માતૃભાષા માટે ગુજરાતીઓના પ્રેમની સીમાઓ.

     સૌથી પહેલાં એક વાત કહી દઉ કે મને મારી માતૃભાષા અનહદ વ્હાલી છે.એના વિરોધમાં આ લેખ નથી.મહેરબાની કરીને એની નોંધ દરેક મુલાકાતી લે.
        

     આજ કાલ મને ગુજરાતી સાહિત્ય સાથે જરા વધુ રહેવાનો લ્હાવો મળ્યો.ધબકારની સુગમ-સંગીત અને કાવ્ય-પઠનની સૂર-શબ્દોથી ગૂંથેલી યાદગાર બેઠક. એ પણ વળી ખ્યાતનામ કવિઓ શ્રી તુષાર શુકલ અને શ્રી કૃષ્ણ દવે સાથે.વળી બીજા જ દિવસે રજવાડું ખાતે “વિશ્વ માત્રુભાષા દિન”ની ઉજવણી નિમિત્તે શ્યામલ સૌમિલ,આરતી મુનશી અને બીજા બહુ બધા સરસ મજાના કલાકારો સાથે કરી.એ બધામાં બહુ મજા આવી.   

     ત્યાં એક સ્કુલના ટીચર મળી ગયા.બહુ ખુશ થયા મળીને.સાથે જ એક દુઃખદ સમાચાર આપતા કહ્યું કે,’આપણી શાળા ‘મોહિનાબા” ગુજરાતી માધ્યમ હવે બંધ કરી રહી છે.ફક્ત અંગ્રેજી માધ્યમ જ ચાલુ રાખશે.આંસુ આવી ગયા આંખમા સાચે આ સાંભળીને.   

૨ દિવસ રહીને એક ક્ડવી સચ્ચાઈ જે સામે આવે છે, જે નગમ્ય ભાવોથી દિલને બેચેન કરી જાય છે.બહુ બધા ગુણ ગાન સાથે માતૃભાષાની જાળવણી માટે આપણે ગુજરાતી સાહિત્યમાં પૂરી પ્રામાણીકતાથી પદાર્પણ કરવું જ જોઈએ.કારણ એ આપણી ‘મા’ છે.એની જગ્યા ‘માસી’ જેવી અંગ્રેજી ભાષા ના જ લઈ શકે.બહુ ગમ્યું આવું સાંભળીને.વળી દર બીજા દિવસે નેટ પર પણ ગુજરાતી ભાષાના અસ્તિત્વને લઈને જે કુશંકાઓ સેવાય છે એ પણ દિલ દુભાવી જાય છે.ચિત્રલેખા જેવા મેગેઝીને પણ આ વખતે આની પર જ એક આર્ટીક્લ આપ્યો છે.આ બધું વાંચીને મનમાં એક પ્રશ્નનો કીડો સળવળ્યો.   

-> આ ગુજરાતી ભાષા પર જે ખતરો તોળાય છે એની પાછળના કારણો શું?
 
->મને અતિપ્રીય હોવા છતાં મારા દિકરાને અંગ્રેજી ભાષામાં ભણાવવા પાછ્ળ મજબૂર કરી ગઈ, એ માટે જવાબદાર પરિબળો કયા?
->”ધબકાર” ગ્રુપ કોઈ જ નફા ના ઉદ્દેશ વગર આટલી સરસ પ્રવૃતિ કરે છે તો પણ દર વખતે એને ફંડની તકલીફ, પ્રોત્સાહનનો અભાવ,કે કોઈ જ જાતના મીડિયાનો સહકાર કેમ નહી?

   

     મારી સમજણ મુજબ આપણી ભાષા બીજી ભાષાના પ્રમાણમાં થોડી..ના ના..બહુ બધી અઘરી છે.એ શીખવા માટે,એને પૂરે પૂરી આત્મસાત કરવા માટે ખૂબ જ સમય અને ધીરજ અને આકરી ટીકાઓ સહન કરવાની સહનશક્તિ જોઈએ .એમ છતાં તમે પૂરે પૂરી વફાદારી અને લગનથી એ શીખી લો તો પણ એક કડવી સચ્ચાઈ એનું વિકરાળ મોઢું ફાડીને સામે જ ઉભી હોય છે કે,
  
->” આમાંથી આર્થિક ઊપાર્જન કેટલું”? 
  
         આજનો યુવા વર્ગ એનાથી જે રીતે વિમુખ થઈ રહ્યો છે એ ઉપરથી એ તો ફલિત થાય જ છે કે સહેજ પણ સંતોષકારક વળતર નહીં.પોતાનો અઢ્ળક સમય અને મહેનત જો એ બીજી ભાષામાં કોઈ નવો જ નીકળેલ કોર્સ શીખવામાં વાપરે તો એને આરામથી ઘર ચલાવી શકવામાં મદદ થાય એટલી આવક ઉભી તો કરી જ શકે એ. માતૃભાષા પ્રત્યે અનહદ પ્રેમ હોવા છતાં પણ આજનો યુવાન એનું ભવિષ્ય તો દાવ પર ના જ લગાવી શકે. એટ્લે નાછૂટકે એ બીજી ભાષાઓનું શરણ મને-કમને પણ સ્વીકારે છે.ભલેને કાલે જ એ ગુજરાતી ભાષાના કાર્યક્રમમાં દિલ ખોલીને તાળીઓ પાડીને ખુશ ખુશ થઈને ઘરે આવ્યો હોય.ઘરે આવીને ટી.વી.માં ચાલતા હિન્દી-અંગ્રેજી પ્રોગ્રામો એનો બધો નશો ઊતારી નાખે છે.આપણે માતૃભાષાને બચાવવા માટે આટલી ચિંતા કરીએ છીએ તો એમાંથી કમાણીનો માર્ગ ઉભો કરવાનો રસ્તો કેમ નથી વિચારતા?કદાચ જો હોય તો માફ કરજો, મારા ધ્યાનમાં તો નથી જ.   

 ->આકર્ષક સરસ મજાનો પગાર મળતો હોય તો મજાલ છે કોઈ ગુજરાતી બચ્ચાની કે એ બીજી ભાષાની શરણાગતી સ્વીકારે?ગુલામી કરે?      ગુજરાતી ભાષાના કવિઓ, લેખકો,સંગીતકારોને કે ગાયકોને સંતોષકારક મહેનતાણું મળતું થાય તો કેટલા આશાસ્પદ કલાકારો મળી શકે એમ છે.પણ પેલું કહેલ છે ને કે,  

“ભૂખ્યા પેટે ભગવાનની પૂજા ના થાય”,   

બસ એવું જ કંઈક.ગુજરાતી સાહિત્યના સમાચાર ગુજરાતમાં જ ગુજરાતી છાપા કે ટી.વી.માં આપવા માટે પણ કેટ-કેટલા પાપડ બેલવા પડે છે.કલાકારોને એક હદ સુધી તોડી કાઢે છે.અનેક ટીકાઓ,સંઘર્ષ સહન કરીને એણે પોતાની કલાને વિકસાવી હોય અને કોઈ જ પ્રતિસાદ ના મળતા છેલ્લે આ તો ખાલી શોખ છે અને બસ દિલ ખુશ થાય છે આવી પ્રવ્રુતિઓથી એમ કહીને મન મારીને ચૂપ ચાપ બેસવું પડે છે. અને આમ જ એક દિવસ એની અંદર-અંદરથી ગુજરાતીપણું ક્યારે મરતું જાય છે એ એને પોતાને જ નથી સમજાતું.    

     મને તો ગુજરાતી ભાષાના અસ્તિત્વ અંગે નહીં પણ  ગરવા ગુજરાતી ના ‘ગુજરાતીપણાના અસ્તિત્વની’ ચીંતા થાય છે.આજના સુપરફાસ્ટ જમાનામાં ભૂખ્યા પેટે એ માંદલો અને તૂટી ગયેલ ગુજરાતી પેટીયું  રળવાની ચીંતા પહેલા કરશે કે ગુજરાતી ભાષાને બચાવવાના પ્રયાસો કરશે? અને એ બધા સંજોગો જો એને તોડી કાઢશે તો એ કયાં સુધી પોતાની માતૃભાષા પર મને ગર્વ છે જેવી ખોખલી વાતો કરી શકશે? હકીકતની દુનિયામાં જીવતા અનેક લોકો મારી વાત સાથે સંમત થશે જ, હા અહીં ખુલ્લે આમ લખવાની હિંમત કેટલા કરશે એ મને નથી ખબર.!!
  
 

     મારે આ પ્રશ્ન કોઈ ગુજરાતી મેગેઝીન કે છાપામાં પણ આપવો છે.દીવા જેવી નજરે ચડતી સળગતી હકીકત તરફ લોકોનું ધ્યાન દોરવું છે.કોઈની ઓળખાણ હોય તો કહેજો.
ગુજરાતી સાહિત્યની માફી સાથે.

સ્નેહા-અક્ષિતારક.
૧૧.૧૦ રાતના
૨૩-૦૨-૨૦૧૦.
     

  

 

બીજી પોસ્ટ:- 

કાલે બહુ બધી કોમેન્ટ્સ મળી. જે પ્રમાણે આશા રાખેલ એવું જ થયુઁ એમાં.મેઈન વાત સમજ્યા વગર લોકો પોતાનો માતૃભાષા પ્રત્યેનો પ્રેમ દર્શાવતા જ રહી ગયા..૨-૩ જણ સિવાય કોઈ જ વાતની જડ સુધી પહોંચી ના શક્યું કે મારી વેદના ક્યાં છે…  

(1) “ત્યાં એક સ્કુલના ટીચર મળી ગયા.બહુ ખુશ થયા મળીને.સાથે જ એક દુઃખદ સમાચાર આપતા કહ્યું કે,’આપણી શાળા ‘મોહિનાબા” ગુજરાતી માધ્યમ હવે બંધ કરી રહી છે.ફક્ત અંગ્રેજી માધ્યમ જ ચાલુ રાખશે.આંસુ આવી ગયા આંખમા સાચે આ સાંભળીને.”  

આવું થાય ત્યારે દિલને તકલીફ થાય છે …….  

 (2)edit this on February 24, 2010 at 10:37 am tejas
so sneha you to write improper gujarati , y you didnt took care @it ! paapad belwaa pade chhe. y not paapad wanwaa pade chhe.
and don worry language never die.   

