‘બાય બાય -૨૦૧૧’.

આ ‘૨૦૧૧’ની સાલે કેટલું બધું આપ્યું છે મને..

અધધધ…!!

આ વર્ષને સાવ આમ જૂનું કેમનું કરી દઊં..?

કેટ-કેટલી યાદગાર ઘટનાઓ

લીલીછમ ક્ષણો

સોનેરી સંભારણા

યાદોના રુપેરી ચંદરવા

કંકુ ને અક્ષત લઇને વધાવેલી

એ નવી નવેલી ઘડીઓ

હવે એકદમ જ ઘરડી

પાનખર..!!

સાવ આમ તો

એને કેમની વિદાય આપી દઊં..!!

આ પળો

આવતા વર્ષે પાછી ગળે મળશે કે..?

મારા આંગણે ખુશીઓની રેલમછેલનું ‘રીપીટ ટેલીકાસ્ટ’ થશે કે..

પળો વચન આપી શક્તી હોત તો જોઇતું’તું જ શું..

પણ વહેતા સમયને ક્યાં કદી બાનમાં રાખી શકાયો છે..

વળી એવા માલિકીહક મને શોભે કે..

કેટ કેટલી અવઢવ..

પણ સાવ આમ જ છેડો ફાડી દેવાનો.

આ…વ…જો કહીને વિદાય જ કરી દેવાનું કે..!!

સાંભળ્યું છે કે ‘પરિવર્તન સંસારનો નિયમ છે.’

પરિવર્તનશીલ લોકો જ દુનિયાને વધુ ગમે

વધુ ડાહ્યાં લાગે..

ભૂતકાળને ભૂલો, ભવિષ્યની ચિંતા છોડો..વર્તમાનમાં જ જીવો..

૩૬૫ દિવસનો સંગાથ તો પત્યો હવે.

સારું ત્યારે…

આમે કંઇ તું મારી ‘આવજો’ની રાહ થોડી જોવાની છું..!!

એના કરતાં ‘સમય વર્તે સાવધાનવાળી’ કરી દઊં છું.

મન તો નથી થતું પણ તને આવજો કહી દઊં છું..

આવજે મારી વ્હાલુડી ‘૨૦૧૧ની સાલ’..!!

હા એક ભલામણપત્રની અરજી

મન થાય તો સહી કરજે…

આવનારી નવી-નવેલી ‘૨૦૧૨’ને

તારા અનુભવો, આશીર્વાદ વારસામાં આપતી જજે.

પછી તો હરિ ઇચ્છા બળવાન..

આમે મારો વ્હાલીડો અંતે

જે છે, જેવું છે એને ચાહતા પણ શીખવી જ દે છે..

‘બાય બાય -૨૦૧૧’.

સ્નેહા પટેલ

વિદ્વતા

જે વિદ્વતા તમારા વર્તનમાંથી છલકે એ જ ખરી, બાકી બધા તો નાહકના ઉધામા જ..

-સ્નેહા પટેલ

મૂર્ખા

સરળ માણસો આગળ પોતાની વિદ્વતા દર્શાવવાની કોશિશ કરનારા મૂર્ખા દેખાય છે.

-સ્નેહા પટેલ

ભૂલ

‘જે નિહાળી નથી એવી દુનિયાનું અસ્તિત્વ જ નથી’ આવો વિચાર એક ભૂલ છે.

-    સ્નેહા પટેલ

સહન

સાચા માણસો ખોટું વર્તન સરળતાથી સહન નથી કરી શકતા.

સ્નેહા પટેલ.

 

કિનારાની ફેરબદલ

 ફૂલછાબમાં ‘નવરાશની પળ’નો લેખ

બીજી તરફ છે બધી વાતમાં હિસાબ-કિતાબ,

અહીં અમારા જીવનમાં કોઈ ગણિત નથી.

