Feeds:
Posts
Comments

તું મને જુવે અને મને લાગે કે
હું સુંદર છું.
તુ મને સ્પર્શે અને મને લાગે કે
હું નાજુક છું.
તું મને વિચારે અને મને લાગે કે
હું લાગણી છું.
તું મને શ્વસે અને મને લાગે કે
હું જીવંત છું.
તું મને અનુભવે અને મને લાગે કે
હું પ્રેમ છું.
તું મને સાંભળે અને મને લાગે કે
હું ખનક છું.
બસ,રે……..
આમ જ તો તું મારી કવિતા છું.

સ્નેહ-અક્ષિતારક,
૩૦-૧૧-૨૦૦૯

રૂણાનુબંધ

રૂણાનુબંધ શબ્દ નથી.એ તો એક મજાનો મોર-પીંછ જેવો હલ્કો ફુલ્કો સંબંધ છે.એમાં લાગણી કોઈ જ આશય વિના આપો આપ હ્રુદય ના ઉંડાણ માંથી ફૂટી નીકળે..તમારી જાણ બહાર જ…એક યોગ ની સાધના જેવો છે આ સંબંધ…જેનુ પરીણામ દિલ ને હંમેશા શાંતી જ આપે છે…..વધુ પછી ક્યારેક દોસ્તો….મસ્ત મજાનો રૂણાનુબંધ વાળો સંબંધ તમારા જીવનમાં આવે એવી આશા સહ…..સરસ્સ્સ્સ્સ્સ…મજાનો દિવસ મુબારક તમને…..
સ્નેહા-અક્ષિતારક
૩૦મી નવેમ્બર,૧૨.૦૩ સવારના

સાવ અચાનક ….

સાવ અચાનક તું શુભ-સવાર કહી દે,
એની મજા જ કંઈક અલગ છે.
સાવ અચાનક તું પ્રેમ વરસાવી દે,
એની મજા જ કંઈક અલગ છે.

સાવ અચાનક ઝાકળિયા સ્પંદનો મનમાં ફૂટી નીકળે
એની મજા જ કંઈક અલગ છે.
સાવ અચાનક દિલના ખૂણે તું ધડકી ઊઠે,
એની મજા જ કંઈક અલગ છે.

સાવ અચાનક તારું અતરીયું સ્મરણ મન ભરી દે,
એની મજા જ કંઈક અલગ છે.
સાવ અચાનક વાદળોની પેલે પાર તારી સાથે ઉડવા માંડું,
એની મજા જ કંઈક અલગ છે.
સાવ અચાનક તારા પગલાં પર પગ ગોઠવી પગલાં માંડું,
એની મજા જ કંઈક અલગ છે.

સાવ અચાનક રેતીમાં આપણા શમણાનું ઘર ઉપસી આવે,
એની મજા જ કંઈક અલગ છે.
સાવ અચાનક જ હું તું અને તું હું થઇ જાઉં,
એની મજા જ કંઈક અલગ છે.

સાવ અચાનક જ બધું જ ધારણાની સીમાઓ તોડીને
એકદમ અચાનક થઇ જાય-
એની મજા જ કંઈક અલગ છે…

એક અનાયાસ જ ખુશીઓનો ખજાનો હાથ લાગી જાય
અને તમારો જીવન-બાગ અચાનક જ મહોરી ઊઠે.
એવી શુભેચ્છા સહ તમને દિલ થી શુભ સવાર….

સ્નેહા-અક્ષિતારક,
૨૫-૧૧-૦૯.સવારના ૧૦.૩૦ મીનીટે

વર્ષોથી એક પ્રશ્ન મારા મનમાં ઘુમતો , ફરતો, અથડાતો આવ્યો છે , “લગ્ન પછી આપણાં સમાજ માં સ્ત્રીઓએ જ શું કામ સાસરે જવાનું?” આવો કાયદો કોણે ઘડ્યો હશે અને ક્યારે ઘડાયો હશે? ઘડ્યો તો ઘડ્યો પણ એને સર્વાનુમતે કે યેન કેન પ્રકારેણ આ સમાજ પર કોણે ઠોકી બેસાડ્યો હશે??

