નવું વર્ષ


વિદાય એક વધારે વર્ષની ,
આ વર્ષ સમઝણ વધતી જશે?
     બહુ ભૂલો કરી વીતેલ વર્ષે,
આ વર્ષ શું સુધરતું જશે?

રંગીન સપનાં બહું સજાવેલાં,
આ વર્ષ ભાત ઉપસાવતું જશે?

જાતને ઠાલાં વચનોથી ભરમાવેલી,
આ વર્ષ એને ન્યાય આપી જશે?

બહું અભિમાને દિલ-મંદિર તોડેલાં,
આ વર્ષ સમારકામ કરી જશે?

આશાના મીનારો ચણતાં રહો મિત્રો,
આ વર્ષ જરુરથી ફળી જશે..

૨૦૦૮ની સાલ પતી ગઈ અને ૨૦૦૯ ચાલુ થઈ. શું મેળ્વ્યું અને શું ગુમાવ્યું આપણે એનું સરવૈયું કાઢીએ તો સરવાળે તો ખોટ જ ખોટ લાગે છે આપણને તો.હકીક્ત એવું નથી હોતું. ભગવાન આપણને એક નવી તક આપે છે કે લો,એક નવી સવાર નવી આશાઓ સાથે શરુ કરો. ગયાં વર્ષે જે ભૂલો થઈ ગઈ જે તકનો લાભ ના ઊઠાવી શકયાં એ ફરીથી તમને આપું છું અને થોડી સમજણ પણ કે એ ભુલો ફરીથી પુનરાર્તન ના થાય.જતાં વર્ષો અનુભવોથી સમ્રુદ્ધ કરતાં જાય છે અને આપણે નાદાન માનવી એમાંથી શીખવાનાં બદલે  અસંતોષની આગમાં સળગતાં રહીએ છીએ.માથાં પરથી ખરતાં વાળ જોઈ બુઢાપાની ચિંતા કરીએ છીએ પણ એ નથી સમજતાં કે,

માથાં પરથી ખરતાં વાળ,
અરે મિત્રો,
એ તો જગ્યાં કરી આપે છે,
અનુભવોને કાજ.

તો ચાલો,આમ જ હકારાત્મક અભિગમ સાથે એક નવાં વર્ષની શરુઆત કરીએ આપણે.

 ખૂબ ખૂબ શુભ-કામનાઓ મિત્રો આવનારું વર્ષ તમને ફળદાયી નીવડે.

સ્નેહા-અક્ષિતારક.
૮.૩૬ રાતનાં
૩૧-૧૨-૦૮


મિલન અને વિરહ તણી ચિંતા છોડી દે,
પ્રેમની મધુર અનુભુતિ માણી લે.
શબ્દો લાગણીએ સમાવવાનું છોડી દે,
હલ્કી હવાએ શ્વાસ સમ તરી લે..
સ્નેહા-અક્ષિતારક. 
૩૦-૧૧-૦૮
*******************************************
એક તારા સાથની ચાહના એટલી હદે તીવ્ર બની ,
બીજાં બધા સંગાથની ચાહના પાણી સમ વહી ગઈ.
સ્નેહા-અક્ષિતારક.
૧૭-૧૦-૨૦૦૮
*******************************************
પ્રેમને કોઈ આકારે ના સમાવાય,
એ તો નિરાકારે જ દિલમાં સમાય.
સ્નેહા-અક્ષિતારક.
૧૭-૧૦-૨૦૦૮
*******************************************
રાત્રિનાં ત્રીજાં પ્રહરે..
તારી યાદનાં જુગ્નું દિલને દઝાડે છે,
એની રાખમાં તારો ચેહરો સળવળે છે.

કોમળ મનકાચ પણ હવે મુંઝારે છે,
નિસાશાની ઠોકરો તિરાડ પાડે છે.

સ્નેહા-અક્ષિતારક.
૭-૧૨-૦૮

*******************************************
હું અહી રહી જઈશ આ જ જગ્યાએ,
તારી છાપ પડી છે આ જ જગ્યાએ.

તું કસમો લીધી ભુલે આ જ જગ્યાએ,
હું કસમો નિભાવું મરીને આ જ જગ્યાએ..