આવી સલાહ આપનારા ગુજરાતી લેખ ગુજરાતીમાં જ કેમ નથી એની કોમેન્ટ્સ અંગ્રેજીમાં લખીને આપે છે.આવી નાની નાની ક્ષુલ્લક વાતો ધ્યાનમાં આવે છે. પણ મેં જે ચિંતા વ્યક્ત કરી છે કે, “ગુજરાતી ભાષા નહી, પણ ‘ગુજરાતીઓની ગરવાઈ’ જોખમમાં મૂકાઈ છે .”એ વિષય પરથી વિષયાંતર કરીને ‘માતૃભાષા ક્યારેય નહી મરે’ની આજ કાલ રોજ થતી વાત જ સમજયા વગર લોકો ગાય છે.  

આવું થાય ત્યારે દિલને તકલીફ થાય છે……  

 (3)”આપણે અંગ્રેજી નો સ્વીકાર કરીએ છીએ માત્ર અને માત્ર એટલા માટે જ કે એના દ્વારા આપણે સારી નોકરી મેળવી શકીએ
પગભર થઇ શકીએ અને પરિવાર માટે પૈસા કમાઈ શકીએ. બસ..બાકી આપણું દિલ અંગ્રેજી નો સ્વીકાર કદી નહી કરે…”  

 આ સાહિલભાઈની કોમેન્ટ છે બ્લોગ પર.આપણે આપણી ‘ગરવાઈ’ ખોવી પડે છે કમાણી માટે,  

આવું થાય ત્યારે દિલને તકલીફ થાય છે …  

(4)કૃણાલભાઈની અમુક વાતો ઘણી હદ સુધી સા્ચી છે, પણ મેં ક્યાંય અંગ્રેજી ભાષાને દોષ નથી આપ્યો.એ તો રોજના જીવનમાં વણાઈ ગઈ ્છે..જુવોને આમાં જ મેં કોમેન્ટ્સ જેવા શબ્દો વાપર્યા જ છે ને..પણ મને એવી નાની નાની વાતોની ચીંતા નથી..
એમની આ વાત…   

[A]”2. ગુજરાતી ભાષાની ચિંતા કરવાવાળા ઘણાં છે પણ કોઇ કામ કરવાવાળા નથી. ગુજરાતી ભાષાની જેમને ખરેખર ચિંતા હોય એમણે રીડગુજરાતી સાઇટ ચલાવવાનું ભગીરથ કાર્ય કરનાર મૃગેશભાઇ પાસેથી પ્રેરણા લેવી રહી. કેટલા લોકો પોતાનો સ્વાર્થ મૂકીને ભાષાની સેવામાં મૃગેશભાઇની જેમ લાગી શકે છે? જેટલા લોકોએ એ આ લેખ પર પોતાનો પ્રતિભાવ આપીને ચિંતા વ્યક્ત કરી છે એમને મારે પૂછવું છે કે તેઓએ કદી રીડગુજરાતીને વધૂ મજબૂત બનાવવા માટે કોઇ પ્રવૃત્તિ કરી છે. રૂપિયા પૈસાથી નહીં તો કોઇ લેખોના ટાઇપિંગ કામ કરીને કે પછી કૃતિઓ લખીને પણ મૃગેશભાઇના આ અભિયાનમાં જોડાવવાનો પ્રયત્ન કર્યો છે ખરો?”  

ભાઈ,અમે “ધબકાર ગૃપ” જે કામ કરીએ છીએ એ આ સાઈટ પર જોજો.અમારી પ્રવ્રુતિમાં બધુ કામ ગુજરાતી ટાઈપીંગ થકી જ થાય છે..એના માટે મેં પણ ઘણી વાર ટાઈપ કરીને આપ્યું છે..કોઈ જ બદ્લાની અપેક્ષા વિના.
http://www.scribd.com/doc/12739672/Abhivyakti-October-2008  

આ રહી એની લિંક.  

http://www.dhabkar.com/
અને આ ધબકારની લિંક જયાંથી તમને વધુ માહિતી મળશે.  

ફક્ત હું જ નહી, પણ અમે બધા સદસ્યો બહુ બધી રીતે નિઃસ્વાર્થ ભાવે એમાં જોડાયેલ છીએ.ખીસાના ખર્ચે ઘણી વાર ગુજરાતી સુગમ સંગીત અને કવિતાની બેઠકો કરીએ છીએ.એ માટે જ્યારે કોઈ ગુજરાતી સ્કુલ કે ગુજરાતી જ પોતાનો હોલ આપવા પણ તૈયાર નથી થતું..વચનો આપીને છેલ્લે સમયે ફસકી જાય છે..અને અમારી દોડા-દોડ અને ટેન્શન વધારી દે છે.ગુજરાતમાં જ જયારે ગુજરાતી સાહિત્યને સહકાર આપવાને બદ્લે ઘણીવાર ભીખ માંગતા હો તેવી પરિસ્થિતિનો અનુભવ કરાવાય છે.મિડિયાવાળા પણ જાણે મહેરબાની કરતા હોય તેવું વર્તન કરે છે.”તમારો રિપોર્ટ અને ફોટા તો આપી જાઓ..જોઈ લઈશું જગ્યા થશે તો..નહી તો બીજી વાર ચોક્કસ સમાવી લઈશું અનો વાયદો …”!!!!!!!  

આવું થાય ત્યારે દિલને તકલીફ થાય છે…  

[B] ક્રુણાલભાઈની જ બીજી એક વાત  

–> નવોદિતો માટે રીડગુજરાતી જેવું પ્લેટફોર્મ છેૢ બ્લોગ જેવું સશક્ત માધ્યમ છે. પહેલા તમે આ માધ્યમો થકી પોતાની આગવી ઓળખાણ ઉભી કરો અને વાચકગણ બનાવો અને પછી પ્રકાશકનો સંપર્ક સાંધો તો મને નથી લાગતું કે જે તે નવોદિતને કોઇ તક નહીં મળે.
  

…..તમે કેટલા જણને જાણો છો એ જણાવશો? જેમને બ્લોગ પર લખી લખીને પોતાની આવડત બતાવીને આવી તક મળી હોય.?  

[C}નટવર મહેતા(http://natvermehta.wordpress.com) એ પોતાના વાર્તા બ્લોગ થકી ઉત્તતોત્તર પ્રગતિ કરી છે. જો હું ખોટો ના હોઉ તો એમણે એમચ્યોર લખવાની શરૂઆત કરી હતી અને આજે એમની વાર્તાઓ અખંડ આનંદમાં પણ છપાઇ.”  

…. આ માટે નટવરભાઈને પૂછ્જો કે એમને આ માટે સંતોષજનક મહેનતાણું મળ્યું કે ગાંઠ્ના ગોપી ચંદન..!!!  

આવું થાય  ત્યારે દિલને તકલીફ થાય છે.  

 (5)સૌથી મોટી વાત કે મને તો સપના આજની તારીખમાં પણ ગુજરાતીમાં જ આવે છે..પણ જ્યારે મારી બાજુમાં અંગ્રેજી માધ્યમમાં ફરજિયાતપણે ભણાવવો પડ્તો મારો દિકરો એના સપનામાં મોટે- મોટેથી અંગ્રેજી વાક્યોમાં બબડતો હોય…હું કશું જ નથી કરી શકતી ચૂપ ચાપ એ જોયા વગર..  

આવું થાય ને ત્યારે દિલને તકલીફ થાય છે દોસ્તો….  

ત્રીજી પોસ્ટઃ-

     ધાર્યો પણ નહોતો એટલો બધો પ્રતિસાદ મળ્યો મિત્રો તરફ્થી.કેટ-કેટલા ઈ-મેઈલ,ઓરકુટમાં સ્ક્રેપસ,કોમ્યુનીટીમાં પણ રીપ્લાય મળ્યાં,કેટલાંયે મિત્રો સાથે ફોન પર પણ ચર્ચા થઈ.ખૂબ ખૂબ આભાર એના માટે.ઘણી બધી વાતો જે મારા ધ્યાન બહાર હતી એ પણ જાણી શકી.સુરેશદાદા જેવા વડીલના બ્લોગ પર પણ આટલું બધું લખાઈ ગયું છે એ ધ્યાનમાં આવ્યું.દાદા…ખૂબ ખૂબ આભાર મારા લખાણની લિંક ત્યાં મૂકવા બદલ.

     આ બધા પરથી હું ઘણી વાસ્ત્વિકતાઓ સ્વીકારી શકી..જેમકે,
આર્થિક ઊપાર્જન કે કરીઅર કે ઉચ્ચ કક્ષાના શિક્ષણ માટે અંગ્રેજી અત્યંત અનિવાર્ય છે. અંગ્રેજી માધ્યમથી સંતાનોનુ સારૂ કરીઅર બનશે અને માતૃભાષાથી વેલ્યુ શીખશે.આપણે બધા જ ગુજરાતીઓએ તો એ ક્યારનું સ્વીકારી જ લીધું છે.એક કડવી સચ્ચાઈ સમજીને.જોકે મને કોઈ જ વાંધો નથી અંગ્રેજી ભાષા માટે..ગુજરાતમાં જ ગુજરાતી માધ્યમની સ્કુલો બંધ થાય કે બધી ગુજરાત બોર્ડની સ્કુલો બંધ થઈ એ હવે એ સી.બી.એસ.સી લેવલની થઈ રહી છે.ભલે થાય ,

     પણ હું એટલું તો દ્રઢપણે જ માનું છું કે ગુજરાતમાં ગુજરાતી ભાષા ફરજીયાત વિષય તરીકે દરેક સ્કુલોમાં ભણાવાવી જ જોઈએ.

