ બ્રેક મારવી પડી…ચરરરર….!

ઈતિના વિચારોને પણ જોરદાર આંચકા સાથે બ્રેક વાગી ગઈ. ગભરાટમાં યંત્રવત રીતે જ ચાવી ગોળ ફેરવીને ગાડીનું ઈગ્નિશન બંધ કર્યુ અને હાંફળી ફાંફળી ગાડીમાંથી નીચે ઉતરી.એક પાંચેક વર્ષનો માસૂમ છોકરો એના ક્રિકેટ બોલની પાછળ દોડતો દોડતો સોસાયટીની સીમા ક્રોસ કરીને રસ્તા પર આવી ગયેલો.એને જોતા જ ઈતિના દિલમાં એક જોરદાર સણકો વાગ્યો.મમતા-ઉર્મિઓનો સાગર હિલ્લોળા લેવા માંડ્યો.
અરે, આ છોકરો તો અસ્સલ એના સ્પર્શ જેવડો જ છે. એવો જ ગોરો ગોરો, વાંકડિયા ઝુલ્ફાં, ગુલાબી ગુલાબી હોઠ અને રડે ત્યારે એના ચેહરાના હાવભાવ અદ્દ્લ સ્પર્શની કાર્બન કોપી જ જોઈ લો.
એનો સ્પર્શ પણ આવડો જ થઈ ગયો હશે ને..કદાચ આવો જ લાગતો હશે ..ના ના…આનાથી પણ વધુ રુપાળો હશે. પોતાના લાડલાને જોયે પણ બે વર્ષ થઈ ગયેલા ઇતિને. સ્પર્શ એની કાલી ઘેલી વાણીમાં એને ’મમ્મા’ કહેતો ત્યારે ઇતિને પોતાનું સ્વર્ગ હાથવેંત લાગતું. સ્પર્શના મુખેથી એ અઢી અક્ષરનો શબ્દ સાંભળવા ઈતિ એને અનેકો મનામણા કરતી, જાતજાતની લાલચો આપતી, કલાકો સુધી એ શબ્દ સાંભળવા ધીરજ રાખીને રાહ જોતી.
ઈતિએ ધ્યાનથી જોયું તો એ છોકરાને બહુ ખાસ કંઈ વાગ્યુ નહોતું. બસ, પોતાની સુરક્ષા સીમામાંથી  બહાર આવી ગયેલો અને રસ્તાના ટ્રાફિકની માહિતીથી અજાણ હોવાના કારણે અચાનક આવી પડેલી આવી સ્થિતીથી થોડો ગભરાઈ ગયેલો. એના ઢીંચણ પર થોડી ચામડી છોલાઈ ગયેલી અને ચામડી થોડી રતુંબડી થઈ ગયેલી. લોહી નહતું નીકળતું  એ જોઇને ઈતિને મોઢેથી એક હાશકારો નીકળી ગયો. પોતાની બેખ્યાલીની સજા એક માસૂમને મળતાં મળતાં રહી ગઈ હતી.એણે આજુબાજુ નજર દોડાવી તો સામે જ એક પ્રોવિઝનની દુકાન દેખાઈ. એ છોકરાની આંગળી પકડી એને એ દુકાનમાં લઈ ગઈ અને એમાંથી એની મનગમતી મોટી ‘ડેરીમિલ્ક’ કેડબરી અપાવી દીધી અને સ્નેહથી એના ઘુંઘરાળા વાળમાં હાથ ફેરવ્યો. એ મુલાયમ કેશના સ્પર્શથી કોરી બળબળતી ધરતી પર છ..મ..મ કરતાં’ક ને અમીછાંટણાં થયાં હોય એવો અહેસાસ થયો. છોકરો ખુશ થતો થતો પોતાની બધી ઈજા ભુલીને, ‘થેંક્સ આંટી’ કહીને પાછો ભાગી ગયો.
ઇતિ ફરી પાછી વિચારે ચડી. આ ભૂલકાંઓની દુનિયા કેટલી સહજ અને સરળ હોય છે ! કાશ, મોટેરાંઓને પણ આમ જ મનાવીને સંબંધો યથાવત કરી શકાતા હોત તો આજે પોતાની દુનિયા પણ કેટલી સુંદર હોત.. પણ એક્વાર તૂટેલ કાચ કે એક વાર તૂટેલ સંબંધ કદી સંધાયા છે ? લાખ મથામણો પછી પણ સંબંધો જોડાય તો પણ એમાં સમાધાનોના થીંગડા મારવા જ પડે છે અને એ થીંગડાની કુરુપતાને સ્વીકારવાની, ચલાવવાની તૈયારી બે ય પક્ષે દાખવવી જ પડે છે. સંબંધોની દુનિયા પણ અજબ હોય છે – જેટલી સરળ એટલી જ જટિલ.
અચાનક ફૂટપાથ આગળ આવેલા ગુલમહોર ઉપરથી એક લાલ પીળું ફૂલ ઇતિના માથા પર પડ્યું ને એનો વિચારભંગ થયો. ઇતિએ માથાને તીવ્ર ઝાટકો આપીને બધા લાલ પીળા વિચારો ખંખેરી કાઢ્યાં. સંવેદનશીલ સ્વભાવે પોતાને વિચારો કરતા રહેવાની ભેટ અજાણતાં જ આપી દીધેલી.
એની આ ક્રિયાથી પ્રોવિઝનવાળો પણ મનોમન હસી પડ્યો. રોડ પરની દુકાન હોવાથી એને માટે આવી વિચિત્ર ક્રિયાઓની સાક્ષી બનવાની કોઇ નવાઈ નહતી. રેડિયો ચાલુ કરીને પોતાના મનપસંદ ગીતો સાંભળતા સાંભળતા એ પોતાની દુકાનનો સામાન ગોઠવવાના કામે ચડ્યો.