સ્નેહા-અક્ષિતારક.
૨૯-૦૮-૦૮

*******************************************
પાનખરે વસંત શું સમજાવી ગયાં,
ખરાં વખતે મિત્રતા સમજાવી ગયાં.

સ્નેહા-અક્ષિતારક.
૧-૧૨-૦૮

*******************************************
શ્વાસ અને ઉછવાસની વ્યાખ્યામાંથી બહાર નીકળી જઇએ,
એક નવી ધબકતી પ્રેમ-વ્યાખ્યાનો જન્મ કરાર કરી દઈએ.
સ્નેહા-અક્ષિતારક.
*******************************************
એની સાથેનાં વાર્તાલાપો પ્રેમનાં,
યાદી સાથેનાં આલાપો પ્રેમનાં.

સ્નેહા-અક્ષિતારક. 

*******************************************
નજદિકીએ તારી પીગળી જઈશ,
વિયોગે તારા મુરઝાઈ જઈશ,
પ્રેમમાં તારા સઘળી રીતે
નામશેષ હું તો થઈ જ જઈશ.
સ્નેહા-અક્ષિતારક.
૧૮-૧૧-૦૮
*******************************************
આમંત્રણ આપી આપીને થાકી હું તો હવે,
ના તું આવી શક્યો-ના તારી કોઈ ખબર.
વગર આમંત્રણે જ તું આવી જા હવે,
સમાજનાં બંધનોથી થઈ બેખબર.
સ્નેહા-અક્ષિતારક.
૧૮-૧૧-૦૮
*******************************************
માનવજીવન મળે જો સો વખત તો ચાહું,
હું દર જીવન મહોબ્બતથી ભરપુર માણું..

સ્નેહા-અક્ષિતારક. 

*******************************************
શૂન્યાવકાશથી જીવન ભરપુર હતું,
તમે મળ્યાં ને જીવન સભર બન્યું.
સ્નેહા-અક્ષિતારક. 
*******************************************
હાર અને જીત તણી આ છોડ હવે તકરાર,
પ્રેમહિડોળે ઝુલીએ ચાલ થઈ ને નિરાકાર.

સ્નેહા-અક્ષિતારક.

૧૪-૧૧-૦૮
*******************************************
એક સનાતન સત્ય સદન્તર મારામાં ધબકે છે,
એક શાશ્વત સુગન્ધ સદન્તર મારામાં મહેકે છે,
એક રમતિલો ઘંટારવ સદન્તર મારામાં રણકે છે,
એક મધુર પ્રભુસ્તુતિ સદન્તર મારામાં ટહુકે છે.

સ્નેહા-અક્ષિતારક.
૧૧-૧૧-૨૦૦૮.

*******************************************
 પ્રેમ જ સઘળી બિમારીનું મારણ
ભલે એ બિમારી નામે પ્રેમ હોય..
સ્નેહા-અક્ષિતારક.
 
*******************************************
 

ગઝલ રમીએ


શબ્દો ને વ્હેમમાં રહેવા દે દોસ્ત આજે,
તું અને હું ગઝલ રમીએ મસ્ત આજે.

તું જો હસશે તો પ્રાસ બેસી જશે આજે,
તારા ગુસ્સે તો છંદ બેસી જશે આજે.

પ્રાસ, છંદ પણ ધન્ય થાશે સંગત આજે,
માણી લેવા દે એને તારી જન્નત આજે.

સ્નેહા- અક્ષિતારક
૨૧-૧૧-૦૮

તારો પ્રેમ.


એક એક શ્વાસ લેતાં બસ વધે છે તારો પ્રેમ
હવા – રુધિર સાથે બસ વહે છે તારો પ્રેમ .

ધડકન હોય કે શ્વાસ બસ કહે છે તારો પ્રેમ,
રગ રગ,નાસિકામાં બસ ફરે છે તારો પ્રેમ.

આકાશી વાયરા પણ બસ સ્મરે છે તારો પ્રેમ,
નીલા નીલા રંગોએ બસ તરે છે તારો પ્રેમ.

