તું ના મળે ત્યાં સુધી તારી બાધા


યાદ તારી નજર ધુંધળાવી જાય છે,
મારું વિશ્વ આમ જ ઝંખવાઈ જાય છે.
ચાલ,
આજે એક વ્યવહારીક રસ્તો વિચારી લઉં,
તું ના મળે ત્યાં સુધી તારી બાધા લઈ લઉ..!!!!!

અહીં નાયિકા તેનાં પ્રિયતમને અનહદ યાદ કરે છે…એનાં કરતાં એમ કહેવું વધુ સારું કે પ્રિયતમ બહુ યાદ આવી જાય છે.એટલી હદ સુધી કે એની યાદ આંખમાંથી આંસુ બનીને વહેવા લાગે છે અને ઘેલી પ્રેમિકા ને આખું વિશ્વ ફીકું -ફીકું લાગે છે,રંગવિહિન.કોઈ જ આશાનું કીરણ નથી એની સામે પ્રિયને મળવાનું.ઓહ..લાચારીની ચરમસીમા..!! જ્યાં જ્યાં જોવે છે ત્યાં એમની મુલાકાતોની મીઠી મધુરી યાદો જ ભરેલી છે.ભુલવું એ તો અશક્યતાનો બીજો છેડો છે જાણે.કોઈ જ રસ્તો ન સુઝતાં એ સાવ ગુમસુમ થઈને મનમાં ને મનમાં હિઝરાતી બેઠી છે.છેલ્લે દુનિયાદારી ના વિશ્વમાં પ્રવેશે છે અને અંતિમ ઉપાય તરીકે જાત સાથે એક સમાધાન કરે છે કે જેને ભુલવા અશક્ય હોય ત્યાં એક બાધા લઈ લેવા દે પ્રિયતમને કહે છે કે, ” તું નહી મળે ત્યાં સુધી તારી જ બાધા…!!”
મિત્રો, આ તો દિલની દુનિયા છે.ઇશ્વર પણ ચકરાઈ જાય આવી પ્રેમસભર બાધા સાંભળીને. એ ખુદ પણ નીચે આવવા માટે મજબૂર થઈ જાય આ પ્રેમઘેલાં વ્યવ્હારિક રસ્તાથી……પ્રેમથી કોઈ કામ અસંભવ નથી.


સ્નેહા-અક્ષિતારક.
૩૧,જુલાઈ.૨૦૦૯.
રાત્રિનાં ૯.૦૦

સંવાદ મૌન સુધી..!!!


 

મેં તને ચાહ્યો અનંત સુધી,
કહેવા સાંભળવાનો અવકાશ જ ક્યાં રહ્યો..?
સંવાદ આમ જ પહોચ્યોં મૌન સુધી..!!!

 

સ્નેહા-અક્ષિતારક,
૨૬-૦૭-૦૯


શું ઓનલાઈન વાંચન પુસ્તકોનું સ્થાન લઈ શકશે?


પ્રિય સમજુ અને વિચારશીલ નેટમિત્રો,

ગઈકાલે એક મિટિંગમાં મને એક વિચારવા લાયક મુદ્દો મળ્યો ..અને આપણું મગજ તો તમને ખબર જ ને લખતા હોઈએ એટલે વિચારોની હારમાળા ચાલુ જ રહે. હા, તો વાત એમ છે કે એ ગુજરાતીભાષાના ચાહકોની મીટીંગ હતી.એમાં એક મુદ્દો એવો આવ્યો જેના ઉપરથી એ વાત ફલિત થઈ કે આજ કાલ નેટ પર એટલે કે ઓનલાઈન વાંચનનો ક્રેઝ વધી ગયો છે.આજકાલ લોકો હાથમાં ચોપડી પકડવા કરતાં આરામદાયક ખુરશીમાં બેસીને પોતાના લેપટોપ પર માઉસથી કલીક કરીને નેટની પી.ડી.એફ. ફાઈલ વાંચવાનું વધુ પસંદ કરે છે.વળી એનાથી પણ વધુ કે આવતી પેઢી તો લાઈબ્રેરી એટલે શું એ વાતથી જ અનજાણ હશે..!!!