એક બાજુ જ્યારે સમાજ એકદમ મજબુતાઈથી કહે છે કે સ્ત્રી એક અબળા નારી છે અને બીજી બાજુ એ જ સમાજ કહે છે કે દરેક સ્ત્રીમાં એક ગજબની કોઠાસૂઝ હોય છે.એ દરેક પરિસ્થિતિમાં પોતાની જાતને આસાનીથી ઢાળીને સંજોગો અનુસાર જીવી શકે છે.મને આ સમાજ ના બેવડા ધોરણો બહુ જ ગુંચવે છે.સમજાતા જ નથી.જ્યારે મન થયું ત્યારે સબળા ને જ્યારે સમય આવે અબળા..!!

ચાર આંગળીને પ્રકૃતિ (નારી)કહે છે અને અંગુઠાની પુરુષ ની સાથે સરખામણી..! એક અંગુઠા વગર ચારે ય આંગળી નકામી.!બસ..મારી મચડીને લોકો મન ફાવે તેમ ઉદાહરણો આપી આપીને સ્ત્રીઓને સમજાવે રાખે છે કે તમે ગમે તેટલી ટોચ પર જાઓ પણ રહેશો તો હંમેશા પુરુષોના પગની જૂતી જ…!!!નારીને રૂડા-રૂપાળા નામ ના આંચલ હેઠળ ડાહી ડાહી કહીને સમાજના અમુક બંધનોમાં બાંધી રાખવાની.શું ડાહી એટલે ખોટી વાતો ચલાવીને બધે કોમ્પ્રોમાઈઝ કરતા રહેવું એજ ડાહી આદર્શ ભારતીય નારીની જીંદગી..???એણે પરણીને પતિદેવ માટે બે-બે દાયકાના માવતરના સંબંધો પળવારમાં છોડીને એક ઝાટકે જાતને મૂળ સમેત ઉખેડીને સાસરાના ક્યારામાં રોપી દેવાની.ભલે ને ક્યારો ગમે તેવો હોય,હવામાન અનુકુળ આવે કે ના આવે.,કાળજીરુપી ખાતર એણે નંખાય કે ના નંખાય,એણે તો સદાય હાસ્ય સમેત મઘમઘતા જ રહેવાનું અને કાંટા વગરના ગુલાબના ફૂલો આપતા જ રહેવાનું.!!!કેમ….?

સમાજ હંમેશા સ્વીકારતો આવ્યો છે કે નારીઓની માનસિક મજબુતાઈ પુરુષોથી ક્યાંય વધુ હોય છે.તો પછી શારીરિક મજબુતાઈને મહત્વ આપીને કાયમ પ્રાધાન્ય કેમ અપાય છે?અમુક વાર તો સ્ત્રીઓ નાજુક ઘડામણ છતા શારીરિક રીતે પણ પુરુષોને પાછા પાડતી આવી છે.!!ચાલો માન્યું કે પુરુષો વધુ મજબુત તો એ કેમ લગ્ન કરીને સાસરે ના જાય? કેમ પોતાની જાતને સાસરીના વાતાવરણને અનુરૂપ ઢાળી ના શકે?આ ભેદ-ભાવ કેમ…?

ભગવાને ઉપરથી તો કઈ રિવાજોનું સૂચી-પત્ર બનાવી ને મોકલ્યું નથી ને? આ બધાનું ઉદ્ભવસ્થાન તો નીચે રહેલા મનુષ્યોનાં મગજ ની જ દેન છે ને? જો કે સમાજમાં એકાદ-બે રડ્યા ખડયા કિસ્સા અપવાદરૂપે નીકળી આવે છે , જેમાં સંતાનો પોતાની માની અટક પોતાના નામ સાથે સગર્વ જોડે છે.બાકી તો દીકરી પોતે જ પોતાની પિયરની મૂળ અટક ભૂલી ગઈ હોય છે. વળી પરણ્યા પછી પોતાના માબાપ વિષે એ સાસરીમાં વધુ પડતી ચર્ચા પણ ના કરી શકે કે લાયક હોવા છતા વખાણ પણ ના કરી શકે. કોણ જાણે કેમ પિયર હંમેશા સાસરીથી નીચું હોય તો જ સાસરીનું ગર્વ વધે.કેમ એમ..??? મા-બાપ વખાણવા યોગ્ય હોય તો તમે ગર્વથી કેમ એમના વિષે બોલી ના શકો? મા-બાપ પર ગર્વ કરવો  એ તો દરેક સંતાન નો હક છે તો એ હક દીકરીઓ પાસેથી ઝુંટવી લેવાય છે..!!કેમ…?