એક ઉપકાર તોયે બસ કરે છે તારો પ્રેમ,
હૈયે નિરંતર સંગાથે બસ રહે છે તારો પ્રેમ.

ખ્યાતિ-સ્નેહા …
૨૫-૧૧-૦૮.

મેઘધનુષ્ય મને બહું ગમે છે.


મેઘધનુષ્ય મને બહું ગમે છે.
એનાં સુંદર મજાનાં સાત રંગો મને હર-હંમેશ એક નવી નવાઈ ની અજાયબી જ લાગે છે.એક પછી એક રંગોની અદભુત ગોઠવણીએ ભગવાનની સુંદર કારીગરી જ દ્રશ્યમાન થાય છે. ઘણીવાર એવું મન થાય કે એનો એક સરસ મજાનો પુલ બનાવું ધરતીથી આકાશ સુધીનો અને પછી હળ્વાં પગલે ડગ માંડતી એને સર્જનારા પ્રભુને જઈને જરા મળી આવું. પણ એ એટલું દગાખોર છે કે આવું વિચારીને વિચારોમાંથી બહાર આવું ત્યાં સુધીમાં તો નજર સામેથી છૂ……બહું સંતાકુક્ડીએ રમાડે છે મને પણ સાચું કહું મને તો એની એ નટખટ અદાઓ બહુ ગમે છે. પેલું કહ્યું છે ને કે-
” તમને ગમતી વ્યક્તિ-વસ્તુની દરેક વાતો તમને ગમે “

વળી પાછું જુવો તો ખરાં એ ખીલે છે પણ કેવી માદક ઋતુમાં જ્યાં નશીલી વર્ષાની રેલમછેમ પછી આકાશ પોરો ખાતું બેઠું હોય સૂર્ય પણ મારો વારો ,મારો વારો કરીને રાજીનાં રેડ થતો હોય આભને છંછેડવા,એની સંગતમાં દોડપકડ રમી લે છે.શું મોહક જાદુ હોય છે એનાં સપ્તરંગોમાં!!હંમેશા મંત્રમુગ્ધ બનાવી જાય છે મને. એ રમતિયાળ મેઘધનુષ્યનાં રંગ-બિરંગી રસ્તાઓનાં વળાંકોમાં એટલી મોહિની ભરેલી છે કે ખોવાઈ જઉં છું હંમેશા.મન અવશ થઈ જાય એની છટાઓથી.દિલ ચાહે થોડાંક રંગો હાથમાં લઈ હાથની મેંહદીએ સજાવી દઉં, કેનવાસ પર એને ઢોળિ દઉં અને ખુબસૂરત કુદરતને કાગળમાં સમેટી હાથવગી કરી લઉં. મારાં સપનાઓ રંગી નાખું સઘળાંયે એનાં સપ્તરંગે…

સાચે, મેઘધનુષ્ય મને અનહદ પ્રિય છે..

સ્નેહા-અક્ષિતારક.
૨૭-૧૨-૦૮
૨.૧૦ બપોરનાં

 

નામના


મારાં દિલની ખૂબ જ નજીકની એક રચના, આશા છે તમને પણ ગમશે.

નામના કાજે તો સૌ કોઈ જીવે છે,
ચાલ નામશેષ થઈ જીવી લઈએ,

દુઃખે પ્રભુ પ્રાર્થના તો સૌ કોઈ કરે,
ચાલ સુખે પ્રભુ થોડાં ભજી લઈએ.

સુંદરતાની ખેવના તો સૌ કોઈ કરે,
ચાલ અરુપતાને આજે વાંછી લઈએ.

અમ્રુત-ઇરછા મંથને સૌ કોઈ કરે,
ચાલ વિષની કડવાશ સહી લઈએ.

શબ્દોથી ગઝલ તો સૌ કોઈ માણે,
ચાલ નીરવ ગઝલ માણી લઈએ.

સ્નેહા…
૨૨-૧૧-૦૮.

અમારાં રાજમાં.


શોકસભા આ યોજી છે કોણે અમારાં રાજમાં,
સમજાવી દો આમ ના રઝળે અમારાં રાજમાં.