     બધા કહે છે કે તમારા સંતાનોને તમે ગુજરાતી ઘરે ભણાવી જ શકો છોને.ઓકે..ફાઈન..આમાં કેટલી પોકળતા સમાયેલ છે એવું નથી લાગતું.અરે ભાઈ..સ્કુલનું શિક્ષણ એ અલગ જ છે.ત્યાં ફરજીયાત ભણવું જ પડે. જયારે ઘરે તમારો દીકરો તમારી પાસે બેસવાની ને ભણવાની જ ના પાડીને રમવા ભાગી જશે.વળી એના સ્કુલના હોમવર્ક,એના જાતજાતના કોર્સના ટ્યુશનસ એ બધામાથી માંડ માંડ રમવાનો મળતો સમય એ મારી સાથે ભણવા કેટલો તૈયાર થશે? આજના જમાનામાં જયારે ઘરના બે છેડા ભેગા કરવા માટે જ્યારે બેય વાલીને નોકરી કરવી પડતી હોય તો એ આના માટે કેટ્લો સમય ફાળવી શકે એ પણ મોટો પ્રશ્ન છે.હા તમે પ્રયત્ન ચોકકસ કરી શકો..પણ એ કેટલા લેવલનો?એને જે લેવલે સ્કુલમાં એક વિષય તરીકે ફરજીયાત ભણાવી શકો એ લેવલનું શિક્ષણ તમે આપી શકશો…નાજી..સહેજ પણ નહી..ખાલી દાવાઓ જ છે આ.હું પણ ભણાવું જ છું મારા દીકરાને ગુજરાતી.પણ એ એક અન્ય ભાષાની જેમ ખાલી લખી અને વાંચી શક્શે આપણી માતભાષા, એ મને નહી ગમે.વળી મારે ગુજરાતી એના પર થોપવી નથી.એને મારી માતૃભાષા નું મહત્વ સમજાવીને એના પર એને પોતાને ગર્વ થાય કે ,”આ મારી ગૌરવવંતી માતૃ-ભાષા છે.”એ એનામાં લાવી શકુ તો જ બધુ કામનું..બાકી એ મારા માટેની લાગણીને લીધે ગુજરાતીને પ્રેમ કરે એ મને ના જ ગમે.


     હવે બધા મિત્રો ને એક પ્રશ્ન કે..આ માટે આપણે શું નક્કર પગલાં લઈ શકીએ? કયા લેવલે શું કામ કરી શકાય અને એ માટે કોણ કોણ મિત્રો કેટલી રીતે પોતાનો અમૂલ્ય સમય આપવા [કોઈજ બદલાની અપેક્ષા વગર]તૈયાર છે?પ્લીઝ…ગુજરાતીભાષાને બહુ પ્રેમ કરું છુ એ ટોપિક નથી.પણ એનું ગૌરવ વધારવા અને કમ સે કમ ગુજરાતમાં ગુજરાતી શિક્ષણ ફરજીયાત બનાવવા શું કરી શકીએ એ માટેના નક્કર પગલાં જ લખશો.જે હકીકતે લેવા શક્ય હોય.ફકત વિચારો નહી.આપણા ફાજલ સમયનો સદ-ઉપયોગ આપણે એમાં કરીશું.કોઈ પ્રસિદ્ધિ કે પૈસો નહી જ મળે આમાંથી પણ હા…એક આત્મ-સંતોષ જરૂર મળશે.એ વિશ્વાસ રાખજો દોસ્તો.

આપની આભારી,
સ્નેહા-અક્ષિતારક.
૧-૦૩-૨૦૧૦.

 

    

    

     

  

   

 
 

  

  

  

 

46 comments on “માતૃભાષા માટે ગુજરાતીઓના પ્રેમની સીમાઓ.

 1. ગુજરાતી ભાષામાં આગળ ન વધી સકવાના ગના કારણો હોય છે.. સૌથી મોટુ કારણ છે કે ગુજરાતીઓ જ ગુજરાતીને સૌથી વધારે ત્રાસ આપે છે.. શરૂઆત આપણાં બ્લોગ જગત થી જ કરીયે..જેમ કે આપણાં બ્લોગ જગતમાં કોઈક કંઇક લખે તો એની કેટલી આકરી ટીકા કરવામાં આવે છે..ઉમરનાં ભેદ પણ જોવામાં નથી આવતા. મને તો વિચાર આવે કે એમની આવડત કેટ કેટલાં સારા કામ કરી શકે છે પણ એ બધાં એક વ્યક્તિ પાછળ પડી જાય તો પડી જાય છે..એનું સૌથી મોટું ઉદાહરણ સુરેશ દાદા છે..એમણે ઉંઝા જોડણી માં લખવાનું ચાલુ રાખ્યું છે તો જાણે એમણે ક્યાં એવો મોટો ગુન્હો કર્યો છે એ ખબર નથી. એ તો સુરેશ દાદા જ આટલાં ટકી શકે..જો હુ હોત તો ક્યારુણુ આ બ્લોગ જગત જ મૂકી દેત..અને બોલવા વાળા ઓ ને કોઇ કાંઇ નથી કહેતું..કારણ બીજાના જ્ગડા માં કોણ પોતાનો સમય વેડફે એ ગુજરાતી ઓ ની ખાસીયત છે..હવે જરા બ્લોગ જગત થી બહાર નીકળીયે તો છાપા અને મેગેઝીન માં જો આપણે કાંઇ લખાણ મોકલીયે તો તો એ લોકો છાપતા નથી કારણકે એ લોકો ને ખ્યાતનામ લેખકો ના જ લખાણ છાપવા છે..એટલે નવા લેખકો તો પાછળ જ રહી જાશે..અને જે છાપે એ પહેલાં જ કહી દે કે અમે કાંઇ જ આપશું નહી..તમારે નામ કમાવું હોય તો છપાવો..એમનાં પુસ્તકનું લવાજમ એ લોકો લેતા હોય લોકો પાસે..પણ આપણને કાંઇ ન આપે..એનાથી આગળ વધીયે તો હમણાં જ મારું પુસ્તક પ્રકાશીત થયું મને જ ખબર છે એમાં મારી સાથે શુ વિત્યુ છે..એમ થયુ કે આના કરતા તો પહેલા જે ખાલી ઘર માટે લખતી એ જ સારું હતુ..ગુજરાતી જ લોકો સાથે પનારો પડ્યો અને ગુજરાતીઓ એ જ મને ખૂબ હેરાન કરી..ગુજરાતી માં લખવા વાળા ઓ નુ કાંઇ જ નથી થવાનું સ્નેહા.કારણ ગુજરાતીઓ નાં મગજમાં હંમેશ વ્યાપાર હોય..અને એ પોતાના જ લોકો સાથે પણ એમ જ વર્તે..નાહકની હેરાન નહી થા..કાંઇ જ ફરક નહી પડે..

  Like

 2. dearrrrrrrrrrr aana vise to ghanu kahevu che mare tane……. but kem kahu …… ??its a really good q?? neetaben no pratibhav ne kaik anshe huu sahmat thav chu …. gujaratione emno vabhav nade che……. kem other south indian language vala ne avo prob nathi nadto eloko na amuk pradesh ma to eloko njani joine eng avdtu hova chhata apni athe na bole….. soo…….. its a burning q…. now a days… ghanu vichar mangi le che…. n asusual sharuuaat apna thi j karvi padse .. kem k pela hu guj chu …!!!!!!

  hn haju pan kahevu che …….. pan fari kyarek…..~!!

  Like

 3. jahnvi fari kyarek nahi je kahevu hoy e hamna j kaho..karan e pachi j nathi aavto samay..ane vat adhuri rahi jay che..

  Like

 4. હકીકત હંમેશા કડવી જ હોય છે દીદી. અને હા, તમારી જહાનવીને કહેલ વાત એક્દમ સાચી.જે કહેવું હોય તે અત્યારે જ કહે.

  Like

 5. ‘મા’ છે.એની જગ્યા ‘માસી’ જેવી અંગ્રેજી ભાષા ના જ લઈ શકે…
  ગરવા ગુજરાતી ના ‘ગુજરાતીપણાના અસ્તિત્વની’ ચીંતા થાય છે…

  dil ni vednaa sarsa rite raju kari che aape,
  haa karekhar didi..khabar nahi aam kem che ?
  mane pan aava pshno aave che…pan…aavaa prshno ubhathavaa mte aapne aapno samaaj j jawab daar che 😦
  haju pan molu nathi 🙂

  Like

 6. સ્નેહાબેન,
  તમારું આત્મ-મંથન અને તમે જે આપણી ભાષા વિષે વિચારો છો એ ખરેખર સરાહનીય છે અલબત્ત એ આપણા સર્વે એ અનુભવેલું, જોયેલું જ છે.
  પણ આ બાબતે મારા મંતવ્યો કૈક અલગ છે, જે નીચે મુજબ છે,
  [૧] કોઈ અતિ અંગ્રેજી તરફ વળેલા ગુજરાતી ને પૂછી એ કે “તમે કદી અંગ્રેજી માં સપનું જોયું છે ?” તો એનો જવાબ ૧૦૦% ના માં જ હશે.
  એવી જ રીતે તેના મન સાથે જોડાયેલી તમામે તમામ પ્રકારની લાગણી તે ફક્ત અને ફક્ત ગુજરાતી એટલે કે તેની માતૃભાષા માં જ
  માણી શકે અથવા વ્યક્ત કરી શકે.
  [૨] તમે કે હું આપણા બાળકો ને અંગ્રેજી માધ્યમ માં ભણાવીએ છીએ એનું એકમાત્ર કારણ એ છે કે અંગ્રેજી એ વિશ્વ-વ્યાપી ભાષા છે અને
  આપને મન થી એવું ઇચ્છતા હોઈએ છીએ કે આપણા બાળક ને ભવિષ્ય માં કોઈ પણ ભાષાકીય તકલીફો નો સામનો કરવો ન પડે.
  [૩] બીજું કે આપણે ક્યાય ગુજરાત બહાર ફરવા ગયા હોઈએ … ત્યાં હોટલ માં હોઈએ કે જમતા હોઈએ અને આપણે ત્યાં જો બહાર ના
  રાજ્ય માં ગુજરાતી નો એક પણ શબ્દ સાંભળવા મળી જાય તો આપણા કુટુંબ ના દરેક સભ્યો કેવા માથા ઉચા કરીને જોવા માંડે છે કે
  કોણ છે … કોઈ ગુજરાતી છે… તો આ શું સૂચવે છે ? આપનો આપણી ભાષા માટે નો પ્રેમ.
  [૪] આપણે અંગ્રેજી નો સ્વીકાર કરીએ છીએ માત્ર અને માત્ર એટલા માટે જ કે એના દ્વારા આપણે સારી નોકરી મેળવી શકીએ
  પગભર થઇ શકીએ અને પરિવાર માટે પૈસા કમાઈ શકીએ. બસ..બાકી આપણું દિલ અંગ્રેજી નો સ્વીકાર કદી નહી કરે…

  Liked by 1 person

 7. મા’ છે.એની જગ્યા ‘માસી’ જેવી અંગ્રેજી ભાષા ના જ લઈ શકે…
  ગરવા ગુજરાતી ના ‘ગુજરાતીપણાના અસ્તિત્વની’ ચીંતા થાય છે…

  khub j sachi vat che realy aakh ma asu to avi gaya but snehabe aape kidhu tem aaj no youvan bhasa mate potanu bhavishya to dav par na j lagavi sake etle na chutke a biji bhahasa nu sharn swakare che. dhabkar & Rajwadu ma tayel bane karyakromo no su skashi chu and mate j hu badha j gujarati bhaio & behno ne 1 aapil karu chu k chalo aapde guju nahi pan Garva Gujarati Banye

  Like

 8. The Snehaben said is also true, others views is also very true. But this is the fact that we are giving more importance to English. Today for business and to improve life chines or french language is also necessary. But we are giving more imp. to English, not for improve our life or business, but to show to other people that we are very forward, We are speaking english.