 વળી મા-બાપ જો આર્થિક સંકડામણમાં હોય તો દીકરી પોતાની મરજીથી પોતાની કમાણીમાંથી એમને મદદરૂપ પણ ના થઇ શકે.એના માટે પણ એણે પતિ -સાસરી વાળાની મરજી અને રજામંદીને આધીન રહેવાનું.પતિદેવ કેટલું પૂછી પૂછી ને માબાપ ને પૈસા આપે છે? એ તો દીકરાના મા – બાપ નો હક કહેવાય…વાહ રે સમાજ…આવા ભેદ-ભાવ કેમ…?
સમાજમા થોડા ઘણા કેસ આનાથી વિરદ્ધ હશે ..પણ મોટાભાગે આપણા ભારતીય સમાજમાં સ્થિતિ તો આ જ રીતે જોવામાં આવી છે.વર્ષોથી શ્રી રામ ના સમય થી કે અત્યારના રેમ્બો કલ્ચર સુધી….કેમ…??


અહી પુરુષોને દુખ પહોંચાડવાનો કોઈ જ આશય નથી.આ તો સમાજમા જે ચીલો પડેલો છે એ રીવાજ પર ગુસ્સો છે. એ બાજુ ખાસ ધ્યાન દોરું છું…

સ્નેહા-અક્ષિતારક,
૨૨-૧૧-૦૯,બપોરના ૫.૦૦વાગ્યાનાં.

 

u can see more discussion at orkut community..

http://www.orkut.co.in/Main#CommMsgs?cmm=40756757&tid=5416338963148496045&start=1

રડાવી ગયો

ચોસલાં પડી ગયા વદને તારી રાહ જોતા,
બહુ વર્ષો કાઢ્યા આમ જ મેં તારી રાહ જોતા.
ડાબા મગજે (દિલથી) કરેલો તને અઢળક પ્રેમ,
જમણાં મગજને (દિમાગને)રડાવી ગયો તારી રાહ જોતા…

સ્નેહા-અક્ષિતારક .
૪-૧૨-૦૮

પથ્થર સમ વજ્રતા તમને મુબારક,
અમે તો લજામણી સમ મૃદુ જ રહીશું.
તમને છો ઘમંડ તમારી મજબૂતાઈનુ,
અમે નાજુકાઈથી તેમાં કોતરાઈ જઈશુ.

સ્નેહા-અક્ષિતારક .
૪-૧૨-૦૮

કદી કોઈને એટલું યાદ કર્યા છે તમે કે
પેટમાં જાણે જાત ચૂંથાઈ જાય,
અમળાઈ જાય ,
શરીરમાં ડાબી બાજુ છાતીમાં કોઈ નામ
સતત જીવલેણ સબાકા મારે.
મગજ દિશાશુન્ય થઈ ક્યાંક કોઈક વિચાર-ખાઈની
ધાર પર અડધું બહાર લટકતું રહે ,
ક્યારે સંતુલન ખોરવાઈ જાય કહેવાય નહિ..??
રક્ત-પ્રવાહ શીરા-ધમની બધું ય ફાડીને
રૂંવે-રૂંવે ચૂઈ પડે..!!
આંખમાં રમતા રહેતા સપના એવા અંધ કરી જાય કે
એક કસુંબલ નામ સિવાય કઈ જ ના વંચાય,
વિરહમાં આખે-આખી જાતને સળગી જતી અનુભવી છે તમે…???