૦       –       ૦       –     ૦

ઈતિએ ઓફિસે પહોંચીને એક હાશ…નો શ્વાસ લીધો. ટેબલ પર પડેલા બેલ પર હથેળી મારી અને સાથે સાથે બુમ પાડી…

‘હરિકાકા.’

હરિકાકા – ૫૦-૫૫ વર્ષના પ્યુન, જેમને ઇતિ આદરથી ‘કાકા’ કહીને જ બોલાવતી…

‘એક ચીલ્ડ પાણીની બોટલ અને એક કડક કોફી લઈ આવો ને કાકા, પ્લીઝ્…’

એ પછી એણે રીમોટ લઈને રુમમાં ચાલતું એસી થોડું ફાસ્ટ કર્યુ.

આજકાલની ગ્લોબલ વોર્મિંગીયા ગરમી આમે માનવીની અડધી તાકાત તો એમ જ ચુસી લેતું હતું. વર્ષના બારમાંથી નવ મહિના તો અસહ્ય ગરમી પડતી હતી. લોકોના જીવવા માટેની જરુરી – જીવન જરૂરિયાતની માંગના લિસ્ટમાં હવા, પાણી, ખોરાકની સાથે સાથે ઠંડા પીણા , એ.સી, કુલર..આવું તો કેટ કેટલુંયે નાછૂટકે ઉમેરાતું  જતું હતું.એ માંગને પહોંચી વળવા માનવી ક્યારે ‘ટેન્શન’ નામના રોગનો દર્દી  બની જતો એની ખબર જ નહતી પડતી.
પાંચેક મિનિટ પછી થોડું ફ્રેશ થઈ ઈતિએ કોમ્પ્યુટરમાં સૌમ્ય પટેલની ફાઈલ ખોલી…

‘સૌમ્ય પટેલ.’

અમદાવાદના પોશ ગણાતા એરિયા ‘બોપલ’માં એમનો બંગલો હતો. એમના બંગલાની ઈન્ટીરિયર ડિઝાઈનીંગનું કામ ઈતિના હાથમાં હતું.