  When any 2 south indians are meet, they always speak in their mother toung. But we gujraratis are speak english between 2 gujaraties. why we are not talking in gujarati, when all are gujrati.

  Learn / Use english only during the office work, but speak gujarati remaining time.

  Like

 9. so sneha you to write improper gujarati , y you didnt took care @it ! paapad belwaa pade chhe. y not paapad wanwaa pade chhe.
  and don worry language never die. may its form wat is now may not remain same as wat it was and all over worl all languge have same situation
  do you think english we spaeking or using today is english wat sakespeer or wat evn 40 yrs before margaret thetcher was using?
  it is proce ss of change like all .

  Like

 10. hu 100% sahemat chhu shahil sathe..emne je kahyu te kharu chhe..

  english aapne aapna balak ne athva apanane potane etle jarur chhe ke english e world language chhe..ane haal ma badha b’ness par globalize thai rahya chhe to english ni jarur to badhe padvanij..baki aapne kharekhar prem to gujarati nej karie chhie..ane halma pan darek na ghare gujarati news ppr ave chhe e gujarati mate no aapno prem chhe baki news to times ma pan ave chhe ne ahmedabad mirror ma pan ane evn e pprs pan aapne vanchie j chhie pan ha savare vehla uthi ne sau pratham j bhasha aapni najare pade chhe e chhe gujarati..

  મને ગુજરાતી પ્રત્યે પ્રેમ છે અને પ્રેમ ને કારણ નથી હોતું, પ્રેમ પોતે જ એક કારણ છે.
  આમ જુઓ તો દરેક ભાષા સરખી જ છે તેમાં ભેદભાવ કરવો એટલે માનવ જાતમાં ભેદભાવ કરવા જેવું છે. પરંતુ મને ગુજરાતી પ્રત્યે અનન્ય લગાવ હોવાનું કારણ એ છે કે એ મારી માતૃભાષા છે… જ્યારે બાળક નાનું હોય છે ત્યારે તેની પાસે કોઈ ભાષા નથી હોતી… તે છતા તેની મા પ્રત્યેની લાગણી તે સહજ રીતે વ્યક્ત કરી શકે છે… આ શબ્દહિન ભાષાનું તે મોટો થયા પછી પણ શબ્દોમાં ભાષાંતર કરી શકતો નથી… હા તે તેના વાલી દ્વારા વારસામાં મળેલી ભાષામાં અન્ય ભાષાઓની સરખામણીએ વધુ સારી રીતે તેની લાગણીઓ વર્ણવી શકે છે, તે હકીકત છે. પોતાની અભિવ્યક્તિને બને તેટલા સારા સ્વરૂપમાં પહોંચાડવી તે રચયિતાની પ્રથમ જરૂરિયાત છે. વ્યક્તિ પોતાની માતૃભાષા દ્વારા જેટલું વર્ણવી શકે તેટલું જ પ્રબળ રીતે અન્ય ભાષા માં વર્ણવી શકે નહીં. આ દરેક માણસની મર્યાદા છે.

  મારો એવો અર્થ નથી કે વ્યક્તિ બીજી ભાષામાં પારંગત નથી હોતા. પોતાની માતૃભાષાથી તદ્દન અલગ ભાષામાં પણ ઘણી સારી રીતે લખાયેલી કૃતિઓ દુનિયાભરમાં જોવા મળે જ છે. અને એનો અર્થ એવો પણ નથી થતો કે બીજી ભાષાનો દ્વેષ કરવો કે તેને અપમાનીત કરવી. મારુ કહેવું માત્ર એટલું છે કે જ્યારે અભિવ્યક્તિની વાત આવે ત્યારે શ્રેષ્ઠ વિકલ્પ માતૃભાષા જ હોઈ શકે.

  અને મારી વાત કરું તો મારુ ગળુ, મારી સ્વરપેટી, મારી જીભ વગેરેની જેમ જ ગુજરાતી એ મારા શરીરનો જ એક ભાગ બની ગઈ છે… હું ગુજરાતી, મારુ ભાણું ગુજરાતી, મારી રહેણી-કરણી ગુજરાતી, મારી ઢબ ગુજરાતી એમજ મારી લાગણી ગુજરાતી, મારી કલ્પના ગુજરાતી, મારા સ્વપ્ન ગુજરાતી, મારો પ્રેમ ગુજરાતી અરે મારો વ્હેમ પણ ગુજરાતી… તો બોલો મારા જેવા લાગણીપ્રધાન માણસને ગુજરાતી પ્રત્યે લગાવ ના હોય તો જ નવાઈ નઈ!!!
  –Tejas

  aa vancho ek gujarati e lakhel chhe..tamne navai lagshe pan aa jene lakhyu chhe e pan ek samany manas chhe mara jeva ane

  ane jo avoj prem je aa bhaie lakhyo chhe ej badha karie to kadach kyarey gujarati bhasha ne hani nahi pahoche..

  Like

 11. અંગ્રેજી ભાષા વ્યવસાય સાથે જોડાઈ ગઈ તેનોજ આ પરિપાક છે,એક સમય હતો જ્યારે વ્યક્તિ યુવાન થાય એટલે બાપના વંશ પરંપરાગત ધંધે લાગી જતો,એને કેળવણી પણ નાનપણથી સ્વયંભૂ મળતી રહેતી.અંગ્રેજો જે ઉધઈ હિન્દુસ્તાનમાં મૂકતા ગયા તે છે એમની શિક્ષણ પધ્ધતિ(મેકોલે ની શિક્ષણપધ્ધતિ)ભલે તમારા બાપદાદા ઝવેરી હોય પણ તમને બનાવશે ડોક્ટર,કુટુમ્બનો વ્યવસાય સુથારીકામનો હોય તોય દિકરો બનશે વકીલ,લોહીમાં વણાઈ ગયેલ વ્યવસાય અને સહજસાધ્ય કલા કુશળતાની ઉપેક્ષા કરી બીજા વ્યયસાયો સ્વિકારી પોતાના કુટુમ્બને અને દેશને પણ કાયમી નૂકશાનો પહોંચ્યાં છે.આજે દેશમાં નથી લાકડાપર નકશી કરનારા કારીગરો કે નથી વિંટીમાંથી પસાર થઈ જાય એવુ મલમલ બનાવી શકતા વણકર-કલાકારો,કે નથી કોઈ નવું વ્યાકરણ બનાવનારા પંડીતો.
  આપણે પરદેશનું આલંબન લેનારા થઈ ગયા જેને પરિણામે પરદેશીભાષા અતિ આવશ્યક થઈ પડી.” પહેલાં એક સમય એવો હતો કે સુરતમાં વેપાર કરવા આવતા સોદગરને ગુજરાતી શીખવું પડતું.”
  અધ્યાપન કાર્યમાં બ્રાહ્મણોનું પ્રભૂત્વ હતું,બ્રાહ્મણોની પવિત્રતા-પ્રભૂની નિકટતા-પૂજ્યત્ત્વ આશિર્વાદાત્મક અધ્યાપન,આબધાને કારણે ભણનાર અતિશય હોશીયાર નિવડતા.આજે શિક્ષણગમે તેવી વ્યક્તિઓના હાથે ચડી ગયું છે.(અમારી બાજુના એક શિક્ષણ શાસ્ત્રીએ એવુ સૂચન કરેલું કે ભાષા લખવામાં હૃસ્વ ઈ દીર્ઘ ઈ ને ઉઊ ને બદલે એકજ નિશાની રાખવી જેથિ લખવામાં સરળ પડે.આવા વ્યાકરણની નિષ્ઠા વિહોણા શિક્ષણક્ષેત્રમાં હોય ત્યાં શુ આશા રખાય ?
  પ્રજાની રક્ષાના કાર્યમાં ક્ષત્રિયોની શૂરવીરતા,પોતાની ભૂમિપ્રત્યે અપાર ભક્તિ,પ્રજા પ્રત્યે વાત્સલ્યભાવ,વચન પાલન ખાતર મરી ફીટવાનું સત્વ,આ ક્ષત્રિયોના રક્ષણ હેઠળ પ્રજા પોતાના વેપાર ધંધા લ્કલા કારીગરી દરેકમાં વિકાસ સાધી શકતી હતી.આ રાજવીઓ આતંકીઓને સજા કરવા માટે પરદેશની રજાલેવા ન્હોતા જતા.કે ગરિબીને દૂરકરવાની પંચવર્ષી યોજના નહોતા કરતા.એ રાજાઓ વિદ્વાનોનું સન્માન કરવામાં પાછું વળીને કદી નહોતા જોતા.ગુજરાતીઓ સમૃધ્ધ થશે તો આપોઆપ ભાષા સમૃધ્ધ થશે જ.આજે આજીવિકાની નિરાંત વાળા ગુજરાતીઓ ગુજરાતી માટે તનતોડ મહેનત કરતા થઈ જ ગયા છે.
  (આપને કદાચ વિષયાન્તર લાગશે પણ અંગ્રેજીના ક્રેઝ પાછળ આપણા ગુજરાતીઓની લાચારી છે કેમકે આપણને શિક્ષણ પધતિ અંગ્રેજી મળી છે,આપણું બંધારણ અંગ્રેજોનું આપેલું છે,અપણા શિક્ષણના વિષયો પણ અરધો અરધ નિરુપયોગી છે,નરેન્દ્રભાઈ મોદીએ જેમ આર્થિક અભિગમમાં સ્વાયત્તતા મેળવી તેમ શિક્ષણમાં પણ ગુજરાતી પણું લાવી દે તો બધું જ શક્ય છે.વાઈબ્રન્ટ ગુજરાત વાઈબ્રન્ટ ગુજરાતીભાષા)
  મારે ઘણું કહેવું છે પણ આપ સૌ ના પ્રતિભાવો જાણ્યા પછી અવશ્ય હૈયું ઠાલવીશ.
  – જિનદત્ત શાહ