સ્નેહા- અક્ષિતારક ,
૨૦-૧૧-૨૦૦૯

એકલતામાં નેટ પર સર્ફીંગ કરતા-કરતા,
લાગણી ડોટ કોમ પર માઉસ અટકી ગયું.
હળાહળ કાતિલ એકલતાના પર્યાયરૂપે,
લોગ-ઈન કર્યું.
અરે..રાફડો ફાટયો છે ને ઊર્મિશીલતાનો તો અહીં..!!!
ખુશી મમળાવતા મમળાવતા એક ચોકલેટ જેવા
નામનો ટુકડો ઉઠાવ્યો,
સંવેદનાનાં ઝરણાં વહેતાં હશે આનામાં,
ચોક્ક્સ.
ત્યાં તો,
નેટીયો ચેહરો ફાડીને એક રાક્ષસ બહાર આવ્યો,
મારામાં જે વધેલ-ઘટેલ વિશ્વાસ,પ્રેમ,ખુશીઓ હતી,
તે બધુંયે …ઑહીયા…!!!
હવે ખ્યાલ અવ્યો,
લાગણી ડોટ કોમ એટલે,
એનેસ્થૅશીયા આપ્યા વગર,
દિલ ચીરી નાખતું ઓપરેશનથિયેટર…!!!

સ્નેહા-અક્ષિતારક,
૧૭-૧૧-૨૦૦૯.સાંજના ૮.૦૦ વાગ્યે.

જિજીવિષા:

2012-film

 

આજે હતો ૧૪મી નવેમ્બર-બાળદીન.એટલે આપણા બચ્ચાઓને મોજ મજા કરવવાનો દિવસ.આ તો આપણે રોજ બરોજ ની જીન્દગીના મા-બાપો ની વાત છે .બાકી એની અલગ અલગ વ્યાખ્યાઓ હોઈ શકે.હા તો, આડે પાટે ગાડી જાય એ પહેલાં મેઈન વાત. લાડકવાયાની જિદ્દને વશ થઈ એને હમણાં જ આવેલ અંગ્રેજી નું હિન્દીમાં અનુવાદિત ફિલ્મ “૨૦૧૨” જોવા લઈ ગઈ. 
ફિલ્મની વાર્તા વિશે સાંભળીને મને એમ હતું કે મારા લાગણી પ્રધાન સ્વભાવને બાજુમાં મૂકીને ,માનવીના માથે ચડેલાં દિમાગથી (હું આમ કહું છુ કારણકે એ મારી વાત સાથે કાયમ અસંમત જ હોય છે,મારી સાથે હંમેશા ઝગડતુ જ રહેતું હોય છે) જ ફિલ્મ જોવાની છે.મારું દ્રઢપણે માનવું છે કે એક્શન ફિલ્મ હંમેશા દિલ બાજુમાં મૂકીને જ જોવાય કાં તો આપણી હિન્દી ફિલ્મો જેમાં દિમાગ ઘરે મૂકીને જવું પડે અને ડિરેકટર જે પ્રમાણે સમજાવે એ સાચી માનીને,સ્વીકારીને જ જોવાય.

ફિલ્મ શરુ થઈ અને ભૂસ્તર-શાસ્ત્રીઓની ચર્ચાઓ-નજીકના ભવિષ્યમાં સૌરમંડળ ના તમામ ગ્રહો સૂર્યની સાથે એક સીધી લીટીમાં આવી જશે અને તેના કારણે ભૂગર્ભમા જમીનની પ્લેટો ખૂબ મોટા પાયે પોતાના સ્થાનેથી ખસી જશે અને એક બીજા સાથે અથડાશે. આ અથડામણમાં જમીનમાં રહેલો લાવા બહાર આવશે જેના કારણે અતિશય ગરમી પેદા થશે પરિણામે જળ ત્યાં સ્થળ અને સ્થળ ત્યાં જળ જેવી સ્થિતિ ઉભી થશે.મંતવ્યો,અનુમાનો અને છેલ્લે છેલ્લે એક વિનાશકારી ભવિષ્યવાણી,”૨૧ ડિસેમ્બરે ૨૦૧૨ દુનિયામાં પ્રલય આવશે,ચારે બાજુ વિનાશ-હાહાકાર…અને આખી દુનીયાનો એક ઝાટકે -એક સાથે અંત…”આ દિવસને તમે ડુમ્સ ડે કે જજમેન્ટ ડે પણ કહી શકો.દિલ થોડું ભારે થઈ ગયું.એક નાગમતી લાગણીથી બેચેન થવા માંડ્યું.આપણે સર્જનના માનવીઓ અને આવી વિનાશની વાતો જરા તકલીફ પહોંચાડે.