ખુશી નામની પરીને જ વસવાટ અમારાં રાજમાં,
બાકી બધાં બેધડક નાત બહાર અમારાં રાજમાં.

સ્નેહા-અક્ષિતારક
23-12-08
૧૨.૫૧સવારનાં

અહલ્યા


તારી આંગળીનાં ટેરવે સ્પર્શનાં ઝરણાં વહે છે,
હું અહલ્યા બની ને જરા અસર માણી લઉ એની..

સ્નેહા.
૨૩-૧૨-૦૮

appointment


દર્દની તો આ જીન્દગીમાં આવન-જાવન સદા રહી છે,
આજે જરા ખુશીને મળવા જવાની appointment છે.

સ્નેહા-અક્ષિતારક
૨૪-૧૨-૦૮.
૧૧.૪૨ સવારનાં

મળી લઈએ


વસંત આજે પ્રસરી ગઈ હૈયે,
પિયુજી આજે તો મળી લઈએ.

નશીલી એવી આ મોસમમાં,
આપણે પણ થોડાં ઝુમી લઈએ.

સ્નેહા-અક્ષિતારક
૨૧-૧૨-૦૮

સંબંધોને ઈસ્ત્રી..


કેટ-કેટલી જાતનાં સંબંધો આ દુનિયામાં આપણે નિહાળીએ છીએ.રેશમી સુંવાળા, સુતરાઉ મજ્બુત અને આકર્ષક, ખાદીનાં થોડાંક આકર્ષણવિહિન પણ મજબૂત.એ બધાંને ખૂબ જતન અન કાળજીપુર્વક સાચવવા પડે છે. જીવન માટે એની અગત્યતા નિર્વિવાદપણે છે.
    
     કેટલીકવાર સંબંધો પ્રેમની વર્ષામાં પલળીને ના વિચાર્યુ હોય તેવાં ફળ આપે છે તો જીવનની ભાગ દોડમાં ક્યારેક એ સંબંધોમાં ઉબડ્-ખાબડ એવી આવે છે કે એ સંબંધોમાં અમુક સંજોગોમાં ના ઈરછવા છતાં કરચલી પડી જાય છે,અમુક મેલનાં થર એમને રસવિહિન કરી કાઢે છે.કોઈ જ ડિટર્જન્ટ કામ નથી લાગતો એ મેલ કાઢી એને પહેલાં જેવી ચમક આપે. એ કરચલીઓ ભાંગવા માટે કોઈ જ ઈસ્ત્રી કામ નથી લાગતી.તેવાં વખતે એ સંબંધોને પ્રેમથી ગડી વાળીને તિજોરીમાં સાચવીને ગોઠ્વી દેવાં પડે છે.અમુક પ્રસંગો એમનાં થકી જ ઉજળાં બને છે,દીપી ઉઠે છે એવાં ટાઈમે સાચવીને શણગારીને પહેરવાં પડે છે.
    
     એક પ્રયત્ન કરતાં રહીએ છીએ કે એ જીવનભરની ગેરંટી સાથે આપણો સાથ નિભાવે.એક પ્રબળ જિજિવિષા હૈયે રહ્યાં કરે કે આમની ચમક યથાવત સદાકાળ સચવાઈ રહે. કાશ..સંબંધોને ઈસ્ત્રી કરીને ફરીથી પહેલાં જેવાં નવાં અને કરચલીમુક્ત કરી શકાતાં હોય તો કેવી મજા આવે.જ્યારે મનફાવે તેમ કોઈ પણ મોસમમાં એનાં ગુણધર્મૉ વિચાર્યા વગર પ્રેમથી ઓઢી શકાતાં હોય તો કેટલું સરસ!એની હુંફ ખૂબ જરુરી છે આ જીવનનાં બરડ ને થીજવાઈ ગયેલાં રસ્તાઓ પર ચાલવાં માટે.

 
     કેમ,સંબંધો એટલાં ખેંચાઈ જતાં હોય છે કે ફાટી જાય છે. તુણાઈ જાય છે.પછી આપણે બસ થાગડ-થીંગડ કરી રફું કરાવીને બસ મન વગર એને શરીર ઢાંકવાની ગરજે વારે-તહેવારે લોક લાજનાં ડરે પહેરતાં રહીએ છીએ.
 