  Like

 12. સૌ ગુજરાતી પ્રેમીઓની આ બાબતમાં લાગણી સમજી શકાય તેમ છે.
  પણ..
  મારા લેખમાં જણાવ્યું હતું તેમ,
  [ http://gadyasoor.wordpress.com/ ]
  આ બાબત નક્કર સૂચનો કરી; એમને અમલમાં મૂકવા પ્રતિબધ્ધ થઈએ; તો કામની વાત – નહીતર કેવળ વાણી વિલાસ.
  મારા લેખની કોમેન્ટોમાં અમૂક આવાં સૂચનો છે. લેખનું છેલ્લું વાકય અહીં રજૂ કરું છું –
  ———
  આપણા સહુના પ્રયત્નોથી ‘ બોસ! જરા આમાં લૂક ઇન્ટુ કરી લે જે ને.’ બોલનાર જણને ,‘ભાઇ, જરા આટલું જોઇ જજે ને.’ બોલતો કરી શકીએ, તો ગુજરાતીની મોટી સેવા થશે.

  અરે! આપણે પોતે જ પોતાનાથી આવી શુભ શરૂઆત કરીએ તો?

  Like

 13. i think u should give this ARTICLE 2 magazin – like CHITRALEKHA & FEELINGS . and news papers….. not should ‘must’ / ‘hv to” give..

  Like

 14. arreeeee neetaben .. sneha… ketlu lakhvu…..!!!!!! aje thodo samay no abhav hato atle baki aa babat ma..ghanu kahevu che….

  aapna j balko atle mara to guj medium ma bhane che….too jane kai bhanya j na hoy evu pan bane che but guj medium ma bhani ne ghana loko agal vadhya che ena pan dakhla che but atyare eng medium nu mahtva vadharnara kon apne j ne?????

  apne aje guj bahar java mate okk eng .. nu gyan hovu joie … guj medium ma bhani ne pan eng pakku to kari j sakie ne!!!!!!apne ena mate eng medium ne mahtva apvu jaroori nathi…
  matra ane matra apne apni jat thi jj aama kaik kari sakie baki loko……… neetaben kahe che tem vyapari che e tooo
  e ritej jose …..k emathi ketlu made che!!!

  baki sneha aa article kharekhar too guj samachar k chitralekha ma feedback karva jevo che……..

  so now happy?

  Like

 15. 1. પ્રથમ તો ગુજરાતી બચાવવા માટે અંગ્રેજીને બદનામ કરવાની જરૂર નથી. બાળકોને અંગ્રેજી માધ્યમમાં ભણાવવા એનો મતલબ એ નથી કે એમને ગુજરાતીથી વિમુખ કરી દીધા. માતૃભાષા તરીકે તેઓ ગુજરાતી બોલી શકે છે, સમજી શકે છે અને લખી પણ શકે છે. સાહિત્ય કોઇ ભાષાનું વાંચવું કે ના વાંચવું એ જે તે વ્યક્તિની અંગત પસંદગી છે. જો કોઇ ગુજરાતી સાહિત્ય ના વાંચે તો એ ગુજરાતી વિરોધી નથી થઇ જતો કે પછી આ માટે અંગ્રેજી ભાષાને દોષ દેવો વ્યાજ્બી નથી.
  2. ગુજરાતી ભાષાની ચિંતા કરવાવાળા ઘણાં છે પણ કોઇ કામ કરવાવાળા નથી. ગુજરાતી ભાષાની જેમને ખરેખર ચિંતા હોય એમણે રીડગુજરાતી સાઇટ ચલાવવાનું ભગીરથ કાર્ય કરનાર મૃગેશભાઇ પાસેથી પ્રેરણા લેવી રહી. કેટલા લોકો પોતાનો સ્વાર્થ મૂકીને ભાષાની સેવામાં મૃગેશભાઇની જેમ લાગી શકે છે? જેટલા લોકોએ એ આ લેખ પર પોતાનો પ્રતિભાવ આપીને ચિંતા વ્યક્ત કરી છે એમને મારે પૂછવું છે કે તેઓએ કદી રીડગુજરાતીને વધૂ મજબૂત બનાવવા માટે કોઇ પ્રવૃત્તિ કરી છે. રૂપિયા પૈસાથી નહીં તો કોઇ લેખોના ટાઇપિંગ કામ કરીને કે પછી કૃતિઓ લખીને પણ મૃગેશભાઇના આ અભિયાનમાં જોડાવવાનો પ્રયત્ન કર્યો છે ખરો?
  3. તમે લખ્યું છે કે નવોદિતોને કોઇ તક નથી આપતું. મારો સવાલ છે કે તમે નોકરી લેવા જશો તો તમને અનૂભવ વગર કોણ નોકરી આપશે અને આપશે તો પણ શું પગાર આપશે એ તમને કહેવાની જરૂર છે ખરી. પ્રકાશકો એ ધંધાદારી વ્યક્તિઓ છે અને એમના પાસેથી અમુક હદથી વધારે દયા કે ચેરીટીની આશા રાખવી કેટલા હદે વ્યાજ્બી છે? નવોદિતો માટે રીડગુજરાતી જેવું પ્લેટફોર્મ છેૢ બ્લોગ જેવું સશક્ત માધ્યમ છે. પહેલા તમે આ માધ્યમો થકી પોતાની આગવી ઓળખાણ ઉભી કરો અને વાચકગણ બનાવો અને પછી પ્રકાશકનો સંપર્ક સાંધો તો મને નથી લાગતું કે જે તે નવોદિતને કોઇ તક નહીં મળે. નટવર મહેતા(http://natvermehta.wordpress.com) એ પોતાના વાર્તા બ્લોગ થકી ઉત્તતોત્તર પ્રગતિ કરી છે. જો હું ખોટો ના હોઉ તો એમણે એમચ્યોર લખવાની શરૂઆત કરી હતી અને આજે એમની વાર્તાઓ અખંડ આનંદમાં પણ છપાઇ છે.
  4. ઉપર લખેલ કમેંટમાં કોઇએ તો વળી અંગ્રેજોને ભાંડી લીધા? શા માટે મને ખબર ના પડી? કદાચ એમને કોઇની પર ઉભરો ઠાલવવો હશે માટે? આજના જમાનામાં જ્યારે દુનિયા સંકોચાતી જાય છે ત્યારે વિવિધ સંસ્કૃતિઓ પ્રત્યે સંકુચિતતા રાખી શકાય એમ છે જ નહીં. દરેકને આજકાલ High Flying career જોઇએ છે. દરેકને ભારતની બહાર જવાની ઇચ્છા હોય છે અને રૂપિયા કમાવાની આશા હોય છે. જો આવી ઇચ્છાઓ હોય તો પછી અંગ્રેજી શીખ્યા વગર છૂટકો છે? અંગ્રેજી જવા દો બીજી પણ આંતરરાષ્ટ્રીય ભાષાઓ શીખવી જરૂરી થઇ ગઇ છે. હું ખૂદ આવતા અઠવાડિયાથી ફ્રેંચ શીખવાનું ચાલુ કરી રહ્યો છું. ઉપર લખ્યં છે કે દક્ષિણ ભારતમાં બે લોકો મળે તો એમની પોતાની ભાષામાં વાત કરે છે તો એમ તો આપણે પણ એમ જ કરીએ છીએને? શું એમ કરવાથી ભાષાની સેવા થઇ ગઇ?
  5. ધબકાર ગ્રુપ અને એની પ્રવ્રુત્તિઓ વિશે મને કોઇ જાણ નથી એટલે કંઇ લખવું અતિશોયોક્તિ જેવું થશે.

  ટૂંકમા મને લાગે છે કે ભાવનાશીલ થઇને આ મૂદ્દાને ચર્ચવા કરતા વાસ્તવિકતા સ્વિકારીને આ વિષય પર વિચાર કરવો જરૂરી છે.

  Like

 16. me uppar lakayel badhi j comments vachi aamuk comments read kari ne aanad tayo pan etlu j dukh pan tayu aapde badha loko life ma darek vat nu shourt cut karta tai gaya che

  i.e. (1) aapde gujarati chiye avu k ta jane saram aavti hoi tem we are guju m k ta tai gaya che ??? aa su che guju ??? aame gujarati chiye avu k ta kem saram ave che ?? garv kem nathi thato

  (2) biji ek muda ni vat ek khub j janita lekhak shri Ashokbhai dave no ek lekh gana samay pehla me gujarat samachar ma read karyo hato ane a lekh ni ek vat mane yad che k gujarati ma lakhnara kai ketlay lekhako pota ni book chapava mate pote j Rs. aape che karan k aa pustak Gujarati ma lakhyu che mate ?? mane koi bhasa thi vadho nathi but jo hu mari bhasa ne janto nathi to hu gujarati nathi.

  (3) hu dhabkar parivar no founder member chu ane mane khabar che k jyare gujarati sugam sangit ni bethak karye chiye tyare aame loko koi school, k koi shanstha jode jyre hall mate vat karye chiye tyare m na same thi aavta savalo mane dang kari de che a ma savalo janva che k va hoi che ??

  ame tamne hall to aapye but a ma aamne su faydo ??
  aava samaye aame to bas dang j rahi jai a chiye aapde gujarati loko bas faydo j vichar su ?? a thi vadhu kai nai ??

  English ma study kari ne sari Job male che a faydo
  Samaj ma Friends ma badha vache mobho vade a faydo
  aa faydo koni same ?? aadi bhasa na badla ma ???

  mare to matra etlu j k vu che tame english jano but gujrati na bhulso pls.