ત્યાં તો એકદમ જ કેલિફોર્નિયાની ફુલગુલાબી સવાર દેખાઈ અને દેખાયું દરેક વાર્તામાં હોય છે તેમ જ તલાક લીઘેલ વિદેશી કપલ..!હંમેશા આ અંગ્રેજી સંબંધોમાં મારો દીકરો બહુ ગૂંચવાય..,”મમ્મી, આમાં કોણ કોના બાળકો? કે પછી આની પત્ની કઈ અને તો પછી આ બીજો હીરો કોણ અને એ બાળકો અને એ બીજા હીરો વચ્ચે શું સંબંધો?” આ જોઈ પાછું મને થયું કે હમણાં એના પ્રશ્નોની વણઝાર ચાલુ થઈ જશે.ત્યાં તો એક્દમ જ પેલા નફિકરા,તલાકશુદા પતિનું પાત્ર એકદમ જિમ્મેદાર વ્યક્તિમાં ફેરવાઈ ગયુ..!! એની ગમે તેવા આપત્તિકાળ દરમ્યાન મગજ પર પૂરતો કાબૂ રાખીને,પળના સો મા ભાગમાં નિર્ણય લેવાની ત્વરિત શક્તિ જોઈને હું તો આભી જ થઈ ગઈ. વિશાળ લિમોઝીન ગાડીમાં ફિલ્મનો નાયક એની ભૂતપૂર્વ પત્ની,એનો વર્તમાન પતિ અને એના બે બાળકો જે એની ભૂતપૂર્વ પત્ની સાથે રહેતા હોય છે એ બધાને લઈને , ભીષણ ધરતીકંપથી ફાટતી ધરા પર જે દિલ ધડક રીતે અને હૈયે અઢળક,બેશુમાર હામ રાખી ને ગાડી ચલાવે છે તે ફોટો ગ્રાફી અને અભિનય કાબિલે તારીફ છે.ચોમેર ધરતી ક્યારે મોઢું ફાડી દેશે કંઈ જ ખબર ના હોય ,બસ ફક્ત અનુમાન અને જ્યાં શક્યતા દેખાય ત્યાં બેફામ ગાડી ચલાવવાની,ગમે તે ઘડીએ જીવન ની છેલ્લી ઘડી..આ સંજોગોમાં પાછી બીજા ચાર જીવની જિમ્મેદારી..અને એ બધામાંથી પાર ઉતરીને હેમ-ખેમ  એ બધાને જે રીતે વિમાનના રન-વે પર લઈ જાય છે…ઓહ..આટલું જોતા જોતા તો દિલ સાથે દિમાગ પણ પૂરી રીતે ફિલ્મમાં involve થઈ ગયું..વળી એક વિચાર એ પણ આવ્યો કે વિદેશીઓ જે સહેલાઈથી સંબંધો તોડે છે એ સહેલાઈથી અને સરળતાથી નવા અને એ અટપટા સંબંધો અપનાવી પણ શકે છે.જ્યારે આપણે સંબંધોનું ખંડન અને એનું સંધાન બેમાંથી એક પણ એટલી સહેલાઈ થી અપનાવી શકતા નથી..નાયક પર માનની લાગણી થઈ ગઈ એ ખેલદીલી જોઈને …

વધુ કાલે નવી પોસ્ટિંગરૂપે ..તો મળીએ કાલે..જેટલો બને એટલો જલ્દી પ્રયત્ન કરીશ ટાઈપ કરવાનો.જેથી તમારો રસભંગ ના થાય મિત્રો.  ___________________________________________________________ 

તો મિત્રો, આ સાથે આજે કાલનું અધુરું મૂકેલુ કાર્ય અહીં પૂરુ કરુ છું. 