હવે હું પણ એક આધુનિક નારી છું.નેટ, ચેટીંગ કમ ચીંટીગ,બ્લોગ,વેબ પેજ,પી.ડી.એફ ફાઈલો, ઓન્લાઈન મિત્રોનું ગ્રુપ,નવી નવી આસાનીથી મળતી તકો…આ બધું મને પણ ખબર છે.મોબાઈલ હોય કે એક્સ બોક્સ્..બધું યે આસાનીથી વાપરી શકું છું. તો પણ મારામાં વાંચન માટે હાથમાં ચોપડી હોય અને હે ય ને નિરાંતે મારી પસંદીદા ખુરશી પર બેસીને વાંચ્તી હોઉ અને પાના ફેરવતી હોઉ..[ઘણીવાર તો રસોડે રજા પડી જાય એવા પુસ્તકો પણ હાથમાં આવી જાય છે]તો  એ પ્રક્રિયામાં જે મજા આવે છે તે કોમ્પ્યુટર ખોલી એના ભૂરા રંગના પ્રકાશમાં ઓનલાઈન  વાંચનની મજા નથી આવતી.હજુ પણ હું મારી પસંદના લેખકો કે કવિઓનાં વર્ષો પહેલાંના પુસ્તકો મારી બચતમાંથી ભેગા થયેલાં પૈસાથી ઘરમાં વસાવું છું.

 પહેલાં જ્યારે મોબાઈલ નહતો ત્યારે હું એય ને પેલાં કાળા ડબલાંનાં ચકરડાં ફેરવતી હતી ત્યારે ભલભલાં અટપટાં ફોન નં. યાદ રહી જતાં હતાં.જ્યારે આજે તો જેની સાથે રોજ વાત કરું છું એ લોકોનાં નંબર પણ યાદ નથી રહેતાં.એ જ રીતે કોમ્પ્યુટર પર વાંચેલ ફાઈલો પણ એટલી જલ્દી યાદ નથી રહેતી.મગજનાં વિચારોની ગતિ વધારી દે છે આ જાતનું વાંચન.મન વાંચનથી શાંત થવાના બદલે ઉતેજિત જ રહે છે…કેમ એમ્??????કોઈ જવાબ ખરો?

to be continued..

મિત્રો, આજે વળી મને એક નવો અનુભવ થયો.મેં સીધે સીધું કી-બોર્ડ પર ટાઈપ કરવાનો ટ્રાય કર્યો તો મજા જ ના આવી.કંઈક ઊણપ – અસંતોષ જેવી લાગણી જ દિલમાં ફૂટી..એ પછી મેં કમસે કમ ૧૦ મિત્રો કે જે લખતા હોય તેમને પૂછ્યું તો એ બધા મારી આ વાત સાથે સહમત થયા કે, કાગળ પેન થી લખવાની મજા છે એ ઓન લાઈન ટાઈપીંગમાં નથી.અહીંની રજે રજ માહિતી જાતે અનુભવાયેલીછે..કોઈ જ કલ્પના કે કપોળકથિત વાત નથી.

update:

એક મિત્ર સાથે વાત થઈને એમણે કહ્યું,” સ્નેહાબેન, તમે તમારી રચનાઓની બુક બહાર પાડો ને. મેં કહ્યું કે,”અહી નેટ પર બહુ બધા વાચનારા મિત્રો છે જ ને,” તો એમને કહ્યું કે,’દીદી, તમારી ભૂલ થાય છે આ તો સોફ્ટ કોપી થાય.આની કોઈ જ કીમત નહિ. હાર્ડ કોપી હોય તો તમારી રચનાઓની તમારા નામે કોપી રાઇટ થઇ  જાય ને.ત્યારે મને થયું કે હા આ એક વાત પણ મારા આ ટોપિક માં ઉમેરી શકાય જ ને.ઓનલાઈન વાંચન સાથે રોજબરોજ આપણે આ વિનયભાઈ જેવા નેટ ના ખૂણે ખાચરે થી કચરો શોધનારા લોકોની કેટલી બધી પોસ્ટ અને ટોપિક વાંચીએ જ છીએ ને..કોણ કોનું લખાણ કોપી પેસ્ટ કરે અને કોના લખાણની ક્રેડીટ કોણ લઇ જાય..!!આમાં ને આમાં તો કેટલા લોકો સાચે સાચ પોતે લખે છે અને કેટલા ઉઠાંતરી કરે છે કઈ ખ્યાલ જ ના આવે.વળી આપણી રચના આપણી  છે એના માટે આપને કેટલી બધી માથા પચ્ચી કરવી પડે..!! હવે તો કોઈના બ્લોગ પર કોમેન્ટ આપતા પહેલા પણ વિચારવું પડે કે આ સાચે સાચ એમની જ રચના છે ને? 
સાથે બીજી એક વાત પણ એટલી  જ ખરી  કે નેટનાં માધ્યમથી જ તો મને આટલા નેટ મિત્રો ઓળખતા થયાને..બાકી તો કોણ મને જાણવાનું હતું અને મારું લખેલું કોણ વાંચવાનું હતું.?પહેલાના જમાનામાં તો તમે કવિતા લખો, છાપા ની ઓફિસો માં ધક્કા ખાઓ ત્યારે તમારી રચના માંડ માંડ છપાય અને એ પણ નક્કી નહી કે તમારા નામે જ છપાય ..તો એ રીતે આ એક ઓન લાઈન લખવાનો ફાયદો પણ ખરો.
 