     તમારાં  અનુભવોથી સમ્રુદ્ધ અભિપ્રાય આપશો એવી આશાસહ…
 
સ્નેહા-અક્ષિતારક.
૧૫-૧૨-૦૮
૧૨.૩૬ સવારનાં

મૌસમ


તું હોય ત્યાં વાસંતી વાયરાં જ ફેલાય,
પાનખર શબ્દ પણ આવતાં ગભરાય.

તું જીવતી જાગતી મૌસમ છું મારી,
મૌસમનાં ભેદ તારાંથી જ પરખાય.

સ્નેહા-અક્ષિતારક
૨૦-૧૨-૦૮
૧૨.૪૨.બપોરનાં

મનગમતું


એક તમારું નામ બહું ગમે છે અમને,
વારં-વાર ઘુંટવું બહું ગમે છે અમને.

સામે હો તો કહી નથી સકતાં પણ્,
તમને મળવાનું બહું ગમે છે અમને.

નજર ભરીને આંખોમાં સમાવી લઉં,
તમારાં સપનાંઓ બહું ગમે છે અમને.

હોઠ થર-થરીને રહી જાય છે કાયમ,
તમારી વાતો કરવાનું બહુ ગમે છે અમને.

તમે તો અમારાં દિલમાં કાયમ રહો છો,
તમારાંમાં કાયમ રહેવું બહું ગમે છે અમને.

સ્નેહા- અક્ષિતારક
૧૯-૧૨-૦૮.
૨.૩૫ બપોરનાં

કેવી મજા..


પ્રભુ, એવું થાય તો કેવી મજા આવે,
એક દિ’ તું રસ્તે અનાયાસ મળી આવે..

હું દિલભરીને તને જોઈ લઉં,
તારી બધી સ્તુતિઓ ભુલી જઉં.

તારૂં તેજ નયનમાં આંજી લઉં,
તારી પ્રતિભા હૈયે કંડારી લઉ.

તારી કરુણારસે તરબોળ થઉ,
તારા ન્યાયથી સંતુષ્ટ થઈ જઉ.

સ્નેહા..અક્ષિતારક
૨૭-૧૧-૦૮

સ્વપ્ન દુનિયા


એક મસ્ત સપનાની દુનિયા વસાવી છે અમે,
એને વળી સપ્તરંગી ચાદરેય ઓઢાડી છે અમે,
સૂર્યનાં કિરણો રોજ દોડ-પકડ રમે છે ત્યાં,
પંખીઓ સુમધુર સંગીતે ડોલાવે છે ત્યાં,
આવ એક દિવસ તું યે તો બતાવું ત્યાં,
કેટ-કેટલાં ફુલોયે સલામી ભરે છે ત્યાં.

સ્નેહા-અક્ષિતારક
૧૬-૧૧-૦૮.

આધુનિકતાનો શિકાર


આધુનિકતાનો શિકારઃ
————–
આધુનિક્તાની વ્યાખ્યા સમ મૉમ-ડૅડ,
મૉમ  બહેનપણીઓની તકલીફ઼ો દૂર કરવામાં

અને

ડૅડ ધંધાના વિસ્તરણમાં ’ busy’,

ઘરમાં એક માસૂમ કુમળું ફુલ પણ શ્વસતું ને પાંગરતું ,
મૉમ – ડૅડના આધુનિક આંચળની છ્ત્રછાયામાં કચડાતું,
એક વાર ગણિતનાં  કોયડે  અટવાયું,

મૉમ-ડૅડ,”can u  help me please?”

મોબાઇલ અને કોમ્પ્યુટરની સ્ક્રીનમાંથી

બે કાળા માથા અને ચાર સફ઼ેદ આંખો અકળાઇ

” don’t disturb us’

તને કેટલી વાર સમજાવ્યું

જોતો નથી અમે કેટલા busy છીએ

સ્કુલમાં ભણતા શું જોર આવે છે

નાહક અમારા પૈસા બગાડે છે

પ્રશ્ન પૂછતા શિક્ષકે આપેલી સોટીની પ્રસાદી પંપાળતું

આંખમાં ખારો ઉસ સમંદર ભરીને-

ઘરની કાયમી સાથ આપતી દિવાલે અઢેલીને,
માસૂમ દિલ પ્રભુને એક તીખી વેધક નજર નાંખતા વિચારે..
કાશ્.. મૉમ-ડૅડ બનવાની પણ એક સ્કુલ બનાવી હોત તો…!!!