___________________________________________________________ 

  
એ પછી વાત આવી એક ભાંગી-તૂટી ગાડીમાંથી એક ધૂની પાગલ માણસના રેડિયો-પ્રસારણની ધૂનની..!! અજીબ પાગલ હતો એ, લોકો સુધી સૌ પ્રથમ સંદેશો પહોંચાડવાની એની લગની સાચે કાબિલે તારીફ હતી. એટલી હદે પાગલપણ એની નસોમાં વહેતું હતું કે સામે જવાળામુખીન નજરે જોયેલા દ્રશ્યો એને દિવાળીની આતશબાજી જેવા લાગતા હતા અને એ રીતે જ એ હર્ષનાદ કરતો હતો..એનાં છેલ્લા શબ્દો, “મિત્રો,યાદ રાખજો આ ખબર તમારા સુધી પહોંચાડનાર સર્વપ્રથમ વ્યક્તિ હું હતો” ..કામ માટેની એની આ પ્રામાણીક ધૂનને અશ્રુ અંજલિ સાથે લાખ લાખ  વંદન થઈ જાય છે.
 
ચીનીઓ આ આવનારા મહાકાય પ્રલયની સામે બાથ ભીડવાના પ્રયાસ રૂપે બચાવ-જહાજો જે ત્વરાથી તૈયાર કરે છે એ સાચે ચીનીઓની કામ પ્રત્યેની વફાદારી પર માન કરાવી જાય છે.
 
ફિલ્મમાં એક પિતા જે પોતાના દીકરાને અનહદ નફરત કરતો હોય છે. ક્યારેય એની સાથે વાત પણ નથી કરતો એને જ્યારે ખબર પડે છે કે પ્રુથ્વી હવે પ્રલય ને આરે છે તો અનાયાસે જ એનો હાથ ફોનનું ચકરડું ઘુમાવી દે છે.સામે છેડે એની નાનકડી પરી જેવી એની પૌત્રી ફોન ઉપાડે છે તો એ, “બેટા, હું તારો દાદો” એમ પણ નથી કહી શકતો. એનો પુત્ર ફોન પર આવે છે અને હેલો..હેલો…બોલતા સુધીમાં તો ધડામ અવાજ..અને બધું જ ખલાસ…વર્ષો પછી પુત્રની સાથે વાત કરવા ઈચ્છતા પિતાને એના પુત્રની મરણચીસો સંભળાઈ હશે ત્યારે… એની દશા કેવી ઘાયલ..!!
આપણા જીવનનો છેલ્લો દિવસ હોય એમ આપણને ખ્યાલ આવે તો, તમને પહેલો વિચાર શું આવે એ કદી વિચાર્યું છે દોસ્તો? ખાલી એ વિચાર જ આપણને કેટલો લાચાર, પરવશ અને નિઃસહાય બનાવી દે છે.!!જેના માટે આપણે બાળપણમા મીઠા મધુરા હાલરડાં ગાયા હોય, “તમે મારા દેવના દીધેલ છો, તમે મારા માંગી લીધેલ છો, આવ્યાં ત્યારે અમર થઈને…….” આપણે કશું જ ના કરી શકીએ એ દીકરા માટે.આપણી નજર સામે જ આપણાં આપ્તજનોને મોતના મોઢામાં હોમાતા જોવાના. સતરામ કરીને ભારતીય વૈદ્યાનિક જેણે સૌ પ્રથમ પ્રલયની સંભાવના વ્યકત કરેલી એની સામે સુનામીના પ્રચંડ મોજા ૨૫-૨૫ ફૂટ ઊછળતાં હતાં.. પાછળ સૂર્ય ડૂબતો જતો હતો એમની જિંદગીના સૂરજની જેમ જ તો અને એ લાચાર થઈને પોતાની પત્ની અને દીકરાને પોતાના બાહુમાં સમાવીને જાણે એમને બચાવવાનો એક છેલ્લો પ્રયાસ કરતા કરતા જાણે શાહમ્રુગની જેમ રેતીમા માથું ખોસી દે છે… કોણ જાણે એમ કરતા મોત પાછું વળી જવાનું ના હોય.!!
 