એ પતિ અને પત્ની બેયને ઘરની સજાવટ બાબતે અનેકો મતભેદ રહેતા હતાં. સૌમ્યને થોડું ચલાવી લઈ, થોડું જતું કરીને પણ સુવિધાજનક ફર્નીચરની ઇચ્છા હતી , જ્યારે એની  પત્નીને મન જાણે આ એક ઉત્સવ હતો જે ઉજવવામાં એને કોઈ જ બાંધ છોડ કરવી નહોતી.ભલેને પૈસો પાણીની જેમ રેલાય પણ ૧૦ માણસ આવીને કહેવા જોઈએ ,
‘વાહ..શું ઘર છે ! બારી – બારણાંનાં પડદાનું કાપડ, સિલાઈ, છોકરાઓનો પલંગ, લેટેસ્ટ ડિઝાઈનની લાઈટ્સ, શોપીસીસ બધુંયે અત્યારની લેટેસ્ટ ડિઝાઈન અને સ્ટાઈલમાં જોઈએ. બેબીના રુમની વોલનો કલર પીન્ક શેડમાં જ જોઈએ અને બાબાનો થોડો ડાર્ક રેડ. સોફા તો સૈફ અલીની પેલી એડ છે ને એવા જ અદદ્લ, એ જ ડીઝાઈન અને ટેપેસ્ટ્રીના કલરમાં જ..’
પૂરતી સમજણ નહતી એટલે કચકચ વધારે હતી.પણ ઈતિ હવે પોતાના કસ્ટમરોના આવા વિચિત્ર સ્વભાવથી ટેવાઈ ગયેલી. ક્લાયન્ટની બધી વાત ધીરજથી સાંભળતી અને પછી શાંતિથી પોતાના મુદા એવી હોંશિયારીથી રજુ કરતી કે ક્લાયન્ટ બીજાના ઘરે અને શો-રુમો કે ટી.વી.ની લોભામણી એડમાં જોયેલ ફર્નિચર ભુલીને ઈતિની ‘હા’ માં ‘હા’ કરતું થઈ જ જતું.

લેપટોપમાં કલાયન્ટની બધીય ડિટેઈલ્સ ધ્યાનથી જોઈ. સામે પડેલ કોફી અને મેરી બિસ્કીટ્ને ન્યાય આપી, ઈતિ સૌમ્ય પટેલના ઘર તરફ જવા ઓફિસેથી નીકળી…

[ક્રમશઃ]
સ્નેહા પટેલ
૧૫-૬-૨૦૧૦

Advertisements

9 comments on “ખાલીપો :- ભાગ – ૩.

 1. સ્નેહાબેન,
  તમારી આ નેટ પરની બીજી વાર્તા હપ્તે હપ્તે વાંચી રહ્યો છુ, રસદાયક લાગે છે આગે આગે દેખીયે હોતા હૈ ક્યા !
  મુકુંદ જોશી

  Like

 2. sneha ni lagni no shabdo no dhal ekdam smoothly jai rahyo che.. superb khub j gami rarii aa varta n tari aa shabdo ni lagni ni rajooaat khub gami.. lage che tu have lekhika thati jay che!

  aa ma pan amuk line khubgami..jem k

  કેટલી સહજ હોય છે આ છોકરાઓની દુનિયા..કાશ, મોટેરાંઓને પણ આમ જ મનાવીને સંબંધો યથાવત કરી શકાતા હોત….
  ketlu sundar.. khub gamyu .

  Like

 3. સંબંધો પર સમાધાનોના થીંગડા મારી મારીને જ ચલાવવા પડે છે.
  આ સંબંધોની દુનિયા પણ અજબ હોય છે. જેટલી સરળ એટલી જ જટિલ…

  je saral hoy ij sov thi vadhu jatil hoy.. kevo virodhabhasi niam che sabndho no !

  Like

 4. are vah, maja aavi gai…:) and superb… awaiting…. I never thought that I will read stories after long time, and will be your’s. Really khassa time e story and e pan aavi interesting and lovely… maja padi gai 🙂

  Like

 5. મેમ તમે શું લખો છો….. !! યાર………!! ગજબ છો તમે તો………………………….

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s