સ્નેહા-અક્ષિતારક
૧૨-૧૦-૨૦૦૮

પ્રેમ


મારો પ્રેમ અમ્રુતસમ,
એના રસે તું બને મુજ્સમ.
ભલે દુનિયા શોધે ત્યારબાદ
તું મુજ ને હું તુજમાં ધ્યાનસમ.

સ્નેહા.
૧૪-૧૧-૦૮

ખાલી – ખાલી…


કેવી આ દુનિયા પ્રભુ તેં ભરી માનવીઓથી,
હર એક માણસ અંદરથી ખાલી – ખાલી…

સ્નેહા-અક્ષિતારક
૧૨-૧૦-૨૦૦૮.

નાદાની


સમયને થોડો બાંધી લઉં છું મારી યાદમાં,
એક નાદાન પ્રયત્ન-
તમારી યાદ કાયમ રહી જાય મારી યાદમાં.

સ્નેહા-અક્ષિતારક
૪-૧૨-૦૮

આમ જુવો તો સ્થિતિ સરખી બેયની…


કાન્હો હર ગોપીમાં રાધાને શોધે,
રાધા હર ગોપે કાન્હાને ભાળે.

વિહવ્ળ હૈયાં વિયોગે સળગે,
એક સરખી સ્થિતિએ તરસે.

એક દેખ્યું ના જાણે અને,
બીજું જાણીને ના માને.

સ્નેહા-અક્ષિતારક,
૧૧-૧૨-૦૮.

ખુશી


એક સનાતન સત્ય સદન્તર મારામાં ધબકે છે,
એક શાશ્વત સુગન્ધ સદન્તર મારામાં મહેકે છે,
એક રમતિલો ઘંટારવ સદન્તર મારામાં રણકે છે,
એક મધુર પ્રભુસ્તુતિ સદન્તર મારામાં ટહુકે છે.

સ્નેહા-અક્ષિતારક.
૧૧-૧૧-૨૦૦૮.

આંટી-ઘૂંટી


heartસગપણની આંટી-ઘૂંટી ક્યાં કદીયે સમજાઈ અમને,
દિલની બારાખડી એ જ સગપણ સમજાયાં અમને.

સ્નેહા-અક્ષિતારક
૧૭-૧૨-૦૮

શમણું


એક સુંદર સમી સાંજે, હતો તું મુજ સંગાથે,
મ્રુગસમ ઊછળતાં – કુદતાં, કુદરતનાં દિવ્ય ખૉળે.

દિલમાં કુંપળ સમ ઉછરતાં કેટલાંયે કુમળા વિચારો એની જાતે,
તન સખીઓ સંગ, મન તુજ સંગ, વિહ્વ્ળ્તા ઝળકે મુજ અંગે.

કાંટો એક ચુભ્યો મુજ હાથે, ત્વરાથી એ ઝાલ્યો તુજ હાથે,
નાજુક્તાની ચરમસીમાએ,કાંટો નીકળી ગયો મ્રુદુતાથી હળ્વે.

તેં થામેલો હાથ કેમ છોડાવું? મન મુંઝાયું થોક-થોક શરમે,
ન તું છોડે, ન હું છોડાવું, લજામણી શી સંકોચાતી મીઠી મુંઝવણે.

લજજાના ટશિયાં ફુટે નયને,અનગિણત ધબક મુજ હૈયે,
આ પળ અહી રોકાઈ જાય, હું ભરી લઉં મન એના સ્પર્શે.

સ્પંદનોના સરકતા નગરે,અણગમતું આ કોણ ડોકાયું?
હં…હવે સમજાયું,આ મિલન-પ્રસંગ તો રચાયો શમણે.

સ્નેહા-અક્ષિતારક
(૨૫-૧૦-૨૦૦૮)