માનવ – સ્વભાવની બીજી એક ખાસિયત પણ આવા કટોકટીના સમયે છતી થઈ જતી દેખાઈ. આવા સમયે માનવી કેટલો સ્વાર્થી થઈ શકે છે એ દર્શાવ્યું છે. જહાજમાં અનેક લોકોને સમાવી શકવાની ક્ષમતા હોવા છતાં હજારો, લાખો લોકોને રોતા-કકળતા મૂકીને જહાજના દરવાજા બંધ કરી દેવાય છે. જહાજમાં ચડવાના મરણતોલ પ્રયાસમાં લોકો એક-બીજાને ધકકા-મુક્કી કરતા કરતા કીડી-મંકોડાની જેમ સામૂહિક મરણને શરણ થાય છે. એ દ્રશ્ય જોઈને આંખોમાં આંસુ આવી જાય છે. ત્યારે માણસાઇ હજી મરી નથી પરવારી એના નમૂનારૂપે જહાજમાં રહેલો જીઓલોજીસ્ટ બીજા જહાજમાં રહેલા બધા દેશના પ્રમુખોને આજીજીપૂર્વક પ્રાર્થના કરે છે કે જહાજમાં હજી ખાસી એવી જગ્યા છે અને આપણે શક્ય એટલા વધુ લોકોને જીવતા રાખવાનો પ્રયાસ કરવો જોઈએ. એની વાત સાંભળીને જહાજના દરવાજા લાખો લોકો માટે ફરી ખોલી દેવાય છે.. સાચે, આપત્તિકાળ દરમ્યાન જ દરેક માણસમાં વસતો સાચો માનવી કે પશુ બહાર આવે છે.
 
જયારે જહાજનો દરવાજો ફરી બંધ નહોતો થતો ત્યારે ફિલ્મનો નાયક જીવના જોખમે એ સાહસ ખેડવા તૈયાર થાય છે અને એ જતા – જતા તેની ભૂતપૂર્વ પત્નીને આશ્વાસનરૂપે એક દીર્ઘ ચુંબન કરે છે, “કે મને કંઈ જ નહી થાય. હું હેમ-ખેમ પાછો આવીશ, વિશ્વાસ રાખજે.”ત્યાં થિયેટરમાંથી ફિલ્મમાં ઓત-પ્રોત દર્શક એટલો ટાઈમ પણ જાણે વેડફાતો જોઈને સહન ના થતો હોય તેમ બરાડી ઊઠે છે કે, “જા ને ભાઈ હવે,,જીવનમાં દરેકને મરવા ટાણે આવો ચાન્સ નથી મળતો.. જલ્દીથી દરવાજા બંધ કર તો હવે જહાજ ઉપડી શકે સમયસર અને બધા બચી શકે. નહી તો માનવજાતિનું નિકંદન નીકળી જશે.”એક મિનિટ તો એ સાંભળીને ગુસ્સો આવી ગયો પણ વળતી જ પળે વાત સોળ આના જેટલી સાચી લાગી કે, “હા,મોત થોડું કંઈ પૂછીને આવે છે?”  કોઈક ભગવાન-પ્રિય માનવી જ પોતાના સ્નેહીઓથી પ્રેમ-સભર વિદાય લઈ શકે છે. દિલ ની વાત કહીને રાહત અનુભવતા અનુભવતા શાંતિથી મરી શકે છે.
માનવીમાં એક અખૂટ, અદ્રશ્ય શક્તિનો સ્ત્રોત વહેતો હોય છે. એની ઝાંખી ફિલ્મમાં દરેક મરતા જતા વ્યક્તિના જીવતા રહેવાના પ્રયાસોમાં ભરપૂર દેખાઈ. “જિજીવિષા” આ શબ્દ બહુ જ ગહન ચિંતન માંગી લે તેવો છે. માનવી પાસે જીવનનો કોઈ જ વિકલ્પ ના હોય ત્યારે એ મરણિયો બનીને હેરત-અંગેજ કારનામા કરી નાખતો હોય છે જેની તમે જીવનમાં કલ્પના સુધ્ધાં ના કરી હોય. બચાવ-જહાજોના દરવાજામાં કંઈક ફસાઈ જાય છે અને એના કારણે જહાજના દરવાજા બંધ નથી થઈ શકતા. એના વગર જહાજ ચાલુ કઈ રીતે થાય?? ત્યારે ફિલ્મનો નાયક જીવ-સટોસટીના ખેલ કરીને એ હટાવવા તૈયાર થાય છે. અને એમાં સાથ આપે છે એનો ૧૦-૧૨ વર્ષનો દીકરો..!! એની એના પિતા પ્રત્યેની નફરત, પોતાની નાની ઉંમર અને સામે પ્રચંડ સુનામીનો ડર એ કશું જ ધ્યાન રાખ્યા વગર એ પોતાની પાસેની નાનાકડી ટોર્ચ લઈને પોતાના પિતાને બને એટલો સાથ આપવા એક પણ પળનો વિલંબ કર્યા વગર પાણીમાં ખાબકી પડે છે. અંતમાં એ બંને અનેક મુશ્કેલીઓનો સફળતાથી સામનો કરીને એ ફસાયેલું લાકડું બહાર કાઢે છે ત્યારે બહાર થિયેટરમાં રહેલ દરેક પ્રેક્ષક જાણે પોતે બચી ગયા હોય તેવો ભાવ અનુભવે છે. 
 