જેમ દરેક સારી વસ્તુ ની બે બાજુ હોય છે , એમ આ નેટ પર વાંચન અને લખાણ ની પણ બે બાજુ..બરાબર ને?
-સ્નેહા-અક્ષિતારક
18-11-09.
u can see discussion abt this topic  in my orkut community also.

મમ્મી તને શું ખબર પડે?


 

ઘરનાં ડ્રોઈંગરુમમાં ક્રિકેટ રમવાની મજા જ કંઈક અલગ છે,
મમ્મી તને શું ખબર પડે?

પલંગ ઉપર બેસીને નાસ્તો કરવાની મજા જ કંઈક અલગ છે,
મમ્મી તને શું ખબર પડે?

ચારે બાજુ રમકડાં પાથરવાની મજા જ કંઈક અલગ છે,
મમ્મી તને શું ખબર પડે?

ઘરની દિવાલો ‘ક્રેયોન’થી સજાવવાની મજા જ કંઈક અલગ છે,
મમ્મી તને શું ખબર પડે?

કોમ્પ્યુટરમાં આડેઘડ ગેમ રમવાની મજા જ કંઈક અલગ છે,
મમ્મી તને શું ખબર પડે?

દોસ્તારોને ઘરે બોલાવી તકિયા-લડાઈની મજા જ કંઈક અલગ છે,
મમ્મી તને શું ખબર પડે?

પપ્પાનું ‘શેવિંગ ક્રીમ’મોઢે લગાવવાની મજા જ કંઈક અલગ છે,
મમ્મી તને શું ખબર પડે?

કાદવ-કીચડમાં છપ-છપ-છપાકની મજા જ કંઈક અલગ છે,
મમ્મી તને શું ખબર પડે?

રેતીમાં સપનાંના ઘર બાંધવાની મજા જ કંઈક અલગ છે,
મમ્મી તને શું ખબર પડે?

મેલા-ઘેલાં હાથે જમવાની મજા જ કંઈક અલગ છે,
મમ્મી તને શું ખબર પડે?

એક વાત કહું….
જ્યારે આમ કરું ને તું મને વઢે છે ને….
એની મજા જ કંઈક અલગ છે,
મમ્મી તને શું ખબર પડે?

સ્નેહા-અક્ષિતારક
૧૦ જુલાઈ,૨૦૦૯.


છોમાસું….ચોમાસું


ચોમાસું આ સાલ છોમાસું થઈ ગયું છે,
એને બહુ પ્રેમ કર્યો તો ભાવ ખાતું થઈ ગયું છે.

ચાર માસે પધરામણીની મજા જ કંઈક અલગ છે,
મહિનાઓની ગણત્રીમાં ભૂલો કરતું થઈ ગયું છે.

કોણ સમજાવે એ અભિમાનનાં પૂતળાને,
ધરતીથી બે વેંત અદ્ધર ચાલતું થઈ ગયું છે.

અમદાવાદ મારું કોરું કટ સુકાય એની રાહમાં,
એનાં રુદનના ભેજની રાહ જોતું થઈ ગયું છે.

અમારી પ્રેમભરી વિનંતીઓથી પલળી જાય તો સારું,
એના વિના જીવન રણનું મ્રુગજળ થઈ ગયું છે….

સ્નેહા-અક્ષિતારક
૨-૦૭-૦૯
૧૦.૧૦ રાતનાં

હવે તો મેઘરાજા પધરામણીકરે તો સારું અમદાવાદમાં…

શું કહો મિત્રો?
ભેગાં થઈને પ્રાથ્ના કરો બધા