બેઠાં હતાં અમે


એક્લાં એક્લાં તમારી યાદ સાથે લઈને બેઠાં હતાં અમે,
બે મીઠી મુલાકાતો દિલમાં વાગોળીને બેઠાં હતાં અમે.

આંખો રાતી ચોળ અંગારા સમ લઈને બેઠાં હતાં અમે,
કોઈ સપનાં આંખને સજાવશે સમજીને બેઠાં હતાં અમે.

ચમકતો તારો ખરશે રાહ ઉરે લઈને બેઠાં હતાં અમે,
એનાં રુપેરી તેજે ચાતક મીટ માંડીને બેઠાં હતાં અમે.

ઠંડી હવા દિલને બહેલાવે,ચંચળતા લઈને બેઠાં હતા અમે,
એનાં જાદુઈ સ્પર્શે કોઈ શીતળતા માણીને બેઠાં હતા અમે.

પ્રેમ નગરે કોઈ મસ્તીનાં ઈરાદા લઈને બેઠાં હતાં અમે,
તમે સાથ આપી જશો પાકી ખાત્રી જાણીને બેઠાં હતાં અમે.

સ્નેહા-અક્ષિતારક
૧૧.૦૫ રાત્રિનાં
૩-૦૧-૦૯

કાન્હા


મારાં ગોરાં ગોરાં અંગે એક કમી છે વ્હાલાં,
બસ તારું શામળિયાપણું છલકાવી દે કાન્હા.

કર્ણપટલ તરંગોથી બધિરાયેલાં પડ્યાં છે વ્હાલાં,
વાંસલડીનાં બે સૂરે મને નશીલી બનાવી દે કાન્હા.

લાલ ચુનરે છલકે મારી અછૂતી લાગણીઓ વ્હાલાં,
તારાં નટ-ખટ અડપલે જીવ એમાં રેડી દે કાન્હા.

મારી બિંદીયાએ કોરું કુંવારું કંકુ ચમકે છે વ્હાલાં,
મસ્તી ભરેલાં તારા સ્પર્શે પૂર્ણતા દઈ દે કાન્હા.

તારા મિલન કાજે અરમાનોથી જાત શણગારી વ્હાલાં,
એક નજર નાંખી તૃપ્તિથી એને છલકાવી દે કાન્હા.

તારા વિના ચેન કદી આવે ના આ મનને વ્હાલાં,
નહીં છોડે કદી મધ-રસ્તે એક વચન દઈ દે કાન્હા.

સ્નેહા-અક્ષિતારક
 ૨-૧-૨૦૦૯-૫.00બપોરનાં