  Like

 17. ગુજરાતી સાહિત્ય અને અર્થોપાર્જન?

  અહીં બ્લોગ જગતમાં મૂળ લેખક/કવિનું નામ તેણે રચેલી રચના નીચે લખાવા માટે ‘કિતને પાપડ બેલને પડતે હૈ” તે તમે ગુજબ્લોગની ઈમેઈલ્સમાં જોઈ શકો છો. પુરસ્કાર તો દૂરની વાત થઈ!

  Like

 18. ગુજરાતીઓ સમૃધ્ધ થશે તો આપોઆપ ભાષા સમૃધ્ધ થશે જ.આજે આજીવિકાની નિરાંત વાળા ગુજરાતીઓ ગુજરાતી માટે તનતોડ મહેનત કરતા થઈ જ ગયા છે.
  વિનયભાઇ..આ ઉપર જિનદત્તભાઇની કોમેંટ છે જુવો…કેટ્લુઁ સાચુ કહ્યુ છે એમણે.બાકી તો તમે કહો છો તે એક કડવી હકિકત જ છે.
  આના પરથિ એક વાત નક્કિ..કે આજીવિકાની નિરાંત જ ગુજરાતી ભાષા માટેનો પ્રેમ જાળવવામાઁ સફળ થાય બરાબર ને..

  Like

 19. આપણા બાળકોને અંગ્રેજી માધ્યમમાં મુકવા માટે જાતને જ પ્રશ્ન પૂછો. અન્યને દોષ દેવો યોગ્ય નથી. આ બાબત હું આપની સાથે સંમત નથી. અને અંગ્રેજી માધ્યમમાં ભલે ભણ્યા હોય પણ તેઓનું માતૃભાષા પ્રત્યેનું વલણ હોય તે મા-બાપોએ જોવું જોઇએ. ગુજરાતી કે અંગ્રેજી માધ્યમથી શરમાવાની કોઇ જરુર નથી. હું પોતે મેટ્રિક સુધી ગુજરાતી માધ્યમ (સાવરકુંડલા) માં ભણ્યો. મારાં ત્રણેય બાળકો અમદાવાદમાં એ.જી. અને સે, ઝેવીયર્સ માં ગુજરાતી માધ્યમમાં ભણ્યા. તેમ છતાં અમારુ કોઇનું અંગ્રેજી કાચું નથી. મેં ગુજરાતીમાંથી અંગ્રેજીમાં જૈન પુસ્તકોનો અનુવાદ કર્યો છે.

  અંગ્રેજી ખરાબ ભાષા નથી. ફક્ત શહેરી વિસ્તારના ઓછું ભણેલા મા-બાપ, ચોક્કસ શિક્ષક ગણે ઉભા કરેલા ભયને કારણે અંગ્રેજીની આંધળી દોટમાં પડ્યા છે. સવાલ છે તો પછી આ કલબલાટ શેનો છે? ગુજરાતી ભાષા કોઇ મરણના આરે આવીને ઊભી નથી. વ્યવસ્થિત રીતે શાંતિથી સહુને ગુજરાતી ભાષા પ્રત્યે વાળવા જોઇએ. બીજી ભાષાનો વિરોધ કરીને નહિ. સેવાભાવી સજ્જનોએ ગુજરાતી માધ્યમમાં ભણતા વિદ્યાર્થીઓને અંગ્રેજીનું શિક્ષણ મફત આપવું જેથી એક મોટી દલીલ અંગ્રેજી માધ્યમ માટે છે તે નાબૂદ થાય. આવા ઘણા ઉપાય વિચારી શકાય.

  ગુજરાતી સામયિકોની સંખ્યા નગણ્ય છે. જે છે તેનો ફેલાવો દયાજનક છે. ગુજરાતી પુસ્તકોનો વ્યાપ બિલકુલ નથી એમ કહીએ તો ચાલે. ગુજરાતી ભાષાનો બહોળો વાચક વર્ગ તૈયાર થાય એવી કોઇ પણ પ્રવૃતિ સચિંત ભાષાપ્રેમીઓએ કરવી જોઇએ આ મારો અભિપ્રાય છે.

  ‘ધબકાર’ જેવી પ્રવૃતિ પ્રશંસનીય તેમજ આવકારદાયક છે. પરંતુ આવી પ્રવૃતિઓ સ્વયંભુ કે સ્વપ્રેરિત હોય તો ઇચ્છનીય છે.

  Like

 20. mane aa vishay upar lakhva nu gamshe, pan haal office maa chhu ane computer junu chhe tethi maari vahaali Gujarati bhasha maa lakhi shakto nathi. ghare thi chhokkas lakhish.

  Like

 21. સ્નેહા, મારી ઉપરની કોમેન્ટ મેં અંગ્રેજી કે ગુજરાતીમાં નથી આપી અને છતાં મેં જે કહ્યું એ સમજી શકાશે. તાત્પર્ય એટલું જ કે, ભાષા એ તો અભિવ્યક્તિનું માધ્યમ માત્ર છે.

  ગુજરાતીઓએ પોતાની માતૃભાષા માટે જાગૃત થવાની જરુર ‘હતી’ અને (મને) એવું લાગે છે કે, આપણી પેઢી તે અંગે વિચારે છે, અને તેનું નક્કર પરિણામ આવતાં દશ વર્ષોમાં દેખાશે જ. મારો દીકરો પણ અંગ્રેજી માધ્યમમાં જ ભણે છે. અને એને તો, ગુજરાતી સેકન્ડરી લેન્ગવેજમાં પણ નથી. તો મેં જાતે એને ગુજરાતી શીખવ્યું છે. પણ તે અંગ્રેજી સાથે સ્પેનિશ, જર્મની કે ફ્રેંચ શીખી વિશ્વનાં વિશાળ ફલકમાં પગ મૂકી, તે દેશ અને તેમની સંસ્કૃતિને પણ સમજી શકશે. તો સાથે જ આપણી ભાષા, આપણો ધર્મ અને આપણી સંસ્કૃતિ તેમને તેમની ભાષામાં સમજાવી શકશે. અને તે પણ પોતાની માતૃભાષાનાં ગૌરવ અને ગરિમા જાળવીને.

  આવનારી પેઢી શું માત્ર એક ભાષા (અંગ્રેજી પણ) જાણશે તો ચાલશે ? આં.રા. માતૃભાષા દિન નિમિત્તે મૂકેલી મારી પોસ્ટ અને તેની નીચેની નોંધ ખાસ વાંચજે.

  http://webmehfil.com/?p=2877

  આવનારી પેઢી માટે આપણે ભાષાવાદનાં ‘હુલ્લડો’ નથી મૂકી જવાં. મા તો બધાંને વ્હાલી હોય માતૃભાષા પણ…! વધુ વૅબમહેફિલ પર વાંચજે.

  Like

 22. શ્રી ભજમન ભાઈ ને કુણાલ ભાઈ ની વાત સાથે ૧૦૦% સંમત.મેં પોતે જાન્યુઆરીમાં મારા બ્લોગ માં અંગ્રેજી કે ગુજરાતી?ગુજરાતી કે અંગ્રેજી?નામનો આર્ટીકલ મુકેલો છે.અંગ્રેજી સારું ના આવડતું હોવાના કારણે કેટલાય કાબેલ માણસો ને અમેરીકામાં આવ્યા પછી મજુરી કરવી પડતી હોય છે.એક નોલેજ નો કોમ્પુટર ટેસ્ટ ડ્રાઈવિંગ લાયસન્સ માટેનો પાસ નથી કરી શકતા.એની જગ્યાએ સાઉથ ઇન્ડિયનો ને અહી સારી નોકરીઓ મળી જાય છે.આપે મારા બ્લોગ ની મુલાકાત લઇ મારો આર્ટીકલ વાંચવો રહ્યો.

  Like

 23. ગુજરાતી ભાષા અને બીજી પ્રાંતીય ભાષાઓ મૂળ સંસ્કૃત ભાષામાંથી પ્રગટ થઇ છે. સૌથી પહેલા આ દેશમાં સામાન્ય જીવનમાં પણ સંસ્કૃત બોલાતું હશે એમ માની શકાય. ત્યાર પછી સંસ્કૃતનું સ્થાન ભ્રત ભાષાએ લીધું અને તેમાંથી આ ગુજરાતી અને બીજી પ્રાંતીય ભાષાઓ નો જન્મ થયો હશે.

  માની લો કે સામાન્ય જનજીવનમાં સંસ્કૃત બોલાતું હશે તે સમયના કોઈ વિદ્વાન પૃથ્વી પર પાછા આવી ચડે અને હાલની અપની ગુજરાતી ભાષા જુએ તો તેમને સનેપાત થાય અને તે ચોક્કસ એમ કહે કે તમે સંસ્કૃત નું કચુંબર કરી નાખ્યું છે. પણ બદલતા જતા સમયના વહેણમાં ગુજરાતી ભાષા પ્રગટ થઇ અને તે ગુજરાતી ભાષાને આપણે આત્મસાત કરી બહુમૂલ્ય સાહિત્ય ભંડાર અર્પણ કર્યો.

  આજના સમયે ભલે સામાન્ય જનજીવનમાં સંસ્કૃત ભાષા બોલવાનું ચલણ ના હોય પરંતુ આપણી વચ્ચે મહાકવિ કાલિદાસ, જયદેવ અને આચાર્ય મમ્મટ જીવંત છે, તેમ ઉમાશંકર જોશી અને પન્નાલાલ પટેલ જીવંત જ રહેવાના. અંગ્રેજી ભાષાએ જગતને લવ એટ ફર્સ્ટ સાઈટ જેવું વાર્તાવસ્તુ આપ્યું છે. પણ મહાકવિ કાલિદાસના માંલ્વીકાગ્નીમિત્ર માં જુઓ તો નાયક રાજા ઉદ્દયન ના માત્ર વર્ણન થી નાયિકા (વસંતસેના) પ્રેમ માં પડી જાય છે. કેવી ઉત્કૃસ્ત વાર્તાવ્સ્તુ. જે નો લોપ થવો દુષ્કર નહિ પણ અશક્ય છે. તેમ ગુજરાતી ભાષા નો અને તેની અસ્મિતા નો લોપ થવો અશક્ય વસ્તુ છે.