-મરીઝ

“આ રોજ રોજ નાહીને તારો ભીનો ટુવાલ પલંગ પર નાંખે છે, નેપકીનની જગ્યાએ ટોવેલથી હાથ લુછ્યા કરે છે- આખો દિવસ ટોવેલ થોડી ધોવા નંખાય..જે કામ માટે જે વસ્તુ હોય એનો ઉપયોગ કેમ એના માટે જ ના કરી શકાય ?  વળી જે વસ્તુ જ્યાંથી લે છે ત્યાં પાછી મૂકતો નથી, બાથરુમમાં પણ જ્યારે જોઇએ ત્યારે ભીનું ને ભીનું..નકરું ધૂળિયા પગલાંઓની છાપથી ભરેલું, છાપું વાંચતા-વાંચતા ચોકલેટો ખાઈને રેપર વળી પલંગ પર..તે આ આખો દિવસ મારે આ સાફ સફાઇનું કામ જ કર્યા કરવાનું ?  સામે તમે બાપ-દીકરા  આખો દિવસ એને ગંદુ કરવાની અવિરત પ્રક્રિયાઓ ચાલુ જ રાખો. થોડું સમજીને રહો, ઘરને ઘરની જેમ સમજો તો કેટલું સારું રહે ? ગમે તેટલી સાફસફાઈ કર્યા કરો  પણ  જ્યારે કોઇ વસ્તુની જરુર હોય ત્યારે એ હાથવગી હોય જ નહીં ને..”

ઋત્વીની તપેલી ખોપડી આજે જીભ પરનો કાબૂ ગુમાવી બેઠેલી. આજે એને થોડી શરદી અને ખાંસી જેવું હતું. રાંધવાનો જ મૂડ નહતો આવતો. એમાં આવું અસ્ત વયસ્ત ઘર. ઋત્વી ઘરની સફાઈ બાબતે બહુ જ ચોક્કસ.જોકે જ્યારે સમય ના ફાળવી શકે અને ઘર થોડું પણ વેરણ છેરણ રહે ત્યારે એ વધારે પડતી ચોકસાઇ એને આવા ડીપ્રેશનની ભેટ પણ આપી જતી.

હવે સામે પક્ષે રહેલો અભિજીત.. ઓફિસે જવાની ઉતાવળમાં મોબાઇલ, ગાડીની ચાવી, લેપટોપ,હાથરુમાલ, મોજા…બે હાથમા નકરી ઝંઝાળોની દુનિયા સમેટીને દોડાદોડ કરતો હતો અને એમાં ઋત્વીની આવી વાતો…!!

એનો પિત્તો ગયો અને એક્દમ જ એ બરાડી બેઠો,

‘અરે, કોક દિવસની વાત છે. આવું તો થઇ જાય….’

‘ના તું રોજ આમ જ બેદરકારીભર્યુ વર્તન કરે છે અભિ, ઘરને હોટલમાં કંઇક તો ફર્ક સમજ..’

‘ ઋતુ, રહેવા દે ને, હમણાં હું તારી ‘કેરલેસનેસ’ના આવા ઉદાહરણ બતાવવા બેસીશ તો તને પણ…જવા દે ને’અને બાકીના વાક્યો ધીમે ધીમે બબડાટના સ્વરુપે જ નીકળવા માંડ્યા. જેમાંથી અડધા ઋતુને સમજાયા અને અડધા ઉપરથી જ ગયા.

બે પળ માટે તો ઋત્વી એક્દમ  હતપ્રભ થઇ ગઈ.

‘અભિ, સાવ આમ કેમ વર્તે છે તુ ? મેં શું ખોટું કહ્યું? તું મને કહે કે ઘરમાં ક્યાં અસ્તવ્યસ્તતા છે?તું ખૂલીને વાત કરે તો મને કંઇક સમજ પડે ને?’

‘ઋત્વી વાત કરવાથી આગળ શું પરિણામ આવે છે એની તને પણ ખબર છે જ ને…આપણે નાની નાની વાતમાં ઝગડી પડીએ છીએ અને એકબીજાનો આખો દિવસ ખરાબ..જવા દે ને એના કરતાં.’