છેલ્લે એક યાદગાર ડાયલોગ સાચે યાદ રહી ગયો કે આવી કુદરતી આપત્તિઓ જ આપણને એક બીજાની નજીક લાવે છે. આપણે માનવીઓ જ આ પ્રુથ્વીના ભાગલાં પાડીએ છીએ આ ચીન, આ ભારત, આ અમેરિકા, આ આફ્રિકા …. બાકી તો આપણે બધાં ક્યાંક ને ક્યાંક મૂળમાંથી એક બીજા સાથે ક્યાંક ને ક્યાંક જોડાયેલા જ છીએ.
 
અઢળક સંવેદનો, રોમાંચ, માનવતા, સ્વાર્થીપણું, આગેકૂચ કરી રહેલું પણ તો પણ ભગવાન સામે લાચાર આપણું સાયન્સ, માનવીને મોતના મુખમાંથી પાછી ખેંચી આવતી પ્રબળ જીજીવિષા અને સૌથી વધારે તો તેની સ્પેશિયલ ઈફેક્ટ-(SKF).. કેટ-કેટલા મિશ્ર પાસાઓનો ખૂબીથી સમાવેશ કરાયો છે આ પિકચરમાં.
 
દિલ-દિમાગમાં હલચલ મચાવતી આ ફિલ્મે દિલના પેટાળમાં  (હૃદયનાં ઉંડાણમાં )સાચે પ્રચંડ પ્રલય લાવી દીધો.

સ્નેહા-અક્ષિતારક,

૧૬-૧૧-૦૯. બપોરના ૧.૦૦ વાગ્યે.

 

 

નાડ અમારી જોઈ ને વૈદ્યો પણ ચકરાઈ ગયા,
ઊંડા વિચારના દરિયામાં ખોવાઈ ગયા,
જાણમાં આવો રોગ નથી હજી અમારા તો,
આના હાલ કેમ આવા થયા..???
રે ભલા….
કોઈ જઈને સમજાવો એમને જરા,
એ આજે એક પ્રેમઘેલીની નાડ પકડી બેઠા…

સ્નેહા-અક્ષિતારક,
૨૦મી એપ્રિલ,૨૦૦૯

« Newer Posts - Older Posts »