  સ્વામી વિવેકાનંદે અમેરિકામાં ભાષણ અંગ્રેજી ભાષામાં આપ્યું પરંતુ ભાષણની સરુઆતના ત્રણ શબ્દો માંજ તાળીઓ ગડગડાટ સંભાળવા મળ્યો. કારણકે ભાષણ ની ભાષા અંગ્રેજી હતી પરંતુ લય નખશિખ આપણી સંસ્કૃતિ મુજબનો હતો ‘ભાઈઓ તથા બહેનો’. તેની સામે જો ગુજરાતી માં કે હિન્દી માં ‘સજ્જનો તથા સન્નારીઓ’ સંબોધન કર્યું હોત તો તાલીઓના ગડગડાટ મળત નહિ.

  સમય જતા નદી પણ વહેણ બદલે છે, આપણી ગુજરાતી ભાષા ભૂલવી દુષ્કર નહિ પરંતુ અશક્ય છે. પરંતુ નવી અંગ્રેજી ભાષા ના મિક્ષિન્ગ ને આવકાર ના આપવો તે યોગ્ય નથી. અંગ્રેજીને આવકાર આપવાથી ગુજરાતી મૃતપાય નહિ થાય, તે તો જીવંત છે અને જીવંત રહેવાની..

  ડાર્વિનના સિંધ્ધાંત મુજબ દરેક પ્રાણીએ બદલતા જતા વાતાવરણ સાથે તેવવાની અનુંકુલનતા સાધી લેવી જોઈએ અને આપણે પણ એજ અનુંકુલનતા સાધી રેલ્વે સ્ટેસન બોલીએ છીએ અગ્નિરથ વિરામ સ્થાન બોલતા નથી અંગ્રેજી ભાષાના વલણના ઝોક પ્રત્યે અનુંકુલનતા સાધવી જોઈએ. ગામઠી ભાષામાં કહીએ તો ‘વા વળે તેમ પૂંઠ દેવાય’

  Like

 24. સ્નેહાબેન મને અંગ્રેજો પ્રત્યે બિલકુલ રોષ નથી.એ લોકો એમના રાજા પ્રત્યે અને એમના દેશ પ્રત્યે સંપૂર્ણ વફાદાર છે. મેં તો એમણે આપણને કેટલું મોટું નૂકશાન કર્યું છે,તે જ બતાવવા પ્રયાસ કર્યો છે.એવી વફાદારી આપણામાં આવી જાય તો તો ભયો ભયો.(આપણા પર રાજ કરી ગયા તે મુળમાંતો વેપાર કરતાં કરતાં ચડી બેઠેલા)

  હવે વિચારો-
  ૧ અંગ્રેજી માધ્યમમાં ભણનારને આર્થિક ફાયદા સિવાય થતાં નૂકશાનો બાબતમાં.
  ‘મારે મારાં માબાપ નું ઋણ ઉતારવા ભલે દેવું કરવું પડે પણ ઉત્તર દાયિત્વમાં ઉણા ન ઉતરવું એ મારો પુત્ર ધર્મ છે ,ભલે દાન ન કરી શકું ભલે દયાળુ ના કહેવાઉ પણ માબાપની કરુણાતો ઉપમા ન આપી શકાએવી છે, હું તેમની ભક્તિ કરીને દુનિયાને ઉદાહરણ પુરું પાડીશ’ સરળ ભાવે ઇન્ગ્લીશ મિડિયમના બાળક પાસે તરજુમો કરાવો english to guj.શબ્દકોશ આપજો,એનું ભષાન્તર વાંચજો એ શું સમજ્જ્યો છે તે સાંભળજો તમને બધું સમજાઈ જશે.તમને થશે કે માતૃભાષાની સાથેસાથે સંસ્કૃતિથી પણ વંચિત થઈ ગયૉ છે તમારૉ પાલ્ય.
  જીવનમાં માત્ર ધન સંપત્તિ જ સર્વસ્વ નથી.જિવનના ઉતરાર્ધમાં તો સંતાનોનું સામીપ્ય જ સુખ અને સંપત્તિ છે,ત્યારે પૈસો ગૌણ બની જતો હોય છે.(મારા કહેવાનું તાત્પર્ય સમજી શકાય એવું છે)
  બાકી દરેક મોટાભાગના સફલ બીઝનેસમેનો પરદેશ જઈને નથી કમાયા સફળ થયા પછી પરદેશમાં વિસ્તર્યા છે.

  Like

 25. ‘મારે મારાં માબાપ નું ઋણ ઉતારવા ભલે દેવું કરવું પડે પણ ઉત્તર દાયિત્વમાં ઉણા ન ઉતરવું એ મારો પુત્ર ધર્મ છે ,ભલે દાન ન કરી શકું ભલે દયાળુ ના કહેવાઉ પણ માબાપની કરુણાતો ઉપમા ન આપી શકાએવી છે, હું તેમની ભક્તિ કરીને દુનિયાને ઉદાહરણ પુરું પાડીશ’- આ વાક્યનો સરળ ભાવે ઇન્ગ્લીશ મિડિયમના તમારા સંતાન પાસે તરજુમો કરાવો guj to english ને english to guj.બન્ને શબ્દકોશ આપજો,એનું ભષાન્તર વાંચજો એ શું સમજ્જ્યો છે તે સાંભળજો અને પ્લીઝ પ્રમાણિક પણે મારી વાતને સમર્થન કરજો અથવા ખંડન કરજો.
  પછી હું બિજો મુદ્દો રજુ કરીશ.

  સુવિચાર-ગમે તેટલી ભાષાઓ બોલજો પણ પ્રાર્થનાતો હિન્દુસ્તાની માતૃભાષામાં જ કરજો
  કારણ પાશ્ચાત્ય ભાષાઓમાં ઝાઝા આધ્યાત્મિક કે ધાર્મિક શબ્દો નથી.

  Like

 26. અમે એક વાત સૌથી પહેલા જ કરી દઇએ કે અમે ગુજરાતી ભાષાના કે ગુજરાતીપણાના અસ્તિત્વના કે ગુજરાતની ગરીમાના વિરોધી નથી. અમને જે લાગ્યું તે લખીએ છીએ, કોઇએ બંધબેસતી પાધડી ના પહેરવી. આ બધું અમે જયના લેખોમાં અને નગેન્દ્રવિજય (પ્લીસ હવે કોણ નગેન્દ્રવિજય એમ ન પૂછતા) ના પુસ્તકોમાં વાંચેલું છે અને અમે તેની સાથે ૧૦૦ ટકા સહમત છીએ.

  -> આ ગુજરાતી ભાષા પર જે ખતરો તોળાય છે એની પાછળના કારણો શું ?

  -> મને અતિપ્રિય હોવા છતાં મારા દિકરાને અંગ્રેજી ભાષામાં ભણાવવા પાછ્ળ મજબૂર કરી જાય છે ? એ માટે જવાબદાર પરિબળો કયા?

  -> ”ધબકાર” જેવા ગ્રુપ કોઈ જ નફા ના ઉદ્દેશ વગર આટલી સરસ પ્રવૃતિ કરે છે તો પણ દર વખતે એને ફંડની તકલીફ, પ્રોત્સાહનનો અભાવ,કે કોઈ જ જાતના મીડિયાનો સહકાર કેમ નહી?

  ગુજરાતના મુઠ્ઠૃભર સારસ્વતો ગમે તેટલા ઉધાચત્તા થાય, એક પ્રજા તરીકે ગુજરાતીઓને કોઇ પણ ભાષા પ્રત્યે પ્રેમ નથી. ગુજરાતી પ્રજા વેપારી માનસવાળી પ્રજા છે. એનો સ્વાર્થ ભાષાના ઉપયોગમાં આવે છે. ભાષાની ગુણવત્તા કે સુંદરતામાં રસ લેવાની એને ફુરસદ નથી. એક પણ અંગ્રેજી શબ્દ (વાક્યની તો ક્યાં વાત જ આવે છે ?) વાપર્યા વિના અણિશુદ્ધ સંસ્કૃતપ્રચુર ગુજરાતીમાં લેખો લખતા લેખકોની આપણે ત્યાં શું (અવ)દશા થઇ એ જાણવા માટે સમાચારપત્રો ફંફોળવાની જરુર નથી. આવા પવિત્ર લેખકો તો આજે પણ છે, પણ એમના વાચકો લુપ્‍ત થઇ ગયા છે.

  આપણે ત્રણ લીટીનો આભારપત્ર અંગ્રેજીમા’ લખવાનો હશે તો ત્રણવાર સ્પેલિંગ ચેક કરીશું. પણ આમંત્રણપત્રિકા કે જાહેરાત બનાવતી વખતે ગુજરાતીમા’ હોય તો જોડણી તપસીએ છીએ ખરા ? જેને ખબર છે, એ પણ બહુ પંચાત નહિ કરે… કારણ કે એ જાણે છે કે વાંચવા-સાંભળવાવાળાને એની ‘ખબરદારી’ નથી ! આ હકીકત છે. ગુજરાતમાં ગુજરાતીનો દરજ્જો ‘સેકન્ડ લેગ્વેજ’નો છે.

  અંગ્રેજી એ જ્ઞાનભાષા છે. આજની ગળાકાપ હરિફાઇમાં પોલાદી બખ્તર અને ધારદાર તલવારનું કામ ભજવે છે. રાષ્‍ટ્ર અને માતા બંનેનો આદર હોય, પણ જીવવા અને સફળ થવા માટે આજની અનિવાર્ય જરુરિયાત છે : જ્ઞાન. વાત જ્યારે જરુરિયાતની હોય ત્યારે આદર અને પ્રેમ ગૌણ બની જાય છે. ભૂખ લાગી હોય ત્યારે વાનગીઓની સુગંધ કામ ન આવે, એવું જ કઇક

  સમયની દીવાલ પરના સાંસ્કૃતિક રંગછાંટણા ચીતરતી પીંછી એટલે ભાષા ‘સારી’ છે માટે એનું ગૌરવ ન હોય, એ ‘મારી’ છે, માટે મને મારી ઓળખનું અભિમાન હોવું જોઇએ.

  માતૃભાષા મરવી ન જોઇએ. ફાઇન પણ એમ તો માતા પણ મરવી જ જોઇએ ! આપણી નામરજી છતાં કાળક્રમે મા મરી જતી હોય છે.