પણ ઋત્વીએ આજે જાણે પ્રણ લીધેલું ,

‘અભિ, તું જો વાત કરવાની તૈયારી સાથે આવે તો જ વાત થાય.’

‘મતલબ..?’

‘મતલબ એક્દમ સાફ છે. તને ઘરમાં ક્યાં શું ખૂંચે છે એ ખુલ્લા દિલે મને કહે તો મને  મારી એ ભુલ સુધારવાની સમજ પડે. બની શકે એ અસ્ત્વ્યસ્તતા પાછળ પ્રત્યક્ષપણે ના દેખાતી મારી કોઇ શારીરિક કે માનસિક મજબૂરીઓ પણ હોય. પણ જો તું  એ વાત સમજવાની તૈયારીરુપે મારી પાસે આવીશ તો જ એ તને સમજાશે. તારા મગજમાં આગળની ચર્ચાઓના પૂર્વગ્રહોના પોટલા લઈને જક્કી વલણ દાખવવાની તૈયારી સાથે આવીશ તો ‘તું તારી’ અને ‘હું મારી ‘વાત સાચીના છેડા પકડીને બેસી રહીશું.પરિણામે વાત જ્યાં હોય એના કરતા વધુ બગડીને ઉભી રહેશે.’

હવે અભિને સમજાયું કે હા..વાત આમ પણ હોઇ શકે..એની બાજુ ગયા વગર મને એની વાતનો ખ્યાલ કઈ રીતે આવે. આમ મારી રીતે એની મૂલવણી કરીને, એને  પકડીને ચાલવાનું જડ વલણ ધરાવતા માન્યતાઓના ઢગલાં ઊભા કર્યા કરવા એમાં સમજદારી તો ના જ કહેવાય.’

અને એણે હાથમાંથી બધું ય બાજુમાં મૂકીને ઋત્વીનો હાથ પકડીને  એની સમજવાના અને પોતાની વાત સમજાવવાનો પ્રયત્ન કર્યો.

વાતમાં કંઇ જ નહોતું. થોડું ઋત્વીએ તો થોડું અભિએ સામ સામે છેડે નિહાળવાનું અને એકબીજાની સ્થિતીને સમજવાનું હતું. બેય પક્ષે પૂરતો પ્રેમ હતો, સમજણ હતી, એકબીજાની સંભાળ લેવાની વૃતિ હતી,થોડું જતું કરવાની ઉદાત્ત ભાવના હતી, પછી તો ક્યાં કોઇ તકલીફ્ જ હતી..!!

અડધા કલાકમાં અભિ શાંતિના શ્વાસ સાથે અને ઋત્વી હલકા થયેલા મગજ સાથ પોત પોતાના કામે વળગ્યા.

અનબીટેબલ : –  એક બીજા પર દોષારોપણો હંમેશા સમય અને સંબંધો બગાડે છે.

સ્નેહા પટેલ

પ્રાર્થના

મારી હથેળી
તારો ચહેરો
મારા હોઠ
તારુ લલાટ
બસ…
આ જ મારી પ્રાર્થના.

સ્નેહા પટેલ.

અબોલ લાગણી

તને એમ છે કે
તું આખે આખો અકબંધ
રહસ્યમય
તારી પીડા તારા સુધી જ સીમિત
પણ ખરેખર એવું નથી
શબ્દોના આવરણો
લાગણી ક્યારેય ના ઢાંકી શકે.
તારા બોલાયેલા શબ્દો પાછળના
ગુસ્સા કરતાં
તારી ના બોલી શકાયેલી

લાગણી

મને

વધારે

સ્પર્શે

છે.

-સ્નેહા પટેલ.

અશ્રુ – તર્પણ…

આંખેથી ચશ્માં ઉતાર્યા

પાંપણની કિનારીઓને
અંગૂઠા અને તર્જનીની મદદથી
નાક જોડે દબાવી
નિચોવણી-કર્મ કર્યું.
કાચ પરની ઝાકળ સાફ કરી
આહ..
મનગમતા સંબંધને
મોંઘેરું
અશ્રુ - તર્પણ…

સ્નેહા પટેલ.