  આપણો દંભી સમાજ માતૃભાષાના ગમે તેટલા વખાણ કરે, પણ… ગુજરાતી લેખકોને મળતા વાર્ષિક પુરસ્કાર રોયલ્ટી કરતા વધુ અંગ્રેજી લેખકોનું પ્રવાસભથ્થું હોય છે.

  ગુજરાતી કેવળ એક ભાષા નથી એમ અંગ્રેજી પણ કેવળ એક ભાષા નથી… એની સાથે ડોલર, યુરો, પાઉન્ડની સુગંધ જોડાયેલી છે.

  અંગ્રેજી બોલે કે જાણે એ જ વિદ્વાન અને આદરપાત્ર, અને ગુજરાતી સરસ છટાદાર બોલે – લખે એ પછાત એવી ગુલામીગીરી માત્ર ગુજરાતીઓના જ મનમાં હોય છે. એમાં અંગ્રેજોનો કોઇ જ વાંક નથી. આપણી લધુતાગ્રંથી છે.

  ટુંકમાં, ગુજરાતી ભાષા કે ગરીમામાં ખાસ કોઇને રસ નથી, માત્ર બધાને પૈસા અને પાવરમાં જ રસ છે. માટે….

  વધુ નથી લખતો… એક નાનાકડું ઉદાહરણ…

  અમદાવાદ ક્રોસવર્ડમાં કેટલા બધા પુસ્તકો છે ? એમાં ગુજરાતી પુસ્તકો તો ૧ ટકાથી પણ ઓછા છે, જે કઇ ગમે, ખરીદવાનું મન થાય તેવું તમામ સાહિત્ય, બાલસાહિત્ય બધુ જ અંગ્રેજીમાં છે, આથી ના છુટકે આપણે એ તરફ વળવું પડે છે… જો જીવનમાં અસ્તિત્વ ટકાવવું હોય તો…

  Like

 27. આ ‘ હેપી ‘ અને ‘ ઝાકળ’ ની વાતમાં નકરી વાસ્તવિકતા છે. જમીનને અડીને – વાદળોમાં નહીં. વાદળોમાં કવિતા કરવી બરાબર . પણ આવા મુદ્દા વાસ્તવિકતાના ધોરણે અને અતિશય લાગણીવેડા કે ઝનૂન વગર વિચારાવા/ ચર્ચાવા જોઈએ.

  વાત બહુ જ ગમી.

  કોઈકે બહુ જ સરસ વિચાર મૂક્યો કે ગુજરાતી ભાષા મરી રહી નથી; બદલાઈ રહી છે. અત્યાર સુધી બદલાતી રહી છે- તેમ. એ કુદરતી પ્રક્રિયા છે – જેને કોઈ બદલી ન જ શકે.

  સામ્પ્રત સમાજનાં વલણો અને વૃત્તિઓ આ બદલાવની પાછળનાં પરિબળો છે.
  ગુજરાતીની ગરિમા વધારવા આપણે પ્રયત્ન કરી શકીએ – બચાવવા કદી નહીં !!

  Like

 28. thanks સુરેશ જાની sir

  i also belive “Happy” is true

  Snehadidi your topic is really nice

  keep contin..

  Like

 29. chokaash zakalbhai..bahu badha ph.calls, emails,community ma pan bahu badha rep malya che..shanti thi answer aapish.atyare thodi bg chu..tamaro rep bahu j gamyo…thnx badha friends no khub khub aabhar..bas koi nakkar pagla lai shakay eva suggestion aave ane kaun kaun shu kam kari shake em che e kam sucessful kari shakie to j aa badhu kamnu..baki to badha bhuli jase thoda divas ma aa vat ne biji charchao ni jem j…

  Like

 30. માનનીય સ્નેહાબેન,

  ઘણા સમયથી મારો અભિપ્રાય લહાવાનો વિચાર કરતો હતો. આજે લખું છું.
  વિજયભાઈ શાહે એમના બ્લોગ પર મારી સાથે કરેલી ગુજરાતી ભાષા વિશેની વાતચીત લખી હતી. એમના જ બ્લોગ પરથી:

  “જયભાઈ માતૃભાષા ગુજરાતી નાં ભવિષ્ય માટે તમારો મત આપશો?

  મારા મત પ્રમાણે ગુજરાતી ભાષા અને તેનો વિકાસ ઈન્ટરનેટના માધ્યમ વડે ઘણો થઈ શકે એમ છે. છેલ્લા બે-ત્રણ વર્ષોથી જે રીતે નવા નવા બ્લોગ્સ અસ્તિત્વમાં આવ્યા છે એ જોતાં મને લાગે છે કે આપણી આ લાડલી અમર થવાને સર્જાયેલી છે. તમને લાગશે કે હું વધુ પડતો આશાવાદી છું પણ એ પણ સાચું છે કે હકારાત્મક અભિગમ વિના કોઈ પણ કાર્ય સફળ થઈ શક્તું નથી. ગુજરાતની દરેકેદરેક શાળાઓમાં, અંગ્રેજી માધ્યમ વાળી હોય કે પછી ગુજરાતી માધ્યમ વાળી, એક ગુજરાતી વિષય જરૂરી છે. દરેક વિદ્યાર્થીએ પોતાનો સ્વતંત્ર બ્લોગ બનાવવાનો રહેશે. પોતાના વિચારો, પોતાની ક્લ્પનાઓ અને પોતાની મહત્વાકાંક્ષાઓ એમણે ગુજરાતીમાં લખવાની રહેશે. એમના શિક્ષકોને આપણે મદદ કરવાની રહેશે,આ બાળકોને માર્ગદર્શન આપીને, એમના પ્રેરણા સ્ત્રોત બનીને. ગુજરાતના કે દુનિયાભરના ગુજરાતી શિક્ષકો પોતાના શૈક્ષણિક વિચારો પોતાના બ્લોગમાં લખી વિચારોની આપ-લે કરી નવી શૈક્ષણિક વિચાર સરણી અમલમાં મૂકી તેની સફળતા વિદ્યાર્થીઓના બ્લોગ્સને તપાસી તેમને જરુરી પ્રતિભાવો આપી ચકાસે. આપણે બધાં જ સાથે મળીને પ્રયત્ન કરીશું તો જરૂર સફળ થઈશું જ. જરૂર છે સહકાર, સમન્વય, હકારાત્મક અભિગમ, ત્યાગ (આપણાં વ્યક્તિગત સમયમાંથી થોડો સમય કાઢી )”

  આગળ વધતી આ દુનિયામાં જાણકારીનું મહત્વ ઘણું જ વધી રહ્યું છે. દેશના વિકાસ માટે જુદી જુદી ભાષાઓ શીખવાનું કદાચ અનિવાર્ય બની જશે. ભાષા સંસ્ક્રુતિની આપ-લે કરવાનું એક માધ્યમ બની જશે. તમને જાણીને કદાચ નવાઈ લાગશે કે અહિ યુનિવર્સીટી ઓફ પેન્સીલ્વેનીયામાં ગુજરાતી વિષય શીખવવામાં આવે છે. ઘણા વિદ્યાર્થીઓ અહીના અમેરિકન વિદ્યાર્થીઓ હોય છે.
  ભાષા શીખવાનો આનંદ પુરેપુરો માણવાનો પ્રયત્ન કરે છે. વધુ પછી.

  જય.

  Like

 31. આ ચર્ચા સાથે બહુ જ કામની વાત
  http://gadyasoor.wordpress.com/2010/03/05/googam/#comment-5634

  આપણા જેવા સૌ , જેમને ગુજરાતી ભાષા માટે આવી અંતરની લાગણી છે , તે સૌએ ગુજરાતમાં થતા આવા પ્રયત્નોને પૂરો સાથ આપવો જોઈએ.

  મારો સાથ અને સહકાર જરૂર મળશે.

  Like

 32. તમારા આ અભિયાન માં મારો પુરો સહકાર છે.

  Like

 33. સ્નેહાબેન તમારો આ લેખ વાંચી ને ખરેખર ચિંતા થાય છે કે ગુજરાતી ભાષા ધીમે ધીમે ખતમ થઇ રહી છે . પરંતુ ઘણા લોકો એવું આશ્વાસન આપી રહ્યા છે, પોતાની સાથે બીજાને પણ, કે ભાષા કદી મરતી નથી. કદાચ એ લોકો ભૂલી ગયા છે કે કોઈના બેસણા માં આવી ને લોકો જેવું આશ્વાસન આપે તેવુંજ આશ્વાસન તેઓ આપી રહ્યા છે …

  Like

 34. તમાચો મારીને ગાલ લાલ રાખવો..એ સાંભળ્યું છે ને ઘનશ્યામભાઈ…

  Like

 35. krishna matlab e j che..shabdo ane abhivyakti alag…dhiraj ane dhyaan thi joje …adtha uperni vato same che dear…

  Like

 36. Namaskar,
  I am Kaushik Lele.I visited your blog. Looking at your love and work for Gujarati language and culture, I thought you may like to know about my initiative for Gujarati language . I have started to help people “Learn Gujarati through English- Online and free”
  I have started creating blog
  http://learn-gujarati-from-english.blogspot.com

  I am thoroughly discussing grammar here. And teaching concepts step by step. like tenses, prepositions, asking questions etc.
  It has 49 lessons as of now and I keep adding lessons every day.

  This online-learning will surely help people Learn Gujarati easily as per their convenience.

  I have previously written two popular blogs to Learn Marathi from English and from Hindi.
  viz.
  http://kaushiklele-learnmarathi.blogspot.com (120 lessons)
  http://learn-marathi-from-hindi-kaushiklele.blogspot.com (93 lessons)

  I want to complete Gujarati blog as extensive as my Marathi blog.

  My mother tongue is Marathi but I have learned Gujarati myself. I can understand Gujarati well. Still to avoid any mistakes, I get my lessons verified from native Gujarati speaker via a facebook group.
  https://www.facebook.com/groups/gujarati.learncenter

  I still want as many native Gujarati speaker to visit my blog and verify contents, point out mistakes and help me to make it immaculate.
  So I request you to visit my blogs. Let me know your feedback.
  I would really appreciate if you can give link to my blog on for Gujarati learning on your website.

  Waiting for your reply,
  Kaushik Lele

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s